ભારતમાં ભજવાતું 'પ્રતિબંધ' નામનું નાટક, નેતાઓની વાણી પર 'પ્રતિબંધ' કેમ નહીં?

- ગૌ હત્યા પર પ્રતિબંધ, પરીક્ષામાં ચોરી પર પ્રતિબંધ, ફિલ્મોના શબ્દો પર પ્રતિબંધ, ઈન્ડિયાઝ ડૉટર પર 'બાન'

- ગુજરાતમાં દારૃબંધીનો કેવો અમલ થાય છે તે સૌ જાણે છે : વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતા બાબુભાઇએ વિધાનસભામાં કોથળી ફેંકી હતી: આ કોથળીમાં દારૃ-પાણી નહીં પણ તેમની વ્યથા ભરી હતી..

- ચીને ગુગલ અને બીબીસી પર પ્રતિબંધ મૂક્યો હતો; ભારત આવી તાકાત બતાવી શકે ખરું: પ્રતિબંધ એ ભ્રષ્ટાચાર માટેનું નવું દ્વાર ખોલી આપે છે : લોકો પરેશાન થાય છે..

સરકાર કામ કરી રહી છે તેમ દર્શાવવા એક આસાન શસ્ત્રનો ઉપયોગ કરે છે અને તે છે પ્રતિબંધ - BAN. જે જે વસ્તુઓ કે મુદ્દા પ્રતિબંધિત છે તે વધુ વેચાય છે અને કાયદાનું અમલીકરણ કરતા પોલીસતંત્ર પાસે ભ્રષ્ટાચાર કરવાનું વધુ એક દ્વાર ખુલી જાય છે. ભારતની પ્રજા એટલી બોલ્ડ બની ગઇ છે કે આ પ્રતિબંધિત ચીજો આસાનીથી મેળવે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. પ્રતિબંધિત ચીજોનું ઉત્પાદન કરવું અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો તેને લોકો ગૌરવ સમજવા લાગ્યા છે.

રાજકારણીઓની દાનત ખોટી હોય છે. પ્રતિબંધ નામના શસ્ત્ર દ્વારા લોકોની આંખોમાં તે ધૂળ નાખે છે. અને પ્રતિબંધિત ચીજો સાથે સંકળાયેલા લોકોની આવક બમણી કરી આપે છે. આવો પ્રતિબંધનો વાયરસ દરેક સરકાર ફેલાવે છે. પરંતુ તેનો અમલ કેટલો થાય છે. તેની સમિક્ષા કરવાની કોઇનેય પડી નથી.

આજ કાલ તો પ્રતિબંધની મોસમ ખીલી હોય એમ લાગે છે. અહીં કેટલાક બહુ ચર્ચાસ્પદ પ્રતિબંધ આપ્યા છે.
 મહારાષ્ટ્રમાં ગૌ-માંસ પર પ્રતિબંધ મૂકાયો છે. ગૌ-માંસ વેચતા જે પકડાય છે તેમને પાંચ વર્ષની જેલ અને દશ હજાર રૃપિયા દંડ છે. મહારાષ્ટ્રનું જોઇને હરિયાણા સરકાર પણ ગૌ-માંસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.

 સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશને ૧૦૦ એવા શબ્દોનું લીસ્ટ જાહેર કર્યું છે કે તેનો ઉપયોગ ફિલ્મમાં નહીં કરવો. બોલીવુડવાળા સૌથી વધુ ચાલાક છે. આ સેન્ટ્રલ બોર્ડને તો તે ખિસ્સામાં લઇને ફરે છે. સૌથી વધુ છૂટછાટો ફિલ્મો લે છે તેમજ હિંસાચાર અને બળાત્કારની માનસિકતા ઊભી કરવામાં તેનો હાથ છે. એવા આક્ષેપો થઇ રહ્યા છે.

 ફીફટી રૉડ્સ ઑફ ગ્રે ફિલ્મને એટલા માટે બાન કરાઇ કે તે સેક્સની ઉત્તેજક સ્થિતિ દર્શાવતી હતી. આવી તો ઘણી ફિલ્મો આવી અને ગઇ. બોલીવુડવાળા કંઇ જેન્ટલમેન નથી. પોતાની ફિલ્મો વેચાય તે માટે આઇટમ સોંગ, રેપ કે હોરર સીનમાં પણ સેક્સ ઘૂસાડે છે.

 છેલ્લે ઈન્ડિયાઝ ડૉટર પર પ્રતિબંધ મૂકીને ભારતે વિશ્વભરમાં સળવળાટ ઊભો કર્યો હતો. બીબીસી પણ વિવાદમાં ઘસડાયું હતું.

હવે પ્રતિબંધની વાતો એટલી લૂલી થઇ ગઇ છે કે લોકો તેને ગણકારતા પણ નથી. વન-વે પર ગેરકાયદેસર ફોર-વ્હીલર કે ટુ વ્હીલર ચલાવવાનો આ આનંદ સૌ લૂંટવા માગે છે. પ્રતિબંધ એ નાટક સમાન હોય છે. હાલમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે પરંતુ સાંસદોના બંગલાની સામે જ જાહેરમાં યુરીન કરતા લોકો નજરે પડે છે.

ઘણીવાર એમ થાય છે કે સરકારે બહુ બક બક કરતાં રાજકારણીઓ પર પણ પ્રતિબંધ હોવો જોઇએ અને બહુ ફેંકાફેંક કરતા એનજીઓના ઓપીનીયન પર પણ પ્રતિબંધ હોવો જોઇએ. કોઇપણ મુદ્દે આવા લોકો મીડીયા ટ્રાયલ ચલાવતા હોય છે.

એટલું તો થઇ શકે કે રેપ - બળાત્કારની ઘટનાઓ સામેની કોમેન્ટ પર તો પ્રતિબંધ મૂકાવવો જોઇએ. પશ્ચિમ બંગાળમાં ૭૩ વર્ષના નન પર બળાત્કાર થાય તે ઘટનાને ચ્યુઈંગમની જેમ લોકસભામાં ચગળાયા કરાય એ આઘાતજનક છે. અધ્યક્ષે પણ કહેવું પડયું કે પ્લીઝ તમારું રાજકારણ આમાં ના ઉછાળો. ૭૩ વર્ષના નનનું સન્માન કરો. પરંતુ કોઇ માનવા તૈયાર નથી. આવી ચર્ચા વખતે સંસદનું લાઇવ ટેલિકાસ્ટ અટકાવી દેવું જોઇએ.

જેટલા સત્તાવાર કતલખાના છે એટલા બીન સત્તાવાર કતલખાના છે. સરકાર પાસે આ કતલખાના પર પ્રતિબંધ મૂકવાની તાકાત નથી. ગાયોના ચામડાની નિકાસ મોદી સરકારમાં વધી છે. બીફ (મોટા કદના પ્રાણીઓનું માંસ) પીરસનાર હોટલો ગમે ત્યાંથી તે મેળવે છે. આ હોટલોવાળાને ખબર છે કે બીફ ક્યાંથી મળશે પણ પોલીસ તંત્રને તે ખબર નથી હોતી.

ગૌહત્યા પરનો પ્રતિબંધ આવકાર્ય છે પણ તે મત મેળવવાના કે હિન્દુઓની સહાનુભૂતિ મેળવવા સિવાય બીજું કશું જ નથી. આ તો નરી નાટકબાજી છે.

ગુજરાતમાં દારૃબંધી એક યશકલગી સમાન છે પરંતુ નાનામાં નાનું છોકરું પણ જાણે છે કે અમદાવાદમાં દારૃ ક્યાં મળે છે. આવી બંધી હાસ્યાસ્પદ બની જાય છે. લોકો રમૂજમાં કહે છે કે ગુજરાતમાં વિદેશી દારૃ માટે બંધી છે, 'દેશી' માટે કોઇ બંધી નથી. એટલે તો સરકારની આંખો ખોલવા ગયા અઠવાડીયે ગુજરાતની વિધાનસભામાં એક વૃધ્ધે 'પોટલી' ફેંકી હતી તેમનું નામ બાબુભાઇ હતું. તે વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા હતા. તેમણે ફેંકેલી 'કોથળી' દારૃની હતી કે પાણીની તે વિવાદ નથી પરંતુ તેમાં તેમની વ્યથા ભરી હતી. આવું પ્રતિબંધ મૂકનારાઓને કોણ સમજાવશે?

હકીકતે પ્રતિબંધો નાટક સમાન હોય છે. મહારાષ્ટ્રમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂક્યા પછી ઘણો મોટો વર્ગ બેકાર બની ગયો હતો. હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવાની પેરવી ચાલે છે. પ્રતિબંધ સાથે રાજકારણ જોડાયેલું હોય છે. ડાન્સબાર પર પ્રતિબંધ મૂકાયો પછી ડાન્સરો પ્રાઇવેટ શોમાં લગ્ન સમારંભોમાં બોલાવાતી હતી. ડાન્સરો ડાન્સબારનું ન્યુસંસ છે એમ માનનાર હવે ડાન્સરો સાથે મંત્રણા કરે છે. સરકારને ખુશ કરવા પૈસો રણકાવવો પડે છે એ ડાન્સબારના માલિકો ના જાણતા હોય એટલા બુધ્ધુ નથી.

પરીક્ષામાં ચોરી પર પ્રતિબંધ છે. બિહારમાં પરીક્ષા દરમ્યાન સ્કુલની દિવાલો ચઢીને કાપલી આપનારાઓના ફોટા દેશભરમાં વાયરલ થયા હતા. લાલુપ્રસાદ જેવા રાજકીય નેતાઓ કહે છે કે 'પરીક્ષામાં ચોરી' સ્વાભાવિક છે. હવે ખબર પડે છે કે આઇએએસ અને આઇપીએસ કેડરમાં બિહારીઓ વધુ આગળ શા માટે છે? પરીક્ષા ચોરીમાં બિહાર ખોટું બદનામ થાય છે. ઘણાં રાજ્યોમાં આવી ચોરીઓ પ્રતિબંધની ઠેકડી સમાન હોય છે.

સરકારે પ્રતિબંધનું આ શસ્ત્ર ઊઠાવતાં પહેલાં પોતાના સાંસદોએ શું બોલવું અને ના બોલવું તેની પાઠશાળા ચલાવવા જેવી છે. આ સાંસદો બેજવાબદાર છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વધતા રેપ અંગે જણાવ્યું હતું કે છોકરા - છોકરીઓ એકબીજા સાથે મુક્ત મને વાત કરતા થયા છે તેનું કારણ છે. હરિયાણાના મુખ્યપ્રધાને તો ટાઇટ જીન્સના બદલે સાદા કપડાં પહેરવા યુવતીઓને સલાહ આપી હતી.

મુલાયમસિંહ યાદવે એક તબક્કે રેપ અંગેના ઓપીનીયનમાં કહ્યું હતું કે 'છોકરાંઓ કોઇવાર ભૂલ કરે પણ ખરા!!' આમ જનતાના પ્રતિનિધિઓના ઓપીનીયન પર પ્રતિબંધ મૂકાવવો જોઇએ.

પ્રજા ઈચ્છે છે કે એવા ભગવાધારીઓ પર પ્રતિબંધ મૂકો કે જે ચાર-પાંચ બાળકો પેદા કરવા જોઇએ કે બદ્રિકાઆશ્રમના શંકરાચાર્ય ૧૦ બાળકોની લીમીટની વાતો કરે તેવી બાબતો પર પ્રતિબંધ હોય તે જરૃરી છે.
ભગવા કપડાં પહેરેલા સંતો એમ માની બેઠા છે કે બેફામ બોલવાનું તેમની પાસે લાયસન્સ છે. 

કોઇ ૧૦ છોકરાં પેદા કરવાની વાત કરે છે તો દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૃપાનંદ સાંઈબાબા અંગે બેફામ નિવેદન કરે છે કે તે મુસ્લિમ હતા અને ગૌમાંસ ખાતા હતા. આવી વાતો કરનારા પર સરકાર પ્રતિબંધ મૂકે તે જરૃરી છે નહીં કે ઈન્ડીયાઝ ડૉટર પર પ્રતિબંધ મૂકીને પોતાની પીઠ થાબડી છે પરંતુ બીબીસી પર કે ગુગલ પર પ્રતિબંધ મુકવાની ચીન જેવી તાકાત ભારત બતાવી શકતું નથી.

Comments