ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ચૂંટણી જીત્યા ત્યારે પત્ની ઉષા સાથેનું લાગણીસભર હગીંગ ઘણાને ગમ્યું હતું..
યુરોપના દેશોમાં પ્રમુખો તેમની પત્ની સાથે હાથમાં હાથ મીલાવી વટભેર ફરે છે : સેલિબ્રીટી વર્લ્ડમાં હગીંગ-કિસિંગ કોમન છે પણ ભારતના રાજકારણમાં વેંકૈયા ટ્રેન્ડ સેટર બને એ જરૃરી
ભારતમાં સામાન્ય રીતે ચૂંટણી જીતતા પતિને તિલક કરતી પત્ની કે આરતી ઉતારતી પત્ની જોવા મળે છે પરંતુ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક સ્ટેપ આગળ નીકળી ગયા હતા. તે ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયા ત્યારે તેમની પત્નીને ભેટી પડતી તસવીર સૌની આંખ ઠરે એવી હતી. એક ડોસો-ડોસીને પ્રેમ કરે છે તે ભાવના આ કિસ્સામાં જોવા મળતી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની પત્નીને જાહેરમાં આલિંગન આપ્યું હતું.
જોકે વેંકૈયા નાયડુ અને કેજરીવાલ વચ્ચે ૩૦ વર્ષનો ફેર છે.
હગીંગ, આલિંગન, ભેટવું વગેરે એક જ ક્રિયાના નામો છે. એકબીજા પ્રત્યેની લાગણી રોકાઇ શકતી નથી ત્યારે હગીંગ સ્થાન લે છે. ભારતના યુવા રાજકારણીમાં સૌથી હસમુખો ચહેરો રાજીવ ગાંધીનો હતો. રાજીવ અને સોનિયા ગાંધી હાથમાં હાથ પકડીને ચાલતી અનેક તસવીરો છે. દેશનું સૌથી ચાર્મીંગ કપલ રાજીવ - સોનિયા હતું. આ બંનેના આઈસ્ક્રીમ ખાતા ફોટા; લહેરથી ગપ્પા મારતા ફોટો ગુગલ પર જોવા મળે છે. હાલમાં આવું કોઇ ચાર્મીંગ કપલ ભારતના રાજકારણમાં નથી.
ભારતમાં રાજકારણીઓ સાથે તેમની પત્ની શપથ સમારોહ કે વિજય યાત્રામાં નજરે પડે છે. પરંતુ કોઇ રાજકારણી પત્નીનો હાથ પકડીને કે કેડમાં હાથ નાખીને ફરતો કોઇએ જોયો નથી. જોકે ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા વેંકૈયા નાયડુએ આ ટ્રેન્ડ તોડયો હતો.
જોકે લખેલો કોઇ ટ્રેન્ડ નથી કે કોઇ નિયમ નથી પરંતુ ભારતના રાજકારણમાં પત્ની દશ ડગલાં પાછળ હોય છે. તેમના પુત્રો-પુત્રીઓને લોકો ઓળખે છે પણ પત્ની તો રસોડાની રાણીની ભૂમિકા ભજવ્યા કરે છે. ઘેર આવતા મહેમાનોની સરભરામાંથી બિચારા ઊંચા નથી આવતા.
ભારતમાં કમનસીબીએ આવા હગીંગ - કિસીંગના સીન જોવા મળતા નથી; કેમકે ટોચના ૮૦ ટકા રાજકારણીઓ સીંગલ છે. જેમાં મોદીથી માંડીને રાહુલ-મમતા-નીતીશ-મહેબુબા સુધીના આવી જાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના પત્ની નૈના પોતે એનજીઓ ચલાવે છે અને જાહેરમાં પતિની સાથે મર્યાદામાં રહે છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની સાંસદ પત્ની ડિમ્પલ એવા કુટુંબમાંથી આવે છે કે જાહેરમાં પતિની સામે જોઇ પણ શકતી નથી.
ભૂતકાળ પર નજર કરીએ તો આપણે ત્યાં લવ-લેટરનો જમાનો હતો. કુટુંબ કહે ત્યાં પરણવાનું હતું. એંગેજથી લગ્નના સમય દરમ્યાન લવ-લેટરનો મારો ચાલતો હતો. પરંતુ હાથમાં હાથ પકડીને ચાલવા કે જાહેરમાં હગીંગને તો કોઇ સ્થાન નહોતું. ભારતના રાજકારણમાં ટોચની પોસ્ટ પર બેઠેલા પોતાની અર્ધાંગીની માટે જાહેરમાં ભાગ્યે જ પ્રેમ બતાવે છે.
ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને તેમના પત્ની કમલા અડવાણી ચૂંટણી પ્રચારમાં વારંવાર જોવા મળ્યા છે પણ વેંકૈયા સ્ટાઇલ હગીંગ કરતા ક્યારેય જોવા મળ્યા નથી.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૃપાણી અને તેમની પત્ની અંજલીબેન પૂજા-અર્ચના સાથે બેસીને કરતા અનેકવાર જોવા મળ્યા છે પણ બેઉને હાથમાં હાથ પકડીને ચાલતા ભાગ્યે જ કોઇએ જોયા હશે કે જાહેરમાં હગીંગ પણ નહીં જોયું હોય !!
