સૌથી મોટો જૉક વિપક્ષમાં એકતા

ભાજપે પાકિસ્તાનને ના હંફાવ્યું પણ વિપક્ષોને હંફાવી દીધા છે..

કોંગ્રેસ સૌથી મોટો વિરોધ પક્ષ પરંતુ તે હતાશ છે; ઉપરા-છાપરી હારે તેનું સંગઠન તોડયું છે :  પ્રાદેશિક પક્ષોના નેતાઓ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સપડાયા છે..

ભાજપે એક આંખ કોંગ્રેસ પર અને બીજી આંખ પ્રાદેશિક પક્ષ પર રાખી હતી :  રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષો સર્વસંમત ઉમેદવાર રાખવા માગે છે પણ બહુમતી નથી..

નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ પાકિસ્તાનને ભલે હંફાવ્યું ના હોય પણ દેશના વિરોધ પક્ષોને તો ચોક્કસ રીતે હંફાવી દીધા છે. ભાજપે તેની વ્યૂહ રચનામાં વિપક્ષોને તોડવાને પ્રાયોરીટી આપી હતી. કેટલાંક વિપક્ષો હતાશામાં ડૂબેલા છે; કેટલાંક એમના પાપે ઢીલા પડયા છે તો કેટલાંકની ચાદર  મોદી - શાહ એન્ડ કંપનીએ ખેંચી લીધી છે.

ભાજપે તેની એક આંખમાં કોંગ્રેસ અને બીજી આંખમાં તમામ વિપક્ષોને રાખ્યા હતા. ઉપરા-છાપરી મળતી હારથી કોંગ્રેસ હતાશ છે તો ભ્રષ્ટાચારના ભારથી પ્રાદેશિક પક્ષો તૂટી રહ્યા છે.

વિપક્ષોમાં એકતા ના સર્જાય એવા વાયરસ ભાજપે છોડેલા છે. વિપક્ષોમાં જેને મજબૂત કહી શકાય એવા લાલુ પ્રસાદ ભ્રષ્ટાચારના કેસોમાં અટવાયેલા છે તો મુલાયમસિંહ યાદવ તેમના પુત્ર સાથેના મતભેદોમાં અટવાયેલા છે. અરવિંદ કેજરીવાલ માથું ઉંચું કરી શકે એમ હતા પણ તેના સાથી કપિલ મિશ્રાએ જ તેમની ઈમેજને વાઢી નાખી હતી.

પ્રશ્ન એ પણ છે કે વિપક્ષમાં છે કોણ કે જે એનડીએ સરકાર સામે ટકરાઇ શકે ? માંડ માંડ એકતા સધાય તો પણ તે લાંબુ ટકી શકે એમ નથી.

જ્યારથી વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની પસંદગી થઇ છે ત્યારથી તે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન બન્યાં પછી કોઇએ સલાહ આપી હતી કે કોંગ્રેસનો જાહેરમાં વિરોધ કરવો તેમને શોભતો નથી એટલે કોંગ્રેસના વિરોધનો પોર્ટફોલીયો મોદીએ અમિત શાહને સોંપ્યો હતો.

સૌથી જુનો પક્ષ કોંગ્રેસ એક માત્ર રાષ્ટ્રીય સ્તરનો વિપક્ષ છે પરંતુ ત્યાં નેતાગીરીનો પ્રોબ્લેમ છે. સોનિયા ગાંધી પ્રમુખ પદ તેમના પુત્ર રાહુલને સોંપવા માગે છે પણ રાહુલ હજુ તૈયાર નથી. આમ તો, રાહુલ ગાંધી સર્વે-સર્વા છે. 

તેમની કમનસીબી એ છે કે તે જુવાનીયાઓને આગળ લાવવા માગે છે પણ પક્ષના પીઢ કાર્યકરોને તે છોડવા તૈયાર નથી. કોંગ્રેસના અન્ય નેતાઓ એમ કહીને રાહુલની પીઠ થપથપાવે છે કે રાજકારણમાં હાર-જીત તો ચાલ્યા કરે !! કોંગ્રેસ પાસે ભવ્ય વારસો છે પણ આ વારસાઇ પર ધૂળ અને કરોળીયાનાં જાળાં જામી ગયા છે.

સમાજવાદી પક્ષ પાસે જ્યારે ઉત્તર પ્રદેશમાં શાસન હતું ત્યારે તે વિપક્ષો માટે તાકાતવર પક્ષ હતો પરંતુ ઉત્તર પ્રદેશ ગુમાવ્યા પછી આ પક્ષમાં કૌટુંબીક ઝઘડા મોટા પાયે થયા છે. બાપ-બેટાની લડાઇ વિપક્ષી એકતા માટે લાભદાયી નથી.

એવી જ રીતે દક્ષિણના કોઇ પ્રાદેશિક પક્ષો મજબુતાઇથી વિપક્ષી વહાણમાં બેસી શકે એમ નથી. જેમ કે તમિળનાડુમાં સત્તાવારી પક્ષ અન્ના ડીએમકે હોય કે વિપક્ષ ડીએમકે હોય; આ બંને આંતરિક વિખવાદોમાં ડૂબેલા છે.

ભાજપનો કેન્દ્રીય સ્તરે સામનો કરી શકે એવો એક માત્ર પ્રાદેશિક પક્ષ તૃણમુલ કોંગ્રેસ છે. પરંતુ તેમના નેતા મમતા બેનરજીના અને તેમના સાથીઓનો સ્વભાવ લડવાડીયો છે. મમતા બેનરજીને એકમાત્ર અરવિંદ કેજરીવાલ સાથે બનતું હતું પરંતુ કેજરીવાલ તો ભ્રષ્ટાચારના ભારથી એટલા દબાઇ ગયા છે કે તેમના પડછાયાથી પણ મમતા દૂર ભાગે છે.

મમતાએ લાલુ પ્રસાદ, મુલાયમસિંહ યાદવ અને સોનિયા ગાંધી જેવા નેતાઓને પણ ચકાસ્યા છે પણ દરેક તકસાધુઓ છે તેની ખબર પડી ગઇ છે. મમતા બેનરજીને હતું કે બિહારના નીતીશ કુમાર તેમને સાથ આપશે. પરંતુ લાલુ પ્રસાદ સામે ભ્રષ્ટાચારના કેસો શરૃ થતાં નીતીશ કુમાર ભાજપ તરફ ઢળવા લાગ્યા છે. આમ, નીતીશ સાથે પણ મમતાનું સેટીંગ થયું નહોતું.

તૃણમુલ કોંગ્રેસ પ્રજાના પ્રશ્ને બાંયો ચઢાવે છે. મમતા બેનરજીએ પ્રજા તરફ અનેક આંદોલનો કર્યા છે. મમતા સામે મુસ્લિમ તુષ્ટીકરણના આરોપો થયેલા છે. ટ્રીપલ તલાકના મુદ્દે મુસ્લિમ મહિલાઓ એનડીએ સરકારની પ્રશંસા કરી રહી છે. મમતા બેનરજી એકલસૂરા છે; એટલે તે ભાજપને હંફાવી શકતા નથી.

દેશના બે મુખ્ય રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિપક્ષોનું શાસન હતું. ઉત્તર પ્રદેશમાં ભાજપનું સ્ટીમ રૉલર ફરી વળ્યું હતું. તો બિહારમાં ભાજપનો સફાયો થયો હતો.

જોકે ભાજપ માટે લાભદાયી સ્થિતિ ભ્રષ્ટ લાલુપ્રસાદ યાદવના કારણે ઊભી થઇ છે. લાલુપ્રસાદની જેમ તેમના પુત્રોએ પણ રાજકારણમાં પૈસાની ખેતી કરી હતી. બિહારના સૌથી મોટા શોપિંગ મોલમાં તેમના પુત્રો સંડોવાયા છે. લાલુ સામે પણ ઘાસચારા કૌભાંડ અંગેના કેસો ૮ મહિનામાં પુરા કરવા એપેક્સ કોર્ટે આદેશ આપ્યા છે. મમતા માટે તેમજ વિપક્ષની એકતા માટે આ ફટકા સમાન છે.

નીતીશ કુમારનો પક્ષ જનતા દળ (યુ) પણ તૂટી રહ્યો છે. જે નીતીશ કુમારની સ્વચ્છ ઈમેજ હતી, પણ લાલુ સાથે જોડાણ કરવાથી તેમની ઈમેજ બગડી છે. બિહારમાં નીતીશ કુમાર મુખ્યપ્રધાન હોવા છતાં લાલુપ્રસાદ યાદવ સુપર ચીફ મિનિસ્ટર બનીને ફરે છે. લાલુના બે પુત્રો બિહારની કેબિનેટમાં છે. એક તો નાયબ મુખ્યપ્રધાન છે. છતાં તેમની ઈમેજ હજુ લાલુપુત્રો તરીકેની જ રહી છે.

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વિપક્ષના સર્વસંમત ઉમેદવાર પસંદ કરવા માટે મમતા બેનરજી ગયા અઠવાડીયે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. મમતા ઈચ્છે છે કે પ્રણવ મુખરજીને ફરી રાષ્ટ્રપતિ પદ માટે રીપીટ કરાય પરંતુ હવે રાજકીય ગેમમાં આ બંને માનુનીઓ પ્યાદા માત્ર છે.

બહુજન સમાજવાદી પક્ષના માયાવતી રાજકારણમાં જોરાવર કહેવાતા હતા પણ ભ્રષ્ટાચારના વાયરસ તેમના પક્ષમાં ઘૂસી ગયા છે અને આખા પક્ષનું સર્વર ખોટકી નાખ્યું છે.

આ વિપક્ષોની તાકાત ઓછી આંકવા જેવી પણ નથી. એક તબક્કે નીતીશ કુમાર અને સોનિયાએ ભેગા મળીને લાલકૃષ્ણ અડવાણીને વિપક્ષના ઉમેદવાર તરીકે નીમવા માગતા હતા. ભાજપ ઊંઘતું ઝડપાત પણ રાજકીય કુનેહ કામમાં આવી હતી. હવે વિપક્ષ પ્રણવ મુખરજીને રીપીટ કરવાની વાત કરે છે. ભાજપ પાસે પાતળી બહુમતી છે પણ ત્રણ વર્ષના શાસન દરમ્યાન તે ખેલાડી પક્ષ બની ગયો છે.

આગળ લખ્યું છે એમ ભાજપની એક આંખમાં કોંગ્રેસ છે તો બીજી આંખમાં અન્ય પ્રાદેશિક પક્ષો છે. આ બંને આંખોએ વ્યૂહાત્મક રીતે કામ કરીને દેશના વિપક્ષોને નબળાં પાડયાં છે; કેટલાક પોતાના કર્મોથી જ નબળાઇવાળા બન્યાં છે.

ક્યારેક એમ થાય છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિપક્ષના નામે મીંડું હોય એ કેવું ? ભારતમાં જોકે વિપક્ષે પ્રજાની સમસ્યાની રજૂઆત કરવાના બદલે એન્ટી-મોદી વલણ ઊભું કર્યું છે. તેમનું વલણ પ્રો-પીપલ હોવું જોઇએ પરંતુ એવું કોઇ તત્વ તેમનામાં દેખાતું નથી.

વિરોધ પક્ષોની ઘટતી લડાયક શક્તિ અંગે વૉટ્સ અપ પર એક સુંદર મેસેજ છે કે..
વડાપ્રધાન મોદીને મજા છે
કે નથી તો તેમને સંસદમાં કોઇ ટોકનાર
કે નથી ઘરમાં..

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments