રાજકીય ગપસપ : હોળીનું નાળિયેર નીતીશકુમાર, માયાવતીની મૂડી લૂંટાઈ

હોળીનું નાળિયેર નીતીશકુમાર...

પાંચ રાજ્યોના વિધાનસભા જંગમાં યાદવ પરિવાર અંદરો-અંદરના ઝઘડામાં ખતમ થઇ ગયો છે. તેમણે જેમનો સાથ લીધો હતો તે કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશમાં ડૂબી છે. પરંતુ આ બંને ઉસ્તાદ છે.

પોતાની હારનું ઠીકરું તેમણે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પર ફોડયું છે. નીતીશકુમારનો વાંક એટલો કે તેમણે મોદી સરકારના નોટબંધીના પગલાંને સમર્થન આપ્યું હતું.

કોઇના પણ ગળે ના ઉતરે એવી વાત અંગેના ખુલાસા માટે જ્યારે પત્રકારોએ અખિલેશને પૂછ્યું ત્યારે તેમણે તેમના અંદાજમાં કહ્યું હતું કે ''વૉ તો બાબુજીને કહા હોગા; મૈં તો કભી નીતીશજી કા નામ ભી નહીં લેતા !!'' યાદવ પરિવાર સાથે સાંસારિક સંબંધોથી બિહારના લાલુ પ્રસાદ જોડાયેલા છે. આ વિવાદમાં તેમની દશા સૂડી વચ્ચે સોપારી જેવી છે..

માયાવતીની મૂડી લૂંટાઈ

માયાવતીની આર્થિક મૂડી અને રાજકીય મૂડી બંને આ ચૂંટણીઓમાં લૂંટાયા છે.

નોટબંધી વખતે માયાવતીએ ભેગી કરેલી રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦ની માયા પસ્તી થઇ ગઇ હતી. એવી જ રીતે ચૂંટણીમાં થયેલા ધબડકાથી તેમની દલિતોવાળી રાજકીય મૂડી પણ લૂંટાઇ છે.

માયાવતી હારનું કોઇ કારણ બતાવી શકે એમ નહોતા. એટલે તેમણે ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીનને કારણભૂત ગણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક મશીન બિચ્ચારું હંમેશા દાઝ અને નફરતનું કારણ બને છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાતેક વર્ષ પહેલા હાર્યા ત્યારે ઈવીએમ સામે આંગળી ચીંધીને રડયા હતા.

માયાવતી ડાર્ક હોર્સ તરીકે છે અને ત્રિશંકુ પરિણામો તેમને લાભદાયી બનાવશે એમ ઘણાં રાજકીય વિશ્લેષકો કહેતા હતા પણ તેમના દલિત મતદારોએ જ તેમની 'લાલી' આંચકી લીધી હતી.

પ્રિયંકા અને ડિમ્પલ

પાંચ રાજ્યોના જંગમાં પ્રિયંકા વાઢરા અને ડિમ્પલ યાદવ બંને પ્રચારમાં ઉતર્યા હતા. જોકે આ બંને ફ્લોપ ગયા હતા. પરંતુ કમનસીબી એ છે કે કોંગ્રેસમાં કોઇ એવો ભડવીર નથી કે જે પ્રિયંકા સામે આંગળી ચીંધી શકે એમ યાદવ પરિવારમાં કોઇ ડિમ્પલને કહી શકે એમ નથી.

એક ગાંધી પરિવારની ફેવરીટ 'બેટી' છે તો બીજી યાદવ પરિવારની ફેવરીટ 'વહુ' છે. પ્રિયંકાના ફાળે માંડ બે સભા આવી હતી તો ડિમ્પલ વહુએ તો અનેક સભાઓ કરી છે. સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ બંનેએ હારના કારણોની સમિક્ષા કરી છે.

પરંતુ કોઇએ પ્રિયંકા કે ડિમ્પલની સભાઓનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. તેના બદલે યાદવ પરિવારના ચમચાઓએ એમ કહ્યું કે ડિમ્પલ વહુ અને પ્રિયંકા બિટીયાએ મહેનત ના કરી હોત તો જેટલી આવી છે એટલી બેઠક પણ ના આવત !!.. અને કહેવાય.. સ્ત્રી શક્તિ..

રાહુલ ગાંધી સક્રિય બને..

રાહુલ ગાંધીનું જુની એમ્બેસેડોર જેવું છે. તેને ધક્કા મારવા પડે છે. રાહુલની સદ્નસીબી એ છે કે ગાંધી પરિવારમાંથી આવે છે.

રાહુલ ગાંધી સામે કોઇ આંગળી ચીંધી શકે એમ નથી. ગોવા અને મણિપુરમાં પરિણામો સાથે જ સક્રિય થવાના બદલે ઉત્તર પ્રદેશની હતાશામાંથી રાહુલ બહાર ના આવ્યા. તક જોઇને ભાજપે તખ્તો આંચકી લીધો હતો.

 જે રાજ્યપાલ પાસે બહુમતીની પ્રથમ રજૂઆત કરે તેને આમંત્રવામાં આવે છે. કોંગ્રેસ કોઇ પ્રત્યાઘાત આપે તે પહેલાં તો ગોવામાં મનોહર પારીકરની સરકાર રચાઇ ગઇ હતી !! રાહુલ ગાંધીની આસપાસના સલાહકારો પણ સ્વતંત્ર નિર્ણય લઇ શકતા નથી. જવાબદાર લોકોને નિર્ણય લેવાની સત્તા કોંગ્રેસ નહીં આપે ત્યાં સુધી  પક્ષ સ્પીડ નહીં પકડી શકે...

ચાલાક રીટા બહુગુણા

ઉત્તર પ્રદેશના જંગમાં રીટા બહુગુણાએ કોંગ્રેસમાંથી ભાજપમાં ઝંપલાવીને બહુ ચાલાકી કરી છે. રીટા બહુગુણા જોષી એ ઉત્તર પ્રદેશમાં બહુ જાણીતું નામ હતું. ભાજપે જ્યારે રીટાની વિકેટ પાડી ત્યારે કોંગ્રેસે બહુ કાગારોળ નહોતી મચાવી.

કોંગ્રેેેસે તેમને પ્રમુખ બનાવ્યા હતા પણ શોભાના ગાંઠીયાની જેમ રાખતા હતા. જાહેરસભાના મંચ પર તેમનો કોઇ ભાવ નહોતું પૂછતું. રીટા નારાજ છે તેની રીટાને પોતાને ખબર પડે તે પહેલા ભાજપવાળાને ખબર પડી ગઇ હતી.

તેમણે રીટા બહુગુણાના નેટવર્ક અને બ્રાહ્મણ બુધ્ધિનો ઉપયોગ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં રીટાને સારો પોર્ટફોલીયો આપવામાં આવશે. જેને કોંગ્રેસે રીજેક્ટ કર્યા હતા તે રીટાનું નેટવર્ક ભાજપે વાપર્યું હતું. હજુ કોંગ્રેસના પ્રિન્સને એ ખબર નથી પડતી કે સીનિયર કોંગીજનો સ્માર્ટ અને બુધ્ધિવાન છે..

કેજરીવાલના ગ્રહો ખરાબ

અરવિંદ કેજરીવાલના ગ્રહો ખરાબ ચાલી રહ્યા છે. પંજાબ અને ગોવા એમ બંનેમાં તે સરકાર રચવા માગતા હતા. પરંતુ તેમનું સપનું ભાંગીને ભુક્કો થઇ ગયું હતું.

કેજરીવાલ અને તેમના સાથીઓ હવે મોટી ડંફાસો મારતા બંધ થઇ ગયા છે. હવે તેમની નજર બે મુદ્દા પર છે. એક છે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજો છે તેમની સામે ચાલતા કેસો પર !!

જોકે અરવિંદભાઇ આનંદી કાગડા જેવા છે. દરેક સ્થિતિમાં તે ટોપી પહેરીને હાથ જોડીને ઊભા કરે છે. બે રાજ્યોમાં તેમની હાર તેમને વધુ ભુરાંટા બનાવશે. તે જેટલા ભુરાંટા બનશે એટલું વધુ એલ-ફેલ અને પાયા વિનાનું બોલશે.

આમ થશે એટલે તે બદનક્ષીના કેસોના ભોગ બનશે. કેજરીવાલ સામે આગામી સમય અપમાનીત થવાનો આવશે એમ મનાય છે. કેજરીવાલ વધુ પડતો કોન્ફીડન્સ ધરાવે છે પણ ભારતનું રાજકારણ દરેકને પાપડની જેમ શેકે છે..

Comments