કોઇ સ્કૂલ રાજકારણના પાઠ શીખવાડી ના શકે !! ઘેર-ઘેર રાજકારણ રમાય છે; નવરાંઓ માટે રમત વાત
રાજકારણ મજાનો વિષય છે :તે વાંચો અને સમજો તો કોઇ મૂરખ ના બનાવી જાય, કોઇપણ ક્ષેત્રે રાજકારણની માયાજાળ રચાયેલી છે
રાજકારણમાં સૌથી મહત્વનું લેડીલકનો સાથ હોવો જોઇએ : બીરબલ હોંશિયાર હતો પણ લેડીલક અકબર સાથે હતી..
રાજકારણી એ 'સેવા'નો બિઝનેસ છે આપણે ત્યાં તે 'મેવા'નો બિઝનેસ બની ગયો છે. મેવા ખાનારા ક્યારેય 'મેવા' પાછળ દોડતા નથી.
રો જીંદા જીવનમાં દરેક વત્તે-ઓછે અંશે રાજકારણ રમતા હોય છે. ભલે તે ઘર હોય; ઓફિસ હોય; કોઇ નાનું સંગઠન હોય; મંદિર હોય કે રાજકીય પક્ષની બેઠક હોય કે દેશનો વહિવટ કરવાનો હોય !! કોઇ ક્ષેત્ર એવું નથી કે જ્યાં રાજકારણના વાયરસ ઘૂસ્યા ના હોય !! જે લોકો એમ કહે છે કે મને રાજકારણમાં ખબર નથી પડતી તે વધુ ચાલાક હોય છે.
રાજકારણ રમવું ના જોઇએ અને પારદર્શક રહેવું જોઇએ એવા લોકોને જુઠ્ઠાઓની યાદીમાં મોખરાનું સ્થાન આપવું જોઇએ. રાજકારણ રમવું એ હૂંસા-તૂંશીનો એક ભાગ છે. આગળ વધવા માટે સતત તક શોધનારાઓ સાચું-ખોટું બોલે છે, ગરબડ-ગોટાળા કરે છે અને પોતાનો પતંગ ઊંચો રાખવા પ્રયાસ કરે છે.
રાજકારણી ગમે એટલો સંઘર્ષ કરે પણ જો તેને લેડીલક સાથ ના આપે તો તે એક જ સ્થળ પર તર્યા કરે છે. તે હાથ-પગ હલાવે છે પણ ત્યાંનો ત્યાં જ રહે છે. લેડીલક એટલે નસીબ યારી આપે, નસીબ સાથ આપે તો રાજકારણ રમનારાઓને વણ જોઇતું મળે છે અને ઓછા પ્રયાસે વધુ મળે છે. તેમ છતાં રાજકારણ સતત રમતા રહેવું પડે છે; જે સતત સક્રીય રહે છે તેને કોઇને કોઇ રીતે ધનયોગ થતો હોય છે.
તાજેતરમાં એક અહેવાલ એવા હતા કે જે યુવાનો રાજકારણ શીખવા માગે છે તેમના માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલી એક સંસ્થાએ ૯ મહિનાનો કોર્સ શરૃ કર્યો છે. રાજકારણ એ પ્રેકટીસથી આવડે; માર ખાઇ-ખાઇને આવડે છે. એટલે કોઇ એમ કહે કે રાજકારણની સ્કૂલ ચલાવાય છે તો તેમાં પૈસા ખંખેરી લેવા સિવાયનો બીજો કોઇ હેતુ નથી.
જે વ્યક્તિ જાગૃત સજાગ છે તે રાજકારણી છે. રાજકીય પક્ષમાં જઇને રાજકારણ રમાય એવી ભ્રમણામાંથી દૂર થઇ જવાની જરૃર છે. ઘર-કૂકડી જેવા સ્વભાવવાળો કે સોશ્યલ નેટવર્કમાં માથું ઉતારીને જોયા કરનારા રાજકારણની વાતો કરી શકે છે પણ રાજકારણી બની શકતા નથી.
રાજકારણી એ 'સેવા'નો બિઝનેસ છે આપણે ત્યાં તે 'મેવા'નો બિઝનેસ બની ગયો છે. મેવા ખાનારા ક્યારેય 'મેવા' પાછળ દોડતા નથી. તે સેવા કર્યા કરે છે તેના ફળરૃપે તેને જાણે-અજાણે મેવા મળ્યા કરે છે.
રાજકારણમાં દસ વર્ષ સ્થિર રહેનાર ગાડી-બંગલા વાળો થાય છે. રાજકારણ શીખવાડતા કોર્ષમાં પુસ્તકીયું જ્ઞાાન મળે છે જે રાજકીય મેદાનમાં લગ્ગીરેય કામ આવતું નથી. રાજીવ ગાંધીને બહુ પ્રશંસા નહોતી મળી; સોનિયા ગાંધી 'ક્વીન' હતા પણ કિંગ બની શક્યા નહોતા.
વર્તમાન રાજકારણીઓ પર નજર કરો તો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી મોદી સરકારને ગાંઠતા નથી. તેમની રાજકારણ રમવાની સ્ટાઇલથી ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એમ ત્રણેય ચિત્ત થઇ ગયા છે. આ બાઇ પાયામાંથી બહાર આવી છે.
મમતા બેનરજીની એગ્રેસીવ સ્ટાઇલ જોઇને દિવંગત રાજીવ ગાંધીએ તેમને કોંગ્રેસમાં ચાન્સ આપ્યો હતો. મમતા રાજકારણની સીડી એવી ફટોફટ ચઢ્યા કે પોતાનો પક્ષ પણ બનાવ્યો અને ડાબેરી જેવા મહા રાજકારણીઓને, ધૂળ ચાટતા કરી દીધા હતા. કોંગ્રેસ પ.બંગાળમાં નહિવત્ છે, તો ભાજપ પ.બંગાળમાં હાંફે છે.
મમતા કોઇ સ્કૂલમાં રાજકારણમાં શીખવા નહોતા ગયા. એવું જ માયાવતીનું છે. સામાન્ય સ્કૂલની શિક્ષિકા દલીતોની સેવા કરતાં કરતાં કાંશીરામની નજરે ચઢી ગઇ. કાંશીરામે આપેલી લીફ્ટ બાદ તે મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચી ગયા હતા.
આડા-અવળા ફાંફા મારવાના બદલે વર્તમાન રાજકીય સ્થિતિનું બારીકાઇથી અવલોકન કરીને તેના મહત્વના મુદ્દા એક નોટમાં ટપકાવી લેવા જોઇએ. જોકે રાજકારણ શીખવાડતી સ્કૂલોને 'બોકડા' મળી રહેવાના છે કેમકે દરેક માને છે કે રાજકારણમાં 'સ્પેસ' છે. ચાન્સ મળી જશે.
રાજકારણ એ એન્જોય કરવાની ચીજ છે. તમારી નજીકનો તમને મારીને આગળ નીકળી જાય છે. રાજકારણમાં ઘણાં નંબર-ટુની ભૂમિકામાં આજીવન રહે છે. તેમને ચાન્સ નથી મળતો. જેનું લેટેસ્ટ ઉદાહરણ લાલકૃષ્ણ અડવાણી, રાહુલ ગાંધી વગેરે છે.
લાલકૃષ્ણ અડવાણીને જે પોતાના રાજકીય ગુરૃ કહેતા હતા તે ચેલા નરેન્દ્ર મોદીએ જ તેમની પાંખો કાપી નાખી હતી. અડવાણી રાષ્ટ્રપતિ બની શકે એવા સો ટકા ચાન્સ હોવા છતાં મોદીએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
તમારે રાજકારણી બનવું હોય તો ટોળાની વચ્ચે જાઓ; અરીસાની સામે જોઇને ભાષણો તૈયાર કરો, દરેકની સમસ્યા સાંભળો અને નિવારવા પ્રયાસ કરો. સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને ફરવાથી રાજકારણ નથી આવડતું પરંતુ ગમે-ત્યાંથી પૈસા પડાવવાની ટેવ છોડીને પોતાની એક ઈમેજ બનાવવી જોઇએ.
રાજકારણ એ બહુ અઘરો વિષય છે. જ્યાં લાલકૃષ્ણ અડવાણી જેવા હાંફી ગયા ત્યાં અન્યોની તો શું કિંમત ? તેમ છતાં રાજકારણ એ ધીરજનો વિષય છે. માછલી પકડનાર પાણીમાં જાળ નાખીને બેઠો હોય એમ બેસી રહેવાનું અને તક મળે ત્યારે તૂટી પડવાનુ !!
લીડરશીપ મેનેજમેન્ટ રૉટરી, લાયન્સ અને જુનિયર ચેમ્બરમાં શીખવા મળે છે. પબ્લીક સ્પીકીંગ એ દરેકને આવડે એવો વિષય નથી. ભારતના અનેક વક્તાઓને સાંભળવા લાખો લોકો ઉમટે છે. નરેન્દ્ર મોદી જેવા વક્તા ઑડીયન્સને પણ પોતાની સાથે જોડે છે. આજકાલ ઘણાં ભાષણબાજો મોદી સ્ટાઇલ અપનાવે છે. જોયા વગર બોલવાની સ્ટાઇલમાં તે અગડમ્-બગડમ્ બોલવા લાગે છે.
રાજકારણના પાઠ ભણાવતી સ્કૂલોએ પાયાના કાર્યકરો તૈયાર કરવાનું શિક્ષણ આપવું જોઇએ. નવા-સવા કાર્યકરને સંસદમાં પોઈન્ટ ઓફ ઓર્ડર કોને કહેવાય તે શીખવાડવું અર્થહીન છે.
વડાપ્રધાન મોદી રાજકીય સિસ્ટમના જાણકાર હતા પરંતુ સક્રીય રાજકારણમાં ૨૦૦૨માં આવ્યા અને ૨૦૧૪માં વડાપ્રધાન બની ગયા. તે આર.એસ.એસ.ની શાખામાં તૈયાર થયા હતા. ત્યાં ધીરજ અને કબ્બડી બંને શીખવાડાય છે.
ટૂંકમાં પાયાના કાર્યકરો ઉપરથી ઠોકી બેસાડાયેલા નેતા કરતાં વધુ સ્માર્ટ હોય છે અને સગાવાદમાં આગળ આવેલા કરતાં પણ સ્માર્ટ હોય છે. લાલુ પ્રસાદ યાદવના પુત્રો, મુલાયમસિંહ યાદવનો પુત્ર, સોનિયા ગાંધીનો પુત્ર વગેરે રાજકારણમાં 'ગગા' સાબિત થયા છે.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં અણ્ણા હજારેના સ્ટેજ પર બેઠા-બેઠા રાજકારણને સમજ્યા હતા. અણ્ણા હજારેના આંદોલનનો સૌથી વધુ લાભ અરવિંદ કેજરીવાલને મળ્યો છે. તે દરેક પાસેથી થોડું શીખ્યા હતા અને મુખ્ય પ્રધાન બની ગયા હતા.
નીતીશકુમાર, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ વગેરે તો જયપ્રકાશ નારાયણની રાજકીય સ્કૂલમાં ભણેલા છે. દરેકને જયપ્રકાશ નારાયણે ચાન્સ આપ્યો હતો. આજે આ બધા દેશના રાજકારણના મહત્વના અંગ બની ગયા છે.
રાજકારણ શીખવા ૯ મહિનાનો કોર્ષ કરવો અને અઢી લાખ ફી આપવી એ પૈસા ખંખેરી લેવાનો ત્રાગડો છે. રાજકારણ શીખનારાઓએ રોજ સવારે હોસ્પિટલના ઈમર્જન્સી વૉર્ડમાં જઇને લોકોની સેવા કરતાં - કરતાં પોતાના માટે તકની રાહ જોવી જોઇએ.
અભિમન્યુ માતાના ગર્ભમાંથી અર્થાત્ જન્મતા પહેલાં યુધ્ધના સાત કોઠા શીખ્યો હતો છતાં સાતમો કોઠો ન શિખતા હાર થઈ. રાજકારણમાં આગળ વધવાનું પ્રથમ સૂત્ર છે કે હારને પચાઓ અને જીતથી બહુ ના હરખાઓ !!
મહા ગુજરાતની ચળવળથી માંડીને બાબરી ધ્વંસથી રામમંદિર નિર્માણની વાતો સુધીની ઘટનાઓ વાંચો-સમજો; દિવંગત ઈન્દિરા ગાંધીએ લીધેલા કટોકટીથી સુવર્ણ મંદિરના લશ્કરી પગલાંથી બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી છૂટું પાડયું ત્યાં સુધીની ઘટનાઓ વાંચો; પીલુ મોદી, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની સ્પીચ સાંભળો પરંતુ પાયાના કાર્યકર બનવાનું ના ભૂલતા..
અંતે એમ કહી શકાય કે રાજકારણમાં નસીબ ના હોય તો આગળ ના અવાય એટલે તો બુધ્ધિશાળી હોવા છતાં બિરબલ મેનેજર હતો અને ગગો અકબર રાજા હતો !!
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment