નવી પેઢી - નવા મતદારો ઈન્દિરા ગાંધીને ઓળખી શકે તે જરૃરી : વાજપેઈએ તેમને 'દુર્ગા' કહ્યા હતા..
એનડીએ સરકારને મહાત્ કરવા કોંગે્રસે અનેક શસ્ત્રો છોડયા હતા પણ બધા જ ફસકી ગયા હતા : ડૂબતી કોંગ્રેસ હવે દિવંગત ઈન્દિરા ગાંધીનો સહારો લેશે
ઈન્દિરા ગાંધીએ પાક લશ્કરને ઘૂંટણીએ પાડયું હતું પરંતુ 'કટોકટી'નું પગલું કાળી ટીલી સમાન : કોંગ્રેસે પ્રજાને સમજાવી શકે એવા પ્રવકતા રાખવા પડશે
૨૦૧૯ના જંગની તૈયારી માત્ર ભાજપ કરે છે એવું નથી; કોંગ્રેસ પણ આવી તૈયારીમાં વ્યસ્ત છે. કોંગ્રેસની કમનસીબી એ છે કે તેના ભાથામાં શસ્ત્રો ઓછા છે. વર્ષો સુધી શાસન સુખ ભોગવવાના કારણે તેને શસ્ત્રો ચલાવતા પણ નથી આવડતું એમ કહી શકાય.
કોંગ્રેસે વિપક્ષી એકતાના પ્રયાસ કર્યા હતા પરંતુ આ પ્રયાસ એવા બૂમરેંગ થયા કે તેમને બિહાર ખોવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પાસે ઉત્તર પ્રદેશના જંગ જેવી ઘણી તકો આવી હતી પરંતુ 'ખાટલે મોટી ખોટ' સમાન નેતાગીરીનો અભાવ સામે આવ્યો હતો.
જોકે દેશના આ સૌથી મોટા પક્ષે ૨૦૧૯ના રાજકીય યુધ્ધ માટે 'ઈન્દિરા ગાંધી' નામનું શસ્ત્ર તૈયાર કર્યું છે. કોંગ્રેસે આ શસ્ત્રના ઉપયોગ માટે ઘણું મનોમંથન કર્યું છે. આ શસ્ત્ર બાંગ્લાદેશને આઝાદી અપાવનાર ધારવાળું પણ છે અને કટોકટી જેવી બુટ્વી ધારવાળું પણ છે.
કોંગ્રેસને ડર એ છે કે ઈન્દિરા ગાંધી નામનું શસ્ત્ર એ નવી બોટલમાં જુના દારૃ સમાન છે. બાટલીમાંથી જીન કાઢવા સમાન છે. તે ધબડકો પણ સર્જી શકે છે.
દિલ્હીની ગપસપ કહે છે કે કોંગ્રેસની ઓફિસમાં ઈન્દિરા ગાંધીના વિશાળ કટઆઉટ મૂકી દેવાયા છે. છેલ્લા ૩૦ દિવસમાં નામી-અનામી લેખો દ્વારા ઈન્દિરાજીની પ્રશંસા કરતા ૨૦ પુસ્તકો બહાર પડયા છે. ઈન્દિરા ગાંધીનું નામ આવે કે કટોકટીનો ઉલ્લેખ થાય ત્યારે કોંગ્રેસના પ્રવકતાઓ કટોકટીનો બચાવ કરી શકે એ રીતે તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્દુ સરકાર' પર વિવાદ ઊભો થયો હતો. જેમાં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો ઉલ્લેખ હતો અને તેને લોકશાહીના અંધારપટ સમાન ગણાવી હતી.
કોંગ્રેસે તરત પ્રતિભાવ આપતા કહ્યું કે આ ફિલ્મ બનાવવા ભાજપે ફાયનાન્સ કર્યું છે. કોંગ્રેસે ફિલ્મ સામે પ્રહારો ચાલુ રાખ્યા અને એક કાર્યકરે તો એવી જાહેરાત કરી કે જે મધુર ભંડારકરનું મોં કાળુ કરશે તેને એક લાખ રૃપિયા મળશે.
ચાંદની બાર, પેજ-થ્રી, ફેશન જેવી ફિલ્મો આપનાર ૪૮ વર્ષના મધુર ભંડારકર કહે છે કે મને કોઇએ ફિલ્મ બનાવવા પૈસો નથી આપ્યો. જો કે આ દરમ્યાન ભાજપના પ્રવકતા મેદાનમાં આવી ગયા હતા તેમણે કહ્યું કે કટોકટીના વિષય પર ફિલ્મ જરૃરી છે જેથી લોકો તે સમયની 'હૉરર'ને સમજી શકે !!
મધુરનું સાચું માનીએ તો આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર છે. પરંતુ કોંગ્રેસ માનવા તૈયાર નથી. હકીકતે તો એ સ્ત્રી સશક્તિકરણના મુદ્દે ઈન્દિરા ગાંધી સૌથી મોટું ઉદાહરણ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી તેમને 'દુર્ગા' કહી ચૂક્યા છે. તમામ રાજકીય કાવાદાવામાં વિરોધીઓને ચિત્ત કરી દેનાર ઈન્દિરા ગાંધી જેવી ચતુરાઇ અને બહાદુરી તેમના વારસદારોમાં ઉતરતાં - ઉતરતાં ક્ષીણ થતી ગઇ હતી. જેમકે પ્રથમ રાજીવ ગાંધીમાં તે ક્ષીણ થઇ હતી અને હવે રાહુલ ગાંધીમાં તે વધુ ક્ષીણ થયેલી જોવા મળે છે.
મધુર ભંડારકરની ભૂલ એ હતી કે તેમણે ફિલ્મનું નામ ઈન્દુ સરકાર રાખ્યું હતું. એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર !! આ નામથી વિવાદ થાય એ સ્વભાવિક છે.
અહીં દુશ્મનાવટ એનડીએ કે યુપીએ વચ્ચેની નથી; પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ હટાઓ દેશ બચાઓ તો કોંગ્રેસ કહે છે કે કોમવાદી તત્વો હટાઓ અને દેશ બચાઓ. આ બધાની વચ્ચે પ્રજા તો બિચારી મોંઘવારી હટાઓ એમ બબડયા કરે છે.
કોંગ્રેસ જાણે છે કે જો ભાજપ બીજી ટર્મ માટે એટલે કે ૨૦૧૯થી ૨૦૨૪ માટે ચૂંટાઇ આવશે તો કોંગ્રેસનો મૃત્યુઘંટ ભલે ના વગાડે પણ તેને એક પ્રાદેશિક પક્ષ બનાવી દેશે !!
કોંગ્રેસે જ્યારે - જ્યારે ઈન્દિરા ગાંધીના નામનો ચીપીયો પછાડયો છે ત્યારે - ત્યારે ભાજપે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કર્યા છે; જવાહરલાલ નહેરૃની ભૂલો અને ચીન સામેની પછડાટ યાદ કરાવી છે. કટોકટી લદાયાની ઘટના માટે ઈન્દિરા ગાંધી જ સો ટકા જવાબદાર છે એવી રજૂઆત પણ ભાજપ શરૃ કરી દે છે.
ઈન્દિરા ગાંધી જેવાં 'ટફ' વડાપ્રધાન ભારતને હજુ સુધી મળ્યા નથી એવું લખેલા પુસ્તકો બજારમાં મળતા થયા છે. કોંગ્રેસે પણ આ વિષય પર એક બુકલેટ તૈયાર કરી છે. ઈન્દિરા ગાંધી પર અનેક નવી બુક આવી રહી છે. 'ઈન્દિરા ગાંધી ધ ઈનસિક્યોર્ડ ડૉટર' પુસ્તકની સામે ઈન્દિરા ગાંધી ધ ટફ ડીકટેટર પુસ્તક આવ્યું છે.
અત્યાર સુધીના વડાપ્રધાનોમાં ઈન્દિરા ગાંધી જેવી આંતરીક તાકાતવાળા અને પાકિસ્તાનને ધૂળ ચટાડનાર કોઇ વડાપ્રધાન ભારતે જોયા નથી. એટલે જ નવી પેઢી અર્થાત્ નવા મતદારોમાં કોંગ્રેસ ઈન્દિરા ગાંધીના બોલ્ડ નિર્ણયો, પાકિસ્તાનના લશ્કરને ઘૂંટણીએ પાડવું જેવા મુદ્દા હાઇલાઇટ કરીને મતદારોને સમજાવવા માગે છે કે કોંગ્રેસ જ દેશને સાચી દિશા આપી શકે છે.
આ આઇડિયા સફળ થઇ શકે એમ છે પરંતુ કોંગ્રેસે તેના વિશેષ પ્રવકતા તૈયાર કરીને કટોકટી અંગેના પ્રશ્નોનો સામનો કરતા પણ શીખવાડવું પડશે.
કોંગ્રેસના ભાથામાં ભાજપ સામે લડવાના શસ્ત્રો ખુટી ગયા છે. કોંગ્રેસ પ્રમુખપદે રાહુલ ગાંધીને લાવવા મથે છે; કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર લાવવા મથે છે પરંતુ નિર્ણયો લેવાનું કામ ગોકળગતિએ કર્યા કરે છે. યુપીએ સરકાર જ્યારે બીજી ટર્મ માટે સત્તા પર હતી ત્યારે તેને 'પોલીસી પેરાલીસીસ' થયો છે એમ કહેવાતું હતું. હવે જ્યારે તે સત્તા પર નથી ત્યારે નિર્ણયો લેવાનો પેરાલીસીસ થયો છે.
ઈન્દિરા ગાંધી નામનું શસ્ત્ર ચલાવતા આવડે તો તે રામબાણ સમાન છે પરંતુ ઈન્દિરા ગાંધીના નામ સાથે કાળી ટીલી સમાન 'કટોકટી' પણ જોડાયેલી છે. ઈન્દિરા ગાંધીના નામના તીર સામે ભાજપ કટોકટીના તીર છોડશે !!
એટલે જ ઈન્દિરા ગાંધીના નામના શસ્ત્રનો ઉપયોગ કરતા પહેલાં કોંગ્રેસે કટોકટીના બાણોનો સામનો કરતા શીખી લેવું પડશે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment