કૃષિ પ્રધાન દેશ પણ કિસાન ઠેરનો ઠેર

કિસાન રાજકીય પક્ષનો હાથો બનતો આવ્યો છે; તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા જરૃરી

જેને જગતનો 'તાત' કહ્યો છે તે લોન માફી કરાવવા આંદોલન કરે એ કેવું ? કિસાન માટે વિશેષણો ઘણાં વાપર્યા પણ અમલમાં કોઇએ મૂક્યા નથી

વિશ્વમાં ઈન્ડિયાની ઓળખ ટાટા, બિરલા, રીલાયન્સ, અદાણી, ઈન્ફોસીસ, વિપ્રો જેવી કંપનીઓના કારણે છે ક્યારેય કોઇ કૃષિ પ્રોડક્ટ કે કોઇ કિસાનનું નામ ભારતની ઓળખ આપવા લેવાતું નથી. લાલબહાદુર શાસ્ત્રીએ ભલે ''જય જવાન, જય કિસાન''નું ગૌરવભર્યું સૂત્ર આપ્યું હોય પણ તેના જોરે વૈશ્વિક તખ્તા પર ભારતની ઓળખ વધી નથી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે ભારતની ૭૦ ટકા વસ્તી ખેતી સાથે જોડાયેલી છે છતાં તેને લાચારી અનુભવવી પડે છે.

જેને જગતનો 'તાત' કહ્યો છે તેની દશા કરૃણ છે. પોતાના ૬૦ ટકા જેટલા સમાજનું તે શોષણ થવા દે છે. કિસાનને જાગૃત બન્યા સિવાય છૂટકો નથી. તે એક એવા મતદારો છે કે ધારે એને જીતાડી શકે છે પરંતુ તેમની લોન અને દેવા જેવી સમસ્યાઓનો નિકાલ કરીને સરકાર તેને પોતાના દબાવ હેઠળ રાખે છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે પણ વિશ્વમાં તો તે એક સમયે વાંદરા અને મદારીઓના દેશ તરીકે ઓળખાતો હતો. આર્થિક પરિવર્તનના દોર પછી ભારતની ઈમેજ વૈશ્વિક સ્તરે સુધરી છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર વિકસ્યા પછી ભારતની બોલબાલા વધી છે છતાં કૃષિ ક્ષેત્ર હંમેશાની જેમ દબાયેલું રહ્યું છે.

કોર્પોરેટ કંપનીઓ દરેક સરકારને નચાવતી આવી છે. રાજકીય પક્ષોને મળતું ભંડોળ કોર્પોરેટ કંપનીઓ આપે છે. કોર્પોરેટ કંપનીઓનું તો 'એક હાથ સે લે ઔર દૂસરે હાથ સે દે' જેવું હોય છે. કોર્પોરેટ કંપનીઓ કરોડોનું ડોનેશન આપીને સરકારને ખંખેરે છે. અહીં કોર્પોરેટનો હાથ ઉપર રહે છે.

જ્યારે કિસાનોના કેસમાં લોન માફી; સબસીડી જેવા મુદ્દા આવે છે. જ્યાં કિસાનો સરકારને ખંખેરે છે અને સામે છેડે સત્તાધારી પક્ષને વૉટ આપે છે.

કિસાન સવલત લઇને બેસી જતા હતા; કિસાનને આંદોલન કરવાનું શીખવાડનાર રાજકીય પક્ષો છે તે સૌ જાણે છે.

જે લોકો મેન્યુફેકચરર છે તેમણે પોતાની પ્રોડક્ટ વેચવા માર્કેટીંગ કરવું પડે છે; ખોટ ખાવી પડે છે અને એક તબક્કે શટર પાડી દેવાની તૈયારી પણ બતાવવી પડે છે. પરંતુ કૃષિ ઉત્પાદન એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે સરકારની જવાબદારી ઊભી કરવામાં આવી છે.

કૃષિ ઉત્પાદન ન થાય તો; વરસાદ ઓછો પડે તો, વધુ વરસાદ પડે તો, ઉત્પાદન થયેલો માલ ના વેચાય તો, ટેકાનો ભાવ ના મળે તો વગેરે-વગેરે કારણો માટે સરકારની સહાય પર નિર્ભર રહેવું પડે છે.

દેવીલાલ, પી. ચિદમ્બરમ્, ચંદ્રાબાબુ નાયડુ, કે. ચંદ્રશેખરરાવ વગેરેમાં સમાનતા એ છે કે આ બધાએ કિસાનો માટે લોન માફી સ્કીમ કાઢી હતી. કિસાન લોન માફી પોલીટીકલ ટૂલ છે. જોકે આનો બોજો અંતે તો સામાન્ય પ્રજાએ આપેલા ટેક્ષના નાણાં પર પડવાનો છે. રાજકીય પક્ષો તેમના ઘરના પૈસા નથી આપવાના પણ લોકો પાસેથી મેળવેલા ટેક્ષના પૈસામાંથી કિસાનોની લોન ભરપાઇ કરવાના છે.

