કિરણ બેદીનો ગુસ્સો જૈસે-થે
આઈપીએસ કિરણ બેદી તેમના કડક સ્વભાવ માટે જાણીતા છે. તે જ્યારે દિલ્હીમાં હતા ત્યારે ખોટી જગ્યા પર પાર્ક કરેલી ઈન્દિરા ગાંધીની ગાડીને પણ ઊંચકી લીધી હતી.
વડાપ્રધાનની ગાડીએ કરેલા નિયમભંગ સામે પગલાં લેનાર તે પ્રથમ પોલીસ અધિકારી બન્યા હતા. તે અણ્ણા હજારેના આંદોલનમાં કેજરીવાલ સાથે હતા. ત્યારબાદ ભાજપના દિલ્હી ખાતેના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હતા. હાલમાં તે પુડીચેરીમાં લેફટનન ગવર્નર તરીકે છે.
તેમની અને કોંગ્રેસના મુખ્ય પ્રધાન વચ્ચે છાશવારે તડાતડી થાય છે. તાજેતરમાં તેમણે વૉટ્સઅપ પર કોંગી પ્રધાનોની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ બેદીની ટીકાનો વિરોધ પણ નોંધાવ્યો હતો.
જોકે કિરણ બેદી ઠંડા પડતા નથી. કોઇએ કિરણ બેદીને પૂછ્યું કે તમે લેફ્ટનન ગવર્નર છો થોડા સૉબર બનો !! બેદીએ કહ્યું કે પહેલાં મુખ્ય પ્રધાન સૉબર બને પછી મારો વારો..
રાહુલ ગાંધીએ શું વાંચવું જોઇએ..
રાહુલ ગાંધી આજકાલ બોલતા થયા છે. ગયા અઠવાડીયે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પહોંચી વળવા હું વેદ અને ઉપનિષદ વાંચું છું. આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસના પ્રિન્સે પ્રથમવાર વેદ-ઉપનિષદની વાતો કરી છે. વેદ-ઉપનિષદની વાતો સમજવી અઘરી છે.
તો પછી તેને સમજવા શું કરવું ? જાણકારો કહે છે કે આ અઘરા સાહિત્યો રાજકારણીઓ માટે નથી તે સાધુ-મહાત્માઓ માટે છે. જ્યારથી રાહુલ ગાંધીએ વેદ-ઉપનિષદની વાત કરી છે ત્યારથી ટ્વીટર પ્રેમીઓ તેમની બહુ 'ખેંચે' છે. એક જણે તો લખ્યું છે કે રાહુલે વેદ-ઉપનિષદ જેવી ભારે વાતો કરવાના બદલે 'પંચતંત્ર'ની વાતો વાંચવી જોઇએ જેમાં ઘણાં ઉપદેશો જોવા મળે છે.
અમિત શાહનો સ્વભાવ..
ભાજપના પ્રમુખ અમિત શાહ અત્યારથી જ ૨૦૧૯નો જંગ જીતવાના કામમાં લાગી ગયા છે. તેમના પ્રવાસ દરમ્યાન તે વિવિધ કોમ્યુનિટીના ઘરમાં પલાંઠી વાળીને જમતા જોવા મળે છે. આ જોઇને કોંગ્રેસે કહ્યું કે દલીતના ઘેર જઇને જમવાની શરૃઆત રાહુલ ગાંધીએ કરી હતી.
ટૂંકમાં અમિત શાહ તો કોપી કરી રહ્યા છે. તરત જ ભાજપવાળાએ કહ્યું કે રાહુલ ગાંધી તો શૉ-બાજી કરતા હતા જ્યારે અમિત શાહ તો દિલથી જમે છે.
ભાજપના એક નેતાએ તો એટલે સુધી કહ્યું કે બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતીએ દલિતના ઘેર જમતા રાહુલને જોઇને કહ્યું હતું કે આ રાહુલનો દલિત પ્રેમ નથી પણ રાહુલ તો જ્યારે ઘેર પાછા જાય ત્યારે સાબુ ચોળી-ચોળીને નહાવું પડે છે !!
કુમાર સામે અવિશ્વાસ
કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટીની કુંડળી મળતી નથી. વારંવાર બન્ને પક્ષે ખોટું લાગી જાય છે. કુમાર વિશ્વાસને આમ આદમી પાર્ટીએ રાજસ્થાનનો હવાલો સોંપ્યો છે પણ કુમાર વિશ્વાસ તો મુશાયરા - કવિ સંમેલનોમાંથી ઉંચા જ નથી આવતા એટલે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળી શકતા નથી.
અરવિંદ કેજરીવાલને આ કાર્યકરોએ ફરીયાદ કરી કે તરત જ કુમાર વિશ્વાસનો ખુલાસો પૂછાયો હતો. કુમાર વિશ્વાસે કહ્યું કે પંદરેક દિવસ પછી હું રાજસ્થાન જઇશ. જોકે પોતાનું પ્રોમિસ તે પાળી શક્યા નહોતા. અંતે આપની કેબીનેટમાં કુમાર વિશ્વાસની ઝાટકણી કઢાઇ તો પણ તે રાજસ્થાન ના ગયા !! કુમાર વિશ્વાસના મનમાં દિલ્હીનું મુખ્ય પ્રધાનપદ રમે છે એવું કેજરીવાલને કોણ કહેશે ?
યોગી આદિત્યનાથના પગલાં
યોગી આદિત્યનાથ જ્યાં પણ જાય છે ત્યાં ત્રણ દિવસ અગાઉ સિક્યોરિટી ટાઇટ કરી દેવામાં આવે છે. તેમની નિર્ણયો લેવાની ઝડપ જોઇને સૌ ચોંકી જાય છે. તેમણે સચિવોની બદલીઓ એક વાર કરી છે અને આસિસ્ટન્ટ સચિવોની બદલી બે વાર કરી છે.
યોગીના ઘેર ભરાતા લોકદરબારમાં તો તે ફટોફટ નિર્ણયો લે છે. મુખ્યપ્રધાન બન્યા પછી પણ તેમનામાં કોઇ ફેરફાર થયો નથી. યોગીની જીવનચર્યા સવારે ૫ વાગે મંગળા આરતીથી શરૃ થાય છે.
તેમના કોઇ પ્રધાનો તેમની સાથે કદમ મીલાવી શકતા નથી. તેમના એક પ્રધાન સ્વાતિ સિંહે એક બીયર બારનું ઉત્પાદન કરતાં તેમણે સ્વાતિ સિંહનો ખુલાસો માગ્યો અને બિયર બારના માલિકોને જેલમાં મોકલીને બાર બંધ કરાવી દીધો હતો. સ્વાતિ સિંહ કેમ બચી ગયા ? યોગીએ જવાબ આપ્યો કે તેમને કદાચ પક્ષમાંથી જ કાઢી મૂકીશું !!
સ્મૃતિ ઈરાની તોફાની નિવેદન
સ્મૃતિ ઈરાની હાજરજવાબી છે. તેમની સાથે કોઇ પત્રકાર વિવાદમાં ઉતરતો નથી. તાજેતરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની ટીકા કરી ત્યારે સ્મૃતિ ઈરાની તડૂકી ઊઠયા હતા.
તેમણે કહ્યું કે મોદીની ટીકા કરનાર રાહુલ ગાંધી છે કોણ ? ભાજપના નેતાઓએ તેમને સમજાવ્યું કે તે વિપક્ષના નેતા છે અને કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. લોકશાહીમાં તેમને ટીકા કરવાનો પુરો હક છે.
કોણ જાણે કેમ પણ રાહુલને જવાબ આપવા સ્મૃતિ ઈરાની તત્પર હોય છે. આ બંને વચ્ચેની કૉલ્ડવૉર રાયબરેલી - અમેઠી વિસ્તારના ચૂંટણી પ્રચાર દરમ્યાન થઇ હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ સ્મૃતિ રાહુલ પર વરસતા હતા. પરંતુ હવે ચૂંટણીઓ નથી. સ્મૃતિ ઈરાનીનો ગુસ્સો તેમને જ મોંઘો પડી શકે છે...

Comments
Post a Comment