નીતીશ પર મોદીનું જાદુટોના લાલુનું બિહાર ભાજપે આંચક્યું


- નીતીશકુમાર NDAમાં જોડાઈ ગયા

- રાજકીય ગપસપ કહે છે કે, નીતીશને કેન્દ્રીય પ્રધાન બનાવશે : નજર 40 બેઠકો પર

પોતાના કટ્ટર વિરોધીને પોતાના કાબૂમાં કેવી રીતે કરવો તે ટેકનિક વડાપ્રધાન મોદી પાસેથી શીખવા જેવી છે. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા એ દિવસે તેમનો જાહેરમાં વિરોધ કરીને ભાજપ સાથે છેડો ફાડનાર નીતિશકુમારે એવી રાજકીય ચાલ રમી કે વિપક્ષોના તમામ દાવપેચ ખાડામાં પડી ગયા હતા.

કહે છે કે, મોદીએ નીતિશ પર જાદુ ટોના કરીને તેમને રાજકીય નાચ નચાવી રહ્યા છે. આ વાતમાં તથ્ય એટલા માટે લાગે છે કે, મોદી કહે તે નીતિશ કરે છે. તેમજ નીતિશને મોદી સિવાય કશું દેખાતું નથી જે બિહાર જીતવું અશક્ય હતું તે બિહારના સત્તાધારી પક્ષને આખેઆખો હાઇજેક કરીને તેની સાથે જોડાણવાળી સરકાર બનાવવી એ કોઈ ત્રણ કલાકની ફિલ્મમાં બનતી ઘટના જેવું લાગે છે.

બિહારમાં પડદા પાછળના કિંગ બનીને ફરતા લાલુપ્રસાદ યાદવને ત્યાં કાગડા ઉડતા થઈ ગયા છે. તેમનો પરિવાર રોજ એક નોટિસનો સામનો કરી રહ્યો છે.

જનતા દળ (યુ) તો તૂટતા તૂટશે પણ વિપક્ષી એકતા પર તો નીતિશકુમાર રોજ હથોડો ફટકારતા જાય છે. લાલુપ્રસાદ યાદવ અને તેમના ફેમીલીના ખુલાસા સાંભળવા કોઈ તૈયાર નથી; શરદ યાદવની પીપુડી વાગતી બંધ થઈ ગઈ છે. પોતે પક્ષના મોવડી છે એમ કહેતા શરદ યાદવના નાક નીચેથી આખો પક્ષ મોદી પોતાની છાવણીમાં ખેંચી ગયા હતા. વિપક્ષની રેલીમાં શરદ યાદવ બોલવા ઉભા થાય છે પણ જનતા દળ (યુ)ની કોઈ સત્તા તેમની પાસે નથી.

લાલુપ્રસાદ યાદવની વ્યૂહરચના એવી હતી કે પોતાના બંને પુત્રોને નીતિશકુમાર પાસે રાજકીય વિદ્યા શીખવાડીને તૈયાર કરવા અને પછી નીતિશને સાઇડમાં હડસેલી દેવા પરંતુ નીતિશ આ વ્યૂહરચના જાણી ગયા હતા એટલે લાલુ ત્રાટકે એ પહેલાં તો મજબૂત ઝાડ (ભાજપ)ની ડાળી પર બેસીને ટહુકવા લાગ્યા હતા. આ ઘટના નોટબંધી વખતની હતી જેવી નોટબંધી જાહેર થઈ કે તરત જ નીતિશકુમારે તક મેળવી લઈને મોદીની પ્રશંસા કરી નોટબંધીનો નિર્ણય વધાવ્યો હતો.

નીતિશે ટહુકવાનું શરૃ કરતા જ ભાજપ ગેલમાં આવી ગયો હતો. બિહારના રાજકીય 'સુમો' તરીકે જાણીતા થયેલા સુશીલકુમાર મોદીએ તરત જ લાલુપુત્રોને ટાર્ગેટ બનાવવા શરુ કર્યા હતા. તેમનું ટાર્ગેટ લાલુ પુત્રો હતા પરંતુ ભાજપના મોવડી મંડળ અને નીતિશકુમાર વચ્ચે ઇલુ ઇલુ શરુ થઈ ગયું હતું.

આ પ્રેમ એટલો ઝડપથી વિકસ્યો કે નીતિશકુમારે લાલુપ્રસાદના જનતાદળ સાથે છેડો ફાડીને ભાજપના ટેકાથી મુખ્યપ્રધાનપદે ફરી આવી ગયા હતા.

બિહારમાં લાલુપ્રસાદ યાદવે ચિત્તાકર્ષક જીત મેળવી હતી. ભ્રષ્ટાચારના કેસમાં પિતા જેલમાં જઈ આવ્યા હોવા છતાં તેમના સંતાનો સુધર્યા હતા. એક તરફ પુત્રો ફસાયા હતા તો બીજી તરફ દિકરી મિસા અને જમાઈ હવાલા કૌભાંડમાં ફસાયા હતા.

2019ની ચૂંટણી પહેલાં લાલુ પ્રસાદ યાદવ ફેમીલીના ચારેક જણા જેલવાસ ભોગવતા હશે અને બિહારની 40 બેઠકો પર ભાજપ કબજો જમાવી દેશે એક ભ્રષ્ટ રાજકીય પરિવારનો આ રીતે અંત આવશે તે નક્કી છે.

નીતિશકુમાર જેવો રાજકીય દાવ રાજકારણમાં ભાગ્યે જ જોવા મળે છે. આયારામ- ગયારામના રાજકારણ વચ્ચે નીતિશે રમેલી ગેમ નવેસરથી લખાશે. હવે નીતિશ મોદીની ભરપેટ પ્રશંસા કરે છે. મોદીએ પણ જૂના મતભેદો ભૂલીને નીતિશને ભેટયા છે.

એક તરફ નીતિશ તૂટતાં જ વિપક્ષી એકતા ભોંયભેગી થઈ છે. દિલ્હીમાં થતી વિપક્ષોની સભા અને રેલીઓમાં મોદી હાય હાયની સાથે નીતિશ હાય હાયની વાતો પણ જોડાયેલી હોય છે. વિપક્ષના નેતાઓ ભાષણ કરે છે ત્યારે હવે મોદી કરતા વધુ નીતિશને ટાર્ગેટ કરે છે.

નીતિશ પોતાના ગઢમાં આવતાં જ ભાજપ પણ તાનમાં આવી ગયું છે. નીતિશ હવે એન.ડી.એ.ના સાથી પક્ષ બન્યા છે. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. 2019ના લોકસભાના જંગ માટે ભાજપ ઉત્તર પ્રદેશની 80 અને બિહારની 40 બેઠકો મળીને કુલ 120માંથી 110 બેઠકો જીતી લાવશે એવું ગણિત ચાલે છે. સૌથી મોટા બે રાજ્યોમાં ભાજપનો કેસરિયો લહેરાતો જોઈને ભાજપ પ્રમુખ અમિત શાહનું ભાજપમાં પણ વજન વધતું જાય છે.

જનતા દળ (યુ)ના બે નેતાઓને પ્રધાનપદુ સોંપાશે એવા અહેવાલ છે. પડદા પાછળના અહેવાલો એવા પણ છે કે બિહારમાં નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીને મુખ્યપ્રધાન પદ સોંપીને નીતિશને દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન બનાવાશે. રાજકીય ગપસપ તો એવી પણ છે કે લોકસભાના જંગમાં રાહુલ ગાંધી સામે નીતિશકુમારને ઉભા રખાશે !

રાજકારણના આટાપાટા સમજવા મુશ્કેલ છે !

Comments