Razia Sultana To Sushma Swaraj

રઝિયા સુલતાન To સુષ્મા સ્વરાજ...ભારતમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓ

ભારતના રાજકારણમાં મહિલાઓનું પ્રદાન ખૂબ મોટું તેમજ મહત્વનું છે. ભારતના રાજકારણમાં મજબૂત મહિલા રાજકારણીની વાત આવે એટલે દિવંગત ઈન્દિરા ગાંધીનું નામ આગળ આવે છે પરંતુ ભૂતકાળ પર નજર કરશો તો ઈન્દિરા ગાંધી પહેલાં પણ અનેક મહિલા રાજકારણીઓ રાજકારણમાં ડંકો વગાડી ચૂકી છે. આમ તો ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાથી ભારતમાં મહિલા રાજકારણીઓનું વર્ચસ્વ રહેલું છે.

ભારતની સૌથી પહેલી મહિલા રાજકારણી તરીકે જો કોઇનું નામ આવે તો તે રઝીયા સુલતાન હતી. તેણે દિલ્હી પર રાજ કર્યું હતું. ત્યારબાદ મોગલ શાસનમાં રાજા જહાંગીરની પત્ની નૂરજહાંનું નામ મૂકી શકાય. અંગ્રેજોના શાસનમાં સૌ પ્રથમ ભારતીય મહિલા રાજકારણી તરીકે એની બેસન્ટનું નામ મૂકી શકાય. તે ભારતીય નહોતા પણ ૧૯૧૫માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતા.

૧૯૧૬માં તેમણે હોમલેન્ડ મુવમેન્ટ શરૃ કરી હતી. ભારતીયોની તરફેણ કરીને તેમણે આઝાદીની લડતમાં મદદ કરી હતી. ત્યારબાદ ૧૯૨૫માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે પ્રથમ ભારતીય મહિલા સરોજીની નાયડુ બન્યા હતા. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં તે ઉત્તર પ્રદેશ (ત્યારના યુનાઇટેડ પ્રોવિન્સ)ના ગવર્નર બન્યા હતા.

આઝાદી પછી મહિલાઓનું વર્ચસ્વ ઠંડુ પડયું હતું પરંતુ વિજયાલક્ષ્મી પંડિતના નામ સાથે મહિલાઓ ફરી રાજકારણમાં સક્રિય બની હતી. વિજયાલક્ષ્મી પંડિત ૧૯૫૩માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૬૩માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સુચેતા ક્રિપલાની ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીની એન્ટ્રી થઇ હતી. તે ૧૯૬૬માં ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. તેમણે દુનિયાને બતાવી આપ્યું હતું કે મહિલા એ 'દુર્ગા માતા' છે.

આજે સ્થિતિ એ છે કે તમામ સ્થાનિક ચૂંટણીઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલા માટે ૭૩મા અને ૭૪મા એમેન્ડમેન્ટ પ્રમાણે અનામત રખાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલની વરણી થઇ હતી. સોનિયા ગાંધી પણ તેમની સાસુના પગલે રાજકારણમાં આવ્યા હતા. આજે ભલે પુરૃષો કરતાં મહિલાઓની રાજકારણમાં સંખ્યા ઓછી હોય પરંતુ મમતા બેનરજી, માયાવતી, જયલલિથા, ઉમા ભારતી, વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ, અગાથા સંગમા અને સુપ્રિયા સૂલે જેવાઓ પોતાની આગવી પ્રતિભા બતાવી ચૂક્યા છે. શીલા દિક્ષીત તો દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ત્રણ-ત્રણ વાર ચૂંટાઇ આવ્યા હતા.

ભારત એક માત્ર એવો દેશ છે કે જે મહિલાઓને મતના હક માટે લડયો હતો. ભારત આઝાદ થયો તે દિવસથી જ તેમને મત માટેનો હક મળી ગયો હતો. ભારતના રાજકારણમાં મહિલાઓની તાકાત અને કાર્યક્ષમતાનો પરચો તો પ્રજાએ ઈન્દિરા ગાંધીની મર્દાઇના કાળમાં જોઇ લીધો હતો.

જોકે એક વાત નિશ્ચિત છે કે ભારતના રાજકારણમાં આગળ આવેલી મહિલાઓ પૈકીની ૮૦ ટકાનું ફેમીલી રાજકીય પીઠબળવાળું અને પૈસાદાર વર્ગવાળું હોય છે. ભારતનાં કેટલાક મહિલા રાજકારણી તો પુરૃષ સમોવડી છે અને તેની કાર્યક્ષમતા અને તાકાત ભારતના લોકોએ જોઇ છે. આપણે જેને ભારતની મોસ્ટ પાવરફૂલ મહિલા રાજકારણી કહીએ તેમાં સોનિયા ગાંધી, સુષ્મા સ્વરાજ, મમતા બેનરજી, જયલલિથા, મહેબુબા મુફતી મહંમદ, પ્રિયંકા ગાંધી, માયાવતી, વસુંધરા રાજે સિંધીયા વગેરેને મૂકી શકાય.

સામાન્ય રીતે મહિલાઓ રાજકારણથી દૂર રહે છે. ૧૯૯૦ના દાયકામાં મહિલા રાજકારણીઓની સંખ્યા માંડ ૧૦થી ૧૨ ટકા હતી. ભારતમાં મહિલા મતદારોને આકર્ષવા પણ મહિલા ઉમેદવારોને ઊભા રાખવામાં આવતા હતા. 

1900ના દાયકામાં ભારતમાં પ્રથમવાર મહિલા સંગઠનો બનવા લાગ્યા હતા. ૧૯૧૦માં તો ભારત સ્ત્રી મહામંડળ સ્થાપવામાં આવ્યું હતું. હવે તો લગભગ તમામ મુખ્ય પક્ષોની મહિલા પાંખ છે. જેમ કે ભારતનો મહિલા મોરચો છે, કોંગ્રેસની ઈન્ડિયા મહિલા કોંગ્રેસ છે તો ભારતીય સામ્યવાદી પક્ષની નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન છે.

ભારતના રાજકારણમાં મહિલાઓ આગળ આવી તેની પાછળનું એક કારણ એ પણ છે કે જો રાજાને પુત્ર ના હોય તો તેની પત્ની કે પુત્રી પણ વારસદાર બની શકે છે. આ યાદીમાં પ્રતિભા પાટીલ, સોનિયા ગાંધી, મીરા કુમાર, શીલા દિક્ષીત, રાબડી દેવીને મૂકી શકાય. તેમજ નવોદિતો જેવા કે ડી. પુરંદેશ્વરી, કનીમોઝી, સુપ્રિયા સૂલે, મહેબુબા મુફતી, અગાથા સંગમાને આ યાદીમાં મૂકી શકાય.

ભારતના રાજકારણમાં મહિલાઓની વાત છે ત્યારે છાવી રાજાવતને પણ ભૂલવી ના જોઇએ. આ ૩૬ વર્ષની એમબીએ થયેલી યુવતી શહેરની હાઇ-ફાઇ લાઇફ છોડીને પોતાના ગામની સરપંચ બનવા આવી હતી. તેના દાદા ૨૦ વર્ષથી સરપંચ હતા. રાજસ્થાનના સોઢા ગામની તે સરપંચ છે. તેણે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઈન્ફો પોવર્ટી વર્લ્ડ કોન્ફરન્સને સંબોધી હતી. સોઢા ગામને તેણે સાફ સૂથરું બનાવી દીધું છે. દરેક ઘેર શૌચાલય ઊભા કરી આપ્યા હતા. જોકે તાજેતરમાં તેના પર કેટલાક લોકોએ લાકડીઓથી હુમલો પણ કર્યો હતો. છાવી રાજાવત સરપંચ હોવાની સાથે સાથે તેના હીરોઇન લુક માટે પણ જાણીતી છે.

હિરોઇન લુકની વાત આવી છે ત્યારે રાજકારણમાં પ્રવેશેલા અન્ય બોલીવુડી ચહેરાને ભૂલવા ના જોઇએ. જેમાં જયલલિથા, હેમા માલીની, જયા બચ્ચન, જયાપ્રદા, સ્મૃતિ ઈરાનીને ભૂલવા ના જોઇએ.

રાજકારણ એ બાહુબલીઓનું ક્ષેત્ર છે. બિહાર અને ઉત્તર પ્રદેશના ગુંડારાજમાં પણ જો માયાવતી અને રાબડી દેવી રાજ કરી શકે તો પ્રશંસાને પાત્ર છે. બાહુબલીઓના ક્ષેત્રને પડકારવું એ નાની સૂની વાત નથી. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનને એકલા હાથે ઉથલાવનાર મમતા બેનરજીની પ્રશંસા કરીએ એટલી ઓછી છે.

એ પણ હકીકત છે કે મહિલા રાજકારણીઓ બોલે છે ઓછું અને કામ વધારે કરે છે. સુષ્મા સ્વરાજ ૨૫ વર્ષે કેબીનેટ મંત્રી બન્યા ત્યારે તેમને હરિયાણા વિધાનસભ્યનો એવોર્ડ પણ આપ્યો હતો. ભારતમાં મહિલા રાજકારણીઓની વાત આવે તો જયલલિથાને કદાપી ભૂલી ના શકાય. તેમની સામેના કેસના કારણે તે સત્તા પર નથી પણ તેમની પક્કડમાં અન્ના ડીએમકે પક્ષ છે. 

તેમની ગેરહાજરીમાં તેમની મુખ્ય પ્રધાન પદની ખુરશી પર કોઇ બેસતું નથી. આ તેમની લોકપ્રિયતા છે. જયલલિથાની લોકપ્રિયતા જોઇને પુરુષ રાજકારણીઓ ઈર્ષા કરે છે. જેને જેલની સજા થઇ છે; છતાં તેની ખુરશી ખાલી પડી છે. તેમને દક્ષિણના ઈન્દિરા ગાંધી પણ કહે છે.

વડાપ્રધાન મોદીની સરકારમાં સાત મહિલા પ્રધાનો છે તે પૈકીની છ મહિલાઓ તો કેબીનેટ રેન્ક ધરાવે છે. એક તરફ નઝમા હેપતુલ્લા અને સુષ્મા સ્વરાજ જેવા સીનિયરો છે તો બીજી તરફ સ્મૃતિ ઈરાની અને હરસીમ્રત કૌર બાદલ જેવા જુનિયરો પણ છે. 

સુષ્મા સ્વરાજની ઘણી સિધ્ધીઓ ભારતના રાજકારણમાં છે. તે માત્ર ૨૫ વર્ષની ઉંમરે કેબીનેટ પ્રધાન બન્યા હતા. તે હરિયાણામાં જનતા પાર્ટીના પ્રમુખ પણ હતા. તે પ્રથમ મહિલા પ્રવકતા બનવાનું ગૌરવ ધરાવે છે. ભારતના રાજકારણમાં તે બટકબોલાં છે. એવું સ્મૃતિ ઈરાનીનું છે. સ્મૃતિએ રાહુલ ગાંધી સામે ચૂંટણી જંગમાં ઊભા રહીને જોરદાર લડત આપી હતી.

ઉત્તર પ્રદેશમાં આજે પણ ગુંડાઓનું વર્ચસ્વ છે. ત્યાં ૧૯૬૩માં એટલે કે આજથી ૫૩ વર્ષ પહેલાંની સ્થિતિ કેવી હશે? તે સમયે સુચેતા ક્રિપલાનીએ મુખ્ય પ્રધાન પદું સ્વીકાર્યું હતું. તે સમયે આજના જેવી ઝેડ-પ્લસ સુરક્ષા પણ નહોતી.

ભારતમાં મહિલા રાજકારણીમાં સૌથી મજબુત અને સૌથી લોકપ્રિય ઈન્દિરા ગાંધી હતા. તેમણે ઈમર્જન્સી લાદીને બદનામી પણ મેળવી હતી તો પાકિસ્તાનના ટુકડા કરીને બાંગ્લાદેશ રચીને વિશ્વમાં વાહ-વાહ મેળવી હતી. પાકિસ્તાનનું સૈન્ય ઘૂંટણીએ પડવાનો લહાવો ઈન્દિરા ગાંધીએ ભારતના લોકોને કરાવ્યો હતો. એટલે જ અટલ બિહારી વાજપેઇએ તેમને 'દુર્ગા' કહ્યા હતા તો તેમના વફાદારોએ તેમને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા કહ્યું હતું.

રાજકીય સત્તા પરથી ફેંકાઇ ગયા પછી પણ ફરી સત્તા હાંસલ કરવાનું કૌવત ઈન્દિરા ગાંધીએ બતાવ્યું હતું. આજે ભારત વિરૃધ્ધ બહુ બક બક કરતાં પાકિસ્તાનના દાંત ખાટા કરવાની ક્ષમતા કોઇ પુરૃષ રાજકારણી પણ બતાવી શકતા નથી એટલે લોકોના મનમાં એ પ્રશ્ન ઉઠે છે કે આજે ઈન્દિરા ગાંધી હોત તો પાકિસ્તાનનો વધુ એક ટુકડો થઇ ગયો હોત!! કોઇ મહિલા રાજકારણીને ઈન્દિરા ગાંધી જેટલું સન્માન દેશમાં અને વિશ્વમાં મળ્યું નથી.

ટૂંકમાં ભારતના રાજકારણમાં મહિલાઓ હંમેશા તેજસ્વી બનીને ઝળકી છે. અંગ્રેજોના શાસન પહેલાં અને વર્તમાન સુધીની વાત કરીએ તો તેમાં રઝીયા સુલતાનથી સ્મૃતિ ઈરાની સુધીની સફળ મહિલા રાજકારણીઓને સમાવી શકાય.

રાજકારણમાં એમ કહેવાય છે કે તમારે કોઇ વસ્તુ કહેવી હોય તો પુરૃષ રાજકારણીને કહો!! કેમકે તેનામાં કામ કરવાની ગટ્સ હોય છે.

Comments