આંદોલન કરતા બધા કિસાનો આવી જાય છે એવું નથી. તમિળનાડુના કિસાનોએ ખુલ્લા શરીરે દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા. તેમણે મૂંછનો એક ભાગ એટલે કે અડધી મૂંછ કપાવીને ઉપવાસ કર્યા હતા પણ સરકારે મચક ના આપતાં માદરે વતન જતા રહ્યા હતા. ઘણી રાજ્ય સરકારો પોચકી હોય છે.

મહારાષ્ટ્ર સરકારે કિસાન આંદોલન થાય તે પહેલાં જ કિસાન લોન માફીની ખાત્રી આપી હતી. મધ્ય પ્રદેશ સરકારે કિસાનો સાથેની મંત્રણા ટાળતા મામલો બીચક્યો હતો. મુખ્ય પ્રધાન શિવરાજસિંહે પણ પ્રેક્ટીકલ બનવું પડયું હતું.

ભારતના વિકાસમાં કિસાન મહત્વનું પાસું છે એમ કૃષિ ક્ષેત્રે કિસાન સર્વે-સર્વા છે. કિસાનો હવે મરઘા પાલન; મત્સ્ય ઉછેર; દૂધ ઉત્પાદન, હિરાઘસુ જેવી કામગીરી કરતો થયો છે પરંતુ જો કોઇ તેમને ઉશ્કેરવા ધારે તો તે સફળ પણ થાય છે.

કિસાનો લોન માફીની સાથે સાથે ૩૦ ટકા બેઠકો દરેક પક્ષ પાસે માગે !! દરેક પક્ષને તેમની જરૃર છે. જો ૧૦૦ વિધાનસભ્યો પૈકી ૩૦ કિસાનો હશે તો ધીરે-ધીરે કિસાનો રાજકીય રીતે સમૃધ્ધ થશે. તેમનો પોતાનો એક વોઇસ હશે. પોતાના વિચાર હશે. તે કોઇના હાથા નહીં બને !!

અહીં સમસ્યા એ છે કે અનેક સવલતો, સરકારી સહાય - ટેકો અને રાજકીય પક્ષો સાથે બેઠક-ઉઠક છતાં કિસાનો ગેરમાર્ગે દોરવાયેલા છે. વિરોધ પક્ષ કિસાનોના ખભાનો ઉપયોગ કરીને સત્તાધારી પક્ષને પરેશાન કર્યા કરે છે.

કિસાન આજનો દુ:ખી નથી. જોકે સાથે સાથે તે એવો પણ દુ:ખી નથી કે જેને સતત માથું કૂટવું પડે !! આઝાદી મળી ત્યારથી કિસાનને કોઇ મહત્વ નથી મળ્યું. તેમની જમીનો છીનવાઇ ગઇ; તેમનો દમામ છીનવાઇ ગયો !! સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલો કિસાન જમીનના ભાગ પાડતો થયો ત્યારથી  ઓછું ઉત્પાદન કરતો થયો હતો.

જેને એકવાર દેવું કરવાની ટેવ પડે છે એ લોન માફ થાય એટલે ફરી દેવામાં ડૂબે છે. કિસાન પાસે કૃષિ સિવાયની બીજી કોઇ પ્રવૃત્તિ નથી હોતી. એકવાર બિયારણ રોપાઇ ગયા પછી ૫૦ ટકા કામ કુદરત કરે છે. બાકીનું ૫૦ ટકા કામ ખેતમજૂરીએ  રાખેલા લોકો કરે છે.

લૉ-પ્રોફાઇલ રહેવું એ કિસાનની ટેવ છે. મધ્ય પ્રદેશમાં જે પાંચ લોકો કિસાન આંદોલનમાં મોતને ભેટયા છે તેમાંનો એક પણ કિસાન નહોતો. આ બેરોજગારો હતા. કિસાન આંદોલન વાજબી છે પણ તે આંધળુકીયા જેવા હોય છે.

કિસાનોની એકતા ઉડીને આંખે વળગે એવી હોય છે. વર્ષોથી તે રાજકીય પક્ષોના હાથા બનતા આવ્યા છે. આ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ખેંચી લાવવા  જોઇએ. તેમને ખબર હોવી જોઇએ કે તેમનો 'ઉપયોગ' થઇ રહ્યો છે.

આપણે ઈચ્છીએ કે ભારતનો કિસાન નંબર-ટુ રહેવાને બદલે નંબર-વન બનીને પોતાની ઓળખવાળું ભારત બનાવશે ત્યારે તે કૃષિલોન માટે આંદોલન નહીં કરતો હોય પણ લોકો તેમને અનુસરતા હશે.

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments