કપિલે કેજરીને પછાડયા
છેલ્લે કપિલ મિશ્રાએ એમ્બ્યુલન્સ ખરીદી કૌભાંડની વિગતો આપીને આમ આદમી પાર્ટીને ચોંકાવી દીધી છે. આમ આદમી પાર્ટી પાસે કોઈ જવાબ નથી.
આમ આદમી પાર્ટીના પ્રવકતા આશુતોષ અને સંજયસિંહ પણ પત્રકારો સમક્ષ આવવાનું ટાળતા હતા. કપિલ મિશ્રાએ એટલા બધા કૌભાંડી દસ્તાવેજો આપ્યા છે કે કેજરીવાલની બોલતી બંધ થઈ ગઈ છે.
કપિલ મિશ્રાને કોઈએ પૂછયું કે તમે તો કેજરીવાલની બોચી પકડીને જેલમાં ખેંચી જવાના હતા તેનું શું થયું ? કપિલ મિશ્રા જવાબ આપવામાં હોંશિયાર છે. તે કહે છે કે મેં તો સરકારને દસ્તાવેજો બતાવ્યા છે હવે સરકાર કરે તે ખરું ?!
બીજો પ્રશ્ન પૂછાયો કે તો પછી કેજરીવાલ સામે આટલું થૂંક ઉડાડવાની શું જરૃર હતી ? મિશ્રાએ જવાબ આપ્યો કે હવે તો કેજરીવાલ પર થૂંકની પણ અસર થતી નથી.
રાહુલ અને બીફ પાર્ટી
કેરળ કોંગ્રેસના કાર્યકરો બીફ પાર્ટી કરતા પકડાયા તેનો વિવાદ કોંગ્રેસને લાભ અપાવી જશે એમ લાગે છે. કેમ કે જેવો વિવાદ થયો કે તરત જ કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધીએ તેને વખોડી કાઢ્યો હતો. આવું પ્રથમવાર થયું કે જ્યારે કોંગ્રેસના પ્રિન્સે ત્વરીત પ્રતિભાવ આપ્યો હોય. જેવું રાહુલે કહ્યું કે તરત જ મમતા બેનરજીએ ઘટનાને વખોડી હતી.
જેવી મમતાએ ઘટનાને વખોડી તે સાથે જ ડાબેરી પક્ષો પણ ઘટના વખોડવામાં જોડાયા હતા. ઘટના એવી હતી કે જેને વખોડવાથી લોકોના દિલ જીતી શકાય ! જોકે આ ટેટો આડો ફૂટયો હતો. કોંગ્રેસને ઘણાં બીફ લવર્સનો ટેકો છે. કહે છે કે કોંગ્રેસે આખો પ્લાન કર્યો હતો. બીફ પાર્ટીનો પ્રચાર તેનો વીડીયો વગેરે પ્રકાશિત કરવા અને રાહુલ તરત પ્રત્યાઘાત આપે ! કિન્તુ-પરન્તુ આખો પ્લાન ધાર્યો લાભ ના અપાવી શક્યો... તેનું કોંગ્રેસને દુ:ખ છે.
અડવાણીની મહાભૂલ
લાલકૃષ્ણ અડવાણી સામે બાબરી ધ્વંસ વખતે ટોળાને ઉશ્કેરવા બાબતે આરોપનામું ઘડાયું છે. રાજકીય ગપસપ એવી છે કે અડવાણી પોતાની સામેના આરોપો સ્વિકારતા નથી પણ એમ કહે છે કે હું તો ટોળાને સમજાવતો હતો. અડવાણીની રાજકીય કારકિર્દીમાં 'રામ' મહત્વના છે. રામે તેમને ટોપ પર ચઢાવ્યા હતા અને હવે બોટમ પર લાવી દીધા છે.
કહે છે કે અડવાણી સામેના આરોપનામાના વિરૃધ્ધમાં દેશભરમાં દેખાવો યોજાવા જોઈએ પરંતુ એવું કશું ના થયું !! ભારત માતા કી જય બોલનારા ટોળા પણ અદ્રશ્ય થઈ ગયા હતા. અડવાણી જેવા સિનિયર મોસ્ટ નેતા સામેનો કેસ લાંબો ચાલશે. તે હાઇકોર્ટમાં જશે. આમ પાંચ-સાત વર્ષ નીકળી જશે. ત્યાં સુધી તેમને કોઈ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જેવો માતબર હોદ્દો પણ નહીં મળે !
ઉમા ભારતી બિન્દાસ્ત
અડવાણી સાથે બીજા આરોપી ઉમા ભારતી છે. તે કેન્દ્રીય પ્રધાન છે. કોંગ્રેસની એ મુદ્દે પીન ચોંટી છે કે ઉમા ભારતી રાજીનામું આપે પરંતુ બાબરી ધ્વંસના મુદ્દાને તે સ્પર્શવા તૈયાર નથી કેમ કે તે વોટ બેંકનો મુદ્દો છે. ઉમા ભારતી મરદ બાઈ છે. મધ્ય પ્રદેશમાં તેમણે દિગ્વીજય સિંહની સરકારને ઉથલાવીને ઇતિહાસ સર્જ્યો છે. તે જાહેરમાં કહે છે કે બાબરી ધ્વંસની ઘટનાથી હું ખુબ ખુશ છું. ઉમા ભારતી બિન્દાસ્ત છે.
ઉમા ભારતી રાજીનામું આપશે અથવા લઈ લેવાશે તો કોંગ્રેસ ગર્જી ગર્જીને બોલશે કે એક કેન્દ્રીય પ્રધાનને રાજીનામું આપવું પડયું છે. જો કે વડાપ્રધાન વિદેશ પ્રવાસથી આવ્યા બાદ નિર્ણય લેશે... મોદી શું કરશે ખબર છે ? યુપીએ સરકારમાં રહેલા આરોપનામાવાળું લીસ્ટ ધરી દઇને કોંગ્રેસના મનસૂબા પર પાણી ફેરવી દેશે...
સેનિયાજી રાહુલ વિશે શું કહે છે?
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર અંગે યોજેલી ચર્ચામાં વિરોધ પક્ષના અનેક નેતાઓ આવ્યા હતા. જેમાં નીતીશકુમારની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી. આ ગેરહાજરીની નોંધ સત્તાધારી ભાજપે લીધી હતી.
રાષ્ટ્રપતિ પદની પસંદગીમાં વિપક્ષો પાસે બહુમતી નથી એટલે જે ઉમેદવારને ઉભો રાખવાનો છે તેની હાર નિશ્ચિત છે પરંતુ વિપક્ષમાં એકતા છે તે બતાવવાનો પ્રયાસ થશે. બીજો મુદ્દો એ છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં બેઠક મળી તેનો અર્થ એ છે કે તે વિપક્ષના નેતા છે.
કોંગ્રેસમાં બે પ્રમુખ છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી. કોંગીજનો ઇચ્છે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડાવી જોઈએ. પણ મોમ સોનિયા કહે છે કે બાબો હજુ નાનો છે, બાબો અટવાઈ જાય તેનો ડર છે. દરેક માને પોતાનો પુત્ર નાનો જ લાગે છે.. સોનિયાજીનો ડર પણ સાચો છે...
બહુમુખી યોગી
સૌથી તેજ મુખ્ય પ્રધાનનો એવોર્ડ યોગી આદિત્ય નાથને મળવો જોઈએ. આ માણસ બહુમુખી પ્રતિભાવાળો છે. તે વહેલી સવારે ઉઠીને મંગળા આરતી કરે છે પછી કામે વળગી જાય છે અને દિવસમાં એકવાર જમે છે. છાશ અને ઘી ખાવાના આગ્રહી યોગાસનો પણ કરે છે. આ માણસ સાથે રહેતા સિકયોરીટીવાળા પણ તેમની સાથે કદમ મીલાવતા થાકી ગયા છે.
આ માણસ ઉત્તર પ્રદેશની સુધારણા માટે એટલા બધા પગલાં લેવા માગે છે કે સરકારી કર્મચારીઓ તે જોઇને અટવાઇ જાય છે. યોગિનો પાવર મુખ્ય પ્રધાન નહોતા ત્યારનો છે. તે સાયલન્ટ કામ કરે છે તો પણ ધડાકા થાય છે. યોગિ કહે છે કે બહુમતી સરકાર હવે કડક હાથે કામ કરશે. ઉત્તર પ્રદેશમાં ચાલતી ગુંડાગીરી સામે તે દંડો ઉગામવાના છે. ટૂંકમાં યોગિ બહુમુખી પ્રતિભા છે.

Comments
Post a Comment