રાજકીય ગપસપ: અમિત શાહના તેજાબી જવાબો

અમિત શાહના તેજાબી જવાબો

સરકારની ત્રણ વર્ષની કામગીરી અંગે ભાજપના નેતાઓ ગાંગરી-ગાંગરીને બોલે છે. તેમને પ્રશ્નો પૂછનારા પત્રકારો પણ પ્રજાલક્ષી મુદ્દાઓને ભૂલી જાય છે. ભાજપના પ્રમુખ અમિત શાહ જવાબો આપવામાં ઉસ્તાદ છે. 

ત્રણ વર્ષની કામગીરી અંગેનો દરેકને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર હોય છે. ચાન્સ મળે તો તે ઇન્ટરવ્યૂ લેનારને ખખડાવી પણ નાખે છે. સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હોવા છતાં સરકાર કડક પગલાં લેતા ડરે છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પાસે સ્પષ્ટ બહુમતી છે એટલે તે સડસડાટ નિર્ણયો લે છે. આવી જ સ્થિતિ કેન્દ્ર સરકાર પાસે છે પણ નિર્ણયો લેતા અને તેના અમલીકરણમા તે કાચી પડી છે. 

બેરોજગારી અને ગુંડાગીરીની સમસ્યા મોં ફાડીને ઉભી છે. ત્રણ વર્ષ થવા છતાં સરકાર બેકારોને નોકરી અપાવી શકી નથી. બેકારોની સંખ્યા વધે છે. આ સ્થિતિને ઉપલબ્ધિ કહેવાય?

મુખડા દેખ દર્પણ મેં...
એનડીએ સરકારે ત્રણ વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકવો જોઇએ. કેમકે સરહદ પરના ત્રાસવાદે ઘણાંના ઘર ઉજાડયા છે. ઉજવણી પર પૈસા બગાડવાને બદલે તે પૈસા શહીદોના કુટુંબીજનોને આપી દેવા જોઇએ. 

આટલો સારો આઇડીયા ભાજપના જ એક સાંસદે આપ્યો છે. પરંતુ કોઇને આ આઇડિયાને અમલમાં મુકવાનો સમય નથી. બધા ખુશખુશાલ છે. લોકોને હતું કે મોદી સરકાર પાસે જાદુઇ લાકડી છે એટલે એ આવશે અને બધી સમસ્યાઓનો ખાત્મો બોલાવી દેશે. 

જો કે આ જાદુઇ લાકડી શહેર, ટાઉનલેવલે કે ગામડામાં ક્યાંય કામ આવી નથી. મોદી સરકાર રોજ લોકોને એક લોલીપોપ બતાવે છે. પરંતુ તે લોકોના મોં સુધી પહોંચતી નથી. એનડીએ સરકારે મુખડા દેખ દર્પણવાળી વાતને સમજવા જેવી છે.

ખટ્ટર સરકાર સામે પ્રશ્નાર્થ
એનડીએ સરકારના ત્રણ વર્ષના શાસનમાં તેમને મળેલા એક રતનનું નામ છે યોગી આદિત્યનાથ!! આ માણસે લોકોના દિલ જીતી લીધા છે. ભાજપ શાસિત દરેક રાજ્યોના મુખ્યપ્રધાનોએ કામકાજ માટે યોગી સ્ટાઇલ અપનાવવી જોઇએ એવું લોકો માનતા થયા છે.

ભાજપશાસિત અન્ય રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચહેરાઓને સ્થાન અપાયું છે. આ ચહેરાઓ સંઘના હોવાના કારણે કોઇ વિરોધ થયો નહોતો પરંતુ તેમની કામગીરી 'ડલ' પડતી જાય છે. 

મોદી સરકારે કેન્દ્રમાં ત્રણ વર્ષની કામગીરીના ડેટા આપ્યા છે પણ ભાજપ શાસિત રાજ્યોની કામગીરીનો કોઇ હિસાબ નથી આપ્યો. મોદી સરકારે હરિયાણામાં સંઘનો ચહેરો મુકીને 'આ બેલ મુઝે માર' જેવી સ્થિતિ ઉભી કરી છે...

પ્રજાનો અભિપ્રાય
મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકાર અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ફર્ક શું? ભાજપના સમર્થકો એકદમ કહેશે કે મોદી સરકારમાં કોઇ ભ્રષ્ટાચાર નથી થયો જ્યારે મનમોહનસિંહની સરકારમાં અબજોનો ભ્રષ્ટાચાર થયો છે. 

લોકો એમ માનતા થયા છે કે સત્તા પર બેઠેલા થોડી લૂંટફાટ કરે તો ચાલે પરંતુ પ્રજા તરફ ધ્યાન આપવું જોઇએ. મોદી સરકારના કોઇ પ્રધાન ભલે ભ્રષ્ટાચારમાં સપડાયા ના હોય પણ દેશમાં તમામ સ્થળે ભ્રષ્ટાચારના વાયરસ પ્રસરેલા છે.

 નાની-મોટી સરકારી ઓફિસોમાં તો પૈસા વીના બધું અટકી પડે છે. પ્રજા મોદી સરકારની પેટભરીને પ્રશંસા કરે છે પણ પેટનો ખાડો પુરવાના સમયે મોદી સામે શંકાથી જુએ છે.

સફળતાઓ પણ છે..
ત્રણ વર્ષમાં સૌથી મોટી સફળતા એ સર્જીકલ સ્ટ્રાઇક છે. છેલ્લા એક મહિનાથી ભારતને વૈશ્વિક તખ્તા પર નામના મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારત તેના દુશ્મન નંબર-વન પાકિસ્તાનને હંફાવી રહ્યું છે. 

ભારતે પાકિસ્તાનને વૈશ્વિક તખ્તા પર બદનામ કર્યું છે. સર્જીકલ સ્ટ્રાઇકના અહેવાલો દરેક ભારતીયના મોઢા પર વિજય સ્મિત સમાન હતા. લશ્કરે મોડે-મોડે પણ પાકિસ્તાનના દાંત ખાટા કરવામાં સફળતા મેળવી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે પાકિસ્તાન પણ કોઇ ચોક્કસ પ્રતિભાવ આપી શક્યું નથી. 

પાકિસ્તાનની સરહદે હુમલો એ બહુ મોટી વાત છે. સરકારને હવે ખબર પડી છે કે લશ્કરને છૂટો દોર આપવાના કેવા પોઝીટીવ પરિણામો આવે છે. જો આવો છૂટો દોર ચાલુ રહેશે તો સર્જીકલ સ્ટ્રાઇકની માત્રા પણ વધશે.

એક સમયનો રાજકીય સૂરજ
ચંદ્રાસ્વામીના નિધનની કોઇ ખાસ નોંધ લેવાઇ નથી. પરંતુ ચંદ્રાસ્વામી એક સમયે એટલે ઈન્દિરા ગાંધીના કાળમાં કોંગ્રેસીની કીચન કેબીનેટના મુખ્ય પાત્ર હતા. ચંદ્રાસ્વામીની આસપાસ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ મધપૂડાની જેમ વળગેલા રહેતા હતા. 

નરસિંહરાવ તેના ખાસ ચેલા હતા. એક સમયે ચંદ્રાસ્વામી ભૂગર્ભમાં સંતાઇ ગયા હતા પછી મેડીકલ ટ્રીટમેન્ટના બહાને વિદેશમાં પડી રહેતા હતા. નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે તે ફરી સપાટી પર આવ્યા હતા. પરંતુ નરસિંહરાવે તેમના માટે યુઝ એન્ડ થ્રોની સિસ્ટમ અપનાવી હતી.

ચંદ્રાસ્વામી ગાંધી પરિવારની નજીક મનાતા હતા. ઈન્દિરા ગાંધી સાથે તેમને બધી રીતે સારી ફાવટ હતી. પરંતુ ચંદ્રાસ્વામીના કર્મોએ તેમનો જીવ હરી લીધો હતો. એક સમયે પાવર કિંગ મનાતા ચંદ્રાસ્વામી છેલ્લે એકલા-અટૂલા હતા.. ખરેખર ચંદ્રા એ એક સમયનો રાજકીય સૂરજ હતા..

Comments