રાજકીય ગપસપ: રાબડી દેવી જમીન માગતા હતા, દિગ્વિજયસિંહે બાફ્યું હતું..

પહેલા ઉમેદવાર શોધો, પછી વિચારો
એનડીએ સરકારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દલિત ચહેરો પસંદ કર્યો તે આવકાર્ય છે.

વિરોધ પક્ષ ઉમેદવાર શોધતો રહ્યો અને એનડીએ દ્વારા ઉમેદવાર જાહેર પણ થઇ ગયા !!

કમનસીબી તો એ છે કે દરેક પક્ષ દલિત ચહેરો શોધવા ફેરફુદરડી ફરતો હતો. વિપક્ષોને તો એકમત થઇ અને ઉમેદવાર શોધવાનો હતો. આ કામ એનસીપીના નેતા શરદ પવારને સોંપાયું હતું.

શરદ પવાર લગભગ નિવૃત છે. છતાં તેમના પર ભરોસો મૂકાયો હતો. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ નેતૃત્વ સંભાળ્યું હતું. અંત એ આવ્યો કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ વિપક્ષ શોધી ના શક્યો. વિપક્ષ સમયસર ઉમેદવાર શોધી ના શક્યા તો પછી શું ખાક તેને જીતાડી શકવાના છે !!

દિગ્વિજયસિંહે બાફ્યું હતું..
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શોધવાની ઢીલી ચાલને રાજકીય પક્ષો ગોવામાં સરકાર બનાવવાની ઢીલી નીતિ સાથે સરખાવી રહી છે.

ગોવામાં બેઠકોનો ગુંચવાડો થતાં જ નીતીન ગડકરીને ભાજપની સરકાર બનાવવાનું મીશન સોંપાયું હતું.

ગડકરીએ કોંગ્રેસ પહોંચે તે પહેલાં તો બાજી પોતાના હાથમાં લઇ લીધી હતી. કેટલાંક રાજકીય દાવ વેળાસર રમવાના હોય છે તે દેશનો સૌથી જુનો પક્ષ કોંગ્રેસ હજુ શીખ્યો નથી.

ત્યારે પણ ગોવામાં ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો અને હવે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. લાગે છે કે ભાજપવાળાને માસ્ટર સ્ટ્રોક રમતાં કોંગ્રેસની ઢીલી નીતિએ શીખવાડી દીધું છે.

પત્રકારો અને યોગ
રાજકીય નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન જેવા મોટા માથા હોય ત્યારે સીનિયર પત્રકારોને સમાચારોના કવરેજ માટે મોકલાય છે.

લખનૌમાં યોગ દિવસે વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન બંનેની ઉપસ્થિતિના અહેવાલો માટે ઉત્તર પ્રદેશના માહિતી ખાતાએ અખબારો અને ટીવી ચેનલોને સરક્યુલર મોકલ્યો કે કાર્યક્રમના સ્થળે પહોંચવા સવારે ત્રણ વાગે બસ ઉપડશે. સિક્યોરિટી પ્રોટોકોલના કારણે સમયસર પહોંચવાનું છે.

પ્રોગ્રામ ૬ વાગ્યાનો હતો. ૩ વાગે પત્રકારોને લઇ જવાના હતા. સીનિયર પત્રકાર વહેલા ઊઠવા ટેવાયેલા નહોતા એટલે પોતાની જગ્યાએ જુનિયરોને મોકલ્યા હતા. કેટલાકે રસ્તામાં કહ્યું કે ચા-પાણી કરાઓ પણ માહિતી ખાતાના એક ચબરાક વ્યક્તિએ કહ્યું કે યોગનો પ્રોગ્રામ છે પત્રકારોએ પણ ખાલી પેટે જવાનું છે માટે..  No Tea..

અમિત શાહની ટેકટીક્સ..
ગયા સોમવારે ભાજપના સંસદીય બોર્ડની મીટીંગ હતી ત્યારે વડાપ્રધાન મોદી ભાજપ ઓફિસમાં લાંબુ રોકાયા હતા.

અંદર જેવી મીટીંગ પતી કે બહાર સિક્યોરીટીને એલર્ટ કરાઇ હતી. જોકે વડાપ્રધાન બીજા રૃમમાં જઇને ફોન પર બિઝી થઇ ગયા હતા. તેમણે મનમોહનસિંહ, સોનિયા ગાંધી સહિતના અન્ય વિપક્ષી નેતાઓને ફોન કર્યા હતા.

આ સંજોગોમાં બહાર ઊભેલા પત્રકારો ઓફિસમાં ઘૂસવા પ્રયાસ કરવા લાગ્યા હતા. અમિત શાહે જ્યારે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદનું નામ જાહેર કર્યું ત્યારે જેટલા પત્રકારો ભાજપની ઓફિસમાં હતા તેનાથી બમણા બહાર ઊભા હતા.

મોટાભાગના પત્રકારો એકના એક પ્રશ્નો ગોળ-ગોળ ફેરવીને પૂછતા હતા. જોકે સામે છેડે જવાબ આપનાર અમિત શાહ હતા. તે ટૂંકમાં જવાબ આપતા હતા. પત્રકારોના પ્રશ્નોને ટેકલ કરતાં તેમને આવડે છે..


રાબડી દેવી જમીન માગતા હતા
લાલુ પ્રસાદ યાદવ તો ભ્રષ્ટાચારના કિંગ હતા પણ રાબડી દેવી કેવી રીતે ભ્રષ્ટાચારના 'ક્વીન' બન્યા તે જાણવું જરૃરી છે.

જ્યારે કિંગ જેલમાં હતા ત્યારે ક્વીન મુખ્ય પ્રધાન હતા. નિયમિત રીતે આવતી હપ્તાબાજીનું મેનેજમેન્ટ લાલુ પ્રસાદ જેલમાં બેઠા બેઠા કરતા હતા.

રાજ્યનું મેનેજમેન્ટ ચોથું ધોરણ માંડ પાસ થયેલા રાબડી દેવી કરતા હતા. કહે છે કે તેમને પૈસા ગણવાનું કે બોલવાનું નહોતું ફાવતું એટલે તેમણે સીધી જમીનો જ લખાવી લીધી હતી.

તમારી જમીનમાંથી દશ વીઘા લખી આપો અથવા દશ વીઘા જમીન ખરીદીને મારા નામે કરી નાખો એવું બોલતા તે લગ્ગીરેય ખચકાતા નહોતા.

 વેપારી વર્ગના સંતાનો પણ પિતાના વ્યવસાયમાં ઝંપલાવે ત્યારે આપણે તેને 'મોરના ઈંડા ચીતરવા ના પડે' એમ કહીએ છીએ. ભ્રષ્ટ રાજકારણીના કુટુંબીઓ માટે કહી શકાય કે તે પણ ભ્રષ્ટાચારના કાદવમાં આળોટે છે.

મમતા બેનરજી નારાજ..
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી ખૂબ નારાજ છે. એક તો વિપક્ષો એક થતા નથી અને મોદી સરકાર એક પછી એક મુદ્દે જીતી રહી છે.

મમતા બેનરજીને એમ હતું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષોને એક થવાની તક ઊભી થશે અને પછી વિપક્ષોનું મહાગઠબંધન રચાશે.

જોકે મમતા બેનરજીના સપનાને મોટો ફટકો ત્યારે પડયો કે જ્યારે જનતા દળ (યુ)ના વડા નીતીશ કુમારે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદને ટેકો આપ્યો હતો.

મમતા બેનરજીના આશ્ચર્ય વચ્ચે માયાવતી અને મુલાયમ પણ ભાજપની પડખે બેસી ગયા હતા. દક્ષિણના રાજ્યોમાંથી અન્ના ડીએમકેએ પણ ભાજપની પસંદગીને ટેકો આપ્યો હતો. વિપક્ષના મોટા માથામાં બે જણા રહ્યા, એક છે સોનિયા ગાંધી અને બીજા છે મમતા !! આ બંને વિપક્ષો કૂદી ગયાના રોદણાં રડે છે..

Comments