રાજકીય ગપસપ: મમતા હારી રહ્યા છે, શરદ પવારને ફોન કોણે કર્યો

ત્રિપુટી વચ્ચે કોન્ફરન્સ
મોદી સરકારમાં નંબર-ટુ તરીકે અરૃણ જેટલી છે. જેટલી અને વડાપ્રધાન મોદી વચ્ચેનું ટયુનીંગ સારું છે તે નોટબંધી અને GSTના નિર્ણયોમાં દેખાઈ આવતું હતું. 

અરૃણ જેટલી અને અમિત શાહને સ્થાનિક પોર્ટફોલિયો સોંપાયો છે જ્યારે વિદેશી બાબતો પર વડાપ્રધાન મોદી ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. 

વડાપ્રધાન વિદેશની કંપનીઓને ભારતમાં આવવા આમંત્રી રહ્યા છે તો જેટલી આ કંપનીઓ માટે સમાન કાયદા-કાનૂન લાવી રહ્યા છે.

આમ આ ત્રણેય પોતપોતાના કામોમાં વ્યસ્ત છે. કહે છે કે ત્રણેય જણા વચ્ચે રાત્રે કોન્ફરન્સ કોલ પર વાત થાય છે. નોટબંધીને લોકો GSTના કારણે ભૂલી ગયા છે. એમ GSTની સમસ્યા ભૂલાવવા નવો મુદ્દો લાવવા વિચારાઈ રહ્યું છે. આ મુદ્દો 'ઈન્કમટેક્ષ ફ્રી' ઈન્ડિયાનો છે. એટલે કે કોઈએ ઈન્કમટેક્ષ નહીં ભરવાનો!!

યાદવ પરિવારના ડખા ચાલુ છે
ઉત્તર પ્રદેશમાં  અખિલેશ અને તેના પિતા મુલાયમ વચ્ચેના અબોલા સૌને દેખાઈ આવે છે. પંદર દિવસ અગાઉ અખિલેશની એક ટ્વીટ એવી હતી કે જેમાં તેમણે તેમની ભાભી અપર્ણા યાદવને ડેરીફંડમાં ૮૦ ટકા જેટલી લોન આપવાનો ઉલ્લેખ કર્યો હતો. કહે છે કે અખિલેશે કાચું કાપતા આ ટ્વીટ હટાવી લેવામાં આવે છે પરંતુ આ ટ્વીટે અંદરના ઝઘડા સપાટી પર લાવી દીધા છે.

અપર્ણા યાદવ મોદી સમર્થક છે. તેમના ઘરના ડ્રોઈંગ રૃમમાં વડાપ્રધાન મોદીને બૂકે આપતો અપર્ણા યાદવનો ફૂલ ફોટો મુકાયો છે. જે ઘરમાં આવે તેમની નજર આ ફોટા પર પડે છે. બહુ બોલકા નેતાઓ ટીકા પણ કરે છે કે યાદવ કુટુંબ જાહેરમાં મોદીનો વિરોધ કરે છે પણ અંદરખાને બધા એકના એક છે.

નીતીશ : કાળીનો એક્કો
નીતીશકુમાર આજકાલ લાલુ પ્રસાદ યાદવની ઉંઘ હરામ કરી રહ્યા છે. નીતીશકુમારે રાષ્ટ્રપતિ અને GSTના મુદ્દે સરકારને ટેકો આપીને વિપક્ષોને મૂંઝવણમાં મુક્યા છે. નીતીશકુમાર સરકાર ચલાવવા પણ માગે છે અને લાલુ પ્રસાદની ઉંઘ હરામ કરવા પણ માગે છે.

તેમણે એકતરફ ભાજપને ગાજર બતાવે રાખ્યું છે તો બીજી તરફ લાલુપ્રસાદને હૂક પર રાખ્યા છે. છેલ્લે લાલુપ્રસાદ યાદવે પટણામાં 'મોદી હટાવ-દેશ બચાવ' રેલીનું આયોજન કર્યું ત્યારે નીતીશકુમારે કહ્યું કે રેલીને મંજૂરી આપો પણ હું હાજર નહીં રહું!! નીતીશકુમારે સાથે સાથે એમ પણ કહ્યું કે એનો અર્થ એમ નથી કે હું ભાજપનો સમર્થક છું!! ટૂંકમાં નીતીશકુમાર ભાજપ અને લાલુ યાદવ એમ બંનેને રમાડે છે.

મમતા હારી રહ્યા છે
મમતા બેનરજી એનડીએ સરકારના વિરોધી છે તે જગજાહેર વાત છે. પશ્ચિમ બંગાળમાં મમતાનો કોઈ વિરોધ કરે તો એમ માની લેવાય છે કે તે ભાજપનો માણસ છે. મમતા બેનરજીને કોઈ મળવા જાય તો તે ભૂલમાં પણ કેન્દ્ર સરકારની પ્રશંસા ના થઈ જાય તેનું ધ્યાન રાખે છે. મમતાને એનડીએ સરકાર ખાસ કરીને નરેન્દ્ર મોદી પર દાઝ એટલા માટે છે કે તે વારંવાર વિપક્ષોને હરાવતા આવ્યા છે.

મમતાને એમ હતું કે રાષ્ટ્રપતિનો ઉમેદવાર વિપક્ષો મુકશે અને મોદીને હંફાવશે પરંતુ એમ થઈ શકે એમ નથી. ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્ષના અમલને વધાવવા જુનના અંતમાં બોલાવાયેલા રાત્રિ સત્રમાં કોઈ વિપક્ષી નેતા ના જાય એવું મમતાએ પ્લાન કર્યું હતું. પરંતુ ગૃહમાં સૌથી આગલી હરોળમાં વિપક્ષી નેતા શરદ પવાર શરૃઆતથી જ બેસી ગયા હતા. વિપક્ષી એકતા અંગે મમતાએ ફરી એકવાર માથું કૂટયું હતું.

શરદ પવારને ફોન કોણે કર્યો
લાલકૃષ્ણ અડવાણી પણ આગલી હરોળમાં બેઠા હતા. બધા એમ માનતા હતા કે અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે અબોલા છે. રાષ્ટ્રપતિ પદ પર બેસવાનો અડવાણીને મળેલા ચાન્સની દવા નરેન્દ્ર મોદીએ કાઢી છે એવા આક્ષેપો પણ થયા છે. તેમ છતાં અડવાણી આવ્યા અને શરદ પવાર સાથે બેઠા હતા. ભારતના રાજકારણને સમજવું અઘરું છે.

આ લોકો રાજકીય તખ્તા માટે જોરદાર આક્ષેપબાજી કરે છે પણ રાજકારણ સિવાયના મુદ્દે ભાઈબંધો હોય છે. કહે છે કે શરદ પવાર નહોતા આવવાના પણ અડવાણીના એક ફોનથી આવ્યા હતા. હવે વાત એ છે કે અડવાણીએ શા માટે શરદ પવારને ફોન કર્યો? જવાબ એ છે કે અમીત શાહે તેમને ફોન કરવા કહ્યું હતું હવે અમિત શાહને કોણે કહ્યું? જવાબ છે કે 'મોદી'એ કહ્યું!!

રાબડીને રોકડ ગણતા ના આવડી
લાલુપ્રસાદ યાદવ જ્યારે જેલમાં હતા ત્યારે તેમના પત્ની રાબડી દેવીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. તેમ માંડ બે ચોપડી ભણેલા હતા. તેમને રોકડા રૃપિયા ગણતા ના આવડે તે સ્વાભાવિક છે. 

રાબડી દેવી રોકડાના વહિવટમાં મૂંઝાતા હતા એટલે જેલમાં બેઠા-બેઠા લાલુએ આઈડિયા કર્યો કે કોઈ રોકડ ના લેવી તેના બદલે તેટલા પૈસાની જમીન આપવી.

એટલે પૈસા આપનારા લાલુ પ્રસાદના ફેમીલીના નામે જમીન કરીને તેના ૭ ટ ૧૨ના ઉતારા આપી જતા હતા. બિહારના પટણામાં સૌથી મોટા મોલનું કૌભાંડ પકડાયું તે પણ લાલુ ફેમીલીની આવી જ કોઈ જમીન પર હતો. 

જો કે લાલુને એ ખબર નહોતી કે ૭/૧૨ના ઉતારામાં તેમના ફેમીલીનું નામ તેમના માટે ભવિષ્યમાં જોખમકારક બની જશે.

Comments