- જોડાણમાટેની ઉલટી ગંગા, દેશના સૌથી જુના પક્ષ સાથે પ્રાદેશિક પક્ષ જોડાણ કરે, અહીં જૂનો પક્ષ જોડાણ કરશે..
રાજકારણના તખ્તા પર બે નિર્ણયોની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી. એક નિર્ણય ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિધ્ધુનો કોેંગ્રેસમાં પ્રવેશ અંગેનો હતો અને બીજો કોંગ્રેસનો સમાજવાદી પક્ષ સાથે જોડાણ.
જેમ સમાજદવાદી પક્ષ ક્રોંગ્રેસને ડીંગો બતાવીને ફેરવતો હતો એમ કોંગ્રેસ નવજોત સિધ્ધુ ને ફેરવતો હતો. રવિવારે કોઇ ધામધૂમ વીના રાહુલ ગાંધીએ નવજોતને પક્ષમાં આવકાર્યા હતા. કોંગ્રેસે આખી ધટનાને મારી નાખી હતી કેમકે તેમના માટે ઉત્તરપ્રદેશનું જોડાણ મહત્વનું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભા જંગમાં એક તરફ સાઇકલના સિમ્બોલ માટે મુલાયમ સિંહ યાદવ અને તેમના મુખ્ય પ્રધાન પુત્ર અખિલેશ વચ્ચે કોર્ટમાં વોર ચાલી રહી છે ત્યારે બીજી તરફ સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જોડાણની વાતો ચાલી રહી છે. આ બંન્ને વચ્ચે મધ્યસ્થિ તરીકે કપિલ સિબ્બલ હોવાનું મનાય છે.
અખિલેશ સાઇકલના સિમ્બોલ માટે જે કેસ લડે છે તેમાં વકિલ તરીકે કપિલ સિબ્બલ છે. રાહુલ ગાંધીએ સિબ્બલને કામ સોંપ્યુ છે કે કોઇ પણ રીતે સમાજવાદી પક્ષને જોડાણ માટે સમજાવો.
કેસનું હીયરીંગ થઇ ગયું છે, ચુકાદો પેન્ડીંગ છે, લાગે છે કે સાઇકલના સિમ્બોલ અંગેનો ચુકાદો આવશે તે દિવસે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસનું ચૂટણી જોડાણ જાહેર થશે. ભારતના સૌથી જુના રાજકીય પક્ષની દશા તો જુઓ તેણે પ્રાદેશિક પક્ષ સાથે જોડાણ માટે કરગરવું પડે છે.
રાહુુલ ગાંધી એટલું તો સમજી ગયા છે કે કોંગ્રેસ એકલા હાથે ક્યાંય સરકાર બનાવી શકે એમ નથી એટલે વાણીયાની મૂછ નીચી એ નીતિ તેમણે અપનાવી છે. બિહારમાં પણ તેમણે જનતા દળ(યુ) અને લાલુ પ્રસાદના રાષ્ટ્રીય દળ સાથે જોડાણ કર્યું હતું.
કોંગ્રેસ સમય પારખી ગઇ છે. ઉત્તર પ્રદેશ એકલા હાથે જીતી શકાય એમ નથી એટલે જોડાણ સિવાય કોઇ વિકલ્પ નથી. સામાન્ય રીતે મોટા પક્ષ સાથે પ્રાદેશિક પક્ષો જોડાય પણ અહીં તો ઉલટી ગંગા વહે છે. પ્રાદેશિક પક્ષોની તાકાત અહીં જોવા મળે છે.
સમાજવાદી પક્ષ જીતે એવી સ્થિતિમાં છે પરંતુ ત્યાં રમાતી યાદવા સ્થળી તેની ઇમેજ બગાડી રહી છે. કોંગ્રેસે જોડાણ માટેની બાજી એવી રીતે ચીપી છે કે સમાજવાદી પક્ષનો હાથ ઉપર રહે. જોડાણ લગભગ નક્કી હતું ત્યાંજ યાદવા -સ્થળીએ બાજી બગાડી નાખી હતી.
લાંબો સમય ચાલેલી આ હૂંસા-તૂંસી વચ્ચે કોંગ્રેસ કોઇની તરફેણ કરી શકે એમ નહોતી. જોડાણની વાતોના તમામ અંગો કોંગ્રેસે સંકેલી લીઘા હતા. કોંગ્રેસે શીલા દિક્ષિતનું નામ પણ લાંબી વ્યૂહ રચનાના ભાગ રુપે જાહેર કર્યું હતું.
કોંગ્રેસ એમ બતાવવા માંગતી હતી કે અમને જોડાણની બહુ પડી નથી. જો કે આ ચાલની ખંધા સમાજવાદી પક્ષ પર કોઇ અસર થઇ નહોતી. રાહુલ ગાંધીની કિસાન યાત્રા કોઇ પ્રભાવ ઉભો કરી શકી નથી એ જાણી ગયેલા સમાજવાદી પક્ષે જોડાણનો નિર્ણય લબડતો રાખતા કોંગ્રેસ ગભરાઇ હતી એટલે તેણે પ્રચારમાં શીલા દિક્ષિતને સાથે રાખવાનું પણ બંધ કરી દીધું હતું.
ઉતરાયણના દિવસે જ્યારે લખનૌમાં પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવના ફોટા સાથેનું કંબાઇન પોસ્ટર જોવા મળ્યું ત્યારે એવા સંકેતો મળ્યા હતા કે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે જોડાણ થઇ ગયું છે.
જોકે રવિવારની સાંજ સુધી આવી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નહોતી. પરંતુ પ્રિયંકા અને ડિમ્પલનું પોસ્ટર કોઇ બોલીવુડની ફિલ્મ જેવું લાગતું હતું.
આ બંન્ને દેખાવે બોલીવુડની હિરોઇન જેવી છે પરંતુ રાજકારણની બન્ને ખેલાડી છે. બન્નેના ઘરમાં આખો દિવસ રાજકારણના ચર્ચાઓ ચાલ્યા કરે છે. તેમને પોતાના ઘરમાંથીજ રાજકારણની એ-બી-સીના પાઠ ભણવા મળ્યા છે.
નવજોતસિંહ સિધ્ધુ એમ માનતા હતા કે તેમને કોંગ્રેસમાં બેન્ડવાજા મારફતે આવકારવામાં આવશે પરંતુ આ માણસની મુખ્ય પ્રધાન બનવાની લાલસા કોંગ્રેસ જાણી ગઇ હતી.
કોંગ્રેસમાં જોડાવા માટે સિધ્ધુ કોઇ માગણી ધ્યાનમાં લેવામાં નહીં આવે પણ તે પોતાની સીટ વીનર હોઇ તેમને ટીકીટ આપવામાં આવશે. સિધ્ધુ એ ભાજપ, આમ આદમી પાર્ટી સાથે મુખ્ય પ્રધાન પદ માટેની સોદાબાજી કરી હોવાના અહેવાલો ફરતા થયા હતા.
કોંગ્રેસ ચાલાક છે, તેણે નવજોતને કટ ટુ ધ સાઇઝ કર્યા પછી ટીકીટ આપવાનું નક્કી કર્યું છે. તેને બરાબરનો ફેરવ્યા પછી ટીકીટ અપાઇ છે. નવજોત સિધ્ધુ એમ માનતા હતા કે તેમને દિલ્હીબોલાવીને રાહુલ પક્ષમાં આવકારશે. પરતુ રાહુલે ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમને પક્ષમાં સમાવ્યા હતા.
હવે અખિલેશ સાથે રાહુલની મીટીંગ થઇ ગઇ છે. આ જોડાણની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે. કોંગ્રેસ આ જોડાણ કરી શકશે તો તેના માટે ઉત્તર પ્રદેશ જીત્યા જેવી જીત ગણાશે

Comments
Post a Comment