સ્ટીવ જૉબે કહ્યું હોત કે ''તું જ તારો ગુરૃ થા..'' તો લોકો અનુસરત..

પ્રાચીન કવિ અખાએ વર્ષો પહેલા આપેલી સલાહ કોઇ સમજતું નથી

આપણા સંતો ગુરૃ વિશે ઘણું કહી ગયા છે પણ કોઇ અમલમાં નથી ઉતારતું : અંધારામાંથી બહાર લાવવાની પ્રોસેસ બતાવનાર ગુરૃ

આપણા પ્રાચીન કવિએ કહ્યું કે 'તું જ તારો ગુરૃ થા' પરંતુ કોઇ તે અનુસરવા તૈયાર નથી પરંતુ જો સ્ટીવ જૉબે કે ટીમ કૂકે કહ્યું હોત કે 'તું જ તારો ગુરૃ થા' તો વિશ્વભરના મેનેજમેન્ટ ગુરૃઓ અને ફેસબુકીયાઓએ તેના પર મોટા નિબંધ લખી નાખ્યા હોત !! કોઇ વિદેશી કહે તો આપણને તે સોના જેવું લાગે છે પરંતુ આપણા કવિ અખો કહે કે સંત કબીર કહે તો આપણને તે સમજાતું નથી.

વિદેશીઓ પ્રત્યે આપણે તે બુધ્ધિજીવી હોવાની અંધશ્રધ્ધા ધરાવીએ છીએ. જ્યાં અંધશ્રધ્ધા અર્થાત્ અંધારું છે ત્યાં પ્રકાશની જરૃર છે. પ્રકાશ ગુરૃ આપે છે. અહીં પ્રકાશ આપવા પ્રયાસ કરાયો છે.

સમાજ રચનાનો અનુભવ ધરાવનારા કહે છે કે જે રોજી આપે તે 'ગુરૃ'. જો કે દરેક આવું સ્વીકારતા નથી. (જે શાંતિથી જીંદગી ઈચ્છે છે; ઓછી અપેક્ષાઓ સાથે જીવન વીતાવે છે તેમણે રોજી આપનારની પ્રશંસા કરવી જોઇએ.

ભારતના સૌથી મોટા ગુરૃ કોણ ? દેશની સવા અબજની જનતાને છેલ્લા ૭૦ વર્ષથી બેવકૂફ બનાવતા નેતાઓ સૌથી મોટા ગુરૃ છે. એમ માનવાની જરૃર નથી કે દિવંગત સત્ય સાંઈ બાબા કે રોજ ટીવી પર આવતા બાબાઓ જ ચમત્કાર કરી શકે છે. 

દેશના નેતાઓ મોટા જાદુગર અને મેસ્મેરીઝમ (મોહજાળ) ફેલાવવામાં નિષ્ણાત છે. દેશની આઝાદીને ૭૦ વર્ષ થયા છતાં ગામડાઓ શૌચાલય વિનાના, છાપરા વિનાની સ્કૂલો, આરોગ્યની સવલતો વિના, પાકા રોડ વિનાના છે.

દરેક ચૂંટણીઓમાં આ ૫૪૨ ગુરૃઓ મેદાનમાં ઉતરી પડે છે. મત મેળવવા તે જાદુઇ લાકડી ફેરવે છે, જીતી જાય છે પછી મત આપનારની સામે પણ નથી જોતા !! ૭૦-૭૦ વર્ષથી આ ગુરૃઓ પ્રજાને આશિર્વાદ આપ્યા કરે છે અને સત્તાની ખુરશી પર બેસી લોકશાહીના રાજા બની જાય છે.

પ્રાચીન મહાત્માઓ, ભગવાનો વગેરેને તો શ્રમજીવી અને મધ્યમવર્ગ પૂજે છે પણ ઉચ્ચ મધ્યમવર્ગ અને પૈસાદાર વર્ગ તો આ રાજકીય ગુરૃ ઘંટાલોને જ પૂજે છે અને વધુ પૈસાદાર થાય છે.

દરેક રાજકીય ગુરૃ ઘંટાલોનું ચરિત્ર વાંચવા જેવું છે. આ લોકો દયામણા ચહેરે મત માગવા આવ્યા અને ચૂંટાયા પછી પ્રજાના દયામણા ચહેરા સામે જોતા પણ નથી.

૭૦ વર્ષ પછીનું ભારત તો જુઓ !!.. શૌચાલય માટે ઝૂંબેશ ચલાવવું પડે, સાંસદોને ગામ દત્તક લેવા પડે, ગામડામાં ડૉકટરો ના જાય તે તો સમજ્યા પણ શહેરની કોઇ  છોકરી ગામડા કે ટાઉન લેવલના સાથે પરણવા તૈયાર નથી.

રાજકારણમાં સલાહકારો વધુ અને અમલ કરનારા ઓછા હોય છે. જેમની પાસે અમલ કરનારા હોય એ જીતે છે. રાજકારણમાં જીતતા લોકો ગુરૃ છે. અહીં ચેલકા કોઇ રાખતું નથી અને જેને ચેલા હોય એ ગુરૃ સતત ભયમાં જીવતો હોય છે. આજે ગુરૃપૂર્ણિમા છે. રાજકારણમાં જે સફળતા મેળવે તે 'ગુરૃ' જેની પાસે સત્તા હોય તે ગુરૃ !!

