કૌન બનેગા રાષ્ટ્રપતિ..!!

- રતન ટાટાથી માંડીને મીરાં કુમાર સુધીના નામો 

- મોદી સરકાર મુખ્ય પ્રવાહ સાથે ચાલે એવો ચહેરો શોધે છે..

મોદીએ ઈજજ ની લોબીનું પણ સાંભળવું પડશે : છેલ્લે યાદીમાં ઊભરતું નામ બાબા રામદેવ છે : દલિત મહિલા તરીકે મીરાં કુમાર પણ ચર્ચામાં..

રાજકીય ક્ષેત્રે અડવાણી અને મુરલી મનોહર છે તો સેલિબ્રીટી ક્ષેત્રે અમિતાભ બચ્ચન અને રજનીકાંત છે, કોર્પોરેટ ક્ષેત્રે રતન ટાટા અને નારાયણમૂર્તિ છે, ઈસરોના વડાનું નામ પણ યાદીમાં..

કોણ જાણે કેમ પણ આજકાલ દરેક રાજકારણમાં રસ લઇ રહ્યા છે. ગત્ ૧૧ માર્ચે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામો આવવાના હતા ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ વન-ડે રમાતી હોય એવો માહોલ ઊભો થયો હતો. હવે આ તખતો રાષ્ટ્રપતિની પસંદગી પર પહોંચ્યો છે. દેશના નાના-મોટા સૌ એક સત્ય જાણે છે કે રાષ્ટ્રપતિ શોભાના ગાંઠીયા સમાન છે; ક્યારેક બંધારણીય વિવાદ ઊભો થાય કે કોઇ વટહુકમ પસાર કરવાનો આવે ત્યારે રાષ્ટ્રપતિનું ચાતુર્ય કામમાં આવે છે.

દેશના સર્વોચ્ચ હોદ્દા પર એવી વ્યક્તિ હોવી જોઇએ કે જેથી હોદ્દો દીપી ઊઠે !! હકીકતે તો આવન પલ્સ વન સ્થિતિ ઊભી કરવાની વાત છે. રાષ્ટ્રપતિનો ફાળો સક્રિય રીતે ભારતના વિકાસમાં હોવો જોઇએ. જોકે આવું ભાગ્યે જ જોવા મળે છે. માત્ર ડૉ. અબ્દુલ કલામ સમાજ સાથે સક્રિય રીતે જોડાયેલા રહેતા હતા. રાષ્ટ્રપતિની પસંદગી વડાપ્રધાન મોદી માટે મહત્વની છે કેમ કે તે દરેક વર્ગને સાચવવા માગે છે. રાષ્ટ્રપતિને પસંદ કરવા બાબતે મોદીનું એકલાનું ચાલવાનું નથી કેમકે રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘની ઓફિસ પણ પસંદગીમાં પોતાનો કક્કો ખરો કરવા પ્રયાસ કરશે.

વડાપ્રધાન મોદી પાસે પસંદગીની મોકળાશ એટલા માટે છે કે તેમની પાસે વિપક્ષ કરતા વધુ વિધાનસભ્યો છે. વડાપ્રધાન કોના પર રાષ્ટ્રપતિ પદનો તાજ પહેરાવશે તે હજુ અનિશ્ચિત છે. પરંતુ સંભવિત ઉમેદવારોની યાદી લાંબી બનતી જાય છે. કમનસીબી તો એ છે કે વડાપ્રધાનના નજીકના લોકો કે કેન્દ્રીય પ્રધાનોને પણ રાષ્ટ્રપતિ પદ માટે કોની પસંદગી થશે તે અંગેની ગંધ પણ નથી આવી. 

બજારમાં એક ડઝન નામો ફરી રહ્યા છે. આ નામોમાં ટૉપમાં કોણ છે કે બૉટમમાં કોણ છે તે વિશે પણ કહી શકાય એમ નથી. એ પણ શક્ય છે કે આ નામો સિવાયનું કોઇ અન્ય પણ રાષ્ટ્રપતિ પદે બેસી શકે !! આ નામોમાં કેટલાક સમય પહેલાં રતન ટાટાનું નામ ચર્ચાતું હતું; હવે એવા જ એક કોર્પોરેટ કિંગ અને ઈન્ફોસીસના ફાઉન્ડર એન.આર. નારાયણમૂર્તિનું નામ ચર્ચામાં છે. લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ મીરાં કુમાર પણ લાઇનમાં છે. મહિલા દલિત રાષ્ટ્રપતિ બનાવીને દલિતોના વૉટ પર મોદી કબજો જમાવી શકે છે.

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ ચર્ચામાં છે એમ ડૉ. મુરલી મનોહર જોષી લાઇનમાં છે. આ બંને સામે અયોધ્યા મુવમેન્ટ વખતના કેસ ચાલે છે માટે તેમના નામો ચર્ચાતા બંધ થયા છે. ઘણાં લોકો માને છે કે ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવાશે ભાજપમાં અટલબિહારી વાજપેઈ અને અડવાણીની જોડીનો એક યુગ હતો. વાજપેઇ વડાપ્રધાન બની ચૂક્યા છે જ્યારે ૨૦૧૪નાં લોકસભા જંગમાં નરેન્દ્ર મોદીને સુકાન સોંપાયું હતું. અડવાણીની કમનસીબી એ છે કે એકવાર તો મોહમ્મદ અલી જિન્હાના વખાણ કરી ચૂક્યા છે. જેમ કોર્પોરેટ ક્ષેત્રમાંથી રતન ટાટા અને નારાયણમૂર્તિ છે એમ રાજકીય ક્ષેત્રમાંથી લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહરનું નામ છે એવી જ રીતે સેલિબ્રીટી વર્લ્ડમાંથી પણ બે ચહેરાની ચર્ચા ચાલે છે. જેમાં એક છે અમિતાભ બચ્ચન અને બીજા છે તમિળ સુપરસ્ટાર રજનીકાંત !!

આ કોઇ મનગઢંત યાદી નથી પણ વડાપ્રધાન મોદીના માણસોએ આ દરેક પાસેથી તેમની ઈચ્છા જાણી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાન હતા ત્યારે છેક છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય એમ ડૉ. અબ્દુલ કલામનું નામ નક્કી કર્યું હતું. ત્યારે ડૉ. કલામ જે ગામમાં રહેતા હતા ત્યાં ફોન નહોતો. એટલે નજીકના જિલ્લાના કલેકટરને સૂચના અપાઇ હતી કે તમે કલામના ગામમાં જાવ અને મેસેજ આપો કે તમને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરાયા છે. વિજ્ઞાાની ડૉ. કલામ તરત દિલ્હી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કિસ્સામાં પણ આવું બની શકે છે.

૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ પ્રણવ મુખરજી નિવૃત્ત થશે. ત્યાં સુધીમાં એટલે કે આજથી બાર દિવસ પછી નવા રાષ્ટ્રપતિને નીમવા પડશે. અમિતાભના નામની પસંદગી થશે એમ રાજકારણમાંથી ફેંકાઇ ગયેલા અમરસિંહે કહ્યું છે. અમરસિંહે ભૂતકાળ યાદ કરતાં કહ્યું હતું કે મેં જ મોદીની ઓળખાણ અમિતાભ સાથે કરાવી હતી. ત્યારે મોદીએ અમિતાભને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા હતા. અમિતાભની પસંદગી પર છેકો એટલા માટે વાગી શકે છે કે તે મોદી કરતાં વધુ પ્રભાવશાળી ચહેરો છે અને ભવિષ્યમાં પર્સનાલીટી ક્લેશ થઇ શકે છે. રજનીકાંતની પસંદગી પર ઢીલું વલણ છે કેમ કે તમિળનાડુના રાજકારણમાં તે ભાજપને લાભ અપાવી શકે એમ નથી. રતન ટાટા અને નારાયણમૂર્તિના નામ પર નજર ઠરે એમ છે.

વડાપ્રધાન મોદીએ રતન ટાટા સાથે ચર્ચા કરી છે પરંતુ રતન ટાટાની ઉંમર તેમને સાથ નથી આપતી એમ કહી શકાય. એવી જ રીતે નારાયણમૂર્તિની વાત કરીએ તો તેમને એક પત્રકારે રાષ્ટ્રપતિ પદ માટે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મને આવી કોઇ ઓફર થઇ નથી પરંતુ જો થશે તો હું વિચારીશ !! ભૂતકાળમાં નારાયણમૂર્તિના નામ પર વિચાર શરૃ થયો ત્યારે લાલુ પ્રસાદ યાદવ તેમનું નામ જોઇને જોઇને તાડૂક્યા હતા કે કોર્પોરેટ સર્કલ રાષ્ટ્રપતિ પદ માટે ના શોભે !! આમ નારાયણમૂર્તિનું નામ ઊછળતાં સાથે જ ફેંકાઇ ગયું હતું !!

ફરી મોદી સરકારમાં તેમનું નામ ઊછળ્યું છે પરંતુ હજુ ફેંકાયું નથી. બૉલીવુડ સેલિબ્રિટી સિવાય નૉબેલ પુરસ્કાર વિજેતા મધ્ય પ્રદેશના કૈલાશ સત્યાર્થીનું નામ વિચારી શકાય છે.

વિજ્ઞાાન ક્ષેત્રની ચર્ચા કરીએતો એક સાથે ૧૦૦ સેટેલાઇટ છોડવાનો વિક્રમ નોંધાવનાર ઈસરોના વડાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. રાષ્ટ્રપતિની પસંદગી મહત્વની છે. પાછળ નજર કરો તો શંકરદયાળ શર્મા, પ્રતિભા પાટીલ, જ્ઞાની ઝૈલસિંહ જેવા અનેક રાષ્ટ્રપતિઓ હતા કે જે માત્ર રાષ્ટ્રપતિના કિલ્લામાં બેસી રહેતા હતા અને તેમના ગૉડફાધરને વફાદાર રહેતા હતા. શંકરદયાળ શર્મા એમ માનતા હતા કે રાષ્ટ્રપતિ ભવનમાં ભૂત છે એટલે વિવિધ  તાંત્રિકોને બોલાવીને હવન કરતા હતા. જ્યારે તેનાથી વિપરીત પ્રણવ મુખરજીએ તો ભવન લોકો માટે વધુ સમય માટે ખુલ્લું મૂક્યું હતું અને ભવનની લાયબ્રેરી દરેક માટે ઉપયોગી બનાવી હતી.

જોકે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તરીકે ફડણવીસની પસંદગી અને ગુજરાતમાં વિજય રૃપાણીની પસંદગી જોતા લાગે છે કે મોદી આર.એસ.એસ.ના કોઇ પીઢ નેતાને પસંદ કરી શકે છે. નવી પેઢી કોઇ યુવાન રાષ્ટ્રપતિ ઝંખે છે. અન્ય દેશોના રાષ્ટ્રપતિ ટટ્ટાર અને ફટાફટ ચાલે છે એવા ભારતમાં હોવા જોઇએ એમ માને છે. વિશ્વમાં યોગ-ડે ભારતે તરતો મૂક્યો છે એટલે ભારતની પ્રાચિન યોગવિદ્યાને વિશ્વ સમક્ષ મૂકવા બાબા રામદેવને પણ પસંદ કરી શકાય.
ખરેખર ત એવા રાષ્ટ્રપતિ પસંદ કરવા જોઇએ કે તે ભારતની ઘટનાઓ સાથે ચાલે અને મુખ્ય પ્રવાહમાં પોતાનું યોગદાન આપે !!

એક ગણિત એવું પણ છે કે ગુજરાતી વડાપ્રધાન, ભાજપના પ્રમુખ ગુજરાતી તો પછી રાષ્ટ્રપતિ ગુજરાતી કેમ નહીં ? ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ પદ માટેના ઘમાં ચહેરા છે. જો આમ થાય તો એમ કહી શકાય કે ગુજરાત 'ઈન્ડિયા'ને ચલાવે છે...

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments