- વિપક્ષ કેવા પગલાં લેશે તેનો ઉલ્લેખ ના થયો
- નીતીશને વિપક્ષી નેતાઓએ ટાર્ગેટ બનાવ્યા : લાલુ ફેમિલીની નારાજગી
બિહારમાં વિરોધ પક્ષોનું શક્તિ પ્રદર્શન હોય અને તેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને વડાપ્રધાન મોદી વિરૃધ્ધ નિવેદનો થાય તેમાં નવાઇ પામવા જેવું કશું નથી. સત્તાધારી સમક્ષ સામે બેફામ બોલવા માટે તો વિપક્ષો એ સ્ટેજ તૈયાર કર્યું હતું.
લાલુ પ્રસાદ યાદવ રઘવાયાં બન્યાં છે. તેમનો પતંગ ભારદોરીથી કપાયો છે. પોતાના પુત્ર તેજસ્વીનો રાજકીય વિયોગ તેમને સતાવી રહ્યો છે. તેજસ્વીને તે મુખ્ય પ્રધાન પદે જોવા માગતા હતા જયારે હાલમાં તે તેના વિરૃધ્ધની નોટીસો આપવામાં વ્યસ્ત છે.
રવિવારની મહારેલીમાં રાહુલ ગાંધીની ગેરહાજરી નજરે પડતી હતી. મમતા બેનરજી વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે ઉભરી રહ્યા છે. મહાગઠબંધનની હવા નીતીશકુમારે કાઢયા બાદ તેમની છાવણીમાં નેતાગીરીનો બહુ મોટો અભાવ ઉભો થયો છે.
નીતીશ કુમારના ભાજપ સાથે જોડાણ પછી વિપક્ષો પાસે બે નામ બચ્યાં હતા. એક રાહુલ ગાંધી અને બીજા મમતા બેનરજી ?! રાહુલ વિશે સૌ જાણે છે કે તે સક્રીય રહેવા બહુ તૈયાર નથી. બિહારની રેલીમાં ગેરહાજર રહીને તેમણે પોતાની અનિચ્છાનો સંકેત આપી દીધો છે. ખરા સમયે રાહુલ ગાંધી ગેરહાજર રહે એટલે કોંગ્રેસનો જુસ્સો પણ ઓછો થઈ જાય છે.
એટલે જ વિપક્ષોનું ધ્યાન મમતા બેનરજી પર કેન્દ્રીત થયું છે. વિપક્ષો તેમના ગઠબંધનનું સુકાન કોને સોંપશે તે પર ભાજપની પણ નજર છે. જો નીતીશકુમારને વિપક્ષ સાચવી શક્યો હોત તો ભાજપને લોકસભાના જંગમાં મજબૂત પડકારનો સામનો કરવો પડત. જોકે હવે સ્થિતિ જુદી છે. વિપક્ષો પાસે મમતા બેનરજી સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.
મમતા બેનરજીની પકડ પશ્ચિમ બંગાળ પર સખત છે. તેમની ઇમેજ મુસ્લિમ તરફી વધુ છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોનો સફાયો કર્યો છે. અને ભાજપ તેમજ કોંગ્રેસને ઉભા થવા દીધા નથી. પશ્ચિમ બંગાળનાં ડાબેરી શાસન ૩૫ વર્ષ રહ્યું છતાં મમતા તેમને એક સીટ જીતવા દેતા નથી. તાજેતરની કોર્પોરેશનની ચૂંટણીમાં મમતાએ ડાબેરીઓને એક બેઠક જીતવા દીધી નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા અને ડાબેરીઓ વચ્ચે સખત વેર ઝેર છે પરંતુ કેન્દ્રમાં ભાજપને હરાવવા બંનેએ હાથ મીલાવ્યા છે.
મમતાના જોરે વિપક્ષનું વહાણ કેટલું ખેંચશે તે પણ એક મુદ્દો છે. મમતાનું જોર પશ્ચિમ બંગાળમાં છે તે સ્વીકાર્ય છે પણ અન્ય રાજ્યો ખાસ કરીને હિન્દી બેલ્ટમાં તેમની ઇમેજ હિન્દુ વિરોધી તરીકેની છે. હિન્દુ વિરોધી કોઈ ચહેરો ભારતની ચૂંટણીઓમાં મત ખેંચી લાવી શકે નહીં એવી જ રીતે મુસ્લિમ તરફી ઓવૈસી જેવો ચહેરો પણ મતદારોને આકર્ષી શક્તો નથી.
મમતા બેનરજી વિપક્ષોને ૨૦૧૯માં જીતાડી શકે કે કેમ તે વિવાદાસ્પદ મુદ્દો છે. યુપીએ ગઠબંધન સાથે સંકળાયેલા તમામ પક્ષો માને છે કે મમતાનો ચહેરો અન્યત્ર કોઇ રાજ્યમાં ચાલે એમ નથી પરંતુ એકમાત્ર વિકલ્પ મમતા છે તે પણ ભૂલવું ના જોઈએ.
બિહારની રેલીમાં નીતીશ અને મોદીને ગાળો ભાંડવાના બદલે દેશના આર્થિક તંત્રમાં સુધારા કેવી રીતે થઇ શકે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ કેવી રીતે આપી શકાય તે અંગેના ભાષણો થવા જોઈતા હતા પરંતુ વિપક્ષો પર પડેલી 'નીતીશ-ઘા' એટલા ઉંડા છે કે તેમને તે સીવાય કશું દેખાતું નથી !
બિહારમાં થયેલું શક્તિ પ્રદર્શન રામ-રહીમના અહેવાલો નીચે દબાઈ ગયું હતું. વિપક્ષો એવી કોઈ જાહેરાત ના કરી શક્યા કે જેથી લોકોને કંઇક નવું મળી રહે !! આ શક્તિ પ્રદર્શન હતું પરંતુ તે નીતીશ વિરોધી સ્ટેજ બની ગયું હતું. દરેકે ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવે નીતીશને ખુબ અપમાનજનક રીતે સંબોધ્યા હતા.
બિહારના અબુધ લોકોને તેમણે કહ્યું હતું કે, નીતીશની જેમ હું ક્યારેય ભાજપ સાથે હાથ ના મીલાવું તેના બદલે હું દોરડું બાંધીને આત્મહત્યા કરી નાખું !!
લાલુ પ્રસાદ યાદવનું કુટુંબ તો નીતીશને ટાર્ગેટ બનાવે તે સમજી શકાય છે કેમ કે લાલુ ફેમીલીના માથેથી સત્તાનો તાજ નીતીશે ઉતારી નાખ્યો હતો. વિપક્ષો નીતીશ સામે આક્ષેપોને પ્રાધાન્ય આપતા હોઇ પ્રજા પણ કંટાળી છે. વિપક્ષોનું મહાગઠબંધન એનડીએને કયા મુદ્દે હંફાવી શકવા શક્તિમાન છે તેનો ઉલ્લેખ કરતા નથી.
આ આખી રાજ રમત છે. એનડીએ સરકાર ઇચ્છે છે કે વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસ પાસે ના હોય તો સારું, બીજી તરફ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને સર્વે-સર્વા રાહુલ ગાંધી સતત સક્રિય રહેતા નથી. મમતા બેનરજીને જે દિવસે વિપક્ષના મહા ગઠબંધનનું નેતૃત્વ સોંપાશે એ દિવસે સૌથી વધુ ખુશી એનડીએની છાવણીમાં મનાવાશે તે નક્કી છે.

Comments
Post a Comment