વિશ્વમાં ટ્રમ્પ અને ભારતમાં યોગી આદિત્યનાથની ચર્ચા : ગેરકાયદે કતલખાના સામે નક્કર પગલાં
કોઈપણ સત્તાધીશ ને ઇર્ષા આવે એવી સ્થિતિ : દેશમાં ૨૯ રાજ્યો પૈકી કોઇ ગેરકાયદે કતલખાનાં બંધ કરાવી શક્યું નહોતું : મુંગાપશુઓનો ચિત્કાર સાંભળનાર
ગુજરાત મોડલની જગ્યાએ ઉત્તર પ્રદેશ મોડલ આવતા વાર નહીં લાગે : યોગી સમર્થકો તેમનું નામ વડાપ્રધાન પદ માટે ચલાવી રહ્યા છે
કોઈપણ સત્તાધીશને ઇર્ષા આવે એવી યોગી આદિત્યનાથની પ્રગતિ છે. વિશ્વમાં 'ટ્રમ્પ' ચાલે છે તો ભારતમાં યોગી આદિત્યનાથ ચાલે છે. યોગીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તેમણે રોજના દશ આદેશો બહાર પાડયા છે. આ આદેશો પૈકી કેટલાક પ્રજા તરફી, કેટલાક અધિકારીઓ સામે કડક પગલાં અને કેટલાંક પોતાના વિધાનસભ્યોને કામ કરવાના આદેશ આપતાં પગલાં છે.
વિચારો કે વિશ્વમાં ૨૦૦ જેટલા દેશો પૈકી કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા આદેશો ના આપી શક્યું કે ભારતના ૨૯ રાજ્યો પૈકી એક પણ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જેમ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા ખુલ્લેઆમ મેદાનમાં ના આવ્યા. દરેક રાજકારણી ટ્રમ્પ કે યોગી થઇ શક્તા નથી. મોટા ભાગના બોલ્યા પછી ફરી જાય છે તો ઘણાં એકશન લેતા ફફડે છે. ટૂંકમાં દરેકને ખુરશી સાથે ચીટકી રહેવું છે.
રાજકીય સત્તા પોતાના માટે વાપરવી અને પ્રજા માટે વાપરવી તે બંનેમાં આસમાન-જમીનનો ફર્ક છે. યોગી આદીત્યનાથ ભારતમાં એટલા માટે લોકપ્રિય છે કે લોકોના દિલમાં રહેલી વાતોને તે એકશનમાં મુકી રહ્યા છે આવું જ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. તેમણે અમેરિકા ફર્સ્ટવાળી નીતિ અપનાવી અને પોતાના દેશના લોકોની રોજગારી છીનવતા બહારના દેશના લોકોને ટાર્ગેટ બનાવવા શરૃ કર્યા હતા.
છેલ્લા બે-ત્રણ વર્ષ પર નજર કરો તો રાજકારણમાં એગ્રેસીવ અને તડફડ કરતા નેતાઓનો પ્રભાવ વધ્યો છે. રાજકારણમાં ચૂંટાયેલા લોકો નિર્ણય લેવામાં અખાડા કરે છે તેવું અરવિંદ કેજરીવાલ જાણી ગયા હતા. એટલે તો તેમણે અણ્ણા હજારેના સ્ટેજ પરથી હનુમાન કૂદકો મારીને સીધા જ દિલ્હીના મુખ્ય પ્રધાન બની ગયા હતા. તેમણે જોયું કે મોટા રાજકીય પક્ષોના નેતા મોવડી મંડળને પૂછ્યા વીના પાણી પણ પીતા નથી. એ સંજોગોમાં તેમણે આમ આદમી પાર્ટી બનાવીને દરેકના હાથમાં સ્વતંત્રતા આપી દીધી હતી.
માત્ર અરવિંદ કેજરીવાલ નહીં; પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ જુઓ, શિવસેનાના ઉધ્ધવ ઠાકરે જુઓ, પાટલી બદલુ નવજોતસિંહ સિધ્ધુ જુઓ; કે હવે યોગી આદિત્યનાથ જુઓ !!
જો કે આ યાદીમાં વડાપ્રધાન મોદીને ભૂલવા ના જોઇએ. તેમની એગ્રેસીવ સ્પીચની સામે કોંગ્રેસ હચમચી ગઇ હતી. તેમના જેવી સ્ટાઇલ મારવા અનેક નેતાઓ પ્રયાસ કરે છે. ટંૂકમાં અગ્રેસીવ વલણ દર્શાવતા નેતાઓ લોકપ્રિય બને છે. આ જોઈ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ એગ્રેસીવનેસના વાયરસ લાગ્યા હતા.
આવા એગ્રેસીવ સ્વભાવવાળા નેતાઓ પહેલાં પણ હતા પરંતુ તે ભ્રષ્ટાચારમાં અટવાઈ ગયા હતા. લાલુપ્રસાદ યાદવ કાગળમાં જોયા વીના ભાષણો કરતા હતા. આ માણસ રેલવે પ્રધાન હતા ત્યારે પોતે રેલવેમાં નફો કર્યો છે એવી ગુલબાંગો હાંકતા હતા. કોઈ તેમને પડકારતું નહોતું.
અંતે ખબર પડી કે આંકડા ખોટા હતા. એવી જ રીતે કપિલ સિબ્બલને સાંભળવા બિઝનેસમેન ઉમટતા હતા પરંતુ તેમણે ટેલિકોમ કૌભાંડને 'ઝીરો-લોસ' ગણાવતા લોકોએ મોં ફેરવી લીધું હતું. અટલબિહારી વાજપેઈને સાંભળવા લાખો લોકો આવતા હતા પરંતુ એકશન લેવામાં તે નબળા-વમાળ પુરવાર થતાં કોંગ્રેસ ચઢી બેઠી હતી.
ગુજરાતની વાત કરીએ તો ઇન્દુલાલ યાગ્નિક જેવો સુકલકડી નેતા બે હાથ ઊંચા કરી-કરીને તેજાબી ભાષણો આપતા હતા. કમનસીબી એ છે કે તેમના ભાષણો વાંચીને પણ કોઈ એગ્રેસીવ નેતા તૈયાર ના થયો. આવા નેતાઓનું પાયામાંથી ઘડતર થયું હોય છે.
ડાઈનીંગ ટેબલની સામે ટીવી જોતાં-જોતાં જમતી વ્યક્તિ બોલીવુડ કે સાઉથની ફિલ્મોમાં ફાઈટ કરતા હિરોને જોતાં જોતાં બે-ચાર રોટલી વધુ ખાઈ નાખે છે. કેમ કે જે તે નથી કરી શક્તો તેને હિરો કરી રહ્યો છે. સીતા ઔર ગીતાની ફિલ્મમાં ખલનાયકને જયારે ગીતા પટ્ટાથી ફટકારે છે ત્યારે આખું થિયેટર ચીચીયારી પાડતું હોય છે. કેમકે બધા ઇચ્છતા હતા કે સીતાને પટ્ટા ફટકારનાર ખલનાયકને પણ પટ્ટા ફટકારવા જોઇએ !!
યોગી આદિત્યનાથની વાહ-વાહ એટલા માટે થાય છે કે તેમણે લોકોના મનની વાત અમલમાં મુકી છે. લોકો ઇચ્છતા હતા કે ગેરકાયદે કતલખાના બંધ કરી શકે એવો કોઈ વિરલો પાકે !! એનડીએ સરકાર ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથના પગલાંના ગુણગાન ગાશે.
આખા દેશમાં બેજ રાજકીય નેતાઓની ચર્ચા થાય છે; એક છે 'મોદી' અને બીજા છે 'યોગી' !! યોગીના સમર્થકો તો ૨૦૧૯ના લોકસભા જંગમાં આદિત્યનાથ યોગીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઝંખી રહ્યા છે... જો કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં જ બીજી ટર્મ માટે તૈયારી શરૃ કરી છે. મોદી અને યોગીની સરખામણી કરતો એક વર્ગ છે. મોદી વિરોધીઓ યોગીની પ્રશંસામાં જોડાયા છે. કેમ કે તે માને છે કે રાજકીય વ્યૂહરચનામાં મોદીને નહીં પહોંચી શકાય પણ યોગીને મહાત્ કરી શકાશે.
આદિત્યનાથના જન્મ સ્થળ અને તેમની કામગીરી અંગેની પ્રશંસા કરતા ઢગલો વીડીયો બજારમાં ફરતા થયા છે. તમામ ટીવી ચેનલોએ ગોરખપુરનો ઇતિહાસ બતાવ્યો છે. જે મંદિરને કોઇએ જોયું નહોતું તેની મંગળા આરતી ઉત્તર પ્રદેશની પ્રાદેશિક ચેનલો બતાવે છે. લોકોને આ માણસ વિશે ઘણું જાણવું છે; આ માણસે કોઈ વાત છુપાવી નથી. તે ભાજપને વળગી રહ્યા છે અને હવે ભાજપ તેમને વળગી રહેશે.
ભાજપ શાસિત રાજ્યોમાં યોગી વાયરસ પહોંચી રહ્યા છે. ઝારખંડમાં ગેરકાયદે કતલખાના બંધ કરવા આદેશ અપાયા છે. આશ્ચર્ય તો એ છે કે ગેરકાયદે કામગીરી કરનારા એમ કહે છે કે કતલખાના બંધ થવાથી અત્રે ભૂખે મરીએ છીએ.
ગેરકાયદે કરવું, મૂંગા ઢોરને રહેંસવા અને ભૂખે મરવાની વાતને કોઈ મેળ નથી ખાતો !! માયાવતી જેવા ફેંકાઈ ગયેલા રાજકારણીઓને કતલખાના બંધ થવાથી બેકાર થયેલા લોકોમાંથી વોટબેંક શોધી રહ્યા છે. યોગીએ ઉત્તર પ્રેદશના રાજકીય સમિકરણોની સાથે દેશના રાજકીય સમિકરણો પણ બદલી નાખ્યા છે.
યોગીએ રાજકારણીઓને શીખવાડયું છે કે પ્રજા તરફી કામો કેવી રીતે થાય ? કેવી રીતે ૧૮ કલાક કામ કરવું ? કેવી રીતે વિરોધીઓની સાડાબારી ના રાખવી ? જો બહુમતીથી જીત મળી છે તો વૉટ આપનારની માગણી શા માટે ના સંતોષવી ?
આદિત્યનાથ યોગ-ધ્યાન અને કસરતને મહત્ત્વ આપશે. યોગી રાજ્યમાં અશાંતિ ફેલાવી રહ્યા છે એમ વિપક્ષો ખાસ કરીને પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી કહી રહ્યા છે. તેમને યોગીએ જવાબ પણ આપ્યો છે કે ગેરકાયદે કતલખાનાને ચાલવા દેવા એ લઘુમતી કોમનું તુષ્ટીકરણ છે. પહેલાં તમારે ત્યાં ગેરકાયદે ચાલતી ચીજો બંધ કરાઓ પછી તમને જવાબ આપીશ !!
યોગી આદિત્યનાથને કતલખાના સામે પગલાં લેતા જોઇને ઝારખંડના મુખ્ય પ્રધાન પણ સળવળ્યા છે. તેમણે ગયા સોમવારે ગેરકાયદે કતલખાના બંધ કરવા બે દિવસની મહેતલ આપી હતી.
યોગી આદિત્યનાથ કરતાં અડધી એગ્રેસીવનેસ દેશના બાકીના મુખ્ય પ્રધાનોમાં હોય તો ખરેખર ન્યુ ઇન્ડિયાના દર્શન થઇ શકે !!
આટલા મોટા દેશનો રથ ૨૮ મુખ્ય પ્રધાનો સાથે મળીને ખેંચે તો જ તે પ્રગતિના પંથે દોડી શકે !! યોગી આદિત્યનાથ કતલખાના બંધ કરાવશે તો કસાઈઓ અન્ય રાજ્યોમાં સક્રિય થશે. એકલા આદિત્યનાથ કેટલું ખેંચશે ?
યોગી આદિત્યનાથ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન છે. ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા યોગી આદિત્યનાથના પ્રયાસો સફળ થશે એમ મનાય છે.
હવેની ચૂંટણીઓમાં ભાજપ ગુજરાત મોડલના ગુણગાન ગાવાના બંધ કરશે અને ઉત્તર પ્રદેશને રોલ મોડલ તરીકે રજૂ કરશે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment