મૂઈ ભેંસના મોટા ડોળાં : સત્તા પરથી ઉતર્યા કે મુસ્લિમો યાદ આવી ગયા

- વિપક્ષી એક્તા સામે પ્રશ્નાર્થ, સમસ્યા વધી

- અંસારીએ રાષ્ટ્રપતિ બનવા પણ પ્રયાસ કર્યો હતો : હૂરિયત નેતાઓ ખુલ્લા પડી ગયા

હમીદ અંસારીએ ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દા પરથી નીચે ઉતર્યા કે તરત જ હિન્દુ-મુસ્લિમની વાતો કરવા લાગ્યા. મુસ્લિમ તરફી તેમનો પ્રેમ અચાનક જ સપાટી પર આવી ગયો હતો. હિન્દુઓને હમીદ અંસારીની વાતોથી આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે, પરંતુ મુસ્લિમો પણ આશ્ચર્ય પામ્યા છે. સોશ્યલ મીડીયાએ તો હમીદ અંસારીની બરાબરની ખેંચાઈ કરી છે.

રાજકારણીઓને પણ આશ્ચર્ય થયું છે કે ઉપરાષ્ટ્રપતિ પદ પર દશ-દશ વર્ષ રહી ચૂકેલી વ્યક્તિનું પોત હોદ્દા પરથી ઉતર્યા બાદ તરત જ પ્રકાશ્યું છે. લોકોએ અંસારી વિશે ઘણું લખ્યું છે. તેમણે બોલીને બાજી બગાડી છે. એક જણે લખ્યું છે કે, પાંચ વર્ષ જલસા કર્યા હવે ડર લાગે છે. એકે લખ્યું છે કે ડીયર હામીદ અંસારી, 'આવતા જન્મે પાકિસ્તાનમાં જન્મ લેજો અને પછી કહેજો કે ડર એટલે શું ?'

જોકે ઉપરાષ્ટ્રપતિ પદનો માણસ દેશભક્ત છે કે કોણ તેજ ખબર નથી પડતી. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ કહે કે ભારતમાં મુસ્લિમો ડરે છે એ વાત આઘાતજનક છે. આને કહેવાય, 'મૂઈ ભેંસના મોટા ડોળાં.'

વિપક્ષી એક્તા ખોરંભે
જનતા દળ (યુ) પર લાલુ પ્રસાદ યાદવે ભરોસો મુકયો હતો તેણે લાલુ ફેમીલીને એક જ ઝાટકે રોડ પર લાવી દીધું છે. સત્તા વિહોણું લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ પાસે પહેલાં પત્રકારો રોજ જતા હતા, પછી પત્રકારોને તે બોલાવે તો જ તે જતા હતા. 

હવે તો સ્થિતિ એ છે કે લાલુ પ્રસાદ કે તેમનો પુત્ર કોઈ રાષ્ટ્રીય સ્તરની ટીવી ચેનલ કે અખબારને બોલાવે તો તે ઓફિસ તેમની હેડ ઓફિસને ફોન કરીને પૂછે કે લાલુ પ્રસાદ બોલાવે છે તો તેમને ત્યાં જવું કે નહીં ?? જ્યારે નીતીશ કુમારે લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાણ તોડયું ત્યારે લાલુ પ્રસાદના ઘેર કીડીયારું ઉભરાયું હોય એમ પત્રકારો ઉભરાતા હતા. પરંતુ લાલુ પ્રસાદ જેને ભરોસામંદ સમજતા હતા તે નીતીશ કુમારે અચાનક રાજીનામું આપ્યું અને લાલુ ફેમીલીના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

લાલુ પ્રસાદ યાદવ પત્રકારોને હડધૂત કરતાં હતા. 'ચલ હટ્ટ યહાં સે' એવું તે અનેકવાર બોલી ચૂકયા છે. તેમણે કોઇ સાથે સંબંધો રાખ્યા નહોતા. તેમણે વડાપ્રધાન મોદીની વિરૃધ્ધ બોલ્યા કરીને કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોનો પ્રેમ મેળવ્યો હતો. બિહારમાં સરકાર બનાવ્યા પછી લાલુ ફેમીલીને ભ્રષ્ટાચાર માટે મોકળું મેદાન મળી ગયું હતું. જો કે તેમનું આ સુખ લાંબુ ટક્યું નહોતું.

નીતીશ કુમાર રાજીનામું આપવાનું આટલું ઝડપી પગલું લેશે તે કોઇએ કલપ્યું પણ નહોતું. લાલુ પ્રસાદ યાદવ ઉંઘતા ઝડપાયા હતા. આજે સ્થિતિ એ છે કે સત્તા વિહોણા લાલુ પ્રસાદ વિપક્ષી એકતામાં બહુ મદદરૃપ થઇ શકે એમ નથી.

મમતા કૂણા પડયા
વિપક્ષી એકતા માટે મરણીયા પ્રયાસ કરનાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી એટલી હદે કૂણા પડયા છે કે તે ડાબેરી પક્ષો અને કોંગ્રેસ સાથે પણ કામ કરવા તૈયાર છે.

મમતા બેનરજી સાથે જે લોકો કામ કરવા તૈયાર છે તેમને રાજકીય ગરજ છે. વિપક્ષોના મણકા વિખરાયેલા છે. નીતીશ કુમાર એ સૌથી મોટા અને સૌથી મહત્વનો મણકો હતો. વિપક્ષ તેમને સાચવી શક્યો નહીં. જો કોંગ્રેસે સાથી પક્ષ તરીકે તેજસ્વીને રાજીનામું આપવા સમજાવ્યો હોત તો વિપક્ષ અકબંધ રહેત પણ બધા જ લાલુની શેહમાં કામ કરતા હતા.

કોંગ્રેસ ભવિષ્યમાં જે રાજ્યમાં પગ પેસારો કરી શકે એમ હતી તે બિહાર તેણે ગુમાવ્યું છે. વિપક્ષી એકતામાં સૌથી મહત્વનું પરિબળ જેને કહી શકાય તે નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ હવે નથી. નીતીશે ભાજપનો હાથ પકડીને મોદીની પ્રશંસા શરૃ કરી દીધી છે. તો લાલુ પ્રસાદ કોર્ટના કેસોમાં અટવાયેલા છે.

હૂરિયત નેતાઓ ફસાયા
જમ્મુ-કાશ્મીરમાં હુરીયત નેતાઓ અને તેમના નેટવર્કને ઘટસ્ફોટ થતાં ત્રાસવાદી પ્રવૃત્તિમાં ઓટ આવી છે. પૈસા વગર તોફાનીઓ કામ કરવા તૈયાર નથી. પાકિસ્તાનના પૈસાથી હુરીયત નેતાઓ રાજાશાહી ઠાઠ ભોગવતા હતા.

જમ્મુ-કાશ્મીરના રાજકારણે તેમની પીઠ થાબડયા કરી હતી અને સરકાર તેમને લાભ કરી આપતી હતી. આ લોકો મહેલમાં રહેતા પણ હવે જેલમાં રહે છે. એનઆઇએની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ સ્લીપર યુનિટો પણ સપડાતા જાય છે. પાકિસ્તાન સાથે ચીનનું પણ નામ આવી રહ્યું છે. હૂરીયત નેતાઓ એવા સપડાયાં છે કે તેમના કરતૂતો આખા દેશને ખબર પડી ગયા છે.

Comments