કોમન સિવિલ કોડ માટે ચિપીયો પછાડવા કેન્દ્ર સરકારનો પ્લાન

 - ટ્રિપલ તલાકની સફળતા પછી હવે શું ?
- મહિલાઓનું શોષણ કરતી પ્રથા અટકાવવી એ આશીર્વાદનું કામ હતું

ભારતમાં મુસ્લિમો પોતાના કાયદા હેઠળ ચાલે છે એવી જ રીતે ખાપ પંચાયતો પણ ચિત્ર-વિચિત્ર નિર્ણયો લેતી હોય છે

મુસ્લિમો એમ માની રહ્યા છે કે આ ભાજપની સરકારવાળા તેમની પાછળ પડી ગયા છે. મુસ્લિમ સંગઠનો સાથે સંકળાયેલા મૌલવીઓ પણ ટીવી ડીબેટમાં એમ કહે છે કે દેશમાં એક છૂપો એજન્ડા ચાલે છે.

દરેકને ડર છે કે મોદી હવે નવું શું લાવશે ? મુસ્લિમો માટે છેલ્લા ૭ દાયકામાં જે નથી થયું તે છેલ્લા એક વર્ષમાં થયું છે.

તલાકનો મુદ્દો આખા દેશે આવકાર્યો છે. કોઈ એક ધર્મની મહિલાને ત્રણ શબ્દો દ્વારા છૂટી કરી દેવામાં આવે તે પ્રથા કોઈ કાળે સ્વિકાર્ય ના હોવી જોઇએ છતાં કોઈ સરકારે હિંમત બતાવી નહોતી.

મોદી સરકાર હવે કોમન સિવિલ કોડ તરફ આગળ વધી રહી છે. પડદા પાછળ તે માટેની તૈયારી ચાલે છે. જો આમ થાય તો બધા જ લોકો એક કાયદાના પાલન હેઠળ આવી જાય અને બધાએ બંધારણ પ્રમાણે ચાલવું પડે !!

એનડીએ સરકારની કાયદો બદલવાની કાચબા ચાલને લઘુમતી કોમ જાણી ગઇ છે. તલાકના ચુકાદાને મુસ્લિમ સમાજે ખોંખારીને આવકાર્યો નહોતો. બે થી ત્રણ ભાગ પડી ગયા હતા. અમારા ધર્મમાં કોઇએ ચંચુપાત કરવી નહીં એવું ઢોલ વગાડે રાખ્યું હતું. કુરઆન કહે એ સાચું એવા લોકોને સમજાવાયું હતું કે કુરઆનમાં પણ ટ્રીપલ તલાકનો ઉલ્લેખ નથી.

તલાકનો ઉપયોગ મહિલાઓના શોષણ માટે થયો હતો અને સરકારે તમાસો જોયા કર્યો હતો. એનડીએ સરકારે બતાવેલી હિંમત રંગ લાવી છે. હજારો મુસ્લિમ મહિલાઓનું શોષણ અટકશે. હવે જ્યારે કાયદો બનશે ત્યારે તલાક આપનારને જેલમાં હવા ખાવાનો વારો આવશે.

એક એવી જંગલી પ્રથાને પ્રોત્સાહન અપાતું હતું કે જેમાં પતિ સંતાનોને લઇને જતો રહેતો હતો અને 'મા'ને બિચ્ચારીને પાછા પોતાના પિતાને ઘેર રહેવાનો વખત આવતો હતો. તલાક આપનારા પુરૃષોને લહેર પડી ગઇ હતી. લોકો ફોન પર તલાક આપતા થઇ ગયા હતા.

જે પાંચ મહિલાઓએ હિંમત બતાવીને સુપ્રીમ કોર્ટમાં તલાક પ્રથાને રદ્દ કરવાની માગણી કરી હતી તેમાં સાયરાબાનુ મહત્ત્વની છે. તેમની સાથે અન્ય ચાર મહિલાઓ જોડાઈ હતી. સાયરાબાનુ બહુ બોલકા નથી પણ તે મક્કમ નિર્ધાર ધરાવતા હતા. તેમનો પતિ બાળકો લઇને જતો રહ્યો હતો.

ઓલઇન્ડિયા મુસ્લિમ વુમન લો બોર્ડની અધ્યક્ષ શાહિસ્તા અંબરે ચુકાદાને આવકાર્યો છે. હકીકત તો એ છે કે આવા બોર્ડ દાંત-નહોર વીનાના હોય છે. આવા બોર્ડ જે નિર્ણયો લે છે તેનો અમલ કરી શકાતો નથી. મુસ્લિમ સમાજ પુરૃષ પ્રધાન, મૌલવી પ્રધાન છે. ત્યાં મૌલવીઓ મનમાની કરતા હોય છે અને પોતાની રીતે ધર્મની વ્યાખ્યાનો અપભ્રંશ કરતા હોય છે એવી રજૂઆત કોર્ટમાં થઇ હતી.

ખરેખર દેશ બંધારણ મુજબ ચાલે; ધર્મ મુજબ નહીં એ વાતનું ભાન દરેક નાગરિકને હોવું જોઇએ તેવો સંકેત સુપ્રીમ કોર્ટે આપી દીધો છે.

ભારતમાં મુસ્લિમો પોતાના કાયદા હેઠળ ચાલે છે એવી જ રીતે ખાપ પંચાયતો પણ ચિત્ર-વિચિત્ર નિર્ણયો લેતી હોય છે. સરકારે ખાપ પંચાયતોને તો અનેકવાર ઠપકારી છે પણ તલાકનો મુદ્દો દઝાડે એવો હોઈ કોઈ હાથમાં પકડવા તૈયાર નહોતું. એનડીએ સરકારે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાકની ઝંઝીરમાંથી મુક્તિ અપાવી હતી.

દેશભરમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધને આવકારમાં આવ્યો છે. એનડીએ સરકારની આ સિધ્ધિ છે.

એનડીએ સરકારે હવે કોમન સિવિલ કોડ માટે ચીપીયો પછાડવો જોઇએ. મોદી સરકાર આવ્યા બાદ ગેરકાયદે કતલખાના બંધ કરાવ્યા હતા જેમાં ટાર્ગેટ મુસ્લિમ સમુદાય બન્યો હતો; ત્યારબાદ ગૌહત્યાના વિરોધનો મુદ્દો ચગ્યો હતો હવે ટ્રીપલ તલાક સામે બંધારણીય કવચ અપાયું છે અને કોમન સીવીલ કોડ મેદાનમાં આવવા ઉછાળા મારી રહ્યો છે.

એટલે તો સરકારે વિપક્ષના ટેકા માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા સાથે ઇલુ-ઇલુના ગાણા શરૃ કર્યા છે.

Comments