Gujarati People Targeted in USA

આજકાલ અમેરિકામાં ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતીઓની હત્યા; તેમને કાયદાની જાળમાં ફસાવવા; તેમજ મંદિરો પરના હુમલાની ઘટના પાછળ ગુજરાતીઓ વિરોધી તત્વોનો હાથ છે. ગુજરાતીઓની સતત વધતી સંખ્યા અને અમેરિકી તંત્ર પર તેમના સતત વધતા પ્રભાવથી આ વિરોધીઓ ડરેલા છે.

શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ સિએટલમાં આવેલા મંદિરમાં તોડફોડ કરીને દિવાલ પર 'ગેટ આઉટ' લખવું એ ગુજરાતીઓ માટેનો વિરોધ દર્શાવે છે.

પોલીસ દમનથી સુરેશભાઇ પટેલ લકવાગ્રસ્ત બની ગયા હતા. નડિયાદ-પીજના વતની સુરેશભાઇનો પુત્ર ત્યાં ૨૦૦૬થી વસ્યા છે. પોલીસે તેમને શંકાસ્પદ સમજીને પૂછપરછ કરી હતી. વ્યવસાયે કિસાન સુરેશભાઇ અંગ્રેજી સમજી શક્યા નહોતા અને પોલીસ કડક બની હતી. સુરેશભાઇને ધક્કો મારનાર પોલીસનું નામ હતું એરિક ..... જેવી આ ઘટનાની ખબર પડી કે અમેરિકાના સ્થાનિક તંત્રે એરિકને રજા પર ઉતરી દીધા હતા.

આ ઘટનાએ એવો વેગ પકડયો હતો કે સુરેશભાઇની પડખે તમામ ગુજરાતી સમાજો આવી ગયા હતા. જોત-જોતામાં સવા લાખ ડૉલર તેમની સારવાર માટે ઊભા થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસ એરિકને કાનૂની જંગ લડવા સ્થાનિક ગોરાઓએ પણ સવા લાખ ડૉલર ઊભા કરી દીધા હતા. જ્યારે એરિકને જામીન મળ્યા ત્યારે એક હજાર લોકો તેના ટેકામાં બહાર ઊભા હતા તો સુરેશભાઇના પરિવારને સાંત્વના આપવા પણ ગુજરાતીઓ ઉમટી પડયા હતા.

અમેરિકામાં ગુજરાતીઓ માટે ટેન્સનનો માહોલ છે. ગેરકાયદે ઘૂસેલા ગુજરાતીઓને કાયમી કરવાના પ્રમુખ ઓબામાના પગલાં ટલ્લે ચઢ્યાં છે. સ્થાનિક અમેરિકનો આ લોકોને કાયમ કરવાનો વિરોધ કરી રહ્યા છે. ઓબામા પાસે બહુમતી નથી એટલે તેમણે ગેરકાયદે વસતા લોકોની રાહત માટે વટહુકમ પસાર કર્યો હતો પણ ત્યાંની કોર્ટે વટહુકમ પણ ઉડાવી દીધો હતો.

અમેરિકામાં ગુજરાતીઓ માટે વધતા રોષ પાછળનું મુખ્ય કારણ વધતી બેરોજગારી અને મંદી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલાઓ નક્કી કરેલી રોજગારી કરતાં અડધી કિંમતે કામ કરવા તૈયાર હોય છે. આ સ્થિતિમાં સ્થાનિક લોકોને ફટકો પડતો હતો.

સિલિકોન વૅલીમાં તો દરેક કંપનીમાં ગુજરાતીઓ છે, ઘણી કંપનીઓમાં તે ઉચ્ચ હોદ્દા પર છે. ઍપલ અને ગુગલ જેવી નામાંકિત કંપનીઓમાં પણ ગુજરાતી ચહેરાઓ જોવા મળે છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓને 'ગેટ-આઉટ' કહેવું સહેલું નથી કેમકે અમેરિકાના આર્થિક તંત્રને ફોર્સ આપતું તે એક મહત્વનું પરિબળ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ ત્યાંની પ્રજામાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. અમેરિકાની સિલિકોન વૅલીમાં ગુજરાતીમાં વતો કરતા સોફટવેર એન્જીન્યરો જોવા મળે છે. ટોચની સોફટવેર કંપનીઓની કેન્ટીનમાં 'ઈફ યુ આર ગુજરાતી; સ્પીક ઈન ગુજરાતી' જેવા પોસ્ટર મૂકાયા છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે પ્રમુખ ઓબામા એક તરફ ભારતમાં ધાર્મિક એકતા અંગે લાંબુ લેકચર આપે છે તો પછી પોતાને ત્યાંની રંગભેદ નીતિ અને ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવાની નીતિ અંગે ચૂપ કેમ છે?

