- અરવિંદ કેજરીવાલના ખભે બંદૂક મુકીને જેઠમલાણી જેટલી પર આક્ષેપો કરે છે
- એક સમયે એક થાળીમાં જમનાર જેટલી અને જેઠમલાણી કટ્ટર દુશ્મનો બની ગયા છે
- વાજપેઈની સરકાર વખતે રામ જેઠમલાણીને કાયદા પ્રધાન પદ પરથી ખસેડનાર જેટલી હતા એવા આક્ષેપો....
જે રીતે સુપ્રીમ કોર્ટમાં રામ જેઠમલાણી નાણા પ્રધાન અરૃણ જેટલીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે છે તે જોતાં એમ લાગે છે કે અરવિંદ કેજરીવાલ સામેની બદનક્ષીના કેસની સાથે સાથે આ બંને એકબીજા પર પોતાની દાઝ ઉતારી રહ્યા છે આ કોલ્ડવૉર પર સૌની નજર છે.
રામ જેઠમલાણી એક સમયે ભાજપમાં હતા પરંતુ તે એટલા દાઝેલા છે કે તે ભાજપને ભાંડવાની એક પણ તક છોડતા ન હતા. જ્યારે અરવિંદ કેજરીવાલના બચાવ પક્ષે તેમને રોકાયા ત્યારે તે હરખભેર તૈયાર થઈ ગયા હતા. કેમકે અરૃણ જેટલીને ભીંસમાં લેવાની તેમને આસાન 'તક' મળતી હતી !! રામ જેઠમલાણીની અઢી કરોડની ફી દિલ્હી સરકાર શા માટે આપે ? આ તો કેજરીવાલ સામેનો કેસ છે !!
ત્યારે રામ જેઠમલાણીએ કેજરીવાલનો કેસ મફતમાં લડવાની ઓફર કરી હતી. ટૂંકમાં અઢી કરોડ જેવી માતબર રકમ છોડીને જેઠમલાણીએ અરૃણ કેજરીવાલને ભીંસમાં લેવાની તક છોડી નહોતી. ટૂંકમાં એમ કહી શકાય કે અરૃણ જેટલીને ભીંસમાં લેવા જેઠમલાણીએ અઢી કરોડ જતા કર્યા હતા !!
રામ જેઠમલાણી સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ ફી લેતા વકીલોની યાદીમાં આવે છે. સુપ્રીમના વકીલો એકવાર ઍપીયર થવાના એટલે કે હાજર થવાના પાંચથી છ લાખ રૃપિયા લે છે. સુપ્રીમ કોર્ટના દાદરા ચઢનારાને ન્યાય મળે કે ના મળે પણ ફી લાખોમાં ચૂકવવી પડે છે. એકવારના એપીયરન્સમાં ક્યારેય કેસ પતતો નથી. ૨૦-૨૫ મુદત તો આસાનીથી થતી હોય છે. એટલે કે એકાદ કરોડ ફી પેટે ચૂકવવા પડે છે.
દરેક આ ફીના ધોરણો જાણે છે પરંતુ અહીં ચર્ચા રામ જેઠમલાણી અને અરૃણ જેટલી વચ્ચેની કોલ્ડવોર સપાટી પર આવી તે અંગેની છે.
આ કિસ્સો રામ જેઠમલાણી-અરૃણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચેનો છે. આ ત્રણેય મિત્રો હતા. મોદીને વડાપ્રધાન પદ માટે જાહેર કર્યા ત્યારે અને ત્યારબાદ પણ રામ જેઠમલાણી તેમના પ્રશંસક હતા. રામ જેઠમલાણી બિન્દાસ્ત હતા. તે કોઈની શેહ-શરમમાં નહોતા આવતા. એટલે તો તેમણે રાજીવ ગાંધીના હત્યારાનો બચાવ કર્યો હતો અને ઇંદિરા ગાંધીની હત્યામાં પણ ટી.ડી. ડોગ્રાએ આપેલા મેડીકલ એવીન્ડસને પડકાર્યા હતા. આશારામ બાપુના બચાવ પક્ષે પણ તે વકીલ તરીકે હતા. ટૂંકમાં રામ જેઠમલાણી સામા પ્રવાહે તરનારા હતા.
રામ જેઠમલાણી-જેટલી અને મોદી વચ્ચે મતભેદો ત્યારે સર્જાયા કે જ્યારે મોદીએ જેઠમલાણીના કેટલાક સૂચનો ફગાવ્યા હતા. જેઠમલાણીને થયું હતું કે જેટલી અને મોદી બંનેએ મીઠું-મીઠું બોલીને મને ભરમાવ્યો હતો. પરંતુ સરકાર રચાયા પછી ખ્યાલ આવી ગયો હતો કે મને છેતરવામાં આવ્યો છે. ૯૨ વર્ષના જેઠમલાણી જ્યારે એમ કહે કે મને છેતરવામાં આવ્યો છે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે.
કહે છે કે મોદી સરકાર સત્તા પર આવ્યા પછી એક ટીવી ચેનલ અને પી. ચિદમ્બરમ્ સામે ૫૫૦૦ કરોડનો મની લોન્ડરીંગ કેસ જેઠમલાણીએ મોદી સરકારને સોંપ્યો હતો. જેમાં તમામ પુરાવા હોવા છતાં મોદી સરકાર ચૂપ રહી હતી. ત્યારથી રામ જેઠમલાણી છંછેડાયા હતા. પછી તો જેઠમલાણી ખુલ્લં-ખુલ્લાં મોદી સરકારની ટીકા કરવા લાગ્યા હતા. એમ પણ કહેવાય છે કે કેજરીવાલે લાલુપ્રસાદ યાદવને કહીને જેઠમલાણીને વકીલ થવા કહ્યું હતું.
સામે અરૃણ જેટલી છે એ જાણીને રામ જેઠમલાણીએ તરત હા પાડી દીધી હતી કેમકે જેઠમલાણી કોર્ટમાં જેટલીને ભીંસમાં લેવાની તક ખોવા નહોતા માગતા.
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા પરંતુ રામ જેઠમલાણી અને અરૃણ જેટલી વચ્ચેની દુશ્મનાવટ લાંબી ચાલી છે. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે અબોલા હતા ત્યારે તેમના વચ્ચે સમાધાન કરાવવા રામ જેઠમલાણીએ પ્રયાસ કર્યો હતો. આ વાત ખાનગી નથી. ભાજપના તમામ નેતાઓ જાણે છે.
આ બે વચ્ચે સમાધાન થાય તો જ નીતિશ કુમારને આગળ વધવાનો ચાન્સ હતો. નીતિશ અને અડવાણીનો પ્રેમ પણ બહુ જાણીતો છે. આ પ્રેમ નરેન્દ્ર મોદીની ઈમેજ તોડવા વારંવાર સપાટી પર આવતો હતો એટલે જ મોદીએ બિહારમાં લાલુ અને નીતિશની જોડી બનવા દીધી અને અડવાણીને ખસેડી દીધા હતા. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી આ જોડીને જાણતા હતા અને તેમને 'વાયરસ' કહેતા હતા
જેટલી અને જેઠમલાણીએ બંનેના અહમ્ની વાતો પર પાછા એ ફરી તો ભાજપની રાજ્યસભા બેઠક જેઠમલાણીને ક્યારેય ના મળે એવો પ્લાન જેટલીએ કર્યો હતો. જેઠમલાણી અને મોદી વચ્ચે સમાધાન ના થાય તેવા પ્રયાસો જેટલીએ કર્યા હતા.
