રાજકીય ગપસપ: સીતારામની પડતીના દિવસો

રાહુલના ટેન્ટમાં પતંગીયું...સોશ્યલ મીડીયા પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે કોઇ મજબુત ટીમ નથી. 

કોઇ વિવાદાસ્પદ મુદ્દા પર સરકારને મૂંઝવી મારવાની તાકાત આ ટીમ પાસે નથી એટલે રાહુલ ગાંધીએ એક તરવરીયો-ગુલાબી ચહેરો નામે દિવ્યા સ્પંદનાને સોશ્યલ મીડીયાની બોસ બનાવી છે.

 આ દિવ્યા એટલે બોલીવુડ જેને રામ્યા તરીકે ઓળખે છે તે. આ ચહેરાને સાથે જોઈને કોંગીજનો ઉત્સાહમાં આવી ગયા છે. રામ્યા જેના સ્થાને આવ્યા તે દિપેન્દ્રસિંહ હૂડાએ નારાજગી વ્યક્ત કરીને હોદ્દો છોડયો હતો.

જો કે રામ્યાને જેવી ખબર પડી કે 'હૂડા' આડા ફાટયા છે એટલે તેમણે હૂડાના ખાસ માણસોને ટીમમાંથી કાઢી મુક્યા હતા. 

એક સમયે દિપેન્દ્રસિંહ હૂડાની બોલબાલા હતી પણ રામ્યાના કારણે તેમનો એકડો નીકળી ગયો હતો. રામ્યાનો કોઈ વિરોધ નથી કરતું, કેમ કે રાહુલે તેમને પસંદ કર્યા છે.

સીતારામની પડતીના દિવસો
ભારતના રાજકારણમાંથી ડાબેરી પક્ષો સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા છે એવી જ રીતે સમાજમાં પણ ડાબેરી વિચારને સમર્થન આપનાર ગણ્યા-ગાંઠયા લોકો રહે છે. 

ડાબેરી નેતા સીતારામ યેચુરી રાજ્ય સભામાં જવા માગે છે પણ ટોપનું મોવડી મંડળ તેમનાથી નારાજ છે. જ્યારે પ્રકાશ કરાટ પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે ડાબેરી પક્ષના વિચાર વ્યક્ત થતા જોવા મળતા હતા

ત્યારબાદ સીતારામ યેચુરી પાસે શાસન આવ્યા બાદ ડાબેરી વિચાર અદ્રશ્ય થવા લાગ્યો છે. ડાબેરી પક્ષો કોઈ જુસ્સાવાળા નેતાને શોધે છે. કહે છે કે સીતારામ યેચુરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ભારતની આઝાદી અંગેના પુસ્તકો વાંચવા આપતા હતા. ડાબેરી મોવડી મંડળે ત્યારે પણ યેચુરીને કહ્યું હતું કે તમે ખોટો સમય બગાડો છો.

અમિત શાહ ચાણક્ય છેભાજપના પ્રમુખ અમિત શાહના પ્રવાસો ચૂંટણી પ્રવાસો બની ગયા છે. ભાજપનો આ પ્રથમ એવો પ્રમુખ છે કે જે આટલો સખત ચૂંટણી પ્રવાસ કરે છે. એક ગુજરાતી પશ્ચિમ બંગાળમાં પણ ગરજે, જમ્મુ-કાશ્મીરમાં પણ ગરજે અને કર્ણાટકમાં પણ ગરજે ત્યારે ભાજપના નેતાઓ ગર્વ કરે છે. અમિત શાહે હોદ્દાને દીપાવ્યો છે અને પોતાને મળેલી મહાતકનો ઉપયોગ કર્યો છે.

અમિત શાહ પાસે નિર્ણયો લેવાની છુટ છે. તેમના નિર્ણયની આડે નથી તો મોદી આવતા કે નથી તો સંઘના કોઇ આવતા. ૨૦૧૯માં મોદીને ફરી વડાપ્રધાન બનાવવા અમિત શાહ કમર કસી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં તેમણે ભાજપને ભવ્ય જીત અપાવી છે. હવે તેમની નજર કર્ણાટક અને પશ્ચિમ બંગાળ પર છે. તેમને રાજકારણના ચાણક્ય ગણવામાં આવે છે.

મમતા બેનરજી ફરતે નિરાશા
મમતા બેનરજીના મનમાં કોઈએ એવો ડર ઘૂસાડયો છે કે જો તમે દિલ્હીમાં સરકાર બનાવવાના પ્રયાસમાં કલકત્તા છોડશો તો ભાજપવાળા ચઢી બેસશે. ભાજપ પણ મમતાની પકડ ઢીલી થાય તેની રાહ જુવે છે. 

અમિત શાહે પ. બંગાળ ભાજપના માળખામાં ફેરફાર કર્યા છે. મમતા બેનરજી લઘુમતી કોમ તરફી છે અને બાંગ્લાદેશના નિરાશ્રિતોના વોટ લેવા તેમની આળ પંપાળ કરે છે તેવું સિધ્ધ કરવા ભાજપ પ્રયાસ કરે છે.

મમતાનું ધાર્યું દિલ્હીમાં થતું નથી કેમ કે એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે. અમિત શાહ પશ્ચિમ બંગાળમાંથી મમતાને હરાવીને તૃણમુલ કોંગ્રેસનો યુગ સમાપ્ત કરવા માગે છે. 

મમતા બેનરજી ફાઇટર છે. તે કેન્દ્ર સરકારનો દરેક બાબતે વિરોધ કરે છે. વિપક્ષી મોરચો બનાવવાની તેમની મુરાદ પર પાણી ફરી વળ્યું છે.

સોનિયા અને ઉમાના ગપ્પાંરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શપથ સમારોહમાં કોણ ક્યાં બેઠું હતું તે જાણવું બહુ રસપ્રદ બન્યું છે. આગલી હરોળમાં જમણી બાજુ ઠેઠ છેલ્લે વડાપ્રધાન મોદી બેઠા હતા તો ડાબી બાજુ ઠેઠ છેલ્લે રાષ્ટ્રપતિ પદના જંગમાં હારેલા મીરાંકુમાર બેઠા હતા. 

સૌથી આગલી હરોળમાં નીતીશકુમાર હતા જયારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન છેલ્લી હરોળમાં હતા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જેમના નામો ચર્ચા હતા તે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી પણ આગલી હરોળમાં વચ્ચે બેઠા હતા.

આ સમારંભમાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે સોનિયા ગાંધી અને ઉમા ભારતીએ હસી-હસીને અડધો કલાક વાતો કરી હતી. કહે છે કે ઉમા ભારતીએ સોનિયાજી બહુ સૂકાઈ ગયા છો એમ કહ્યું હશે તો સોનિયાજીએ ઉમાને કહ્યું હશે કે તુમ તો બહોત ફેટ હો ગઈ હૈ, મોદી ચક્કી કા લોટ ખાતી હૈ ક્યા ?!!

રાજ્યસભા માટે સંગીત ખુરશી
રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણમાં દોડધામ વધી છે. જે લોકો રાજ્યસભામાં ચાલુ છે તે રીપીટ થવા માગે છે. ગુજરાતમાં કોંગ્રેસને ક્રોસ વોટીંગનો ડર છે. 

ગાંધી કુટુંબની નજીકના ગણાતા એહમદ પટેલને પણ ક્રોસ વોટીંગનો ડર છે. એહમદ પટેલના સમર્થકો કહે છે કે 'ભાઈને કોઈ વાંધો એમ નથી.' કોંગ્રેસ અને ભાજપ બંનેમાં રાજ્યસભાની બેઠક માટે તીવ્ર સ્પર્ધા ચાલે છે. એમ લાગે છે કે ટીકીટ વાંચ્છુઓ 'સંગીત ખુરશી' ની ગેમ રમી રહ્યા છે. 

મોવડી મંડળ સંગીત બંધ કરે કે તરત જ લોકો ખુરશી પર ગોઠવાઈ જાય છે. મોવડી મંડળ લાંબા સમયથી સંગીત વગાડયા કરે છે. રાજ્યસભાની બેઠક મેળવવા માગનારા દોડયા કરે છે... દોડયા કરે છે...

Comments