રાજકીય ગપસપ: મોહન ભાગવત રાષ્ટ્રપતિ, દિગ્વિજય સિંહ સામે નારાજગી

મોહન ભાગવત રાષ્ટ્રપતિ !!
રાષ્ટ્રપતિની પસંદગીને હજુ ત્રણ મહિનાની વાર છે. પ્રણવ મુખરજીની મુદત ૨૪મી જુલાઈએ પુરી થાય છે. અનેક મોટા માથાઓ રતન ટાટાથી માંડીને ગુજરાતનો કોઇ ચહેરો આવે તે માટે પ્રયાસ ચાલુ છે.

શિવસેનાએ કહ્યું છે કે આરએસએસના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાઓ ! હજુ ત્રણ મહિનાની વાર છે એટલે દેશના સર્વોચ્ચ પદ માટેના નામની ચર્ચા અસ્થાને છે.

તેમ છતાં દરેક પોતાના મંતવ્યો આપી શકે છે. ઉધ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે સંબંધો ઓછા છે જયારે મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાના આઇડયા આપી શિવસેનાએ એક કાંકરે બે પક્ષી મારવાની વાત કરી છે. શિવસેનાના બોસ ઉધ્ધવ ઠાકરેની માગને હસી કાઢવામાં આવી છે. જો કે કેટલાકે આ વાતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની દિશાનો આ આઇડયા છે !

લાલુના પુત્રો  'લલ્લુ'...
લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારની ટીમ બિહારમાં ખાસ કંઇ ઉકાળી શકી નથી. રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુ) વચ્ચેની કોલ્ડ વોર હવે સપાટી પર આવી ગઇ છે.

કહે છે કે લાલુ પ્રસાદનું કુટુંબ એમ માનીને ફરે છે કે બિહાર તેમના ફેમીલીનું છે. બિહારમાં લાલુ પ્રસાદનું કુટુંબ ગમે ત્યાં જાય પણ તે વીઆઇપી ગણાય છે. તેમના બંને પુત્રો બિહારના પ્રધાન મંડળમાં છે.

આ બંનેને હકીકતે તો નીતીશકુમારના હાથ નીચે તૈયાર થવા મુકયા હતા. પરંતુ નીતીશ તેમને રાજકીય કોઠાનું કોઇ જ્ઞાાન નથી આપતા નીતીશના સમર્થકો કહે છે કે લાલુના બંને છોકરા 'લલ્લુ' જેવા છે. તેમને રાજકારણ કરતાં ખેતી વધારે આવડે છે. એમ પણ કહેવાય છે કે ભાજપવાળા આ બંનેને લડાવે છે. ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત પછી ભાજપનો ડોળો બિહાર પર છે...

ઉત્તરાખંડનો મહત્વનો જિલ્લો
ઉત્તરાખંડનો પૌરી ધરવાલ નામનો જિલ્લો ભારતના નકશા પર અચાનક ચમકવા લાગ્યો છે. કેમ કે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એમ બંને પૌરી જિલ્લાના છે. એમ તો ટોચની સંરક્ષણ સંસ્થાના ડાયરેકટર અનિલ કુમાર ધરામાના પણ પૌરીના છે. લશ્કરના વડા પણ બિપીન રાવત પણ પૌરીના છે.

વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે નેશનલ સિકયોરીટી એડવાઇઝર અજીત દોવલ પણ પૌરીના ધીરી બનેલ સામ ગામના છે. પૌરી જિલ્લામાં જન્મેલા મોટા માથાઓનું એક હરખ પદૂડાએ સ્પેશ્યલ એપિસોડ બનાવવા પ્રયાસ કર્યો ત્યારે સાંજે તો તે ધૂળ ધોયો થઇ ગયો હતો કેમ કે પૌરીના લોકો આગળ આવ્યા પણ જિલ્લો તો ઠેરનો ઠેર છે.

દિગ્વિજય સિંહ સામે નારાજગી
ગોવામાં કોંગ્રેસ પાસે સૌથી વધુ બેઠકો હોવા છતાં સત્તા રચવામાં મળેલી નિષ્ફળતા પાછળ દિગ્વીજયસિંહ પર માછલાં ધોવાય છે. દિગ્વીજયસિંહના લાલીયાવેડા અને હોતી હૈ... ચલતી હૈ...વાળી નીતિના કારણે ભાજપવાળાએ બહુમતી મેનેજ કરી લીધી હતી. દિગ્વીજયસિંહ એવા ખુલાસા કરે છે કે ભાજપે નોટો વેરી છે, સોદાબાજી કરી છે, ધમકી આપી છે.

વગેરે... વગેરે... સામે છેડે કોંગ્રેસના વફાદારો કહે છે કે પૈસા તો આપણી પાસે પણ ક્યાં નથી ? ભાજપના નેતાઓને ક્યારે પૂછાયું કે આ નોટો અને સોદાબાજી વિશે તમારું શું માનવું છે ? ભાજપે નફ્ફટ બનીને જવાબ આપ્યો કે સરકાર બનાવવા માટેના યુદ્ધમાં પૈસો, સોદો, દમ મારવો વગેરે તો શસ્ત્રો છે, તેને સમયસર ચલાવતા આવડવા જોઈએ.

અમરિંદર સામે જોખમ
પંજાબમાં કોંગ્રેસ અમરિંદર સિંહને મુખ્ય પ્રધાન પદ સોંપીને લોક લાગણીને પંપાળી છે. અમરિંદર સિંહ એક જ એવી પ્રતિભા છે કે જે અકાલી દળ અને બાદલ પરિવાર સામે ટકરાઇ શકે !! અમરિંદર સિંહ ગાંધી પરિવારના પ્રિય છે એટલે મોવડી મંડળ સાથે પણ તેમને સારું ટયુનીંગ છે.

જો કે આ સંઘ કાશીએ પહોંચે એમ લાગતું નથી કેમ કે અમરિંદરમાં મુખ્ય પ્રધાન કરતાં વધુ ગુણ રાજાશાહીના છે. તે લોકશાહીમાં રાજાની જેમ વહિવટ કરે છે. તેમના વિરોધમાં બે-ચાર વાયરસ સુષુપ્ત અવસ્થામાં પડેલા છે. આ વાયરસ પૈકી એક છે નવજોત સિંહ સિધ્ધુ !! મહત્વકાંક્ષાથી છલકાતા સિધ્ધુને નાયબ મુખ્ય પ્રધાન બનવું છે પણ કોંગીજનો હજુ તેમને 'ભાજપીયો' જ ગણે છે.. એટલે જ આ વાયરસ ખતરો ઉભો કરી શકે.

કેજરીવાલને ફરી ખાંસી...
બુધવારની બપોરના લેખક અશોક દવેએ તેમની સિકસરમાં એક જ લાઇનમાં લખ્યું છે કે 'એક હતા અરવિંદ કેજરીવાલ'.... આ રમૂજ સાચી પડે એમ લાગી રહ્યું છે. કેજરીવાલના વાડામાંથી એક સભ્ય છુટો પડીને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે કેજરીવાલ એન્ડ કંપનીથી હજુ ૩૫ સભ્યો નારાજ છે.

સોશ્યલ નેટવર્ક પર ભાજપના સમર્થકો એમ લખે છે કે બૉસ, અમિત શાહ આ ૩૫ નારાજ સભ્યોને ભાજપમાં ખેંચી લાવશે અને દિલ્હીમાં સરકાર બનાવી લેશે !! વાત તો એટલે સુધી ચાલી છે કે કુમાર વિશ્વાસને મુખ્ય પ્રધાન બનાવવાની ઓફર કરાઇ છે. પોતાનો પક્ષ તૂટી રહ્યો છે તેવી ગપસપ સાંભળીને કેજરીવાલને ફરી સૂકી ખાંસી ઉપડી છે.

Comments