શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણં...

NDA સરકારની ત્રણ વર્ષની કામગીરીમાં બેરોજગારી, મોંઘવારી, સરહદે અશાંતિ વધી છે, પ્રજામાં અસંતોષ પણ છે..

રામમમંદિર માટે NDAની ચાણક્ય ચાલ સમજવા જેવી છે : કલ્યાણસિંહ જેવું કામ યોગી આદિત્યનાથ કરી બતાવશે..

એક તરફ અડવાણી; મુરલી મનોહર; ઉમા ભારતી સહિત દેશની સામે રોજે-રોજ કેસ ચાલશે, બીજી તરફ મંદિર નિર્માણ થશે..

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણં
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણં

(હે મન, તું રામચંદ્ર કૃપાળુનું ભજન કર જે જીવનના દારુણ ભયને હરનારૃં છે. તેમના પાવન નેત્રો, પાવન મુખ અને કર તેમજ પદનું સેવન, સ્મરણ કર)

આ ભગવાન રામની સુંદર સ્તુતિની પ્રથમ બે કડી છે. ઉત્તર પ્રદેશમાં નાના-મોટા સૌ જાણે છે કે આગામી બે વર્ષમાં ભગવાન રામની ડીલીવરી અયોધ્યાના વિવાદાસ્પદ રામજન્મભૂમિના સ્થળ પર થશે. ટૂંકમાં એનડીએ સરકાર પ્રેગનન્ટ છે અને તેને બે વર્ષમાં ડીલીવરી આવશે. કહે છે કે આ ડીલીવરી ડૉ. યોગી આદિત્યનાથ કરશે અને કેન્દ્ર સરકાર ઢોલ-નગારાં વગાડશે. આ અંગે કોઇ તારીખ નક્કી નથી પણ જે રીતે યોગી આદિત્યનાથ ગયા અઠવાડીયે રામલલ્લાની ધામધૂમથી પૂજા કરી આવ્યા તે જોતાં એમ લાગે છે કે એનડીએ સરકાર રામમંદિર ઊભું કરીને પૂજન-અર્ચન શરૃ કરી દેશે.

કોંગ્રેસ પણ આ પ્લાન જાણી ગઇ હોય એમ લાગે છે. કોંગ્રેસ જાહેરમાં આ પ્લાનનો વિરોધ નહીં કરે કેમ કે હિન્દુ મતદારોને નારાજ કરવા તૈયાર નથી. ડાબેરી પક્ષો અસ્તિત્વ ટકાવવા એટલી મહેનત કરે છે કે તે વિરોધ કરી શકે એમ નથી. મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ કે લાલુ પ્રસાદ જેવાઓ વિરોધ કરે તો પણ તેમને કોઇ સાથ આપે એમ નથી.

ત્રણ વર્ષના શાસન દરમ્યાન એનડીએ સરકાર રોજગારી, મોંઘવારી અને સરહદના મુદ્દે નિષ્ફળ છે એમ કહી શકાય. પોતાની પીઠ થાબડવાની કળા ભાજપ પાસેથી શીખી શકાય એમ છે. લોકોને રોજ-બરોજની સમસ્યામાંથી હળવાશનો અનુભવ કરવો છે પણ લોકોને મનમોહનની સરકાર અને મોદીની સરકારમાં કોઇ લાંબો ફર્ક નથી દેખાયો. ભ્રષ્ટાચાર મોદીના પ્રધાન મંડળમાં કદાચ નથી પરંતુ અધિકારી વર્ગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે.

જોકે એનડીએ સરકાર રામમંદિર બનાવવા માટે ચાણક્ય ચાલ રમી રહી છે. જે રીતે અયોધ્યાના મુદ્દે યોગીને આગળ કર્યા છે તે જોતાં એમ લાગે છે કે બાબરી ધ્વંસ વખતે કલ્યાણસિંહનું ચાતુર્ય કામ કરતું હતું તો હવે રામમંદિર ઊભું કરવા બાબતે યોગી આગિત્યનાથનું ચાતુર્ય કામે લગાડાશે.

રામમંદિર એ સંવેદનશીલ મુદ્દો છે. એનડીએ સરકાર લઘુમતી સમાજ પાસે ઈંટ ઊંચકાવીને મંદિર બાંધશે એમ લાગે છે. યોગી આદિત્યનાથ બહુ સ્માર્ટ છે. તેમણે દરેક મુસ્લિમ સંગઠનોને ટેકો આપવા જણાવ્યું છે.

એક તરફ રામમંદિરની ઈંટો મૂકાતી હશે, બીજી તરફ અડવાણી, ડૉ. મુરલી મનોહર અને ઉમા ભારતી સહિત ૧૦ સામે રોજ બાબરી ધ્વંસ વખતે ટોળાને ઉશ્કેરવાનો કેસ ચાલતો હશે. આ કેસની સુનાવણી રોજ થશે. લોકો સમક્ષ જુની વાતો રોજની સુનાવણી પરથી તાજી થશે.

જ્યારે બાબરી ધ્વંસની ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપનું શાસન હતું અને મુખ્ય પ્રધાન તરીકે કલ્યાણસિંહ હતા. હવે જ્યારે રામમંદિર સ્થાપનાનો સમય આવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથ છે. 

આ વખતે કેન્દ્ર સરકાર પણ ભાજપના નેતૃત્વ વાળી છે. કેન્દ્ર સરકારને પાંચ વર્ષ પૂરા થવાને બે વર્ષની વાર છે ત્યારે જ રામમંદિર માટેનો ગેમ પ્લાન શરૃ કરી દીધો છે. આ ગેમ પ્લાન એવો છે કે તેમાં ૨૦૧૯નો જંગ જીતવાના પાયા પણ નખાશે અને લઘુમતી કોમનો વિશ્વાસ પણ જીતી શકાશે.

અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી સહિત ૧૦ સામે ચાલતો કેસ પણ રોજીંદા સ્તરે ચાલશે. આ કેસ પણ બે વર્ષમાં પૂરો કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

આ સ્થિતિમાં બે વર્ષ સુધી કેસ ચાલશે; બે વર્ષ નિર્માણ કાર્ય કરાશે જેથી બે વર્ષ દરમ્યાન લોકોની લાગણી પણ જીતી શકાશે. લોકોના મનમાં હજુ જયશ્રી રામના નારા ગાજી રહ્યા છે. એનડીએ સરકાર રામમંદિરનું વચન પૂરું કરવા માટે તૈયાર હોય એમ લાગે છે. સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ કહે છે કે બે વર્ષમાં રામમંદિર તૈયાર થઇ જશે.

મોદી સરકાર લોકોની સંવેદના પણ જીતવા માગે છે; લોકોનો ભરોસો પણ જીતવા માગે છે અને લોકોના મત પણ લેવા માગે છે. ભાજપે રામમંદિર આડેના અવરોધોને સમજાવટથી પતાવવા પ્રયાસો શરૃ કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મુદ્દો કોર્ટની બહાર સમાધાન કરીને જ પૂરું કરવાની સલાહ આપી છે.

ગયા અઠવાડીયે જ્યારે યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા ત્યારે સ્થાનિક લુખ્ખાં તત્વોને મળ્યા હતા અને રામમંદિર વિરોધીઓને પણ મળ્યા હતા. લાગે છે કે યોગી આદિત્યનાથ નાના-મોટા બધા જૂથોને મળ્યા હતા. બધાને તેમણે સમજાવ્યા હતા. કહે છે કે બધા યોગીના પગલાંને ટેકો આપવા તૈયાર થયા હતા.

એક તરફ યોગી આદિત્યનાથ સમાધાનના પ્રયાસ કરે છે તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ તેના કાર્યકરોને કામે લગાડયા છે. સંઘ સાથે સંકળાયેલી વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ પણ સક્રીય છે.

એક ગણિત બહુ ઓછા લોકોના ધ્યાનમાં નથી ગયું તે છે લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી સામેનો કેસ. જ્યારે આ કેસ ફરી ઉખેળવામાં આવ્યો ત્યારે એમ મનાતું હતું કે અડવાણી અને જોષીને રાષ્ટ્રપતિપદ માટેના જંગમાંથી દૂર હડસેલી દેવાની આ ચાલ છે.

લાલુપ્રસાદ જેવાઓએ તો તરત અભિપ્રાય આપીને કહ્યું હતું કે મોદી તેમનાં ગુરૃ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવવા નથી માગતા !! જ્યારે વિપક્ષો એક થઇને અડવાણીને રાષ્ટ્રપતિ બનાવવા માગતા હતા તે અહેવાલો ખુદ ભાજપે જ લીક કરીને ચગાવ્યા હતા.

જોકે આવા અનુમાનો કરનારા ભાજપની ચાલથી ભોંય ભેગા થયા હતા, કેમકે બે વર્ષ સુધી સુનાવણી ચાલશે ત્યારે અડવાણી અને જોષી ઘણી સંવેદનાઓ અને લાગણીઓ લોકોના દિલ જીતશે. અહીં દિલ જીતવાનો અર્થ વૉટ જીતશે એમ સમજવું. આમ ત્રણેય સામે કેસ ચલાવવો એ એક વ્યૂહાત્મક પગલું હતું. તેની ખબર ભાજપના સાંસદોને પણ ખબર પડી નહોતી.

આમ; અયોધ્યા ખાતે ટૂંકમાં રામમંદિરનો ઘંટારવ શરૃ થશે. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપનું નેતૃત્વ છે એ સ્થિતિમાં ભાજપ રામમંદિર બનાવીને રહેશે.

શરૃઆતમાં ભગવાન રામનું સ્મરણ એટલા માટે યાદ આવ્યું છે કે અયોધ્યામાં ઊભું થનારું રામમંદિર રાજકીય મંદિર બની જશે. ભારતના રાજકારણનું આ મહત્વનું ચેપ્ટર રામમંદિર બનતાં જ પૂરું થશે, પરંતુ જેમને રાજકારણ શીખવું હોય તેમના માટે બાબરી ધ્વંસથી માંડીને રામમંદિર નિર્માણ સુધીની ઘટનાઓનો ગ્રંથ એ રાજકારણ શીખવાડતો ગ્રંથ બની જશે.

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments