રાજકીય ગપસપ: શિલા દિક્ષીત નારાજ છે, રાજ બબ્બરને સજા કરાશે

રાજ બબ્બરને સજા કરાશે
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ધબડકાનું કારણ શોધી શકાયું નથી, પરંતુ કોંગ્રેસમાંના રાહુલ સમર્થકો કહે છે કે સમાજવાદી પક્ષ સાથે જોડાણનો આઈડિયા આપ્યો કોણે? આ આઈડિયા આપનાર રાજબબ્બર અને ગુલામનબી આઝાદ હતા.

આ બંનેને સજા થવી જોઈએ એવા સૂર વચ્ચે યોગી આદિત્યનાથની ખાલી પડનાર જગ્યા પર કોંગ્રસ ગોરખપુર બેઠક પર ઉમેદવાર શોધી રહી છે. કોઈએ રાહુલને આઈડિયા આપ્યો છે કે ભાજપ જોરમાં છે એટલે ગોરખપુર જીતવાનો કોઈ ચાન્સ નથી.

આ સ્થિતિમાં ત્યાં સમય અને પૈસો બગાડવાની જરૃર નથી. તો પછી અહીં ઉભો કોને રાખવો? એક કોંગી વફાદારે કહ્યું કે આપણને ગેરમાર્ગે દોરનાર રાજ બબ્બર અને ગુલાબનબી આઝાદમાંથી કોઈને ટીકીટ આપો તો તેમને સજા પણ થશે અને તેમની આબરૃ પણ જશે. રાજ બબ્બરને મેસેજ મોકલાયા છે કે લોકસભા લડવાની તૈયારી કરો.

શિલા દિક્ષીત નારાજ છે
દિલ્હીમાં ત્રણ ટર્મ માટે મુખ્ય પ્રધાન રહેલા શિલા દિક્ષીત કોંગ્રેસથી નારાજ છે. એક તો તેમની ના છતાં તેમને કોંગ્રેસે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા અને તેમનો ઓપીનીયન લીધા વીના સમાજવાદી પક્ષ સાથે જોડાણ કર્યું. રાહુલ ગાંધી શિલા દિક્ષીતની સલાહ લેતા હોય છે એટલે તો રાહુલના આદેશ જોઈને તે મૂંગામોઢે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા.

અચાનક જ સમાજવાદી પક્ષ સાથે કોંગ્રેસનું જોડાણ જાહેર થયું હતું. ના તો શિલાજીને જાહેરસભામાં બોલાવાયા કે ના તો તેમને કોઈ ખુલાસો કરાયો!! હવે કોંગ્રેસ હારી છે!! શિલાજી મનમાં મલકાય છે. 

દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીમાં તેમની જરૃર પડતાં કોંગીજનો પાછા તેમના દ્વારે પહોંચ્યા હતા. કહે છે કે શિલા દિક્ષીતે બે હાથ ને ત્રીજું માથું નમાવીને તેમને પ્રચાર માટે નહીં આવું એમ કહી દીધું...

અમિત શાહ અને ડાબેરી પક્ષો
ભાજપમાં બે ગુજરાતીઓ સર્વેસર્વા છે. એક છે નરેન્દ્ર મોદી અને બીજા છે અમિત શાહ. ઉત્તર પ્રદેશમાં વિજય પછી અમિત શાહ હવામાં ઉડે છે. પહેલાં તે કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતા હતા હવે તે ડાબેરી મુક્ત ભારતની વાત કરે છે.

આમ, જોવા જઈએ તો ડાબેરીઓ ઉત્તર-પૂર્વમાં થોડા દેખાય છે, પશ્ચિમ બંગાળમાં તેમનો ગઢ મમતા બેનરજીએ પચાવી પાડયો છે. ડાબેરી પક્ષોના અંદરો-અંદરના ફાંટા તેમને લડાવી રહ્યા છે. 

ડાબેરી વિચારસરણીને પકડવા કોઈ તૈયાર નથી. જે ડાબેરી વિચારધારા ધરાવે છે તે દંભી અને અહંકારી હોય છે. અમિત શાહે કોંગ્રેસને ટાર્ગેટ કરીને અધમૂઈ કરી છે હવે તે ડાબેરી પક્ષોને ટાર્ગેટ કરશે. કોઈ વર્ષો જુની વિચારધારાને હટાવવી મુશ્કેલ છે. જો કે અમિત શાહ માને છે કે કુછ ભી ઈમ્પોસીબલ નહીં!!

સાંસદોનો ફૂટબોલ પ્રેમ
સાંસદોને ફૂટબોલ પર પગ જમાવતા જોઈને લોકોને આનંદ થતો હતો. સ્પોર્ટસ મંત્રાલયના પ્રધાન વિજય ગોએલ "FIFA under-17" વર્લ્ડકપ માટે તૈયારી કરે છે.

ભારતમાં તે ઓક્ટોબરમાં રમાશે. સાંસદો ફૂટબોલની રમતને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે તેની વિગતો દર્શાવતું વિશાળ પોસ્ટર સંસદભવનના સંકુલમાં સ્પોર્ટસ મંત્રાલયે મુક્યું છે.

આ ટુર્નામેન્ટની ફાઈનલ કલકત્તામાં રમાવાની છે. ભારતના રાજકારણીઓ આક્ષેપબાજીની મેચમાં જીતી જાય એવા છે પણ ફૂટબોલને 'કીક' મારવા સિવાય બીજું કશું નથી આવડતું. લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ 'કીક' મારવા આવ્યા હતા. ફુટબોલ માટે લોકોમાં રસ જગાડવાની જરૃર છે.

દારૃની દુકાન પાંચ પછી બંધ
ગયા અઠવાડીયે હાઈવેને ડ્રાયવે અર્થાત્ દારૃમુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હાઈવે પરની દુકાનો ૫૦૦ મીટર અંદર લેવાની વાત અંગે કોર્ટમાં ચર્ચા દરમ્યાન એક સીનિયર એડવૉકેટ લીકર વેપારીની રજૂઆત કરતા ઉતાવળ કરતા હતા.

ત્યારે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા જે.એસ. કેહરે કહ્યું કે ઉતાવળ ના કરો, અમારે કોઈ જલદી નથી!! તમારા લીકર મિત્રો બહાર વાટ જોતા હોય તો વાત અલગ છે. વકિલે તરત જવાબ આપ્યો કે ૭ વાગે લીકર (દારૃ)ની દુકાનો બંધ થઈ જાય છે!!

વકિલ એમ કહેવા માગતા હતા કે સર, દિલ્હીના વકિલોનો પીવાનો ટાઈમ સાંજે ૭ પછીનો હોય છે અને દુકાનો ૭ પછી બંધ થઈ જાય છે!! કોર્ટમાં દરેકના મોં પર છૂપું સ્મિત દેખાતું હતું...

કેજરીવાલ ફસાયા છે
છેલ્લે અરવિંદ કેજરીવાલ. દિલ્હીના મુખ્ય પ્રધાન પોતે જ પોતાની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. તેમની સામેનો બદનક્ષીનો કેસ લડનાર વકિલ રામ જેઠમલાણીની 'ફી' ૩ કરોડ પર પહોંચી છે. કેજરીવાલે એવી ઉસ્તાદી કરી કે દિલ્હી સરકાર 'ફી' ચૂકવે!!

જો કે આ ષડયંત્ર પકડાઈ ગયું હતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકાર કે કેજરીવાલ 'ફી' નહીં ચૂકવે તો જેઠમલાણી મફતમાં લડશે!! કેમકે જેઠમલાણીને કેજરીવાલ જીતે કે હારે તેમાં રસ નથી પણ અરૃણ જેટલી હાંફે તેમાં રસ છે.

જોકે એકબીજાને ઉતારી પાડવાની લ્હાયમાં કેજરીવાલ નામનો માણસ ખુલ્લો પડી ગયો છે. કેજરીવાલ ગાડી ચલાવતા હોય અને અકસ્માત કરે તો કેસ કોની સામે થાય? કેજરીવાલ સામે કે સરકાર સામે?!

Comments