એક સમય હતો કે ગુરૃ વંદના, ગુરૃ પૂજન, ગુરૃના આશિર્વાદ વગેરેનું મહત્વ હતું. આજે ગુરૃ બનવા માટેની કોઇ ક્વોલિફીકેશન નથી; તમે સફળ એટલે ગુરૃ એમ લોકો સમજી લે છે પૈસા કમાવવાની આવડતવાળાને ગુરૃ કહેવાય છે.

ગુરૃના આશિર્વાદ લેવા લોકો અહીંતહીં દોડે છે તે જોઈ આઘાત લાગે છે. લોકલાડિલા કવિ અખાએ સ્પષ્ટ કહ્યું છે કે 'તું જ તારો ગુરુ થા'!!

રાજકારણીઓએ તો આગળ વધવા 'તું જ તારો ગુરુ થા' એ વાતને વળગી રહેવાની જરૃર છે. આ રાજકારણીઓ ગાંધી વિચારનું અનુકરણ કરે તો ભૂખે મરે પણ તેમની રોજીંદી જીવનશૈલીને તો અપનાવી શકે છે. જેમકે પોતાનું કામ પોતાની જાતે કરવું, રોજેરોજની ડાયરી લખવી!!

રોજેરોજની ડાયરી ચમત્કારીક પરિણામો આપી શકે છે. તે વાંચીને આગળ વધો તો પણ જીવનશૈલી સુધરી શકે છે.

સૌથી સારી ગુરૃપૂર્ણિમા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની છે. જેમાં નામ વિનાના બંધ કવર મુકવાની પ્રથા છે. સંઘ વિચાર સાથે જોડાયેલા તમામને આમંત્રવામાં આવે છે. નો-ભાષણબાજી અને માત્ર નમસ્તે સદાવત્સલે... કહીને ગુરૃ વંદના શરૃ થાય છે. આશય એ હોય છે કે ગુરૃવંદનામાં કોઈ ઉંચ-નીચ નથી હોતું.
અર્જુનને શ્રીકૃષ્ણ જેવા ગુરુ મળ્યા હતા, બધાના નસીબમાં આવા ગુરુ નથી હોતા.

પાંડવો જીત્યા તેની પાછળ શ્રીકૃષ્ણનો હાથ છે તે સૌ જાણે છે. સમસ્યા એ છે કે શ્રીકૃષ્ણ જેવો ગુરુ શોધવો ક્યાં? એટલે તો લોકો શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૃપો રણછોડરાય, શ્રીનાથજી, પંઢરપુર વિઠોબા, બાબા રામદેવને ભજે છે.

ભાગવત્ વધુ વંચાય છે કેમકે તેમાં ગુરુના વેણ છે, ગુરુના ઉપદેશ છે. રાજકારણના ગુરુઓ પર વાત કરીએ તો રાજકારણમાં ગુરુ બનવા નસીબ જોઈએ અને આ નસીબ મેળવવા પોતાના ઈષ્ટદેવને વળગી રહેવું પડે. કોઈ નાસ્તિક ટોચનો રાજકારણી બની શકતો નથી. પરિસ્થિતિ પ્રમાણે કોઈ કદાચ બની જાય તો તેમની ડાબેરી પક્ષો જેવી દશા થાય છે.

કહે છે કે ડાબેરી વિચારસરણીવાળા ભગવાનમાં માનતા નથી. એટલે જ બંગાળ સિવાય બધે જ તે અસ્વીકાર્ય બન્યા છે. ડાબેરી વિચારવાળા રાજ્યની એક ધાર્મિક યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં આપણા ગિરનાર જેવો પર્વત ચઢવાનો હતો. અચ્યુતવર્ધને આ પર્વત તો ચઢ્યા પણ પાછા ફર્યા ત્યારે તેમના પક્ષે નોટીસ મોકલીને કહ્યું હતું કે તમે ધાર્મિક પ્રસંગોને પ્રોત્સાહન ના આપો!

લગભગ દરેક રાજકારણી નરેન્દ્ર મોદીથી માંડીને સોનિયા ગાંધી સુધીના ધાર્મિક વિચાર ધરાવે છે. દરેક હાથે પોતાના ઈષ્ટદેવની નાડાછડી બાંધે છે. આ બધું  સીધી કે આડકતરી  ગુરૃવંદના  સમાન છે.

જ્યાં અનિશ્ચિત સ્થિતિ છે ત્યાં ભગવાનની માન્યતા છે. આપણું આખું જીવન અનિશ્ચિત છે. 'કોણે દીઠી કાલ' એ કહેવત જ અનિશ્ચિતતા પરથી બની છે. આજે ગુરૃપૂર્ણિમા છે. શ્રધ્ધાને વળગવું જરૃરી છે, અંધશ્રદ્ધા પણ તેની સાથે ચાલતી હોય છે ત્યારે તેને બાજુએ ફંગોળી દેવી જોઈએ એવું અનુભવીઓ માને છે અને કરે છે.

ગુરૃપૂર્ણિમા રાજકીય વંદનાનો દિવસ ના બની જાય તે ખાસ જોવું જોઈએ. બદલાતા સામાજીક પ્રવાહોમાં ગુરૃઓની શિખામણ 'શેઠની સલાહ ઝાંપા સુધી' જેવી બની જાય છે...

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments