- 80 નવજાત શિશુઓના મોતથી અરેરાટી
- આર્ટસ ગ્રેજ્યુએટ આરોગ્ય પ્રધાન છે ! ગામડામાં આરોગ્ય કેન્દ્રોની બેહાલ સ્થિતિ
ખરેખર તો, યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ પરંતુ બેદરકારી બતાવતા પ્રધાનોના રાજીનામા લેવાતી સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે. લાગે છે કે યોગી આદિત્યનાથ પાસે બધા પ્રશ્નોના જવાબ છે, પરંતુ તે એ નથી જાણતા કે તે માને છે એટલી પ્રજા મૂરખ નથી. જવાબદાર સામે ૨૪ કલાકમાં તપાસ કરીને પગલાં લઈ શકાય પણ યોગિ જેવા કાર્યક્ષમ મુખ્ય પ્રધાને ઘટનાને ગોળ-ગોળ ફેરવ્યા કરી હતી.
આજકાલ પ્રિમેચ્યોર્ડ ડીલીવરી અને સિઝેરીયન ઓપરેશનોનું પ્રમાણ વધ્યું છે. નોર્મલ ડીલીવરી માટે પ્રયાસો થવા જોઈએ તે થતા નથી. સિઝેરીયન ઓપરેશન ખાનગી મેટરનીટી હોમમાં ૫૦ થી ૬૦ હજારના ભાવમાં થાય છે. પ્રિ-મેચ્યોર્ડ ડીલીવરીમાં નવજાત શિશુનું વજન ૪૦૦-૫૦૦ ગ્રામ જેટલું હોય. તેને તરત જ ઈનક્યુબેટરમાં (પેટી) રાખવામાં આવે છે. નવજાતને ૧૫-૨૦ દિવસ બાદ પેટીમાં રાખ્યા બાદ તેને બ્રેસ્ટ ફીડીંગ માટે આપવામાં આવે છે.
જે શહેરમાં નવજાત શિશુઓ માટે ખાસ વ્યવસ્થા છે ત્યાં તો ઠીક છે પણ જે ટાઉન લેવલમાં દવાખાના હોય છે તો સ્ટાફ નથી હોતો. સ્ટાફ હોય છે તો પ્રજા તેમના પર ભરોસો નથી મુકતી. ડૉક્ટરો ગામડામાં પ્રેક્ટીસ કરવા તૈયાર નથી. જે લોકો ગામડાની સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર છે તેમની નિમણૂક નથી થતી. સરકારી હોસ્પિટલોમાં જગ્યા ખાલી હોય એ કેમ ચાલે ?
જેમ પોલીસો સતત ડયુટી બજાવે છે એમ ડૉક્ટરોનું પણ છે. આરોગ્ય બાબતે સરકાર અને પ્રજા બંને બેદરકાર છે. પડશે એમ દેવાશે એ નીતિ આરોગ્ય બાબતે ચાલી શકે નહીં.
પેટીમાં મુકવાની સવલત નથી ત્યાં નવજાત-શિશુ અને માતા બંનેની સ્થિતિ જોખમમાં આવી જાય છે.
ભારત દેશ આઝાદ થયો ત્યારથી પ્રજાના આરોગ્યની જાળવણી પ્રત્યે કોઈ ધ્યાન નથી અપાયું. જાહેરમાં થતી ગંદકી, આરોગ્યપ્રદ ખોરાકના ધાંધીયા, ખુમચાવાળાના ખુલ્લા ખોરાક વગેરે દૂષણોને આપણી પ્રજાએ જ પાળીને પોષ્યા છે.
સરકાર પણ કાયદાનો કડક અમલ કરવાનું ચૂકી છે. નાના ગામોમાં તો સામાન્ય સ્તરના સરકારી દવાખાના પણ નથી હોતાં, હાલમાં સ્વાઈન ફલ્યૂનો કહેર છે. દરેક ગામમાં સ્વાઈન ફલ્યૂની અસર છે. મેલેરીયા પણ જીવલેણ બની શકતો હોય ત્યાં સ્વાઈન ફલ્યૂ ક્યારે ગળું પકડી લે તે કહી શકાતું નથી. લોકો ખુલ્લો ખોરાક ખાતા ક્યારેય લાંબુ વિચારતા નથી. રાત્રિ ખાણી-પીણી બજારો તો જે-તે શહેરનું ગૌરવ બની ગયા છે.
ઉત્તર પ્રદેશનું રાજકારણ વિચિત્ર છે. મૃત્યુ પામેલા ૮૦ ભૂલકા એ માનવ સર્જીત ભૂલ છે. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી મુખ્યપ્રધાન યોગિ આદિત્યનાથને ભીંસમાં લેવાની તક છોડવા તૈયાર નથી. જોકે આ મામલો આક્ષેપબાજીનો નથી. મુખ્યપ્રધાને ઉત્તર પ્રદેશના તમામ ગામોમાં આરોગ્યની સલવતોને ચેક કરવાની જરૃર છે. દરેક રાજ્ય આ બાબતે સભાન રહે એવો આદેશ વડાપ્રધાને કરવાની જરૃર છે.
યોગિ આદિત્યનાથને એક જ વિનંતી કે તપાસ કમિટીઓ બનાવીને મામલો ગૂંચવો નહીં. સ્પષ્ટ વાત એ છે કે ઓક્સીજનના બીલના પૈસા ના આપ્યા એટલે સપ્લાય બંધ થયો છે. જેને આરોગ્યની સવલતોમાં મળતી પાયાની સગવડોનો ખ્યાલ હોય એવા ડૉક્ટરને આરોગ્ય પ્રધાન બનાવવા જોઈએ તેના બદલે આર્ટસ ગ્રેજ્યુએટને આરોગ્ય ખાતુ સોંપી દેવાયું છે. વફાદાર કાર્યકરોને આડેધડ ખાતા સોંપાય છે પણ તે કેવું રિઝલ્ટ આપશે તેનો વિચાર કોઈ કરતું નથી.
યોગિ આદિત્યનાથ કડક પગલાં લેશે અને બે-ચાર સ્ટાફને સસ્પેન્ડ કરી નાખશે કે આરોગ્ય પ્રધાનને બદલી નાખશે પરંતુ યોગિએ બધી વાતો પર ઠંડુ પાણી રેડી દીધું હતું અને જવાબદારો સામે પગલાં લેવાશે એવું રટણ ચાલુ રાખ્યું હતું.
જ્યાં 80 નવજાત મોતને ભેટે ત્યાંના મુખ્ય પ્રધાને ઓન ધ સ્પોટ સ્થળ પર પહોંચવું જોઈએ તેના બદલે ડૉક્ટરોની ટીમ મોકલીને બીજા દિવસે પહોંચ્યા હતા. ઓકસીજન સિલીન્ડર સપ્લાય કરનાર જો દયાના ધોરણે સપ્લાય ચાલુ રાખે તો વેપારી ના કહેવાય. આમ પણ, ઘોડો અને ઘાસની દોસ્તી ના થઈ શકે !!
બહુમતી સાથે ચાલતી ઉત્તર પ્રદેશની સરકારમાં વિપક્ષનું કોઈ જોર નથી પરંતુ એનો અર્થ એ નથી કે સત્તાધારી પક્ષ રાજ્યમાં લાલીયાવાડી ચાલવા દે !!
બાળકોના મૃત્યુના કિસ્સામાં યોગિ આદિત્યનાથે લોકોને નિરાશ કર્યા છે...

Comments
Post a Comment