હગીંગ એ અસ્પૃશ્ય નથી પણ આપણે જાહેરમાં પતિ-પત્નીને અડપલાં કરતા ભાગ્યે જ જોઇએ છીએ. આશ્ચર્ય તો એ એ છે કે પતિના ચૂંટણી વિજયની બાધા પત્ની રાખે છે પણ પતિની આગળ કે પાછળ પત્ની જોવા નથી મળતી !!
અહીં વિદેશના નેતાઓની સરખામણીનો અર્થ નથી. યુરોપ અને અમેરિકામાં તો પ્રેસિડેન્ટ અને અન્ય હોદ્દેદારોના હગીંગ-કિસીંગ સામાન્ય વાત છે. તેમની આ લાગણી કુદરતી હોય છે. યુરોપના દેશોના વડાઓ તો પત્નીને સાથે રાખીને બધે જાય છે. આ પત્નીને પણ એટલું જ સન્માન મળે છે.
ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ સરકોઝી તેમની પ્રેમિકા કાર્લા બૂ્રનીને લઇને ભારત આવવાના હતા. ત્યારે તેમની હયાત પત્નીને મળે એવું સન્માન પ્રેમિકા બૂ્રનીને મળે એવો આગ્રહ તેમણે રાખ્યો હતો. ભારત સરકારે તેમની માગણી પુરી પણ કરી હતી.
ડૉનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મૅલીના વચ્ચેનો વાંધો આખા વિશ્વએ નોંધાયો હતો. જેમાં એક કાર્યક્રમમાં પોતાની પાછળ ચાલતી પત્ની મૅલીનાનો હાથ પકડવા ટ્રમ્પે ચાર વાર પ્રયાસ કર્યો પણ ચારેય વાર મૅલીનાએ ટ્રમ્પના હાથને હડસેલી દીધો હતો. ટ્રમ્પ પત્નીનો હાથ પકડીને ચાલવા માગતા હતા પણ મૅલીના મૂડમાં નહોતા. અમેરિકાના અખબારોએ આ તરત ટીકા-ટીપ્પણ શરૃ કરી દીધા હતા. આ વીડીયો યુ ટયુબ પર ઉપલબ્ધ છે.
અહીં એક સીન તરફ વાચકોનું ધ્યાન દોરવાનું કે જ્યારે બાબરી મસ્જીદ ધ્વંસ થઇ ત્યારે દૂર શામિયાણામાં બેઠેલા ભાજપના નેતાઓ પૈકી ઉમા ભારતી અને ડૉ. મુરલી મનોહર જોષીનું ઉષ્માભર્યું હગીંગ (આલિંગન) આખા દેશે જોયું હતું. આ હગીંગ વિજયનું હતું પરંતુ સંસ્કૃતિને વરેલી દંભીઓએ તેની ખૂબ ટીકા કરી હતી.
ટીકા એટલા માટે થઇ હતી કે પતિ-પત્નીના સંબંધ સિવાયના લોકો એકબીજાને જાહેરમાં હગ કરે ત્યારે વિવાદાસ્પદ બને છે. ત્યારે જોકે ઉમા ભારતી અને ડૉ. મુરલી મનોહર વચ્ચે પિતા-પુત્રી જેવા સંબંધો હતા.
રાજકારણીઓ નિર્ણયો લેવામાં કે લોકોને ધક્કા ખવડાવવામાં કે જુઠ્ઠું બોલવામાં પાવરધા હોય છે પણ પોતાના કુટુંબ માટે હંમેશા તે લાગણી સભર હોય છે. જાડી ચામડી ધરાવતો રાજકારણી ઘેર કૂૂણો - મીણ જેવો બની જાય છે.
વેંકૈયા નાયડુ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે. તેમને એકવાર મળનારનું નામ તે યાદ રાખે છે. કોઇ તેમને ઉષાપતિ કહે તો તેમને ગમે છે.
ભારતની સંસ્કૃતિ કહો કે ઈન્ડિયન કલ્ચર કહો પણ તેમાં જાહેરમાં આલિંગનથી હજુ લોકો શરમાય છે. સેલિબ્રીટીની દુનિયામાં હગીંગ-કિસીંગ વગેરે જાહેરમાં ચાલે છે પણ ભારતના રાજકારણમાં તો આવું ભાગ્યે જ જોવા મળે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કે કેજરીવાલ હગીંગ સુધી પહોંચ્યા છે પણ કિસીંગે હજુ સ્થાન લીધું નથી.
આપણે ત્યાં ટોચના નેતાઓ જાહેરમાં પોતાની પત્નીને ભેટે કે કિસ કરે એવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આવા સીન જોવા મળે તે જરૃરી છે. લાગણી બતાવવાનો મોકો આપણા નેતાઓ ઝડપી લેતા નથી. ધેર ઈઝ વુમન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન એવું કહેવું - લખવું આસાન છે પણ સફળતા અપાવનાર વુમન તરફ જાહેરમાં લાગણી બતાવવાનું પણ ચૂકવું ના જોઇએ..
હકીકત તો એ છે કે જાહેરમાં લાગણી બતાવવામાં કોઇ છોછ ના હોવો જોઇએ. એક જણે સુંદર ટ્વીટ કરી છે કે ભારત બદલ રહા હૈ.. ઉષાપતિનું હગીંગ તેનું સાક્ષી છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment