જેમ એકતા કપુર માટે 'ક' ફેવરીટ છે એમ ભાજપ માટે 'ગ' ફેવરીટ સાબિત થયો છે..
ગંગા, ગોધરા, ગૌહત્યા, ગધેડો, ગોરખપુર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરિવર્તનનું સૌથી મોટું પગલું હશે; ગૌહત્યાનો મુદ્દો ઊઠાવીને ભાજપ પ્રસર્યું છે..
એનડીએ સરકારને કોણ જાણે કેમ પણ 'ગ' શબ્દ સાથે લેણું હોય એમ લાગે છે. કેમ કે 'ગ' સાથે સંકળાયેલા તમામ શબ્દોને એનડીએની સફળતા સાથે જોડીને જોવામાં આવે તો મોદી સરકાર માટે 'ગ' શબ્દ કલગી સમાન છે. જેમ કે ગંગા; ગૌ હત્યા, ગધેડો, ગોરખપુર અને ગુજરાત, ગોવા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ !!, ગાંધી પરિવાર...
પ્રથમ નજરે જ સમજી શકાય એમ છે કે આ બધા 'ગ'થી શરૃ થતા શબ્દોએ એનડીએ સરકારની પ્રગતિને ઝડપભેર વધારી છે. અહીં વડાપ્રધાન માટે 'ગોધરા' શબ્દ પણ ઉમેરવો જોઇએ.
ના મૈં આયા હૂં, ના મુઝે યહાં લાયા ગયા હૈ.. મુજે તો માઁ ગંગાને બુલાયા હૈ... આ વાક્ય એટલું સંવેદનાથી ભરેલું હતું કે વારાણસીના લોકો તે સાંભળીને અડધાં-અડધાં થઇ ગયા હતા. ટીવી માધ્યમો પર પણ 'મંા ગંગા' શબ્દ સતત ગાજતો રહ્યો હતો. ગંગા શબ્દ જ પવિત્ર છે. દેશભરમાં 'માઁ ગંગાને બુલાયા હૈ' વાક્ય ગૂંજ્યા કરતું હતું. ગંગા આરતી; ગંગામાં સ્નાન, વારાણસીની ગલીઓ વગેરે લોકો જોયા કરતા હતા. ગંગના માધ્યમથી ભાજપે લોકોની સંવેદના જગાડી હતી અને લોકોને પોતાની તરફ કર્યા હતા.
ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગમાં 'ગધેડો' ચમકશે અને તેનો લાભ ભાજપવાળા ઉઠાવશે એમ તો કોઇએ કલ્પ્યું પણ નહોતું. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે જ્યારે ગુજરાતના ગધેડાનો પ્રચાર બંધ કરવાનું કહીને ગુજરાતીઓની ઠેકડી ઊડાડી ત્યારે એજ ગધેડો બીજા દિવસે અખિલેશને ભારે પડયો હતો. ગુજરાતી વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે કામ કરે તે ગધેડો છે. હું ગધેડો છું. હું ૧૮ કલાક કામ કરૃં છું. ઉત્તર પ્રદેશમાં લોકોને મોદીની આ વાત ગળે ઉતરી ગઇ હતી. કહે છે કે સમાજવાદી પક્ષનો ચૂંટણીમાં જે ધબડકો થયો છે તે ઘણી લાતોના કારણે થયો છે પરંતુ તેમાંની એક ગધેડાની લાત છે તે ભૂલવું ના જોઇએ.
ગોરખપુર એ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું ઘર છે. ઉત્તરપ્રદેશમાં આવેલા આ ગોરખપુર પંથકે દેશને ઘણાં બ્રેન આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં સપાટો બોલાવનાર યોગી આદિત્યનાથ ૧૮ કલાક કામ કરે છે. તેમની કામ કરવાની સ્ટાઇલ એગ્રેસીવ છે. સળગતા મુદ્દા ખાસ કરીને ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવીને તો તેમણે ઈતિહાસ સર્જ્યો છે. તેમને કામ કરતા જોઇને અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ સળવળ્યા છે. બધાએ ગેરકાયદે કતલખાના સામે લાલ આંખ બતાવવી શરૃ કરી છે. પરંતુ યોગી જેવી '૫૬'ની છાતી કોઇ બતાવી શક્યું નથી.
ઉત્તરાખંડમાં આવેલા યોગી આદિત્યનાથના જન્મસ્થાન ગોરખપુર પંથકમાં જન્મેલા અન્ય ટોચના લોકોમાં સંરક્ષણ સંસ્થાના ડાયરેકટર અનિલ કુમાર ધરામાના પણ પૌરીના છે. લશ્કરના વડા પણ બિપીન રાવત પણ પૌરીના છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે નેશનલ સિકયોરીટી એડવાઇઝર અજીત દોવલ પણ પૌરીના ધીરી બનેલ સામ ગામના છે.
ગોધરાને લોકો ભૂલી ગયા છે. પરંતુ આ એ ગોધરા છે કે જેણે ભાજપને દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો હતો. ગોધરામાં કારસેવકોને ટ્રેનના ડબ્બામાં જીવતા ભૂંજી નખાયા બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.
વર્તમાન વડાપ્રધાન ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેમણે કડક પગલાં લેવામાં મોડું કર્યું હોવાના આક્ષેપો વચ્ચે ભાજપ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટર્મ જીત્યું હતું અને નરેન્દ્ર મોદીએ સીધો જ હાઈ જમ્પ લગાવીને દિલ્હીની ગાદી મેળવી હતી. ગોધરાને લોકો ભૂલવા મથે છે. ત્યારબાદ હુલ્લડગ્રસ્ત ગુજરાત ડાહ્યું-ડમરું બની ગયું છે. ગોધરાની ઘટના બાદ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી. ગોધરાની ઘટના બાદ ભાજપ અને ગુજરાત ધીમી પણ મક્કમ ગતિએ રાષ્ટ્રીય ફલક પર છવાવા લાગ્યા હતા.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ જુલાઇથી અમલી બનવા જઇ રહ્યો છે. આઝાદી પછી પ્રથમવાર કોઇ અસરકારક આર્થિક પરિવર્તનનું પગલું લેવાશે. જીએસટી નામે ઓળખાતા આ ટેક્ષથી દેશભરમાં તમામ ચીજોના ભાવ એક સરખા રહેશે. સંગ્રહ કરનારાઓની કમર તૂટી જશે; બે નંબરીયા વ્યવહારો બંધ થઇ જશે. મોંઘવારી ઘટશે અને લોકોને તેનો સીધો લાભ મળશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બિઝનેસની આખી સિસ્ટમ બદલી નાખશે. ૧લી એપ્રિલથી શરૃ થયેલા (૨૦૧૭-૧૮) નાણાકીય વર્ષમાં પ્રથમ ય્જી્ નો ફેરફાર આવશે. એનડીએ સરકાર માટે આ મહત્વકાંક્ષી યોજના છે.
લોકસભાના જંગમાં અને ઉત્તર પ્રદેશના જંગમાં ભાજપે બધે જ ગુજરાત મોડલની વાત કરી છે. આ વાત સફળ પણ થઇ છે. અહીં પણ ગુજરાતનો 'ગ' કામ કરી ગયો હતો. વડાપ્રધાન મોદીએ ગુજરાતની ધરતી પર રાજકારણના પાઠ શીખવ્યા છે જે આજે તેમને વડાપ્રધાનની ખુરશી પર કામ આવી રહ્યા છે. સ્વભાવિક રીતે જ ગુજરાત તેમના માટે લકી સાબિત થયું છે. જેમ એકતા કપુર માટે 'ક' ફેવરીટ છે એમ ભાજપ માટે 'ગ' ફેવરીટ સાબિત થયો છે..
ગોવામાં તો કોંગ્રેસની આળસનો લાભ લઇને ભાજપે રાજ્ય પડાવી લીધું હતું. ગોવામાં ભાજપ હાર્યું હતું. સૌથી વધુ બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતુ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ધબડકાથી એટલી બધી નારાજ હતી કે ગોવાની જીત એના ધ્યાનમાં ના આવી !!
કોંગ્રેસે હોતી હૈ - ચલતી હૈ વાળી નીતિ અપનાવી હતી. આ સમય દરમ્યાન રાજકીય ચાલબાજ નીતીન ગડકરીએ ભાજપનું અન્ય પક્ષો સાથે સેટીંગ ગોઠવી દીધું અને રાજ્યપાલને મળીને બહુમતી સાબિત કરવાની તારીખ પણ લઇ લીધી !! જેની પાસે બહુમતી હતી તે પક્ષ વિપક્ષમાં બેઠો અને ચાલબાજ લોકોએ સરકાર બનાવી !! જોકે એવરીથીંગ ઈઝ ફૅર ઈન લવ એન્ડ ઈલેકશન...
અહીં કોઇ પ્રાસ બેસાડવાનો પ્રયાસ નથી કર્યો પણ એક સ્વયંભૂ વિચારને પ્રસરાવ્યો છે.
આ લખતાં - લખતાં સમાજવાદી પક્ષના ગૌરવ ભાટીયા ભાજપમાં જોડાયા છે. ગૌરવ ભાટીયા અખિલેશના જમણા હાથ સમાન હતા. હવે ભાજપને કોઇ નવા ધારાસભ્ય કે કાર્યકરની જરૃર નથી. છતાં જ્યારે ભાજપ માટે લાભદાયી 'ગ'ની વાત છે ત્યારે ગૌરવ ભાટીયા તેની સાથે વણાઇ ગયા છે.
અંતે 'ગ' એટલે ગાંધી પરિવારને પણ ભૂલવો ના જોઇએ. કોંગ્રેસ એટલે ગાંધી પરિવાર અને ગાંધી પરિવાર એટલે કોંગ્રેસ એ વાત બહુ છુપી નથી. પરંતુ ગાંધી પરિવારની નિષ્ક્રિયતા અને ફટોફટ નિર્ણયો લેવાની નબળાઇનો લાભ ભાજપે ઊઠાવ્યો છે. ગાંધી પરિવાર મોદીનો વિજય રથ ના રોકી શક્યું; આ પરિવારે આડે આવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ કોંગ્રેસનું હીર ચૂસાઇ ગયું હોય એમ લાગે છે.
આમ ગાંધી પરિવારની નિષ્ક્રિયતાનો ભાજપે ભરપૂર લાભ ઊઠાવ્યો હતો. ગોવા ભાજપે પચાવી પાડયું તેની પાછળ પણ આ નિષ્ક્રિયતા જવાબદાર હતી. ભાજપની પ્રગતિ સાથે 'ગ' જોડાયેલો છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment