રાજકીય ગપસપ: રાહુલ ગાંધી મેદાનમાં આવવા મથે છે

રાહુલ ગાંધી મેદાનમાં આવવા મથે છે
કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધીએ જ્યારે ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી ત્યારે ભાજપે તેનો વાંધો ઊઠાવ્યો ત્યારે કોંગ્રેસ સંકોચાઇ ગઇ હતી પરંતુ ચીનના રાજદૂત વિપક્ષી નેતાને મળે એ સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે એવું જાણવા મળ્યું ત્યારે કોંગ્રેસના પ્રવકતાએ કહ્યું કે હા.. રાહુલ ગાંધી ચીનના રાજદૂતને મળ્યા હતા. 

પોતાનું નામ સમાચારોમાં ચમકતાં જ રાહુલ ગેલમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે મારી તરફ આંગળી ના ચીંધો !! વડાપ્રધાન મોદી પણ ઈઝરાયલ ગયા હતા ત્યારે ત્યાંના વિપક્ષી નેતાને મળ્યા હતા.

રાહુલ રાજદૂતને મળ્યા હતા કે નહીં તે વિવાદ આખો દિવસ ચાલ્યો હતો. જોકે રાહુલ વતી આનંદ શર્માએ કહ્યું હતું કે કોમ્યુનિકેશન ગેપના કારણે વિવાદ થયો હતો. પરંતુ રાહુલ ગાંધી તો સ્પષ્ટતા કરવા ઉતરી પડયા હતા. તેમણે કહ્યું કે હું માત્ર ચીનના રાજદૂતને નહીં પણ ભૂતાનના રાજદૂતને પણ મળ્યો હતો !!

સોનિયા ગાંધીની મજબૂરી..
સોનિયા ગાંધી વિપક્ષોની બેઠક બોલાવે છે અને દરેક સાથે ફોન પર વાતચીત પણ કરે છે. વિપક્ષી એકતામાં પડતી ફાટફૂટ પાછળનું કારણ લાલુ પ્રસાદ યાદવ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારની કૉલ્ડવૉર બની ગઇ છે.
લાલુ પ્રસાદ અને તેમના કુટુંબીજનો સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલે છે. કોંગ્રેસ કોઇ ભ્રષ્ટ સાથે બેસી શકે નહીં પણ એકતા રાખ્યા સિવાય છૂટકો નથી.

લાલુ પ્રસાદ યાદવના કુટુંબ પરના દરોડા અંગે પણ કોંગ્રેસે વિચિત્ર સ્ટેન્ડ લીધું હતું. લાલુને ટેકો એટલે ભ્રષ્ટાચારને ટેકો એમ કોંગ્રેસ સમજે છે તેમ છતાં લાલુ પ્રસાદને મીટીંગમાં બોલાવવા પડે છે અને તેમની રાહ પણ જોવી પડે છે. આ વાંચ્યા પછી એમ કહી શકાય કે મજબુરી કા નામ મહાત્મા..

યોગી આદિત્યનાથની ડીમાન્ડ
કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલા બાદ મોદી સરકાર એ વિચારતી થઇ ગઇ છે કે લશ્કરની વ્યૂહરચનાની ત્રાસવાદીઓને ખબર કેવી રીતે પડે છે ? ત્રાસવાદીઓ ભારતના લશ્કરની વ્યૂહરચના કરતા કાબેલ પૂરવાર થયા હતા. કહે છે કે મુખ્ય પ્રધાન મહેબુબા મુફતી નબળા પૂરવાર થયા છે.

નથી તો હુરીયત નેતાઓની કાનપટ્ટી પકડી શકતા કે નથી તો સુરક્ષા સૈનિકોની પીઠ થપથપાવી શકતા !! જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી તત્વોએ મહેબુબાની શરમ ભરી નહોતી. 

હવે શું તે યક્ષપ્રશ્ન છે. સોશ્યલ નેટવર્ક વાળા કહે છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને કાશ્મીરનો વધારાનો હવાલો સોંપવો જોઇએ.. પ્રથમ નજરે આવું શક્ય નથી પણ મોદી ધારે તો કરી શકે..

મહેબુબાની કુનેહ
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા જ્યારથી મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારથી કોઇને કોઇ સમસ્યા ચાલુ રહે છે. 

અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો થયો ત્યારે મહેબુબાએ સૌ પ્રથમ પ્રતિભાવ આપ્યો હતો તે તો ઠીક પણ તે હોસ્પિટલ પહોંચી ગયા હતા. મહેબુબાના સૌથી મોટા વિરોધમાં કોંગ્રેસના ગુલામનબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સના ઓમાર અબ્દુલ્લા છે. મહેબુબાએ ત્વરીત નિર્ણયો લઇને આ બંનેને ચિત્ત કરી દીધા હતા.

ગુલામનબી આઝાદે મૃતકો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી પણ મામલો રાજકારણના રંગે રંગવા પ્રયાસ કર્યો હતો. ઓમાર અબ્દુલ્લાએ તો રાષ્ટ્રપતિ શાસન એકમાત્ર વિકલ્પ છે એમ કહી પોતાનો મત આપ્યો હતો. 

પરંતુ મહેબુબાએ તો અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો અને પ્રવાસીઓની પણ વાહ-વાહ મેળવી હતી. આને રાજકીય કુનેહ કહેવાય...

ચેતન ભગતની ટ્વીટ..
અમરનાથ યાત્રા પરના હુમલા બાદ સોશ્યલ નેટવર્ક પરના સ્કોલરોને મજા પડી ગઇ હતી. તેમના મનમાં રહેલી ખીજ બહુ દિવસે બહાર આવી હતી. 

શિવસેનાના સંજય રાઉતે લખ્યું હતું કે આ હુમલો તો સમગ્ર દેશ પર છે; ખાસ કરીને દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર પર.. ડાબેરી નેતા સીતારામ યેચુરીએ હુમલાને વખોડી કાઢ્યો હતો.

શેખર કપુરે લખ્યું હતું કે ત્રાસવાદી ઘટના અને કોમવાદની ઘટનાને એક નજરે ના જોવી જોઇએ. આમ કરવાથી લોકો મુંઝવણમાં મૂકાય છે. 

જો કે ચેતન ભગતે લખ્યું હતું કે જુનૈદની હત્યા થઇ ત્યારે દંભીઓએ એમ કહ્યું કે તે મુસ્લિમ છે માટે હત્યા થઇ તો પછી અમરનાથ યાત્રાના મૃતકો હિંદુ છે તો એમ કેમ નથી કહેતા કે તે હિંદુ છે માટે મારવામાં આવ્યા છે !!

રાજનાથસિંહ સામે પડકાર
રાજકીય લોબીમાં એવો ગણગણાટ છે કે વડાપ્રધાન મોદી નવા ગૃહપ્રધાનની શોધમાં છે. રાજનાથસિંહ દેશમાં વધતા જતા કોમવાદ તરફી તોફાનોને દાબી શકતા નથી.

ગૌહત્યાથી માંડીને ગૌરક્ષકોની દાદાગીરી સામે રાજનાથસિંહ ચૂપ છે. તે વારંવાર નવા કાયદા બનાવવાનું સૂચન કરે છે પણ વર્તમાન કાયદાનો અમલ કરાવી શકતા નથી.

જુનૈદની હત્યા અંગે તેમણે લાંબો સમય મૌન સેવ્યું હતું. રાજનાથસિંહ હિંસા અટકાવી શક્યા નથી. ઉત્તર પ્રદેશમાં થતી છૂટી-છવાઇ હિંસાને પણ સોશ્યલ નેટવર્ક પર ચગાવવામાં આવે છે.

રાજનાથસિંહ સફળ ગૃહ પ્રધાન નથી એમ પીઢ રાજકારણીઓ કહી રહ્યા છે. તે વડાપ્રધાનની ગુડબુકમાં પણ નથી. ગપસપ એવી છે કે રાજનાથસિંહને બદલવામાં આવશે..

Comments