૨૦૧૪માં જેઠમલાણીએ મોદીને ટેકો જાહેર કર્યો હતો પરંતુ હવે તે મોદીનો વિરોધ કરે છે. વાજપેઈ સરકાર વખતે કાયદા પ્રધાન પદે રામ જેઠમલાણી હતા ત્યારે તેમને આ પોસ્ટ પરથી જેટલીએ ખસેડયા હતા. આમ આ બંને વચ્ચેની વોર વર્ષો જૂની છે.
રામજેઠમલાણી રાજકારણની મહામાયા છે તો અરૃણ જેટલી રાજકારણના ચાણક્ય છે. રામ જેઠમલાણી એમ માની બેઠા છે કે તે જે કેસ હાથમાં લે તે જીતી જાય !! તગડી કમાણી કરતા સુપ્રીમ કોર્ટના કિસ્સાઓમાં તે ટોપ પર આવે છે. તે ભાજપના વકીલ તરીકે ઓળખાતા હતા પરંતુ ૨૦૧૪માં લોકસભામાં ભાજપના જંગી વિજય બાદ રામ જેઠમલાણીને દૂધમાંથી માખી કાઢતા હોય એમ ભાજપે કાઢી મુક્યા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ તે પ્રિય નથી કેમકે દેશવિરોધી લોકોના કેસ પણ તે લડતા હતાં.
રામ જેઠમલાણીની એક કુટેવ એ હતી કે તે સમાચાર માધ્યમોમાં ચમકવા માગે છે એટલે જ તેમણે અરવિંદ કેજરીવાલના વકીલ બનવાની પ્રથમ પ્રાયસે જ 'હા' પાડી દીધી હતી. ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવા પણ રામ જેઠમલાણી કુદી પડયા હતા. શેરબજારના કૌભાંડોના સૂત્રધારો હર્ષદ મહેતા અને કેતન પરીખના બચાવમાં પણ તે ઉમેરાયા હતા. તેની પાછળનું એક કારણ સમાચાર માધ્યમોમાં કવરજ મેળવવાનું પણ હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મોદી સરકારમાં જેટલી મોટું માથું છે. વડાપ્રધાન મોદીના તે જમણા હાથ સમાન છે. તેમની ઇમેજ કલીન છે પણ તે સાથે રામ જેઠમલાણી સંમત નથી. જેટલીના વિરોધીઓ એમ સમર્થકો પણ ઘણાં છે. હાઇ-સુગરથી ત્રસ્ત જેટલી હળવો ખોરાક લે છે પણ પ્રજામાં તે લોકપ્રિય છે તે હકકીત ભૂલવી ના જોઈએ.
કેજરીવાલ સામે બદનક્ષીના કેસમાં રામ જેઠમલાણી એક રૃપિયો ફી લઈને હાજર થયા છે તે દર્શાવે છે કે રામ જેઠમલાણી કેજરીવાલના ખભે બંદૂક મૂકીને જેટલીને ડરાવી રહ્યાં છે. દેશના મોટા અને નામાંકિત લોકો લડી રહ્યા છે. એક દેશના ટોચના વકીલ છે, એક દેશના નાણા પ્રધાન છે અને એક મુખ્યપ્રધાન છે. કાયદા સાથે સંકળાયેલા કહે છે કે જેટલીએ કરેલાં બદનક્ષીના કેસમાં બહુ દમ નથી પણ હવે જ્યારે જેટલીએ બીજા ૧૦ કરોડની બદનક્ષીનો કેસ કર્યો છે જે જેટલીનો કોન્ફીડન્સ બતાવે છે.
રામ જેઠમલાણીએ પ્રશ્નોનો મારો ચલાવીને અરૃણ જેટલીને મૂંઝવી દીધા હતા જોકે લોકોને મજાતો ત્યારે આવશે કે જ્યારે કેજરીવાલ સામે જેટલીના વકીલો મારો ચલાવશે.
મોટા માથાઓની આ કોર્ટમાં ચાલતી લડાઈ દેશના કોમનમેનમાં રસપ્રદ બની રહી છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment