ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય
- ગાયનું કામ માત્ર દૂધ કે મીટ આપવાનું નથી પણ તે ગાય સત્તા અપાવી પણ શકે; આંચકી પણ શકે
- ગાયની પીઠ પર બેસી ૨૦૧૯ની વૈતરણી પાર કરવાનો પ્લાન
- જો ગાય સમજી શકતી હોય તો રાજકારણીઓના પેટમાં શિંગડા મારત
-રાતોરાત અને પ્રજાને વિશ્વાસમાં લીધા વિનાના ફેરફારોના કારણે વિવાદ થાય છે..
ગાયનું માસ પીરસવું એ રાજકીય ચાલ છે; વિવાદ ઊભો કરીને તેમાંથી મલાઇ સેરવી લેવાની ચાલ : ગાય વિપક્ષોને એક પણ કરે છે બીજી તરફ એનડીએને જીતાડે પણ છે
ગાયનો મામલો રાજકીય રીતે સ્ટુપીડ છે, આર્થિક રીતે અર્થ વિહીન છે અને નૈતિક રીતે અસ્વીકાર્ય છે જ્યારે કોમવાદની દ્રષ્ટિએ જોખમી છે. ગાય તરફનું વલણ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે સ્પષ્ટ કર્યું છે પરંતુ તેનો અમલ સાવ અસ્પષ્ટ રીતે કર્યો છે. જ્યાં ભાજપનું શાસન છે ત્યાં લોકો ગૌ માતાની તરફેણમાં બોલે છે.
ભારતના ભૌગોલિક નકશાને નજરમાં રાખીને કાઉ પ્રોટેકશન એક્ટ બનાવવા જેવો હતો પરંતુ અહીં તો માર ઊંધું ને કર સીધું જેવી વાત છે. ભારતમાં જે વિસ્તારને કાઉબેલ્ટ કહ્યો છે ત્યાં તો ભાજપનું શાસન છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જીત પછી તો ગૌરક્ષકોને પાંખો ફૂટી છે.
ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના તોફાનો લગભગ અદ્રશ્ય થઇ ગયા છે એટલે તોફાનનો મુદ્દો ગાય બની રહી છે.. ગૌ હત્યા પર પ્રતિબંધ છે. ગુજરાત સરકારે તો ગૌહત્યામાં સંડોવાયેલાઓ માટે આજીવન કેદની સજાની જોગવાઇ કરી છે. આપણે ત્યાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. દરેક ઘરમાં ગાય-કુતરાનું ખાવાનું સાઇડમાં રાખવામાં આવે છે.
આજે આ પવિત્ર ગાયને રાજકારણનો 'એરૃ' આભડી ગયો છે. મીટ ખાનારાઓ મરઘા-બતકાં પછી બકરી-ઘેટાં અને ત્યાંથી ગાય તેમજ ઊંટ સુધી પહોંચી ગયા છે. સામનો ના કરી શકે એવા મૂંગા પ્રાણીઓને મીટ લવર્સ પોતાનું નિશાન બનાવી રહ્યા છે.
દિલ્હીમાં મોદી સરકારને ત્રણ વર્ષ અને ઉત્તર પ્રદેશમાં યોગી સરકારને ૧૦૦ દિવસ પૂરા થયા ત્યાં સુધીમાં તો ગૌભક્તો અને ગૌહત્યા કરનારા બંને એકબીજા સામે બાંયો ચઢાવી રહ્યા છે. ગૌરક્ષકો એમ માનવા લાગ્યા છે કે સરકાર આપણી હિન્દુઓની છે, જ્યારે ગૌહત્યા કરનારા માને છે કે અમારી વર્ષોથી ચાલી આવતી પરંપરાને રોકીને અમારા પેટ પર લાત મારવામાં આવે છે.
મામલો કાયદાના પાલનનો હતો પરંતુ અહીં તો કાયદો હાથમાં લઇને પોતે જ ન્યાય કરવાનું શરૃ કરાયું છે.
મોદી સરકારે કતલખાના બંધ કરાવવા પગલાં લેવાની વાત કરી જ્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તો આવતા વેંત કતલખાના બંધ કરાવી દીધા. કતલખાના ઊભા કરનારાની દાદાગીરી પણ સરકારે બંધ કરાવી હતી. આવા પગલાંની પાયાના કાર્યકરો પર ઊંધી અસર થઇ હતી. આ લોકો એમ માનવા લાગ્યા હતા કે સરકાર આપણી છે માટે કોઇ રોક-ટોક નથી. જોત જોતામાં બાજી સરકારના હાથમાંથી ગૌરક્ષકોના હાથમાં જતી રહી હતી.
મોદી સરકારે કે યોગી સરકાર કંઇ વિચારે એ પહેલાં તો ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઇને ધડાધડી શરૃ કરી દીધી હતી.
ચા કરતાં કીટલી ગરમ જેવી ગૌરક્ષકોની વાત છે. સરકારે કાયદો બનાવવાની વાત કરી તે દિવસથી જ ગૌરક્ષકો પોતાને ગૌ-પોલીસ માનવા લાગ્યા હતા. અહીં એ પણ ના ભૂલવું જોઇએ કે એક ટ્રકમાં માંડ ૨૦ ગાય આવી શકે તેમાં ઠાંસી-ઠાંસીને ૬૦ ગાયો ભરાય છે. જેના કારણે કેટલીકની આંખો ફૂટે છે તો કેટલીક ગૂંગળાઇ મરે છે. જો કોઇને આવી ખીચોખીચ ગાયો ભરેલી ટ્રક જોવા મળે તો તેના હૃદયના ખૂણામાં છૂપાયેલી જીવદયા બહાર નીકળી આવે. આવી ગાયોને પાણી પણ નથી અપાતું અને ભૂખી મરાય છે. આવી ટ્રકોને રોકવા ગૌરક્ષકો ઊભા કરાયા હતા પરંતુ તેમની દાદાગીરી સૂકા ભેગું લીલું પણ બાળતી હતી.
ગાયનું પૂછડું પકડીને ૨૦૧૯ની વૈતરણી પાર કરવા માગતી મોદી સરકારને એ ખબર હોવી જોઇએ કે ગાયના મુદ્દે હિંદુઓ પણ બે ભાગમાં વહેંચાયેલા છે. સરકારને હિંદુઓના વૉટ પર મદાર છે. ગૌ માતા તેને બચાવનારને ભેટી પણ મારી શકે છે.
ગૌહત્યા પર નિયંત્રણ જરૃરી છે તે વાત સાથે સૌ સંમત થશે પરંતુ ગાયને કતલખાને ટ્રકમાં ખીચોખીચ લઇ જતા કસાઇઓ સામે આંખમીચામણા અને ગૌરક્ષકોને ગુંડા કહેવા તે વાત પણ ગળે ઉતરે એવી નથી.
ગૌહત્યાના કાયદાને મજબુત કરવાની વાત કરીને સરકાર તેના પગ પર કૂહાડો મારી રહી છે. આમ કરીને તો તે હિંસક ગૌરક્ષકોની પીઠ થાબડતી હોય એમ લાગે છે. અહીં ઑન ધ સ્પૉટ પરિવર્તન લાવવાની વાત વિવાદ સર્જે છે. ગાયોને કતલખાને જતી રોકવા કોઇ વિકલ્પ છે ખરો ? દૂધ નહીં આપતી અને અશક્ત ગાયોને ગોપાલક શા માટે રાખે ? આ પ્રશ્નનો જવાબ ઉત્તર પ્રદેશની યોગી સરકારે શોધી કાઢ્યો હોય એમ લાગે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગાયના દૂધ ઉત્પાદન ક્ષેત્રે અમેરિકા પ્રથમ નંબરે છે. તે વર્ષે ૯૧.૩ અબજ કિલોગ્રામ ગાયના દૂધનું ઉત્પાદન કરે છે જ્યારે બીજા નંબરે ૬૦.૬ અબજ કિલો સાથે ભારતનો નંબર આવે છે.
કેટલીક હકીકત સમજવા જેવી છે. મુસ્લિમોએ હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે ઘેર-ઘેર ગાયની પૂજા થતી હતી. હિન્દુઓનું મોરલ તોડવા ગૌહત્યા શરૃ કરાઇ હતી. કાળક્રમે કસાઇઓ માટે તે કમાણીનું સાધન બની હતી. હાલમાં તો ગાયને પકડીને કતલખાને લઇ જવાય છે. મોટા ભાગની સરકારોને ગાયની પવિત્રતાની કિંમત નહોતી. મોદી સરકારને તેની પવિત્રતાની ખબર છે પણ ગાયને સાચવવાની આખી સિસ્ટમ 'રામ તેરી ગંગા મૈલી' જેવી થઇ ગઇ છે.
ગાય દૂધ આપતી બંધ થાય કે કૃષ થઇ જાય ત્યારે તેનો માલિક તેને વાડાની બહાર મૂકી ભગવાન ભરોસે છોડી મૂકે છે. ઉત્તર પ્રદેશની સરકારે ગાયો માટેના વૃધ્ધાશ્રમની વાત કરી નવો ચીલો ચાતર્યો છે. જોકે હજુ સુધી આ વાતને કોઇ રાજ્યે સપોર્ટ નથી કર્યો. ગાય માટે વૃધ્ધાશ્રમ કે અશક્ત આશ્રમ હોય તો ગાયો કતલખાને ખેંચાઇ ના જાય. ઉત્તર પ્રદેશની સરકાર ૧૦ હજાર ગાયો માટે મુક્ત-વિહાર કેન્દ્ર ખોલી રહી છે જેમાં અશક્ત અને દૂધ નહીં આપતી ગાયો લહેરથી રહી શકશે. ગાયો માટે આ પોઝીટીવ પગલું છે. કતલખાને જતી ગાયોને રોકવાનો આ એક માત્ર કોન્સેપ્ટ છે; જે આવકાર્ય પણ છે.
ગૌરક્ષકોના ટોળાં રાજસ્થાનના રોડ પર આખી રાત જોવા મળે છે. દરેક ટ્રકોનું ચેકિંગ થાય છે. આ બધું પોલીસની નજર સામે થાય છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે. સત્તાવાર રીતે ગાય ખરીદીને જતા કિસાનની હત્યા થઇ હોવાની ઘટના બની છે. ટૂંકમાં ગાય ઝઘડાનું કારણ બની રહી છે. જો ગાયમાં કુદરતે થોડી ઘણી સમજ મૂકી હોત તો ગાય તેમની લે-વેચ કરનારના પેટમાં શિંગડા ઘૂસાડી દેત !!
ગૌ-માતા સૌને સ્વિકાર્ય છે. વર્ષોથી ગાયોની કતલ સામે આંખ આડા કાન થતા હતા. જ્યારે એનડીએ સરકારે લાલ આંખ કરી કે તરત વિરોધના સૂર છૂટવા લાગ્યા હતા. આ સૂર હવે પડઘામાં પરિણમ્યો છે.
ભારતના રાજકારણમાં બાહોશ લોકો ભર્યા છે. તે સજીવ-નિર્જીવ બંને વસ્તુઓને મુદ્દા બનાવી શકે છે. નિર્જીવ બાબરી ધ્વંસના મલબાનો પણ પ્રચારમાં ઉપયોગ કરે છે અને સજીવ 'ગાય'નો પણ ઉપયોગ કરે છે.
શું ગાયનું પૂંછડું પકડીને ૨૦૧૯ની ચૂંટણી વૈતરણી પાર કરવામાં મોદી સરકારને સફળતા મળશે ? જવાબ માટે થોડી રાહ જોવી પડશે.
આપણે ત્યાં ગાય-કૂતરા માટે રોટલી સાઇડમાં મૂકાય છે એમ રાજકીય પક્ષો ગાય માટે રોટલી શેકી રહ્યા છે.

Comments
Post a Comment