જેમ મતનું રાજકારણ ભારતમાં ચાલે છે એમ અમેરિકામાં પણ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની સંખ્યા ટકાવારી પ્રમાણે ભલે ઓછી હોય પરંતુ ચૂંટણી વખતે તેમની આળપંપાળ થાય છે. ઈન્ડિયન અમેરિકન્સ પણ ચૂંટણીમાં ઊભા રહેતા થયા છે અને જીતતા થયા છે.

લખવનું તાત્પર્ય એ છે કે ગુજરાતીઓ અમેરિકામાં ભળી ગયા છે. હવે તેમની સામે અવાજ ઊઠાવવો એ અમેરિકાના પોતાના જ પગ પર કૂહાડો મારવા સમાન છે.

ગયા વર્ષે જ્યારે આકાશ દલાલ નામના યુવાનની ધરપકડ કરી ત્યારે તમામ ઈન્ડિયન અમેરિકન્સે વિરોધ કર્યો હતો. તેની સામે બોંબ બનાવવાનો આક્ષેપ હતો. તે માંડ ૧૮ વર્ષનો હતો. તેની કોઇ ક્રિમીનલ એક્ટીવીટી ભૂતકાળમાં નજરે નથી પડી. સત્તાવાળાઓ સામે એવો આક્ષેપ હતો કે તેમણે ભેદભાવ ભર્યું વર્તન રાખ્યું છે. ૬ટ૮ની કોટડીમાં તેને કોઇ પણ ચાર્જ વિના પુરી રાખ્યો હતો. ત્યારે પ્રદીપ કોઠારી (પીટર કોઠારી)ના નેતૃત્વ હેઠળ દેખાવો કરાયા હતા. આ ઘટના માર્ચ-૨૦૧૨ની છે.

અમેરિકાના સ્થાનિક લોકો એવી ગ્રંથિથી પીડાય છે કે ગુજરાતથી આવેલા લોકો વધુ વાચાળ અને વધુ કામગરા હોઇ વધુ રોજગારી મેળવે છે. સ્થાનિક લોકોની આ માન્યતામાં દમ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે લૂંટફાટ કરીને પરેશાની વધારવી. ગુજરાતીઓ કાયદાકીય વળતા પ્રહાર માટે જાણીતા છે. સંયમ પણ તેમનો એક ગુણધર્મ છે.

પહેલાં સુરેશભાઇ; પછી ઉત્તરસંડાના અમિત પટેલ, પછી શિવરાત્રિ પહેલાં મંદિરમાં તોડફોડ અને ગેટ આઉટ લખવું એ ઘટનાઓથી ગુજરાતીઓ વિચલિત થાય એમ નથી કેમકે ગુજરાતીઓ ઘણાં મેચ્યોર્ડ અને સમય વર્તે સાવધાનની નીતિવાળા છે.

અમેરિકા એ અમદાવાદ નથી કે જ્યાં બસો પર પથ્થર મારીને કે જાહેર મિલ્કતોને નુકસાન કરીને વિરોધ પ્રદર્શિત કરી શકાય. અમેરિકાના કાયદા કડક છે પરંતુ તેનું અમલીકરણ બરાબર નથી થતું. બહારના દેશોમાંથી એવાલા જ્યારે તેમના આર્થિક તંત્રને ઉપયોગી બને છે ત્યારે તેમની સલામતીનો ખ્યાલ રાખવો તે પણ તેમની ફરજ છે.

આશ્ચર્ય તો એ છે કે પોતાને વિશ્વમાં નંબર-વન કહેવડાવતા અને વિશ્વ પર બોસીઝમ કરનાર અમેરિકામાં હત્યા; લૂંટફાટ, ચોરી, રંગભેદ અને ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવાના ધંધા ચાલે છે. અન્ય દેશમાં ચંચુપાત કરતા અમેરિકાએ પોતાના દેશમાં જ ફુલી-ફાલેલી ગુંડાગીરી અંગે પગલાં લેવાની જરૃર છે.

Comments