આજે રથયાત્રા : ભગવાન નગર યાત્રાએ નીકળશે પણ દેશની સળગતી સમસ્યા નિવારવા પોતાના બંધ દરવાજા ખોલવાની જરૃર છે
શ્રધ્ધાળુઓ જગન્નાથ ભગવાનની આશા પર બેઠેલા છે : બેરોજગારીથી માંડીને માનવ સંવેદનાના નામે મીંડું.. લોકો રોજીંદી સમસ્યાઓથી ત્રસ્ત છે
આજે તમે આ વાંચતા હશો ત્યારે ભગવાન જગન્નાથની યાત્રા શહેરના માર્ગ પર નીકળી ચૂકી હશે અને સમગ્ર શહેર પર 'જય રણછોડ'ના નારા વાગતા હશે. જે લોકો રાજકારણમાં જવા ઈચ્છે છે, કે રાજકારણમાં ટકી રહીને આગળ વધવાની તક મેળવવા માગે છે તેમણે બે હાથ ઊંચા કરીને જય રણછોડના નારા લગાવવા જોઇએ. જો રણછોડરાય ભગવાન હાથ પકડી લે તો જીવન ચમત્કારોથી ભરાઇ જાય.
'જય રણછોડ, માખણચોર'ના નારા ભલે રથયાત્રામાં વાગતા રહે પણ ખરો નારો તો 'જય રણછોડ - બંધ દરવાજા ખોલ' છે.
જે લોકોને રથયાત્રામાં જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે તે ધન્યતા અનુભવે છે. ટી.વી. સ્ક્રીન ગમે એટલો મોટો હોય અને રથયાત્રા લાઇવ જોવા મળતી હોય પરંતુ રૃબરૃ જઇને રથયાત્રાના દર્શનનો લ્હાવો ચૂકવો ના જોઇએ કેમકે ભગવાન પ્રજાને દર્શન આપવા પોતાના ભાઇ-બહેન સાથે ખુદ રાજમાર્ગો પર યાત્રા કરવાના છે. રથયાત્રાની ભીડથી ડરવા જેવું નથી કેમકે ભીડ ક્યારેક તમને રથ સુધી ખેંચી જશે તો ક્યારેક તમને બહાર ધકેલી દેશે. આવા ધક્કાનો અનેરો આનંદ હોય છે.
'જય રણછોડ - બંધ દરવાજા ખોલ' એ ભગવાન રણછોડરાયને પ્રિય ભજનો પૈકીની એક કડી માત્ર છે. 'જય રણછોડ તારા બંધ દરવાજા ખોલ' એટલે કે ભગવાન તારા બંધ દરવાજા ખોલીને તું સમાજમાં પ્રવર્તતા ગરીબી, મોંઘવારી, ગુંડાગીરી, ત્રાસવાદ જેવા દૂષણોને ભસ્મ કરી નાખ !!
ખરેખર ! ભગવાન કૃષ્ણએ મેદાનમાં આવવાની જરૃર છે.
એક સમય હતો કે જ્યારે રથયાત્રા એ સાધુ-સંતો અને શ્રધ્ધાળુઓ પુરતી હતી પરંતુ હવે તો તેના પર રાજકીય ઢોળ ચઢી ગયો છે. આપણે 'જય રણછોડ - તારા બંધ દરવાજા ખોલ' તરફ પાછા ફરીએ તો બંધ દરવાજા ખોલને સંભવામિ યુગે-યુગે સાથે સરખાવી શકાય.
સરહદ પર જવાનો ગોળીયે વિંધાય છે તો દેશમાં કિસાનો આપઘાત કરે છે. પ્રજાએ દરેક પક્ષની સરકારો જોઇ છે. લગભગ દરેક સરકાર વાતોડીયણ પુરવાર થઇ છે. આ લોકોને માણસના મનની કિંમત નથી. પૈસાદાર વધુ પૈસાવાળો થઇ રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે.
મધ્યમ વર્ગ ઠેરનો ઠેર રહ્યો છે. પૈસાના જોરે પૈસાદાર વર્ગ શિક્ષણ મેળવી શકે છે, જ્યારે મધ્યમ વર્ગ શિક્ષણ લોન અને હોમ લોનના હપ્તા ભરવામાંથી ઊંચો નથી આવતો. ખરેખર રણછોડરાયે તેના બંધ દરવાજા ખોલવાની જરૃર છે.
માનવ સંવેદનાના નામે મીંડું જોવા મળે છે. કોઇ ઝઘડામાં પડવાનું પસંદ નથી કરતું; કોઇ સંગઠીત થઇને પણ ગુંડાઓનો સામનો કરવા તૈયાર નથી હોતું; જાહેરમાં થતી છેડતીને ઠપકારવા પણ કોઇ તૈયાર નથી. કેમકે નથી કોઇ ધક્કા ખાવા તૈયાર કે નથી કોઇ પાસે સમય. રસ્તા પરની દુર્ઘટના સમયે કોઇ મદદ કરવા આગળ નથી આવતું.
દરેક પોતાના સંતાનને કહે છે કે કોઇના ઝઘડામાં પડતો નહીં, સીધો ઘેર આવજે !! આ સ્થિતિમાં અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. એટલે જ હે રણછોડરાય તમારા બંધ દરવાજા ખોલો અને પ્રજાની મદદે આઓ.
ત્રાસવાદ અને તેને સહાય કરતા સ્લીપર યુનિટો બંને કાશ્મીર તેમજ દેશની અંદરના કેટલાક ભાગોમાં ત્રાસ ફેલાવી રહ્યા છે. નકસલવાદ તો ભારતની ધરતી પર જન્મ્યો છે. આવા લોકો દેશમાં ડરનો માહોલ પ્રસરાવી રહ્યા છે ત્યારે પણ મોંમાંથી નીકળી જાય છે કે ભગવાન તમારા બંધ દરવાજા ખોલો.
રોજગારીની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે. પટાવાળાની જોબ માટે ગ્રેજ્યુએટ અરજી કરતા થઈ ગયા છે. સરકાર પાસે રોજગારી ઉભી કરવાનો કોઈ પ્લાનીંગ થઈ શકે એમ નથી.. નવા ઔદ્યોગિક એકમો ઉભા થાય તો જ રોજગારી મળી શકે છે.
ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટમાં મજૂરોની સંખ્યા વધુ હોય છે પણ વ્હાઈટ કોલર જોબ માટે ફાંફા મારવા પડે છે. આ ક્ષેત્રે સરકાર કંઈક નવું વિચારતી થાય તો રોજગારી વધી શકે !! એટલે જ ભગવાને પોતાના દરવાજા ખોલવાની જરૃર છે.
બંધ દરવાજા ખોલવાનો મુખ્ય હેતુ એ છે કે ભગવાન નગરયાત્રા પણ કરે અને દૂષણો સામે પણ લાલ આંખ કરે !! લોકો બહુ શ્રદ્ધાથી રથયાત્રામાં ભાગ લે છે. દરેકને એવી આશા હોય છે કે વરસાદ સારો પડે તો કિસાનની સાથે સાથે ગુજરાતની સમૃદ્ધિ પણ વધે !! ભગવાને પોતાના ભક્તોની સમસ્યાઓ વિશે પણ વિચારવાની જરૃર છે.
માનવ સમુદાય દરેક સ્તરે હતાશ છે જેમ ભગવાન જગન્નાથનો રથ પ્રજા ખેંચે છે એમ પ્રજાનો રથ રણછોડરાયે ખેંચવાની જરૃર છે. પ્રજા અનેક મુદ્દે ત્રસ્ત છે, રથયાત્રા ઘણી આશાઓ લઈને આવી છે.
જયરણછોડના જયઘોષની તાકાત પણ ઘણી છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રાની પરંપરાને સૌ આવકારી રહ્યા છે. લાખોની મેદની ચાલતી હોય અને લાખો તેના દર્શન કરતા હોય ત્યારે ભગવાનને અમી વરસાવવા બંધ દરવાજા ખોલવાના પણ નારા લગાવાય છે. આશા રાખીએ કે ભગવાન બંધ દરવાજા ખોલે અને જાગૃતિની રોશની ફેલાવે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment