હરિયાણા સરકાર સામે પસ્તાળ
ટોળામાં બુધ્ધિ નથી હોતી; તોફાનીઓ ભાગી જાય છે નિર્દોષ લોકો ઠાર મરાય છે
જેને લોકો ચમત્કારીક માનતા હતા તેને કોર્ટે બળાત્કારી સાબિત કરી દીધો ત્યારે આ ચુકાદો તેમના સમર્થકો બચાવી શક્યા નહોતા. ટચુકડા પંચકુલામાં ડેરાના ગુંડાઓએ તોડફોડ કરી હતી. ટોળાંશાહી; એ દરેક દેશની સમસ્યા છે. ગુજરાતમાં આસારામ બાપુના સમર્થકો સમય આવે બાંયો ચઢાવતા હતા પરંતુ ડેરા સચ્ચાવાળા તો આસારામ કરતા ચાર ચાસણી ચઢે એવા હતા.
૧૪૪મી કલમનો અમલ પોલીસ કરાવતી હોય છે. પરંતુ પોલીસ પણ ડેરા ભક્ત હતી. ડેરા બાબામાં એવું તે શું હતું કે લોકો તેમના પગમાં આળોટતા હતા. બે હાથ-પગવાળો આ માણસ ભગવાન બની બેઠો હતો અને લોકો પાસે ધાર્યું કરાવતો હતો.
આવા બાવાઓ સંમોહન વિદ્યા જાણે છે કે સામુહિક ભોળપણનો લાભ ઊઠાવે છે તે તો ખબર નથી પણ શ્રધ્ધાળુઓ ચમત્કારની વાતોમાં આવી જાય છે અને પછી ચમત્કારના વાયરસ જાણે-અજાણે લોકોને સ્પર્શતા હોય છે.
આઝાદીના ૭ દાયકા પછી દેશની સ્થિતિ ગરીબાઇ અને મધ્યમવર્ગની શ્રધ્ધા સાથે જોડાઇ છે. ડેરા સચ્ચા પર આસ્થા રાખનારા પંજાબ - હરિયાણાના લોકો વધુ છે. અહીં શ્રદ્ધા નહીં પણ અંધભક્તિ વધુ જવાબદાર છે. ડેરા આશ્રમોને દરેક રાજ્ય સરકારોનું કવચ હતું. સામાન્ય માનવી આવા રાક્ષસો સામે માથું ઊંચકી શકતો નથી.
આસારામ બાપુની પેટર્ન પરનો ડેરા સચ્ચાનો પ્લાન છે. પત્રકારો - પોલીસો તેમના દુશ્મનો બને છે કેમકે પોલીટીશ્યનો તેમને પગે લાગવા લાઇનમાં ઊભા હોય છે.
સુવર્ણ મંદિરમાં ઘૂસી ગયેલી ભીંદરણવાલે એન્ડ કંપનીને સંકુલમાંથી બહાર કાઢવા દિવંગત ઈન્દિરા ગાંધીએ લશ્કર મોકલ્યું હતું. ઈન્દિરાજીનો આ નિર્ણય સૌથી ટીકાપાત્ર હતો પરંતુ ભીંદરાનવાલેના ત્રાસવાદીઓએ લીમીટ વટાવી હતી. જ્યારે લશ્કર સુવર્ણ મંદિરમાં પ્રવેશ્યું ત્યારે સામસામા ગોળીબાર થયા હતા. અનેકના મોત થયા હતા. ભીંદરાણવાલે પણ ઠાર મરાયો હતો. જોકે ખાલિસ્તાન ત્રાસવાદીઓ શીખ સમુદાયના મનમાં ઈન્દિરા વિરોધી ઝેર રેડવામાં સફળ થયા હતા. અંતે ઈન્દિરાજીના અંગરક્ષકોએ જ તેમને ઠાર માર્યા હતા. કહે છે કે સુવર્ણ મંદિરમાં લશ્કરના પ્રવેશના આદેશનો આ પ્રત્યાઘાત હતો.
જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે કોંગ્રેસ સમર્થકોએ દિલ્હીમાં શીખ સમુદાયને ટાર્ગેટ બનાવ્યો હતો. શીખોના ગળામાં ટાયર નાખીને જીવતા સળગાવી દીધા હતા. અહીં સૌથી મહત્વની વાત ટોળા પર ચઢેલું ઝનૂન હોય છે. જ્યારે ઝનૂન નાચે છે ત્યારે સારી-નરસી બાજુ તમામ ભસ્મ થઇ જાય છે, હેબતાઇ જાય છે.
અહીં આંદોલનો કે હુલ્લડો સમયના ઝનૂનોને પણ ભૂલવા ના જોઇએ. ઝનૂનીઓ કોઇના સગા નથી થતા, તેમના માથેથી ઝનૂન ઉતરે ત્યારે ડાહ્યા-ડમરાં થઇ જતા હોય છે.
જોકે આવી ઘટનાઓના કારણે સાચા સંતો દંડાઇ રહ્યા છે. દેશમાં અનેક સંતો વંદનીય છે. પ્રાતઃ સ્મરણીય છે. આ લોકો નિરાભિમાની છે. તે પોતે જ કહે છે કે ચમત્કાર જેવું કશું નથી. બધો બકવાસ છે. આવા સંતોના આશ્રમમાં માનસિક શાંતિ મળે છે; સામાજીક સમસ્યાઓ પર હીલીંગ મળે છે.
કેટલાક આશ્રમોની વ્યવસ્થાને બિઝનેસ માને છે; ત્યાંથી પૈસાની લેવડ-દેવડ પણ કરે છે અને અંતે બદનામી મેળવે છે. જ્યાં કંચનનો વહિવટ થાય છે ત્યાં કામિની પણ આવી જાય છે.
બાવા - સ્વામીઓ - સંતો આખરે તો બે હાથ-પગવાળો માણસ છે. જેમ પ્રાચીન ધાર્મિક કથાઓમાં મેનકા - અપ્સરાઓ તપભંગ કરવા આવતી હોવાનો ઉલ્લેખ છે એમ વર્તમાન સમયમાં પણ મેનકા બાવા - સ્વામીઓને શોધતી હોય છે એમ બાવાઓને પણ તેમના વગર નથી ચાલતું !! આસારામ બળાત્કારમાં ફસાયા એમ ડેરા સચ્ચા સોદાનું છે.
લાગે છે કે, દેશમાં અંધશ્રધ્ધા વધુ બળવાન છે. એક તરફ એક દાઢીધારી બાવો છે તો બીજી તરફ ચૂંટાયેલી સરકાર છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર પ્રજા સામે હાંફી ગઇ છે.
હરિયાણા સરકારે મતલક્ષી પગલાં લીધા હતા. જો સરકાર કડક પગલાં લેત તો હીટલરશાહી કહેવાય અને લાલીયાવાડી ચલાવે તો નબળી સરકાર કહેવાય !! અંધશ્રધ્ધામાં રચ્યા-પચ્યા લોકો વધુ ઝનૂની અને પોતાના ગોડફાધરને વળગી રહેનારા હોય છે.

Comments
Post a Comment