CM તરીકે 5000 દિવસ !!

ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન રમનસિંહે CM ના હોદ્દા પર 5000 દિવસ પૂરા કર્યા; જ્યોતિ બાસુ, શિલા દિક્ષીતની લાઇનમાં આવ્યા...

૫૦૦૦ દિવસ પસાર કરવા અઘરા : બે નંબર ઊભો ના થવા દેવો : વિકલ્પ ઊભો ના થવા દેવો જેવી આવડત ! જોકે અન્યને ચાન્સ આપવા પણ વિચારવું જોઇએ..

કોઇ રાજ્યના મુખ્ય પ્રધાન ૧૪-૧૪ વર્ષ સુધી સત્તા ભોગવે તે તેમની લોકપ્રિયતાની નિશાની છે. જેમ વિશ્વમાં અબજોપતિની ક્લબ છે; બોલીવુડમાં ૧૦૦ કરોડ કમાતી ફિલ્મોની ક્લબ છે એમ રાજકારણમાં મુખ્ય પ્રધાન પદે ૫૦૦૦ દિવસ પુરા કરનારની ક્લબ હોવી જોઇએ !!

તાજેતરમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહે ૫૦૦૦ દિવસ પુરા કર્યા છે. મુખ્ય પ્રધાન પદ પર ૫૦૦૦ દિવસ બેસવું એ ભારતના અનિશ્ચિત રાજકીય માહોલમાં સિધ્ધિ સમાન છે.

આવી સિધ્ધિ માત્ર રમનસિંહ પાસે નથી પણ ૫૦૦૦ દિવસના ભસ્  પદની ક્લબમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જ્યોતિ બાસુ અરૃણાચલ પ્રદેશના જીગોંગ અપંગ, રાજસ્થાનના મોહનલાલ સુખડીયા, દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષીત, ત્રિપુરાના માનીક સરકાર, મણિપુરના ઑકરામ આઈબોબી સિંહનો સમાવેશ થાય છે. રમનસિંહ તો ભાજપના પ્રથમ એવા સીએમ છે કે તેમણે સત્તા પર ૫૦૦૦ દિવસ પૂરા કર્યા છે.

જ્યોતિ બાસુની પકડ જેમ પશ્ચિમ બંગાળના રાજકારણ પર હતી એમ કેન્દ્રના રાજકારણ પર પણ હતી. એક તબક્કે તો તેમનું નામ વડાપ્રધાન પદ માટે નક્કી હતું પરંતુ ડાબેરી મોવડીઓએ ના પાડતાં તે વડાપ્રધાન બની શક્યા નહોતા.

દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષીતની લોકપ્રિયતાએ તેમને સત્તા પર ૫૦૦૦ દિવસ બેસાડયા હતા. આશ્ચર્ય તો એ વાતનું છે કે શિલા દિક્ષીત અને ગાંધી પરિવાર વચ્ચે બહુ મનમેળ ના હોવા છતાં તે સીએમ પદે ચાલુ રહ્યા હતા.

ઓડીસાના નવીન પટનાયકની સાદગીને પ્રજાએ આવકારી હતી અને તેમના સિવાય કોઇનેય ચાન્સ આપ્યો નહોતો. છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમનસિંહ એ વાતનું ગૌરવ લઇ શકે છે કે તે ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન એવા હશે કે જેમણે ૫૦૦૦ દિવસ પુરા કર્યા હશે. ૫૦૦૦ દિવસ એટલે કે સત્તા પર ૧૪ વર્ષ પૂરા કર્યા છે.

૫૦૦૦ દિવસ મુખ્ય પ્રધાન તરીકે રહેવું એટલે રાજકીય કાવા-દાવાના તમામ પેચના નિષ્ણાત હોવું !! સામાન્ય રીતે મુખ્ય પ્રધાન પદના ટાંટીયા ખેંચવા અને તેમને બદનામ કરવા તેમના પક્ષના લોકો જ ટાંપીને બેઠા હોય છે. જેમણે ૫૦૦૦ દિવસ સુધી સીએમની ખુરશી પર પસાર કર્યા હશે તેમણે આવા અનુભવો કર્યા જ હશે.

જોકે આવી સ્થિતિમાં જ્યોતિ બાસુ જેવા મહારથીઓ ના આવે કેમ કે તેમનો પ્રભાવ એવો હતો કે તેમની સામે વિરોધનો સૂર કોઇ કાઢી શકતું નહોતું. જ્યોતિ બાસુના નિધન બાદ આવેલ બુધ્ધદેવ ભટ્ટાચાર્યે બધું ઊંધું વાળ્યું હતું. તે પણ કોમનમેન હતા પરંતુ પ્રજાની નાડ પારખી શક્યા નહોતા. તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ બુધ્ધદેવના શાસનને ઉથલાવવાની તક ઝડપી લીધી હતી. તેમણે ડાબેરીઓનો ગઢ તોડી પાડયો હતો.

મુખ્ય પ્રધાન પદ એ કાંટાળો તાજ છે; જોકે કોમનમેન બનીને આ તાજ પહેરી શકાય છે. સતત ૫૦૦૦ દિવસ એટલે કે અંદાજે ૩ ટર્મ (૧૫ વર્ષ) પુરા કરવા. એમ માનવાની જરૃર નથી કે આ ત્રણ ટર્મ દરમ્યાન પક્ષમાં કોઇ પ્રતિસ્પર્ધી ઊભો નહીં થયો હોય !! પ્રતિસ્પર્ધી હશે તો તેમની સામે શામ-દામ-દંડની નીતિ અપનાવાઇ હોય છે.

૫૦૦૦ દિવસ ખુરશી પર બેસનારને હકીકતે તો ચીટકી રહેનાર કહેવા જોઇએ. તેમણે  બીજાને  તક આપવા ખસી જવું જોઇએ પરંતુ એવું ક્યારેય થતું નથી.

૫૦૦૦ દિવસ શાસન પર બેસનારા એટલા ચબરાક હોય છે કે નથી તો તે તેમનો નંબર-ટુ ઊભો થવા દેતા કે નથી તો કોઇ સક્ષમને તૈયાર કરતા. આવા લોકો હંમેશા માનતા હોય છે કે નંબર-ટુ ઈઝ ઑલવેઝ ડેન્જરસ !! તેમની આ સમજમાં તથ્ય છે કેમકે મોવડી મંડળ તેમની જગ્યા પર જ્યારે કોઇ વિકલ્પ શોધવા મથે છે ત્યારે કોઇ ચહેરો મળતો નથી. વિકલ્પ ના હોવાના કારણે મોવડી મંડળ  તેમને ચાલુ રાખે છે.

બિઝનેસ મેનેજમેન્ટના લેસનમાં વિકલ્પ ઊભો ના થવા દેવો એમ જણાવાય છે. તે માટેના ખાસ ચૅપ્ટર હોય છે. આપણી સમકક્ષ કોઇને તૈયાર ના કરવો એવા પાઠ ભણાવાય છે.

રાજકારણમાં પણ આ લેસન કામ લાગે છે. રાજકારણમાં નંબર-ટુ કે વિકલ્પ ક્યાં તો સત્તા ઉથલાવે છે અથવા તો મોવડી મંડળ પર પ્રેશર લાવે છે. રાજકારણમાં નંબર-ટુ રાખનારા પસ્તાયા છે. કોંગ્રેસના ડમ્પી એહમદ માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેમને હોદ્દો પણ અપાયો હતો. તેમની ખુરશી માયાવતીની બાજુમાં રખાતી હતી.

સામાન્ય રીતે મંચ પર માયાવતીની એક જ ખુરશી રહેતી હતી. ડમ્પી એહમદની ખુરશી તેમની બાજુમાં મૂકાતા લોકો તેમને નંબર-ટુ ગણવા લાગ્યા હતા. માયાવતીને ગંધ આવતા તેમણે ડમ્પી એહમદની ખુરશી ખસેડી નખાવી હતી અને તેમને કાર્યકરોની વચ્ચે બેસાડયા હતા. ડમ્પી સમજી ગયા કે તેમની દાળ ગળે એમ નથી એટલે તેમણે પક્ષને બાય-બાય કરી દીધું હતું.

મુલાયમસિંહ યાદવનું પરિવાર માયાવતીમાંથી કશું શીખ્યું નહીં. એટલે તો મુલાયમસિંહના રાજમાં અમરસિંહ, આઝમખાન, શિવપાલ યાદવ વગેરે નંબર-ટુ બનીને ફરતા હતા. અંતે પરિણામ એ આવ્યું કે આખું પરિવાર સત્તાવિહોણું બની ગયું હતું.

હકીકત તો એ છે કે એકને એક વ્યક્તિને સીએમ પદનો હવાલો પાંચ વર્ષથી વધુ સમય માટે આપવો ના જોઇએ. દરેકને ચાન્સ મળવો જોઇએ. એક જ વ્યક્તિ ટોપ પર રહે તો તે બીજા કોઇની રાજકીય પ્રતિભાને દબાવી દેવા પ્રયાસ કરે છે. ૫૦૦૦ દિવસ સુધી સીએમ રહ્યા પછી રાજ્ય ભ્રષ્ટાચાર વિહોણું થાય કે ગુનાખોરી વિનાનું થાય તો તે સિધ્ધિ ગણાય. બાકી સંખ્યાનું કોઇ મહત્વ નથી..

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments