રાજકીય ગપસપ: બ્રેવો અહેમદ પટેલ !

બ્રેવો અહેમદ પટેલ !
કોંગ્રેસના ગઢમાં એહમદ પટેલની જીત રંગ લાવી છે. વી કેન વીન વાળો માહોલ ફરી ઉભો થયો છે. 

 એહમદ પટેલ પાસે સીટ હતી અને તેમને મળી છે પરંતુ ભાજપે તે આંચકવાનો કરેલો પ્રયાસ કોંગ્રેસે નિષ્ફળ બનાવ્યો તેની ખુશી છે.

એહમદ જીત્યા એટલે કોંગ્રેસના બધા ખુશ છે એમ માનવાની જરૃર નથી. બની બેઠેલા રાજકીય સમીક્ષકો તો એમ કહે છે કે એહમદ જીતે એવા પ્રયાસ મોદીએ કર્યા હતા એટલે અમિત શાહને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. કોઈ કહે છે કે બૉસ પડદા પાછળ રાહુલ ગાંધી સૂચના આપતા હતા.

જો કે બધા જ સમીક્ષકો ખોટા પડયા હતા. ચૂંટણી પંચ તો મોદીના ઇશારે નાચે છે એમ કહેનારા ત્યારે ચાટ પડયા હતા કે જ્યારે ચૂંટણી પંચે કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ખરેખર...એહમદ પટેલને વિજયની લોટરી લાગી છે.

અમિત શાહ સાંસદ
એહમદ અને અમિત... આ બંને મેષ રાશિના જાતકો વચ્ચે કોઈ સીધી વૉર નહોતી પણ એહમદને હરાવવા અમિત શાહે ગોઠવેલી બાજી ખોટી પડી હતી. કહે છે કે શંકરસિંહ વાઘેલા પર મૂકેલો ભરોસો ભારે પડયો હતો.

એહમદ પટેલ જીત્યા પછી એમ કહ્યું કે, કોંગ્રેસ ફરીથી જોમવંતી બની છે તો અમિત શાહે કહ્યું છે કે હવે આપણે વિધાનસભાના જંગમાં ટકરાઈશું. ભાજપ ૧૫૦ બેઠકો સાથે જીતી બતાવશે. 

એહમદ પટેલ પણ જાણે છે કે શંકરસિંહ વાઘેલા ભાજપને જીતાડવા કરતા કોંગ્રેસને હરાવવામાં વધુ ધ્યાન આપશે. શંકરસિંહ વાઘેલાના જવાથી એહમદ પટેલના વિજયનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકશે તે પાયા વિનાની વાત છે.

હમીદ અંસારીનો વિવાદ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ અંસારી જેવા હોદ્દા પરથી ઉતર્યા કે તરત જ તેમણે કહ્યું કે ભારતનો મુસ્લિમ ડરેલો છે. ભારતના લોકોને આશ્ચર્ય થયું કે, આ વૃદ્ધને શું સૂઝ્યું કે તેમણે આડું વેતરવાનું શરુ કર્યું ? હમીદ અંસારીની ટીકા સોશ્યલ નેટવર્ક પર એટલી બધી થઈ કે લોકોએ તેમને પાકિસ્તાની કહ્યા છે.

તો કોઈએ કહ્યું કે ભારતે સાપને દૂધ પાયા જેવું કર્યું છે ! હમીદ શાંત અને સૌમ્ય છે પણ તેમને ખોટું એ લાગ્યું છે કે, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે તેમને કોઈએ ઓફર ના કરી ! તેમણે કેટલાક સમાચાર માધ્યમો પાસે સામે ચાલીને નામ ચલાવ્યું હતું. 

જો કે, ભાજપ આ કોંગીજનને પાણી આપવા પણ તૈયાર નહોતા. સત્તા પર ઉતર્યા પછી વ્યક્તિની ઓળખ ભૂંસાતી જાય છે. અંસારીએ તો પોતાના પગ પર કુહાડો માર્યો છે... ખરેખર મૂઈ ભેંસના મોટા ડોળા !

જીતથી રાહુલ ખુશ નથી...
કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધીએ એહમદ પટેલની ફાઇટ દૂરથી જોઈ હતી. તેમના મળતીયા કહે છે કે, રાહુલ ના હોત તો એહમદ જીતત નહીં પરંતુ એહમદના વિજયથી રાહુલે કોઈ ખાસ ખુશી બતાવી નહોતી. 

એહમદ પટેલની જીત જાહેર થયાના ઘણા સમય બાદ રાહુલે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. રાહુલની ચૂપકીદી બતાવે છે કે કોંગ્રેસમાં ડખા ચાલે છે.

રાહુલના મળતિયા કહે છે કે રાહુલ બાબાને એહમદની એક બેઠકમાં રસ નથી પણ સમગ્ર ગુજરાતમાં વિજય મળે તેમાં રસ છે. ખરેખર, રાહુલ કયા મુદ્દે ખુશ થાય છે તે કોંગીજનો હજુ જાણી શક્યા નથી.

યોગીનો જય હો...
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભલભલા પ્રશ્નોના ગોળ ગોળ ફેરવીને જવાબ આપે છે. બાબા રાધવદાસ મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ પામેલા નવજાત શિશુઓ માટે જવાબદાર કોણ એ પ્રશ્નના જવાબમાં યોગી એટલું જ કહે છે કે જવાબદારોને નહીં છોડાય યોગીએ હોસ્પિટલની મુલાકાત બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સ તો બધાને ઉલ્લુ બનાવનાર હતી.

લોકો કડક પગલા અંગે સાંભળવા માગતા હતા અને યોગીએ પોતાના અનુભવો બોલવા શરૃ કર્યા હતા. ૮૦ નવજાત શિશુઓના મોત અંગે યોગીએ અઠવાડિયું ઉપવાસ કરવાની જરૃર હતી તેના બદલે તેમણે ઘટનાનું પિલ્લું વાળવા પ્રયાસ કર્યો હતો. ખરેખર આ માણસ યોગી નથી પણ પાક્કો રાજકારણી છે.

રાહુલ અને રાજનાથ
રાહુલ ગાંધીની કાર પર પથ્થર પડયો તે ઘટનાથી લોકસભામાં હોબાળો થયો હતો. ગુજરાતમાં બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા રાહુલની કાર પર પથ્થર પડયો તે ઘટનાને આગળ ધરીને કોંગ્રેસ સહિતના વિપક્ષો સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા માગતો હતો.

વિપક્ષોના તેજાબી આક્ષેપોને શાંતિથી સાભળતા ગૃહપ્રધાન સંસદમાં સૉરી કહેશે એમ સૌ માનતા હતા પણ રાજનાથે તો વિપક્ષને જ ભેરવી દીધા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને સિક્યોરિટી કવર અપાય છે પણ તે સ્વીકારતા નથી તે વિદેશ જાય તો પણ સિક્યોરિટી કવર રાખી શકે પણ તેમ કરતા નથી. 

ટૂંકમા તેમણે વિપક્ષોને ગળે ઉતારી દીધું કે, સિક્યોરિટી ના રાખો તો પથ્થર જ પડે ને !

Comments