મમતાના સ્મિતથી ભાજપ ગેલમાં
ભાજપના સૌથી મોટા ટીકાકાર અને વડાપ્રધાન મોદીની કામગીરીના પણ ટીકાકાર મમતા બેનરજી આજકાલ ભાજપ સામે સ્મિત વેરી રહ્યા છે.
મમતાએ એટલું જ કહ્યું છે કે, મોદી સારું કામ કરે છે પણ ભાજપ ઈમેજ બગાડે છે. મમતા દીદીને શું કહેવું કે ભાજપ અને મોદી બંને એક જ માળાના મણકા છે.
તેમ છતાં ભાજપ ખુશ છે. કેમકે, નોટબંધી વખતે નીતિશકુમારે મોદીના નિર્ણયની પ્રશંસા કર્યા પછીના માત્ર થોડા મહિનામાં ભાજપ સાથે સરકાર રચી હતી.
વિપક્ષી નેતાને પોતાની તરફ ખેંચવા બાબતે ભાજપ પોઝીટીવ છે. ભાજપવાળા માને છે કે જેમ નીતિશ ભાજપ સાથે આવી ગયા છે એમ મમતા પણ આવી જશે. કેમ ખબર છે ? ભાજપવાળા માને છે કે હસી તો ફસી...
રાહુલને મૂંઝવતો પ્રશ્ન
રાહુલગાંધી બહુ મજાના માણસ છે. આખું બિહાર તેમના હાથમાંથી જતું રહ્યું છતાં લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી વિશે કોઇ ટીકા કરી નથી. બિહારમાં નીતિશ સરકાર પણ કોંગ્રેસની પણ ભાગીદાર હતી.
કોંગ્રેસ રાજકીય કુનેહ વાપરીને તેજસ્વી પાસેથી રાજીનામું લઇ લીધું હોત તો આજે પણ બિહારમાં તેમની જોડાણવાળી સરકાર હોત !! પરંતુ રાહુલે તમાશો જોયા કર્યો હતો.
અંતે બિહારને ભાજપે આંચકી લીધું તે તો ઠીક પણ નીતિશકુમારને પણ આંચકી ગયા. બિહાર પણ ગયું, નીતિશ કુમાર પણ ગયા છતાં રાહુલે કોઇ ટીકા ટીપ્પણી ના કરી !! કેમકે નીતિશ એમ કહેત કે રાહુલ ભ્રષ્ટાચારીઓને ટેકો આપી રહ્યા છે !! અને રાહુલને આવું પસંદ નથી.
પ્રિયંકા માટે જો અને તો
છાશવારે પ્રિયંકા ગાંધીની વાત ઉડે છે કે તે કોંગ્રેસના પ્રમુખ બનશે. કોંગ્રેસના પ્રમુખપદ માટે રાહુલગાંધી નિશ્ચિત છે તો પછી પ્રિયંકાનું નામ દર બે-ત્રણ મહિને કોણ ઉછાળે છે ? આ પ્રશ્ન રાહુલને સતાવે છે. તેમણે તેમના મિત્રો સાથે ચર્ચા કરી હતી.
કોઈએ કહ્યું કે, આ બધું નાટક ભાજપવાળા કરે છે પણ રાહુલ માનવા તૈયાર નથી, એમ પણ જણાવાયું કે અમેઠીમાંના પ્રિયંકાના સમર્થકો આ રીતે નામ ઉછાળે છે જો કે આ વાત સાથે પણ તે સંમત નથી તો પછી પ્રિયંકાના પ્રમુખપદની વાત ઉછાળે છે કોણ ? શંકાની સોય ફરતી-ફરતી કોંગીજનો માને છે કે પ્રિયંકાનું નામ આવશે તો કદાચ રાહુલ હોદ્દો સંભાળી લેશે !!
ટ્ર્પિલ તલાક ચમત્કારો બને છે
ટ્રિપલ તલાકના મુદ્દે એનડીએ સરકારને સફળતા મળી છે. આ નિર્ણય કોના કારણે સંપન્ન થયો તે અંગે ચડસા ચડસી ચાલે છે પણ એક હકીકત એ બની છે કે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર લઘુમતી મુસ્લિમ કોમની મહિલાઓને ન્યાય મળ્યો છે.
ત્રણવાર તલાક બોલીને મહિલાનું જીવન નર્કાકાર બનાવી દેનાર પુરુષો પોતાની બદી ઢાંકવા તલાકનો સહારો લેતા હતા. ટીવી ડીબેટમાં મુસ્લિમ મહિલાઓ મૌલવીઓને મૂંઝવી નાખતા પ્રશ્નો પૂછતી હતી. ભારતમાં તલાક ગેરબંધારણીય છે એવો ચુકાદો જોઈને એમ થાય છે કે ચમત્કારો આજે પણ બને છે.
જુનિયર ચિદમ્બરમ મોં ખોલશે તો !!
ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરના પુત્ર કીર્તિ ચિદમ્બરમની તપાસ થઇ રહી છે. એક આખો દિવસ તેમની પૂછપરછ થઇ હતી. ચિદમ્બર પોતે મોદી સરકારના ટીકાકાર છે. યુપીએ કેન્દ્ર સરકાર વખતે તે એરોગન્ટ સાબિત થયા હતા. તેમને કોઇ સીનિયર કોંગીજન ભાગ્યે જ મળવા જાય છે.
તેમના પુત્રને વારંવાર સીબીઆઇ પૂછપરછ માટે બોલાવે છે પણ કશું મળવાનું નથી. જોકે સીબીઆઈવાળા માને છે કે કીર્તિ ચિદમ્બરમ્ ઘણું છુપાવી રહ્યા છે. ભાજપના નેતાઓ માને છે કે કીર્તિને મોં ખોલાવવામાં જો સીબીઆઈ સફળ થશે તો બહુ મોટું રહસ્ય બહાર આવશે.
તલાક માટે ચાણક્યચાલ
અરૃણ જેટલી સ્ટાર પ્રધાનની યાદીમાં આવે છે. તે નંબર-ટુ નથી છતાં સર્વેસર્વા છે. વડાપ્રધાન મોદીના ખાસ પ્રધાનોની યાદીમાં ટોપમાં આવતા અરૃણ જેટલીએ નોટબંધીના નિર્ણયને અમલી બનાવ્યો હતો જ્યારે સરકારને તલાકનો જશ ગૃહપ્રધાન રાજનાથસિંહે અપાવ્યો છે.
તલાક એક એવો મુદ્દો છે કે તેમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સૂરમાં સૂર મેળવવો પડશે. જો તે વિરોધ કરે તો હિન્દુ-મુસ્લિમ બંનેના વોટ ગુમાવે અને જો તરફેણ કરે તો સત્તાધારી પક્ષના ખોળામાં બેસી ગયા એમ કહેવાય. તેમ છતાં કોઇ વિપક્ષ ત્રણ તલાકની તરફેણમાં બોલવાની હિંમત કરી શક્યો નથી... આને કહેવાય ચાણક્યચાલ.

Comments
Post a Comment