કોઇ એક સવારે તમારા મોબાઇલ પર મેસેજ આવે કે તમારા ઘરની લોનનું વ્યાજ માફ કર્યું છે - શિક્ષણ લોનનું વ્યાજ પરત આપ્યું છે તો ?
સાચી વાત તો એ છે કે લોન માફ કરવાથી કોઇ સુધરતું નથી. લોકોને દેવું કરવાનો ચસકો લાગ્યો હોય છે. કિસાનો એવી પરંપરા વચ્ચે જીવે છે કે તેને દેવું થઇ જાય છે. તે ના ઈચ્છે તો પણ દેવાના ખપ્પરમાં ખેંચાઇ જાય છે
કોઇ એમ પૂછે છે કે દેવીલાલ, પી. ચિદમ્બરમ્, ચંદ્રાબાબુ નાયડુ, કે. ચંદ્રશેખર રાવ અને યોગી આદિત્યનાથ એ બધાયમાં સમાનતા શું છે ? જવાબ એ છે કે આ તમામ નેતાઓએ કિસાનોની લોન માફીના નિર્ણય લીધા હતા. હકીકતે તો લોન માફી એ પોલીટીકલ ટૂલ છે પરંતુ દેવું માત્ર કિસાનોને નથી હોતું; મધ્યમવર્ગ પણ દેવામાં સબડે છે. મધ્યમવર્ગ - શ્રમજીવીવર્ગ વગેરે મેરેજ - શિક્ષણ અને પરંપરાગત વ્યવહારો કરવામાં દેવું કરે છે. આ દેવું ચક્રવૃધ્ધિ વ્યાજવાળું હોય છે.
કિસાનોની જેમ મધ્યમવર્ગ પર પણ લોન માફીનો પ્રેમ દર્શાવવો જોઇએ. સરકાર શિક્ષણ માટેની લોન વ્યાજ વિનાની આપે તો પણ પ્રજાને રાહત મળી શકે છે.
કોઇ સવારે તમારા મોબાઇલ પર એવો એસએમએસ આવે કે તમારા મકાનના ચાર હપ્તા માફ કરવામાં આવે છે કે તમારા સંતાનની શિક્ષણની લોન માફ કરવામાં આવે છે તો તમારું અડધું-અડધ બોધરેશન ખતમ થઇ જાય !!
કિસાનોની લોન માફીનું શસ્ત્ર ખુદ મોદી સરકારને જ ભરખી જશે. દેશના દરેક રાજ્યનો કિસાન રડવા લાગ્યો છે; દરેક લોન-માફી માંગી રહ્યા છે. મત આપીને લોન માફ થાય એનાથી રૃડું બીજું કશું ના હોઇ શકે. વિરોધ પક્ષોના હાથમાં પણ નવો મુદ્દો આવી ગયો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે ચૂંટણી વચન આપ્યું હતું કે જીતીશું તો લોન માફ કરીશું. ભાજપને એવી ભવ્ય જીત મળી કે ઉત્તર પ્રદેશની પ્રથમ કેબિનેટમાં જ કિસાનોની લોન માફીનો નિર્ણય લેવાયો છે.
જોકે લોન માફી અને રોકડ પૈસો બંનેમાં ઘણો ફર્ક છે. ઉત્તર પ્રદેશ સરકારે લોન માફ કરી પણ કિસાન લુખ્ખો (ખાલી) ને લુખ્ખો રહ્યો છે. લોન માફી કોને ના ગમે ? દરેક ક્ષેત્ર લોન માફી માગે છે. નાના ઉદ્યોગ મંદીની પકડમાં છે તે પણ લોન માફી માગે છે. સરકાર દરેકની લોન માફ કરશે તો બેંકો દેવાળું ફૂંકશે કેમ કે લોન માફીનો શરૃઆતનો બોજ તો બેંકોએ જ ઊઠાવવો પડશે.
બંધ બોટલમાંનો જીન કાઢવાનું કામ મોદી સરકારે કર્યું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જ્યારે અખિલેશ યાદવે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું પ્રોમીસ આપ્યું ત્યારે ભાજપે તે નિર્ણયની આકરી ટીકા કરીને કહ્યું હતું કે યુવાનોના મત મેળવવા લેપટોપની લાંચ અપાય છે.
જોકે ભાજપે લેપટોપની ત્રણ ગણી કિંમતની લાંચ આપી છે. ઉત્તર પ્રદેશના કિસાનોને લીલા લહેર થઇ ગઇ છે. લોન માફ થઇ હોવા છતાં કોઇની પાસે લાપસીના આંધણ મૂકવાના પૈસા નહોતા !!
કેમકે કોઇના હાથ પર રોકડ નથી આવી જ્યારે ઉત્તર પ્રદેશના કિસાનોની લોન માફીની જાહેરાત થઇ તે દિવસોમાં તમિળનાડુના કિસાનો તેમના મૃત સાથીઓની ખોપડીઓ લઇને દિલ્હીમાં દેખાવ કરતા હતા. મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ પણ મહારાષ્ટ્રના કિસાનોના દેવા માફ કરવા ઝુંબેશ શરૃ કરી હતી.
હકીકત તો એ છે કે યોગી આદિત્યનાથે લોન માફ કરવાનો નિર્ણય કરીને વિપક્ષોના હાથમાં તલવાર આપી દીધી છે. જેમની પાસે સરકાર સામે લડવા કોઇ મુદ્દો નથી તેમની પાસે લોન માફીનો જોરદાર મુદ્દો આવી ગયો છે.
લોન માફી કોને ના ગમે ? મફતમાં લોન માફ થાય એ તો ચમત્કારીક વાત છે. આવો ચમત્કાર માત્ર રાજકારણીઓ જ કરી શકે છે. તેમને પોતાને કોઇ લોસ નથી. દેશના જે ત્રણ-ચાર ટકા લોકો ટેક્ષ ભરે છે તેના પૈસે આ લીલા-લહેર ચાલે છે. કોઇ પક્ષ પોતાની તિજોરી કિસાનો માટે કે મધ્યમવર્ગ માટે ખુલ્લી નથી મૂકતો. દેશના ત્રણ ટકા લોકો પાસેથી ટેક્ષ ઉઘરાવીને લોન માફ કરવી અને તેનો જશ લેવો એ આવડત રાજકારણી પાસે હોય છે.
ખરેખર તો, ઈન્કમટેક્ષ ભરનારા લોકોનું સન્માન થવું જોઇએ કેમ કે તેના કારણે જ દેશની ઘણી રાહત સ્કીમો ચાલે છે અને કિસાનોના દેવા પણ માફ થાય છે.
સરકારી તિજોરી પર પડનારા બોજ અંગે કોઇ વિચારતું નથી. દરેક વાહ-વાહી અને દેશ ચલાવવાની આવડતના ઘમંડમાં રાચે છે. ઉત્તર પ્રદેશમાં કિસાનોનુ વર્ચસ્વ છે; ૫૦ ટકા જેટલા કિસાનોવાળા રાજ્યમાં બધા કિસાન દેવાદાર છે એવું નથી કે બધા જ પૈસાદાર પણ નથી. કિસાન દેવામાં ડૂબેલો રહેતો આવ્યો છે. સરકારે લોન માફ કરી છે પણ તેનાથી કિસાન દેવું કરતો બંધ થશે તે વાતની કોઇ ગેરંટી નથી !!
કેટલાંક કિસાનોની જીવનશૈલી તેને દેવા તરફ દોરી જાય છે. તેના પાકની આવક પહેલા દિવસે જ તે વાપરી ખાય છે. કેટલાક કિસાનોએ હાથે કરીને પોતાની લાઇફ ગૂંચવાડા ભરી બનાવી છે. જે કિસાનોની લોન માફ કરાઇ છે તે કિસાનોને ખર્ચા પર કાબુ રાખવા જણાવવા જેવું છે. ઉત્તર પ્રદેશમાં ૨૭ ટકા કિસાનો છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ સત્તા પર હતો ત્યારે ૨૦૧૨માં સ્ટેટ કો.ઓપરેટીવ બેંકમાંથી લીધેલી ૫૦,૦૦૦ સુધીની લોન માફ કરી હતી. ત્યારે વિપક્ષોએ કાગારોળ મચાવી હતી. હવે એ જ કાગારોળ મચાવનાર લોન માફીને સિધ્ધી ગણે છે.
ગત્ ૨૦૦૮ની ૨૯ ફેબુ્રઆરીએ તે સમયના નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કિસાનો માટે જે રાહત પેકેજ જાહેર કર્યા હતા તેમાં લોન-માફીનો સમાવેશ થતો હતો.
સાચી વાત તો એ છે કે લોન માફ કરવાથી કોઇ સુધરતું નથી. લોકોને દેવું કરવાનો ચસકો લાગ્યો હોય છે. કિસાનો એવી પરંપરા વચ્ચે જીવે છે કે તેને દેવું થઇ જાય છે. તે ના ઈચ્છે તો પણ દેવાના ખપ્પરમાં ખેંચાઇ જાય છે.
સામાન્ય રીતે કિસાન બેંકો તેમજ સ્થાનિક શ્રોફ પાસેથી પૈસા લે છે. બેંકો વાર્ષિક ૧૨ ટકે કૃષિલોન આપે છે તો શ્રોફ મહિને પાંચ ટકે લોન આપે છે અને સામે ખેતર કે ઘર ગીરવે લખાવી લે છે. મહિને પાંચ ટકા એટલે વાર્ષિક ૬૦ ટકા થયા !! કિસાનો બેંકોના દેવાના કારણે આપઘાત નથી કરતા પણ શ્રોફના દેવાના કારણે આપઘાત કરે છે. સ્થાનિક શ્રોફ એ કિસાનો માટેના ૨૪ કલાકના એટીએમ હોય છે. જગતનો તાત કહેવાતો કિસાન પોતાનો પાક તૈયાર થાય તે પહેલાં જ ગીરવે મૂકી દે છે.
કિસાન જે કોઇ લોન લે છે તે માત્ર કૃષિ પાછળ વાપરે છે એવું નથી પણ તે લગ્ન, શિક્ષણ, સારવાર પાછળ પણ વાપરે છે.
મદ્રાસ હાઇકોર્ટે પંદર દિવસ અગાઉ તમિળનાડુ સરકારને આદેશ આપ્યો છે કે કિસાનોની લોન માફ કરો. જેના કારણે રાજ્ય સરકાર પર ૫૭૮૦ કરોડનો બોજો પડશે !!
લોન માફ કરવી એ સસ્તી લોકપ્રિયતા મેળવવા સિવાય બીજું કશું નથી એ વાચકોએ સમજી લેવું જોઇએ.
જગતનો 'તાત' દેવાના ડુંગર નીચે દબાયેલો છે..
૧૯૯૦માં વી.પી. સિંહની સરકારે ખેડૂતોના લેણાં માફ કરવાની યોજના બહાર પાડી હતી. જેમાં ૧૦ હજાર કરોડ ખર્ચાયા હતા. પછી કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકાર કિસાનોના દેવા માફીની યોજનામાં ૭૧,૪૦૦ કરોડ ખર્ચ્યા હતા. હવે ઉત્તર પ્રદેશે ૩૬,૦૦૦ કરોડ લોન માફી માટે ખર્ચયા છે. ઘણાં રાજ્યો કિસાનોના દેવા માફ કરવાની સ્કીમો બનાવે છે. પોતાના રાજ્યમાં ચૂંટણી આવે તે અગાઉ આવી યોજના બહાર પાડવાનો પ્લાન છે.
આવી યોજનાઓથી ફુગાવો વધે પણ આપણે ત્યાં ફુગાવો-બુગાવાનો ડર કોઇને નથી. કિસાનોના દેવા માફીની યોજનાથી કિસાનો સુખી થશે એવો કોઇ ચોક્કસ આધાર નથી.
કિસાનો કૃષિ ઉત્પાદન કેવી રીતે કરશે તે પર પ્લાન બનાવવાની જરૃર છે. એક સમયે જય જવાન - જય કિસાન કહીને કિસાનોનું મનોબળ વધારાતું હતું. આજે કિસાન દેવાદાર છે તેની નજર ચૂંટણીઓ પર રહે છે. ક્યારે ચૂંટણીઓ આવે અને ક્યારે તેમનું દેવું માફ થાય તેની તે રાહ જુવે છે.
આઘાત એ વાતનો છે કે જેને જગતનો તાત કહ્યો છે તેને દેવાના ડુંગર નીચેથી બહાર કાઢવા લોન માફીની સ્કીમો લવાય છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment