માયાવતીની ઊંઘ હરામ..
રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીની લોકસભાની પેટા ચૂંટણી ફૂલપુર બેઠક પરથી લડવાના છે. તે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભા રહેત, પણ હવે વહેણ બદલાયા છે. માયાવતી માટેના પ્રચારમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આવવાના હતા.
પરંતુ તેમણે ભાજપનો હાથ પકડતાં તે આવશે પણ માયાવતીની વિરૃધ્ધ પ્રચાર કરશે. માયાવતી હવે ગભરાયા છે. કેમકે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી એવા મુલાયમસિંહ અને અખિલેશ પણ પ્રચારમાં નથી આવવાના.
ફૂલપુર બેઠક પરથી તો ભૂતકાળમાં જવાહરલાલ નહેરૃ પણ ચૂંટાયા હતા. રાજ્યસભામાં રાજીનામું આપીને માયાવતી છૂટા તો પડયા પણ હવે ફસાયા છે. તે ફૂલપુર બેઠક પરથી લડશે તો હારશે એમ ગણિતજ્ઞાો કહે છે.
અમિત શાહના બે હાથમાં લાડુ
અમિત શાહ રાજ્યસભામાં ચૂંટાશે તે લગભગ નક્કી છે. પરંતુ ચૂંટાયા પછી તેમને કયો પોર્ટફોલીયો આપશે તે અંગે ચર્ચા ચાલે છે.
અમિત શાહ સ્પષ્ટ કહે છે કે હું કેન્દ્રીય પ્રધાન મંડળમાં જોડાવાનો નથી છતાં રાજકીય બજારો કહે છે કે અમિત શાહને સંરક્ષણ પ્રધાન બનાવાશે. અરૃણ જેટલી પાસે નાણા ખાતાની સાથે સંરક્ષણ ખાતુ પણ છે. તેમનો બોજ સરકાર હળવો કરવા માગે છે.
ટેકનીકલી એવું છે કે અમિત શાહ પક્ષના પ્રમુખ હોઇ બે હોદ્દા સંભાળી શકે નહીં. અમિત શાહ પોતે એમ કહે છે કે પ્રમુખ પદના કામથી મને સંતોષ છે. પરંતુ અમિત શાહના ટેકેદારો ભાઇને સંરક્ષણ પ્રધાન પદે જોવા માગે છે. મામલો બરાબરનો ચગ્યો છે.
અમિત શાહને પ્રધાન થવું નથી અને તેમના સમર્થકો ચાન્સ છૂટે એમ ઈચ્છતા નથી. જે કંઇ હોય એ પણ અમિત શાહના બંને હાથમાં લાડુ છે.
હુ ઈઝ શરદ યાદવ ?
બિહારના પક્ષપલટાના વાવાઝોડામાં સૌથી મોટો ફટકો શરદ યાદવને પડયો છે. શરદ યાદવ પક્ષના સંસદીય બાબતોના પ્રમુખ છે. જ્યારે નીતીશ કુમારે ભાજપમાં જવાનો ખેલ પાડયો ત્યારે તેમને પૂછ્યું પણ નહીં !! શરદ યાદવ જાહેરમાં કહી ચૂક્યા છે કે આ જેડી(યુ)-ભાજપના જોડાણ સાથે હું સંમત નથી.
યાદવને ઝાટકો એટલા માટે વાગ્યો છે કે એક અઠવાડીયા પહેલાં જ આરજેડી, જનતા દળ (યુ) અને કોંગ્રેસ વચ્ચે બેઠક મળી છે જેમાં વિપક્ષનું જોડાણ વધુ મજબુત થાય તેની ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં શરદ યાદવ સર્વેસર્વા હતા અને તેમને માન આપતા હતા. શરદ યાદવ માટે આ મુશ્કેલીનો સમય છે. પત્રકારો જ્યારે નીતીશ કુમારના સમર્થકોને પૂછે છે કે તમારે તમારા નેતા શરદ યાદવને પૂછવું જોઇએ !! જવાબ મળે છે કે હુ ઈઝ શરદ યાદવ..?
