રાહુલ ગાંધી માટે મોકળું મેદાન નહીં કોઇ વિરોધ; નહીં કોઇ સ્પર્ધા

- વિપક્ષમાં કે પક્ષમાં તેમની સ્પર્ધામાં કોઇ નથી
- ક્રિકેટરસીયાઓ 'ફ્રી-હીટ'ને આવકારે છે રાહુલ ગાંધીને પણ કુદરતી ફ્રી-હીટ

ક્રિકેટરસીયાઓ જાણે છે કે ફ્રી-હીટ એટલે 'સીક્સ' !! બધા એવી આશાએ બેઠા હોય છે કે ફ્રી-હીટ મેળવનાર સીક્સ કે ફોર જરૃર ફટકારશે. કેમ કે તેમાં કેચ આઉટ કે ક્લીન બોર્ડ જેવી કોઇ ચિંતા નથી રહેતી. સોસાયટીમાં રમતા હોય એમ બોલ-બેટના સંગમ થાય તેની રાહ જોવાય છે !!

કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને સર્વેસર્વા રાહુલ ગાંધી માટે ફ્રી-હીટ જેવું મોકળું મેદાન છે. ૨૦૧૯ના લોકસભાના જંગ માટે તેમની સાથે સાથી સમાન વિપક્ષોની રાષ્ટ્રીય સ્તરે કોઇ કિંમત નથી. રાહુલ ગાંધીની સમકક્ષ ઊભો રહી શકે એવો પક્ષ કોઇ નેતા અન્ય વિરોધ પક્ષો પાસે નથી.

રાહુલ ગાંધી નસીબવંતા છે. તેમનું પરિવાર, તેમનો પક્ષ, તેમનું વ્યક્તિત્વ, તેમની સામનો કરવાની શક્તિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે તો આ માણસ નરેન્દ્ર મોદીને હંફાવી શકે છે.

તમારી કુંડળીમાં ગજકેસરી યોગ હોય તેનો અર્થ એ નથી કે તમે રાજા બનીને જીવો; તમે વિપક્ષના પણ બૉસ બની શકો છો. ભારતની લોકશાહીમાં વિપક્ષ એટલે સત્તાધારી પક્ષની ઉંઘ હરામ કરી નાખનાર !! પરંતુ તે માટે સત્તાધારી પક્ષને સાણસામાં લેવો પડે !!

રાહુલ ગાંધી પર ગાંધી પરિવારનો સિક્કો છે. કુટુંબમાં પણ તે એકલા છે. રાજકીય વારસદાર તરીકે ગાંધી પરિવારમાં રાહુલ-પ્રિયંકા બે જ છે. પ્રિયંકા ગાંધી જેવું માથું ઊંચું કરે છે કે તરત જ ભાજપવાળા રોબર્ટ વાઢરાનું કૌભાંડ આગળ ધરે છે. આમ પ્રિયંકા પણ રેસની બહાર છે. આ સ્થિતિમાં રાહુલ ધ વન એન્ડ ઓન્લી છે.

કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો રાહુલને પીઢ નેતાઓનું અને ગાંધી પરિવારને વફાદાર લોકોનું પીઠબળ છે. કોંગ્રેસમાં કોઇ યુવા નેતા એવો નથી કે જે રાહુલની સ્પર્ધામાં ઉતરી શકે.

કપિલ સિબ્બલ, ગુલામનબી આઝાદ, શિલા દિક્ષીત, મલ્લિકાર્જુન જેવા અનેક પીઢ અને અનુભવી નેતાઓ છે પણ યુવા નેતાઓ પૈકી તો કોઇ રાહુલની સ્પર્ધામાં ઉતરી શકે એમ નથી.

રાહુલ ગાંધી દેખાવે ભોળા છે અને પ્રજા આજે પણ તેમના દાદી અને પિતાની હત્યાને યાદ કરીને તેમને સંવેદનાના મત આપવા તૈયાર છે. પ્રજા હજુ સુધી ગાંધી પરિવારને ઓળખે છે. આટલી ઓળખાણ જ મતદારોના દિલ જીતવા માટે પુરતી છે.

રાહુલ ગાંધીની નજીકનાઓ કહે છે કે તે એક કૉલ્ડ બ્લડેડ પર્સનાલીટી છે, અર્થાત્ ઠંડી તાકાત ધરાવતો અને પોતાની શક્તિઓની ઓળખ ધરાવતો માણસ છે. રાહુલ ગાંધી ફૂલ ટાઇમ રાજકારણી છે. તેમનામાં રાજકારણની ગંદકીનો પ્રવેશ થયો નથી. નવી પેઢીને તે આકર્ષી શકે એમ છે. જો કોંગ્રેસ ખરેખર રાહુલ ગાંધીને ટોપમાં બેસાડવા માગતી હોય તો અત્યારથી જ આ હીરોના પાસા ઘસવાની જરૃર છે.

રાજકારણમાં હીરોના પાસા એટલે પબ્લીક સ્પીકીંગ, ઈતિહાસનું બૅકગ્રાઉન્ડ, આર્થિક ઉથલ-પાથલની સમજ, રાજકારણની સોગઠાબાજી વગેરે.. આ બધું શીખી શકાય છે. રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્ક પણ પાવરફૂલ બનાવવું જોઇએ.

દરેક સળગતા મુદ્દે પોતાનો મત જાહેર કરવા ટ્વીટર જેવા તરત એકશન અપાય એવા માધ્યમનો ઉપયોગ કરવાની જરૃર છે. કોંગ્રેસ શું કરી શકે છે અને શું માને છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ કરી પ્રજા સમક્ષ લઇ જવું જોઇએ.

ખરેખર; કુદરતે રાહુલ ગાંધી માટે મોકળું મેદાન ઊભું કરી આપ્યું છે. તે ફ્રી-હીટનો કેવો ઉપયોગ કરી શકે તે જોવાનું રહ્યું. કોંગી વફાદારો 'સીક્સ'ની બૂમો પાડે છે. રાહુલ ગાંધી બેટ વીંઝી રહ્યા છે.

રાહુલ ગાંધી જો મોકળા મેદાનનો ઉપયોગ નહીં કરે તો તે રાજકારણી નહીં કહેવાય. રાહુલના ભાષણ તૈયાર કરી આપનાર એન્ટી-મોદીવેવ ઊભો કરવા માગે છે પરંતુ લોકસભામાં કોંગ્રેસને મળેલી બેઠકો અને ભાજપને મળેલી બેઠકમાં ૨૩૫થી વધુનો ફેર છે. રાહુલ ભાજપ અને સંઘ બંનેને ખોટા ચીતરવા પ્રયાસ કરે છે તે તેમના વૉટ તોડે છે. રાહુલ સંઘને વચ્ચે લાવવા પ્રયાસ કરે છે. પરંતુ તેમની પાસે કોઇ નક્કર રજૂઆત નથી.

ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે. તેનાથી એનડીએ સરકારને મારી શકાય એમ નથી. આ સ્થિતિમાં વાતને બંધારણ બદલવા સુધી ખેંચવાથી પ્રજામાં અપ્રિય બની શકાય છે.

રાહુલે જીતની બાજી જીતવા નવેસરથી પત્તા ચીપવાની જરૃર છે. મોદી વિરોધી વાતો કરવાથી તે બૂમરેંગ સાબિત થઇ શકે છે. રાહુલે પોતે શું માને છે ?; કેવી રીતે દેશ ચલાવી શકે છે ? વગેરેની સ્ક્રીપ્ટ તૈયાર કરવા જેવી છે. કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું છે તેની સિધ્ધી વર્ણવવી જોઇએ તેના બદલે મોદી વિરોધી ભાષણ કરાય છે.

રાહુલ ગાંધી જેમની સાથે બેસીને જંગ લડવા માગે છે તે લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ, કેજરીવાલ, મમતા બેનરજી, માયાવતી જેવાઓ ભરોસા પાત્ર નથી. આ લોકોની તેમના રાજ્યમાં કોઇ કિંમત નથી. માત્ર મમતા બેનરજી સફળ મુખ્ય પ્રધાન તરીકે ઉપસી આવ્યા છે.

Comments