- 96,000 કરોડ પાછા ખેંચાયા
- સરકારના આર્થિક સલાહકારો ચેત્યા નહિ પણ વિદેશી રોકાણકારો ચેતી ગયા
ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં આખો દેશ જોડાયો હતો પરંતુ શેરબજારમાં વિદેશી રોકાણકારોએ શરૂ કરેલી ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ શેરબજારની કરોડરજ્જુ તોડી નાખશે. આ મહિનામાં ૨૫ ઓક્ટોબર સુધીના આંકડા જોઈએ તો ૩૫,૪૬૦ કરોડનું વિદેશી રોકાણ પાછું ખેંચાયું છે.
આ વર્ષમાં અત્યાર સુધીમાં વિદેશના રોકાણકારોએ ૯૬,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હોઈ બજારમાં સન્નાટો મચી ગયો હતો. વિદેશી રોકાણકારોના જોરે શેરબજારમાં તાગડધિન્ના ચાલતા હતા. વિદેશી રોકાણકારોને મંદીને સૂંઘી લેવાની વિશેષ સેન્સ હોય છે.
વિદેશી રોકાણકારોએ શેરબજાર તૂટતાં પહેલા રોકાણો પાછા ખેંચવાની શરૂઆત કરી છે. શેરબજાર તૂટયું પછી રોકાણો પાછા ખેંચ્યા તે કહેવું મુશ્કેલ છે પરંતુ વિદેશી રોકાણકારોની હાજરી તેજી લાવે છે અને તેમની ગેરહાજરી મંદી ખેંચી લાવે છે તે લોકો જાણતા ય થઈ ગયા છે.
જે બજાર દિવાળીના દિવસોમાં ૪૦,૦૦૦ના સેન્સેક્સની નજીક પહોંચશે એ બજારો દિવાળીમાં રિવર્સ ગિયરમાં પાછળ ગતિ કરી ૩૦,૦૦૦ની નજીક પહોંચે એવી સંભાવના છે.ભારતનું અર્થતંત્ર સતત તૂટતું ગયું અને રિઝર્વ બેંક તેમજ નાણાં મંત્રાલયે વાતોના વડા કર્યા હતા. સબ સલામતની વાતો પોકળ ત્યારે સાબિત થઈ કે જ્યારે વિદેશી રોકાણ પાછુ ખેંચાવા લાગ્યું. આઇ.એમ.એફ. પાસે રહેલી અનામતની સ્થિતિમાં પણ ફટકો પડયો છે.
વિદેશી હુંડિયામણની વાત કરીએ તો ગઈ ૧૯ ઓક્ટોબર સુધીમાં તે ૯૪૨ મિલિયન ડોલર ઘટીને ૩૯૩ અબજ ડોલર પર આવી ગયું છે. અહીં એ પણ મહત્ત્વનું છે કે, ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ ફોરેક્સ રિઝર્વ ૪૨૬.૨૮ અબજ ડોલર નોંધાયું હતું જેમાં હવે ૧૩ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
જો બહારના પરિબળો ભારતની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી શકે છે તેમાં વિદેશી રોકાણકારો અને આયાતનો સમાવેશ થાય છે.
કહે છે કે, સરકાર પાસે આર્થિક સલાહકારોની અછત છે સરકારે તૂટતા રૂપિયાને સુધારવા લીધેલા પગલાની કોઈ અસર થઈ નહીં. સરકારે આયાત વધારવા કોઈ પ્રોત્સાહક પગલા લીધા નથી. આર્થિક તંત્ર પર સરકારી બેંકોની નોન પરફોર્મિંગ એસેટના કારણે ભારણ વધ્યું છે.સરકારે બજેટમાં આવકના માર્ગો અંગે જે સંભવિત સ્થિતિ બતાવી હતી તેને સિદ્ધ કરવાની દિશામાં કોઈ પગલા લેવાયા નહોતા.
વિદેશી રોકાણકારોએ ભારતમાં પ્રવર્તમાન મંદીના સંકેતો મેળવ્યા હતા. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનો અમલ અને તેમાં રહેલા ગુંચવાડાના કારણે લોકો બીલીંગ છુપાવતા થયા હતા. નવી સિસ્ટમ ઉભી કરવી આવકાર્ય છે પણ તેના અમલ માટે કરાયેલી ઉતાવળ સરકારને ભારે પડી ગઈ છે.
નોટબંધી અને જીએસટી બંનેના અમલીકરણ બાદ વેપારીઓ અટવાયા હતા. જીએસટીના પગલે બોગસ બિલિંગની સંખ્યા વધી હતી. અનેક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે લોકોને ગ્રાહકો સાથે સીધો સંબંધ હતો તેવા વેપારીઓ વધુ છેતરપિંડી કરતા હતા.
જ્યારે મંદીના પગરવ શરૂ થયા અને બિલ્લીપગે શેરબજારમાં મંદી આવી તેના સંકેતો ભારતના રોકાણકારો કરતા વિદેશના રોકાણકારોને વહેલા મળી ગયા હતા. જે રીતે વિદેશી રોકાણકારોએ મૂડી પાછી ખેંચવા લાગી તે જોઈને શેરબજાર સ્તબ્ધ થઈ ગયું હતું.
શેરબજારમાં વધારાની આવક માટે લોંગ ટર્મ રોકાણ કરતા મધ્યમવર્ગને મોટો ફટકો પડયો છે. તેમની મૂડીનો સફાયો થયો છે શેરબજાર સાથે સંકળાયેલા ઘણાં મૂડી બચાવી શક્યા નથી. શેરબજારમાં ભાવોની આગાહી કરનારાઓ છૂમંતર થઈ ગયા છે.
વિદેશી રોકાણકારોની ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ અર્થાત્ ભારત છોડો મુવમેન્ટ ભારતના રોકાણકારો તેમજ શેરબજારને ધોળા દિવસે તારા બતાવી રહ્યા છે. સોમવારે બજાર ખુલશે ત્યારે શેરબજારમાં ઉછાળો જોવા મળશે એવી વાર્તાઓ કરનારાથી ચેતવું જોઈએ.
- પ્રસંગપટ

Comments
Post a Comment