રાજકીય ગપસપ: રેખાનો પ્રવેશ સંસદમાં લહેરખી

રેખાનો પ્રવેશ સંસદમાં લહેરખી
યુપીએ સરકારના શાસન વખતે રાજ્યસભાનું સભ્યપદ રેખાએ મેળવ્યું હતું. રાજ્યસભામાં તે ભાગ્યે જ આવે છે. 

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રેખા મતદાન માટે આવ્યાં ત્યારે સાંસદો તેમને મળવા-જોવા ટોળે વલી ગયા હતા.

રેખા જેવાંને શા માટે રાજ્યસભામાં પદ આપવું જોઇએ એમ કહેનારા ભાજપના સાંસદો પણ રેખાને મળવા હૂંસા-તુંસી કરતા હતા. મતદાન માટે આવેલા રેખા જાજરમાન લાગતા હતા. તેમની યુવાનીનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી.

તે કોંગ્રેસના રાજીવ શુક્લા સાથે ગૃહમાં આવ્યા હતા. રેખાની એન્ટ્રી થતાં જ બધા તે તરફ જોવા લાગ્યા હતાં. અભિનેત્રી રેખા એકદમ સહજ લાગતા હતા. તે બધાને મળતા હતા. તેમને આશ્વર્ય તો ત્યારે થયું કે કેટલાક તેમના 'રેખાબેન' કહીને બોલાતા હતા !! રાજીવ શુક્લા સાથે રેખા આવ્યા પણ શુક્લા સામે કોઈ નહોતું જોતું !!

વેંકૈયા નાયડુ તિરૃપતિના ભક્ત
ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા વેંકૈયા નાયડુ મતદાન વખતે પોતાની જીત માટે એકલા કોન્ફીડન્ટ હતા કે તે બધાને ભાજપના નેતા તરીકે છેલ્લીવાર મળતા હોય એમ ભેટીને વાતો કરતા હતા. 

ચૂંટણીના એક દિવસ અગાઉ તો તેમણે મિત્રો, સ્નેહીઓ અને પત્રકારો માટે પાર્ટી પણ આપી હતી. પોતાના વતન નેલ્લોરથી મંગાવેલી આઈટમ તે દરેકને આગ્રહ કરી કરીને ખવડાવતા હતા. ચૂંટાયા બાદ તેમના કુટુંબ સાથે તે તિરૃપતિ બાલાજી ગયા હતા.

તેમણે કહ્યું હતું કે છેલ્લા ૧૩ વર્ષથી તે તિરૃપતિ બાલાજીની પૂનમ ભરે છે. તેમના આખા પરિવારને તિરૃપતિમાં સંપૂર્ણ શ્રધ્ધા છે. તે ૧૩ વર્ષના હતા ત્યારે દર્શન માટે કલાકો લાઈનમાં ઉભા રહેતા હતા પણ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી તે સીધા જ ગર્ભગૃહમાં જઇને પૂજા કરી શક્યા હતા. આને કહેવાય સમય...સમય બલવાન હૈ...

પાસવાનની સીકસ્થ સેન્સ
સત્તાનો પવન કઇ દિશામાં છે એ સૂંઘવાની શક્તિ કોઈ રાજકારણીમાં હોય તો તે રામવિલાસ પાસવાનમાં છે એમ કહી શકાય. 

હાલમાં જાહેર વિતરણ વ્યવસ્થાના કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન એક એવી વ્યક્તિ છે કે જેમણે ૧૯૯૬થી આવેલા મોટાભાગના વડાપ્રધાનો સાથે કામ કર્યું છે. 

વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા અને આઈ.કે.ગુજરાલ, ટૂંકા સમયની સરકારમાં તે રેલવે પ્રધાન હતા. અટલ બિહારી વાજપેઈની સરકારની કેબિનેટમાં પણ તે હતા.

જ્યારે મોદીની ટીમમાં કોઈ પ્રાદેશિક પક્ષ જોડાવવા તૈયાર નહોતો ત્યારે પાસવાન તેમની સાથે જોડાયા હતા. બિહારમાં લાલુ, નીતીશ, કોંગ્રેસના મહાગઠબંધન વખતે પાસવાનને જોડાવાની ઓફર થઇ હતી પણ પાસવાને ના પાડી હતી. આજે ગઠબંધન તુટી ગયું છે...પાસવાનની સીકસ્થ સેન્સને સલામ...

રાહુલ ગાંધી ઉકેલ માગતો કોયડોરાહુલ ગાંધી પાસે આજકાલ મોકળું મેદાન ભોગવે છે. વિપક્ષોના જોડાણમાં તેમને પડકારી શકે એવા કોઈ હતા તો તે નીતીશકુમાર હતા.

હવે નીતીશ મોદીના વખાણ કરતા થાકતા નથી. એટલે જ વિપક્ષના તખતા પર રાહુલ હીરો છે. પરંતુ આ હીરો ચમકતો નથી. તાજેતરમાં પંજાબના મુખ્ય પ્રધાન અમરીંદર સિંહના માતાનું નિધન થયું હતું. પતીયાળામાં અંતિમવિધિ રખાઈ હતી.

ભોગ સેરીમનીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને રાજકીય પ્રતિસ્પર્ધી પ્રકાશસિંહ બાદલ પણ આવ્યા હતા. બધાને હતું કે રાહુલબાબા આવશે. કોંગ્રેસ હસ્તકનું પંજાબ એક માત્ર મોટું રાજ્ય છે. 

કેપ્ટન અમરીંદરને શાંત્વન આપવા રાહુલ પહોંચ્યા હોત તો તે સોશ્યલ છે એમ કહેવાય પણરાહુલ ૧૦, જનપથમાં બેસી રહ્યા હતા. ખરેખર રાહુલ એટલે ઉકેલ માગતો કોયડો એમ કહી શકાય.

જયરામ રમેશે હિંમત બતાવીરાહુલ ગાંધીના વિરોધમાં થોડું વધુ !! કોંગી સીનિયરો ધીરે-ધીરે કોંગ્રેસની પડતી અંગે મોં ખોલી રહ્યા છે. ચૂંટણીઓ દરમ્યાન નરેન્દ્ર મોદીની ચા-વાળા તરીકે મશ્કરી કરનાર જયરામ રમેશે તાજેતરમાં કહ્યું છે કે આપણે નવી પેઢીને આકર્ષવા કશુંક કરવું પડશે.

જો આમ જ આપણે ઉપરા-છાપરી હાર મેળવતા રહીશું તો ભવિષ્યમાં કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાશે. કોંગ્રેસની હાલની પરિસ્થિતિ માટે નબળી નેતાગીરી જવાબદાર છે એમ કહેવાનો આશય જયરામ રમેશનો હતો. 

જો કે ગાંધી પરિવાર કે રાહુલ ગાંધીનું નામ લીધા વીના તેમણે ઘણું કહી દીધું છે. જયરામ રમેશને ઘણાં કોંગીજનોએ હિંમતબતાવવા બદલ અભિનંદન પણ આપ્યા છે...

કેજરીવાલ માટે ફરજીયાત 'મૌન'દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજકાલ બાપડા-બિચ્ચારાં બની ગયા છે. અરૃણ જેટલીએ કરેલા બદનક્ષીના દાવામાં કેજરીવાલ તરફથી લડતા વકીલ રામજેઠમલાણીએ કંટાળીને કહી દીધું છે કે આ માણસ (કેજરીવાલ) જુઠ્ઠો છે.

અરવિંદ કેજરીવાલ માટે તેમના પક્ષે નવી વ્યૂહ રચના અપનાવી છે અને તે એ છે કે કેજરીવાલે 'મૌન' રાખવાનું !! બહુ બોલકા કેજરીવાલ માટે આ બહુ મોટી સજા છે પરંતુ કમનસીબીએ છે કે માણસ બોલવાના બદલે બાફતો વધારે હતો. 

દિલ્હીના મુખ્ય પ્રધાનથી વિપક્ષો પણ ચેતીને ચાલે છે. એક સમયનો લક્ષ્મીછાપ બોંબ આજે લવીંગયું બની ગયો છે.

Comments