કોંગ્રેસમુક્ત ભારત કોંગ્રેસયુક્ત ભાજપ


ભાજપના કાર્યકરોમાં કચવાટ : કોંગ્રેસના કાર્યકરોને લેવાય તો હોદ્દાના પ્રલોભન અપાશે અને પક્ષના વફાદારો મોં વકાસીને જોયા કરશે

રાજકારણમાં તકસાધુ એ નવી વાત નથી : ભાજપની સડસડાટ ચાલતી ગાડીમાં ગમે તે ચઢી જાય છે : અંતે તો વફાદારો નારાજ થશે

રાજકારણ એ તકવાદનું બીજું નામ છે. જે સમયસર તક નથી ઝડપતા તેના ભાગે તો જીંદાબાદના નારા સિવાય બીજું કશું નથી આવતું

કોંગ્રેસમુક્ત ભારત માટે

કોંગ્રેસયુક્ત ભાજપ એ તા. ૨૮ જુલાઇના રોજના ગુજરાત સમાચારનું મેઇન હેડીંગ હતું. તમામ ભાજપીઓના દિલમાં આ હેડીંગ એક તીર સમાન વાગ્યું હતું. આ હેડીંગ આજે દશ દિવસ થયા છતાં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેની છાવણીમાં તે વાગોળાઇ રહ્યું છે.

પ્રશ્ન છે વિચારસરણીનો !! કોઇ એક વ્યક્તિ વર્ષોથી ભાજપમાં હોય અને તેણે કોંગ્રેસની વિચારસરણીવાળા સાથે મન મેળવવું પડે ત્યારે કેવી સ્થિતિ થાય ?

ભાજપની ગાડી એટલી સડસડાટ ભાગે છે કે તે પાયાના કાર્યકરો અને વફાદારોને બેસવાની જગ્યા આપવાના બદલે કોંગ્રેસની માછલીઓ પકડવા જાળ બીછાવે રાખે છે. જેમ બસમાં મહિલાઓ માટે અનામત બેઠક હોય છે એમ ભાજપે પણ તેની ગાડીમાં કોંગ્રેસ માટે અનામત બેઠકો રાખી છે. ભાજપના કાર્યકરોની કમનસીબી એ છે કે અનામત બેઠકો ઉપરાંતની અન્ય બેઠકો પણ કોંગીજનોથી ભરાઇ ગઇ છે.

ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નારાજ કાર્યકરો અર્થાત્ જેણે વર્ષો સુધી ભાજપ માટે દંડા ખાધા છે; પોતાના ઘર તરફ ધ્યાન આપવાના બદલે કેસરીયો ઊંચકીને ફર્યા છે એવા કાર્યકરોની યાદી બનાઓ તો એક નવો પક્ષ રચાઇ જાય !! જુના જનસંઘીઓને ભાજપ ઓફીસમાં બેસવા કોઇ ખુરશી પણ નથી આપતું !!

રાજકારણ એ તકવાદનું બીજું નામ છે. જે સમયસર તક નથી ઝડપતા તેના ભાગે તો જીંદાબાદના નારા સિવાય બીજું કશું નથી આવતું. એટલે જ આયારામ - ગયારામ જેવી સ્થિતિ રાજકારણમાં ઊભી થઇ છે.

અહીં પ્રશ્ન એ છે કે તક મળે તો કાર્યકરો આગળ આવે ને ? કાર્યકરોના ભાગે પાયાના કામો આવે છે. ઝંડા રોપવા, પેમ્ફલેટ નાખવા, પક્ષનો આદેશ થાય ત્યાં દેખાવો કરવા !! રાજકીય પક્ષો એટલા ઉસ્તાદ હોય છે કે ખાસ કરીને ભાજપ કે જેણે ઓછા કાર્યકરોને હોદ્દા આપ્યા છે કે આગળ વધવાની તક આપી છે. તેની આ નીતિ કામ કરી ગઇ છે. એટલે જ ભાજપનું સંગઠન મજબુત છે.

જ્યારે કોંગ્રેસ થાપ ખાઇ ગઇ છે. તેની પાસે કાર્યકરો ઓછા અને નેતા વધારે છે. નેતા જે કંઇ આદેશ આપે છે તેનો અમલ કરનાર કોઇ નથી હોતું.

'કોંગ્રેસ મુક્ત ભારત માટેે કોંગ્રેસ યુક્ત ભાજપ' વાળા મેઈન હેડીંગની સેન્સ સમજવા જેવી છે. ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે પણ આ કોંગ્રેસના લોકોને પોતાને ત્યાં સ્વીકારવા લાલ જાજમ પાથરે છે.

હવે તો ટીવી સ્ક્રીન પર પણ ત્રણ-ત્રણ લાઇનની હાઇલાઇટ્સ સાથે બ્રેકિંગ ન્યુઝ આપવાની પ્રથા શરૃ થઇ છે. લોકો હેડીંગ વાંચીને આગળ વધી જાય છે. પ્રિન્ટ મીડિયામાં હેડીંગો 'કેચી' હોવાનો આગ્રહ રખાય છે. જોકે તે માટે ન્યુઝની ડેપ્થ, અનુભવ અને દૂરંદેશી એ બધું એક સાથે હોવું જોઇએ. આવી ક્વોલીટી એક આંગળીને વેઢે ગણાય એટલા લોકો પાસે પણ નથી હોતી.

એક સમયે હેલિકોપ્ટર ઉમેદવારોનો વિરોધ થતો હતો. વફાદાર કાર્યકરો પાયામાંથી તૈયાર થયા હોય છે. તેમને પણ ચૂંટાઇ આગળ આવવાનું હોય છે. પરંતુ ઉમેદવાર નક્કી થવાના સમયે જ મોવડીમંડળ ઉપરથી કોઇ ઉમેદવાર મૂકી દે છે. આવા ઉમેદવાર મોટાભાગે પૈસાવાળા હોય છે. મૂળ કાર્યકરો થોડો સમય ઉહાપોહ કરે છે પણ તેમને કોઇ લોલીપોપ બતાવીને ઠંડા પાડી દેવામાં આવે છે.

એક સમય હતો કે જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના માર્ગે જનસંઘ-ભાજપમાં એન્ટ્રી મળતી હતી. સંઘવાળા એટલે વધુ રાજકીય માર્કવાળા અને નોન સંઘી એટલે નબળા માનવામાં આવતું હતું. હાલમાં નરેન્દ્ર મોદીથી માંડીને ગુજરાતના મુખ્ય પ્રધાન સંઘવાળા છે. રાષ્ટ્રપતિથી માંડીને ભાજપના પ્રમુખ પણ સંઘના લેબલવાળા છે. એમ પણ કહેવાતું હતું કે ભાજપમાં આગળ આવવું હોય તો શાખાના સ્વયં સેવક હોવું જરૃરી છે.

ભાજપ પાસે જેમ જેમ સત્તા આવતી ગઇ એમ એમ તેનું કોંગ્રેસીકરણ થવા લાગ્યું હતું. આજની સ્થિતિમાં તો ભાજપના ઉમદવારને ચાન્સ નહીં આપીને કોંગ્રેસના ઉમેદવારને ચાન્સ અપાય છે.

કોંગ્રેસમાંથી આવેલા ભાજપના પેટમાં જઇને પગ પહોળાં કરશે તે નક્કી છે. જે લોકો પોતાના પક્ષ કોંગ્રેસને વફાદાર ના રહ્યા તે ભાજપને વફાદાર કેવી રીતે રહી શકે ? કહે છે કે આવન-જાવન પાછળનું મૂળ કારણ પૈસો અને સત્તા છે. જ્યાં ૧૨-૧૫ કરોડનો ખેલ હોય ત્યાં તકવાદીઓ તૂટી પડે એ સ્વાભાવિક છે. જેને રાજકીય ધંધાની મોસમ કહી શકાય; જેની દુકાન ભાજપે ખોલી છે.

રાજકારણને પાર્ટટાઇમ બિઝનેસ બનાવવો હોય અને સ્થાનિક સ્તરે રોલો મારવો હોય તો નાના-મોટા અન્યાય સહન કરવામાં વાંધો નથી પરંતુ જેમણે રાજકારણને ફુલટાઇમ બિઝનેસ બનાવ્યો હોય તે લોકોના નાના-મોટા કામ કરીને તગડી રોજગારી મેળવી લે છે.

રાજકારણ એ સેવા કરતાં વધુ પૈસાનો ખેલ બની ગયો છે. રાજકારણમાં આગળ વધવા થોડા તોફાની, થોડા પૈસાદાર, થોડા તકવાદી બનવાની જરૃર રહે છે.

પક્ષના સિધ્ધાંતોને કોઇ માન નથી આપતું. દરેક પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગે છે. કોંગ્રેસ ડૂબતું જહાજ છે એટલે બધા પોતાની કારકિર્દી બચાવવા કૂદી પડે છે. આજે ભાજપનું વહાણ સ્થિર છે એટલે લોકો તેમાં જોડાય છે.

તેમ છતાં ભાજપને વફાદાર લોકોને એક વાત અણીની જેમ ચૂભે છે કે કોંગ્રેસના લોકોને પક્ષમાં સમાવવાથી કોંગ્રેસ તૂટશે પરંતુ લાંબા ગાળે ભાજપ પણ આ ભાર સહન નહીં કરી શકે અને તૂટી પડશે.

કોઇપણ રાજકીય પક્ષ તેના કાર્યકરોને પૂછીને નથી ચાલતો. પક્ષના આર્થિક વહિવટોની તેમને ક્યારેય ખબર નથી પડતી. પક્ષમાંનો પૈસો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો તે ટોચના પાંચ-દસ લોકો જાણતા હોય છે.

ભાજપે કોંગી કાર્યકરો માટે દ્વાર ખુલ્લા કરી દીધા છે. તેનો મુખ્ય આશય કોંગ્રેસને તોડવાનો છે. જોકે આ રીતે દ્વાર ખુલ્લા રાખવાના કારણે ઘણાં જીવલેણ બેકટેરીયા પણ પક્ષના શરીરમાં ઘૂસી જાય છે. આવા બેકટેરીયાનું નામ છે 'અસંતોષ'...

- એક મેસેજ
એક ઝાડ પર કાચીંડાએ આત્મહત્યા કરી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે..
હરીફાઇમાં હારી ગયો
રાજકારણીઓ સાથે રંગ બદલવામાં...

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments