મુસ્લિમ સમુદાયના અગ્રણી અને કોંગ્રેસના પીઢ નેતા એહમદ પટેલ કહે છે કે અઝાન માટે લાઉડ સ્પીકરની જરૃર નથી
ભજનો - ધાર્મિક ઉત્સવોને અઝાન સાથે સરખાવી શકાય નહિ : અઝાન વર્ષમાં ૧૭૨૫ વાર બોલાય છે જ્યારે ધાર્મિક ઉત્સવો વર્ષમાં માંડ ૨૫ વાર આવે છે
પહેલાં સોનુ નિગમની ઊંઘ બગડી અને હવે સુચિત્રા કૃષ્ણમૂર્તિની ઊંઘ બગડી છે. નાઈટ જૉબ કરનારા અને મોડી રાત સુધી જાગતા લોકો ઊંઘમાં ખલેલ નથી ઈચ્છતા. એક તરફ ગીચ વસ્તી અને બીજી તરફ ધાર્મિક પરંપરા બંનેના કારણે વિવાદ ઊભો થાય છે.
ધાર્મિક પરંપરાઓ સામે કેટલાક વીરલાઓ જ અવાજ ઊઠાવી શકે છે. ભારત બદલાઇ રહ્યું છે. આપણી આડે આવતા કોઇ કે આપણને પરેશાન કરતી સ્થિતિ સામે અવાજ ઊઠાવવો એ પણ એક પ્રકારનો માનવ ધર્મ છે.
સોનુ નિગમના અઝાન અંગેના વિચારોની ટીકા પણ થઇ હતી અને એક તબક્કે સોનુએ માથાના વાળ કપાવીને વિવાદ તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિવાદ મધપૂડો છંછેડવા સમાન છે. આ કિસ્સામાં સોનુ અને સુચિત્રાનો ૨૦ ટકા લોકો વિરોધ કરે છે અને ૮૦ ટકા સમર્થનમાં છે.
જે ૨૦ ટકા વિરોધમાં છે તે તન-મન-ધનથી સોનુ-સુચિત્રાને ગાળો દે છે પરંતુ જે લોકો આ બંનેનું સમર્થન કરે છે એવા ૮૦ ટકા પૈકી ૭૫ ટકા 'ગૂંગા' જેવા છે. જે પાંચ ટકા સમર્થક કરે છે તે ટ્વીટરીયા કે ફેસબુકીયા છે. સોશ્યલ નેટવર્ક પરનો વિરોધ કે સમર્થન કે મૂળ મુદ્દાને આડાપાટે ખેંચી નાખે છે. જેટલા મોંઢા છે એટલા લોકો ઓપીનીયન આપે છે પણ કોઇ મુદ્દાને કોર્ટમાં ખેંચી જવા તૈયાર નથી.
છોડો ને, કોણ લફરામાં પડે એ નીતિ હેઠળ જીવન જીવતા દેશના ૮૦ ટકા લોકોના કારણે કેટલીક પરંપરા વધુ મજબૂત બની છે. દરેક સરકાર મતલક્ષી વાતાવરણમાં જીવે છે માટે આવા વિવાદો વખતે તે આંખો મીચેલી રાખે છે.
અઝાન માટે લાઉડસ્પિકરનો વિવાદ સંવેદનશીલ છે; દરેકને તે ગમે પણ છે અને નડે પણ છે. ભૂતકાળમાં પણ ચોક્કસ ડેસિમલ પોઇન્ટથી વધુ ઉપર અઝાન બોલવી ના જોઇએ તે અંગે વિવાદ થયો હતો. અઝાન લઘુમતી સમુદાય સાથે સંકળાયેલી હોવાથી દરેક સરકારો ચુપ રહેવાનું પસંદ કરે છે. જોકે દલીલ કરનારાઓ તો એમ કહે છે કે લઘુમતી સમુદાયમાં શીખ અને પારસી કોમ પણ આવે છે તો પછી શા માટે મુસ્લિમ કોમની જે આટલી આળ-પંપાળ કરવામાં આવે છે ? જે મુદ્દે લગભગ બધા જ ચૂપ હતા તે મુદ્દો જ સુચિત્રા અને સોનુ નિગમે ઊઠાવતા ખળભળાટ મચી ગયો છે.
રાત્રિ ભજનો, ધાર્મિક તહેવારોથી ઉજવણી ઉદાહરણ તરીકે ગણપતિ ઉત્સવ, ઢોલ નગારા વગેરે અંગે ઘણાંને સુગ છે. ભજનો કર્ણપ્રિય હોય તો પણ શું રાત્રિના સમયે તે ઊંઘમાં ખલેલ પાડતા હોય છે. ખાસ કરીને સિનિયર સિટિઝનો કે બીમાર વ્યક્તિ તો બિચારા 'જય કાના કાળા...' આરતી ક્યારે ગવાય તેની રાહ જોતા હોય છે. ટૂંકમાં અજાન જેટલા નડે છે એ રાત્રિના ધાર્મિક ઉત્સવો અને ભજનો પણ નડે છે પરંતુ તે મહિનામાં એકાદ દિવસ હોય છે જ્યારે અઝાન રોજ પાંચ વાર થાય છે. અઝાન એટલે પ્રેયર-પ્રાર્થના.
અઝાન વિશેની ચર્ચા એ મધપૂડો છંછેડવા સમાન છે .
રામ કથાકાર પૂ. મોરારીબાપુ પણ મોટેથી બોલાતી અઝાનની ટીકા કરતા આવ્યા છે. ઘણીવાર બહુ મોટો અવાજ રાગડા કે બરાડાની યાદીમાં આવે છે. અહીં આપણે કોઇ ધર્મની ટીકા નથી કરતા પણ અઝાનનો અવાજ ધીમો થઇ શકે કે એક વિસ્તારમાં એક જ અઝાન સંભળાય તેવી સ્થિતિ ઊભી કરવી જોઇએ.
કેટલાક રીક્ષાવાળા અઝાનનો અવાજ સાંભળીને રીક્ષામાં વાગતી ટેપ બંધ કરીને અઝાનને સન્માન આપે છે. દરેકની પોતાની રીતભાત હોય છે પરંતુ તે જ્યારે બીજાને પરેશાન કરે છે ત્યારે તે વિવાદમાં ફેરવાય છે.
સૌના આશ્ચર્ય વચ્ચે કોંગ્રેસના નેતા અને ગાંધી પરિવારની નજીનાઓની યાદીમાં ટોપ પર આવતા એહમદ પટેલે પણ સોનુ નિગમના સૂરમાં સૂર મિલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈસ્લામ ધર્મએ ક્યાંય એવું નથી કહ્યું કે અઝાન બોલવા માટે લાઉડ સ્પીકરની કોઇ જરૃર છે ! તેમણે કહ્યું કે અઝાનનું ખૂબ મહત્વ છે પણ તેના માટે લાઉડ સ્પીકર્સની કોઇ જરૃર નથી હોતી. એહમદ પટેલના પ્રોગ્રેસિવ વિચારને સૌએ આવકાર્યો છે. એહમદ પટેેલે કરેલી ટ્વિટને હજારો લોકોએ આવકારી હતી.
એહમદ પટેલ મુસ્લિમોમાં પ્રિય અને વગદાર નેતા છે. તેમનું નિવેદન એક જવાબદાર નાગરિક તરીકેનું છે. તે એમ કહે છે કે અન્યને મુશ્કેલીમાં મૂકતી અઝાનના લાઉડસ્પિકર પર ના હોવી જોઇએ.
એક વાત સાથે સૌ સંમત થશે કે અઝાનનો અવાજ ચોક્કસ ડેસિમલ પોઇન્ટથી વધુ ના હોવો જોઇએ. આ અંગે સત્તાવાળાઓએ નિર્ણય કરવાનો છે પરંતુ આપણે ત્યાં કમનસીબી એ છે કે મુસ્લિમ શબ્દ સાંભળતાની સાથે જ રાજકારણીઓ ટાઢાબોળ થઇ જાય છે. કેમ કે, આ મતબેંકને કોઇ છંછેડવા તૈયાર નથી માગતું, પરંતુ સમય પરિવર્તન માગે છે. દરેક પોતાનો વિચાર મક્કમતાથી રજૂ કરતા થયા છે.
અઝાન માટે મૂકેલા લાઉડ સ્પીકર્સ રમજાન માસમાં રોજાનો સમય જાહેર કરવામાં પણ ઉપયોગમાં લેવાય છે. આ બધું વિના રોકટોક થઇ રહ્યું છે. અવાજ કરનારાઓ ક્યારેક આજુબાજુના લોકોનું વિચારતા નથી.
હિન્દુઓની કમનસીબી તો જુઓ. એહમદ પટેલ લાઉડ સ્પીકર પર અઝાનનો વિરોધ કરે છે. પણ કોઇ લાઉડ સ્પીકરોની મંજૂરી છે કે નહીં તે અંગે આરટીઆઇ કરતું નથી. નવી મુંબઇના એક સજ્જને તો રાઇટ ટુ ઈન્ફર્મેશનનો ઉપયોગ કરીને માહિતી મેળવી હતી કે ૪૯માંથી ૪૫ મસ્જીદો પાસે લાઉડ સ્પીકર વાપરવાની પરમીશન નથી. ડોંગરીમાં આવેલી સબ્બો શિદ્રીકી હોસ્પિટલ તો મસ્જીદની વચ્ચે આવેલી છે. જે શિયા-સુન્નીની છે. અઝાન દિવસમાં પાંચ વાર બોલાય છે. દર્દીઓની શું દશા થતી હશે ?
સોનુ નિગ અને સુચિત્રાને બિચ્ચારાને ક્યાં ખબર હતી કે તેણે કરેલી ટ્વિટ નેશનલ લેવલની સમસ્યા છે. કોઇ બોલતું નથી પણ સોનુ નિગમે અવાજ કાઢ્યો હતો.
લાઉડ સ્પીકર મૂકવા માટે પણ સરકારે કેટલાક કાયદા બનાવ્યા છે પરંતુ આપણે ત્યાં કાયદાનો ભંગ કરીને તેને પ્રથામાં ખપાવી મારનારા લોકો છે. લાઉડ સ્પીકરના અવાજ અંગે સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદા આપ્યા છે. નવરાત્રિ દરમ્યાન ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ગાવા પર પ્રતિબંધ હોય છે.
૧૯૯૬ની ૨૧ નવેમ્બરે કલકત્તા હાઇકોર્ટે તમામ ધાર્મિક સ્થાનો પરના લાઉડ સ્પીકર હટાવી લેવાનો આદેશ આપ્યો હતો અને અવાજના પ્રદૂષણ અટકાવવા પગલા લીધા હતા. બે મસ્જીદો સામે અને દુર્ગાપૂજાના અનેક મંડપો સામે કોર્ટના હુકમના અનાદર અંગે પગલા પણ લેવાયા હતા. આ લોકોએ નિશ્ચિત કરેલા ૬૫ ડેસિમલ પોઇન્ટથી આગળ વોલ્યુમ વધાર્યું હતું. કેરળ હાઇકોર્ટે પણ ફેબુ્રઆરી ૨૦૧૩માં દરેક ધાર્મિક સ્થળના લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભાજપના પ્રમુખ અમિત શાહ કલકત્તામાં એક જાહેર સભા સંબોધતા હતા ત્યાં જ અઝાન શરૃ થઇ હતી. અઝાનને માન આપવા અમિત શાહે તેમનું ભાષણ અટકાવી દીધું હતું. કેટલાકે આ ઘટનાને મુસ્લિમોના તુષ્ટીકરણ સાથે સરખાવી હતી.
ધાર્મિક સ્થળો પર અઝાન માટે દિવસમાં પાંચવાર રણકતા લાઉડ સ્પીકર એ એક કોમ માટે શ્રદ્ધાનો વિષય છે તો બીજાઓ માટે તે અડચણરૃપ છે. આ અવાજને હિન્દુ ધાર્મિક તહેવારોની ઉજવણી સાથે સરખાવનારાઓ ચાંપલુશી કરતા લોકો છે. ધાર્મિક તહેવારો કે જેમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે તેમાં ગણપતિ મહોત્સવ, નવરાત્રિના નવ દિવસ અને અન્ય ઉત્સવો મળીને વર્ષમાં માંડ ૨૦-૨૫ દિવસો થાય છે જ્યારે અઝાન તો દિવસમાં પાંચવાર લેખે ૩૬૫ દિવસ એટલે કે વર્ષમાં ૧૭૨૫ વાર બોલાય છે.
ક્યાં ૧૭૨૫ અને ક્યાં ૨૦-૨૫ દિવસ !! પ્રથમ તો ઘોંઘાટીયા પ્રદૂષણ વિશે વિચારવું જોઇએ, તે અંગે લોકમત ઊભો કરવો જોઇએ, લાઉડ સ્પીકર માટેની પરવાનગી દર વર્ષે રીન્યુ થવી જોઇએ, વગેરે વગેરે પગલાં અનિવાર્ય છે.
અહીં કોઇ કોમની ટીકાનો આશય નથી, પરંપરા બદલવાનો પ્રયાસ છે. બધાએ સાથએ બેસીને બધાને નડતી સમસ્યા દૂર કરવાની જરૃર છે. નોઇસ પોલ્યુશન અંગે પણ ન્યુ ઈન્ડિયામાં ખુલીને ચર્ચા થવી જોઇએ. આપણી કમનસીબી એ છે કે પોતાને નડતી સિસ્ટમ સામે પણ લોકો 'આપણે કેટલા ટકા' કહીને બેસી રહે છે. સગળતા વિવાદોને નવી પેઢીએ સાથે બેસીને ચર્ચવાની જરૃર છે.
ભારત સરકારે આંતરીક વિવાદોનો નીવેડો લાવવાની જરૃર છે. ક્યાંક લોકો કાયદો ખિસ્સામાં લઇને ફરે છે તો ક્યાંક કાયદાનું અર્થઘટન પોતાની રીતે કરે છે. અઝાન એક પવિત્ર ગૂંજ છે પરંતુ તે ગણગણાટ કે પડઘામાં પરિવર્તિત થઇ છે.
કેટલાંક લોકો મંદિરના ઘંટારવ તરફ આંગળી ચીંધે છે; દરેકનો આ હક છે. જેને જે મુદ્દે વાંધો હોય એ રજૂ કરવાનો હક છે પરંતુ કેટલાક મામલે મોં ખોલાય જ નહીં એ ન્યુ ઈન્ડિયામાં ચાલી શકે નહીં કે ચલાવવું પણ ના જોઇએ.
ભાજપ શાસિત રાજ્યો પોતાને હિન્દુ રાજ્ય કહેવડાવવા મથે છે, શું તે અઝાનના લાઉડસ્પિકરના ઉપયોગ સામે પ્રતિબંધ લાદવા '૫૬'ની છાતી બતાવી શકશે ?
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય
talking-point-sudarshan-upadhyay-23-July-2017

Comments
Post a Comment