લાલુ ફેમિલી સામે કિન્નાખોરી
૨૭ ઓગસ્ટે લાલુ પ્રસાદ યાદવ વિશાળ રેલીનું આયોજન કરી રહ્યા છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને હીરો બનાવવા લાલુ પ્રસાદ પ્રયાસ કરશે. તેજસ્વી યાદવ પદયાત્રા પણ કરવાના છે. તે ચંપારણ્યથી પદયાત્રા શરૃ કરશે અને ઠેર-ઠેર સભાઓમાં કહેશે કે નીતીશ કુમારે અમારી પર પાછળથી હુમલો કર્યો છે.
તેજસ્વીને ચમકાવતી આ રેલી ફ્લોપ જાય એટલે ભાજપ અને જનતા દળ (યુ)ના કાર્યકરો બાઇક રેલી કાઢવાના છે. તેજસ્વી બિચારો તક મળી તો નાયબ મુખ્યપ્રધાન બની ગયો અને ગ્રહો વાંકા ચાલ્યા તો રોડ પર આવી ગયો. લાલુ પ્રસાદના ફેમિલી પર ઉપરા-છાપરી દરોડા પડતા રહે છે અને તે કહે છે કે આ તો મારા તરફની કિન્નાખોરી છે.
સંસદમાં શેરો-શાયરી
રાજ્યસભા અને લોકસભાના સભ્યો ભલે કોઇ મુદ્દે સામસામે બાંયો ચઢાવતા હોય પણ આ લોકો સંસદમાંના પોતાના વક્તવ્યમાં કવિતા ટાંકે છે, કોઇ ઉર્દૂના શેર ટાંકે છે તો કોઇ શ્લોક ટાંકે છે. ૨૦૧૭ના બજેટ સત્ર દરમ્યાન ૩૭ કવિતા સમાવાઇ, પાંચ શેર બોલાયા હતા. સંસદમાં જોક્સ પણ બોલાવાય છે. બોલવા-ચાલવા-રમૂજ કરવામાં સાંસદો ઉસ્તાદ હોય છે.
ઘણીવાર તો સાંસદો સામસામે શેર ટાંકતા હોય છે. ઉર્દુના શેર બોલતી વખતે આ સાંસદો જોયા વિના બોલે છે તેથી તે વિદ્વાન પણ લાગે છે. ગયા અઠવાડીયે રાજ્યસભામાં ગુલામનબી આઝાદ અને મુખ્તાર અબ્બાસ નકવીએ ઉર્દુ શેર ટાંકીને સામ-સામે વિવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદી પણ આવી શેર-શાયરી કરવાના શોખીન છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે
'સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકે તો ચલો,
સભી હૈ ભીડ મેં, તુમ ભી નીકલ સકો તો ચલો..'
૨૩૩ પેજમાં જવાબ..
રાજ્યસભામાં તાજેતરમાં એક પ્રશ્નનો જવાબ ૨૩૩ પેજમાં આપવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ બહુ રસપ્રદ પ્રશ્ન ઊભો કર્યો હતો કે ૨૩૩ પાનાનો જવાબ વાંચશે કોણ ?
અંસારીએ કહ્યું કે કેટલા પાનામાં જવાબ આપવો તે અંગે કોઇ આચાર સંહિતા નક્કી થવી જોઇએ. ત્યારે કોંગ્રેસના દિગ્વિજયસિંહે કહ્યું કે જવાબો ઓનલાઇન આપવા જોઇએ. જોકે તેમના જ પક્ષના જયરામ રમેશે કહ્યું કે જવાબની બહુ કિંમત છે.
દરેકે આટલા લાંબા જવાબો જ આપવા જોઇએ. પ્રશ્નના જવાબો ગમે એટલા લાંબા હોય પણ રાજ્યસભા ખાલી જાય છે. સાંસદો ગેરહાજર રહે છે. ઘણીવાર તો પ્રશ્ન પૂછનાર પોતે જ ગાયબ હોય છે. જવાબ કેટલો લાંબો છે તે વિવાદમાં પડવાને બદલે કોણે કેટલી હાજરી આપી તેનો વિવાદ કરવો જોઇએ.

Comments
Post a Comment