- કોમ્પ્યુટર ગેમના કારણે આઉટડોર ગેમ પર બ્રેક વાગી છે
- ઇન્ટરનેટનું વ્યસન છોડવા માટે ચીનમાં ક્લિનિક, ભારતમાં પણ ઉભા થશે
આપણે બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમમાં અટવાયેલા છે પણ કોમ્પ્યુટર ગેમિંગના અબજો રૃપિયાના ધંધો ગેમિંગ રમતા અનેક વ્યસનીઓ પર ચાલે છે. ઑનલાઇન ગેમિંગમાં તો સટ્ટાનો પણ સમાવેશ કરવામાં આવે છે.
કોમ્પ્યુટર ગેમ નાના બાળકોથી માંડીને કિશોરો વધુ રમે છે. પોતાના બાળકને ઇન્ટરનેટ પર ગેમ રમતા જોઈને તેમના વાલીઓ ભલે હરખાતા હોય પણ આ બાળક નથી તો ભણવામાં ધ્યાન આપતો કે નથી તો ખાવાપીવામાં ધ્યાન આપતો.
કોમ્પ્યુટર ગેમના કારણે આઉટડોર ગેમ પર બ્રેક વાગી છે; અલગારી રખડપટ્ટી પર બ્રેક વાગી છે. કોમ્પ્યુટર ગેમ વિદ્યાર્થીઓ માટે વ્યસન બનતી જાય છે. દરેક ઘરોમાં વિદ્યાર્થીઓ ચોપડીમાં માથુ નાખવાના બદલે મોબાઇલમાં માથુ નાખીને બેસી રહે છે.
એટલે તો એક પ્રચલિત રમૂજ ચાલે છે કે એક ફેમીલીમાં ડાઇનિંગ ટેબલ પર બેઠેલા બાળકો જમવામાં ધ્યાન નહોતા આપતા પણ મોબાઇલમાં જોયા કરતા હતા એટલે તેમની મમ્મીએ ઘાંટો પાડીને કહ્યું કે ચૂપચાપ જમવામાં ધ્યાન આપો નહી તો વાઇફાઇનો પાસવર્ડ બદલી નાખીશ !!
આ સમસ્યા ઘેર ઘેર છે. મોબાઇલ ફ્રી- ડે અને ડ્રાઇવિંગ કરતા મોબાઇલ નહી વાપરવાની વાત શેઠની શિખામણ ઝાંપા સુધીની પુરવાર થઈ છે. મોબાઇલ ગેમીંગ જ્યારે ડ્રાઇવ કરતા કરતા રમાય છે ત્યારે એક્સીડેન્ટ સ્વાભાવિક બની જાય છે. લોકો સ્ક્રીન સાથે જેટલી વાતો કરે છે તેટલી પોતાના સાથી સાથે નથી કરતા.
કોમ્પ્યુટર ગેમિંગનું દૂષણ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ સુધી મર્યાદિત ના હોવું જોઈએ બ્લ્યૂ વ્હેલ તો જાન લેતી ગેમ છે પણ પેલી અન્ય ગેમ પણ રમનારને અધમૂઆ કરી નાખે છે. એક તરફ ટેબ્લેટનો વપરાશ
શિક્ષણમાં વધ્યો છે. જેટલો મોટો સ્ક્રીન એટલી ગેમ રમવાની વધુ મજા આવે.
સરકારે બ્લ્યૂ વ્હેલ પર પ્રતિબંધ મૂક્યો તે આવકાર્ય છે પણ જેમ પોર્નોગ્રાફી જોનારાનું પોતાનું વ્યસન ગમે ત્યાંથી લિન્ક મેળવીને સતોષે છે તેમ ગેમનું હોય છે જ્યારે ફેમીલીનું કોઈ બાળક અતડું રહેતું હોય અને છાનેછૂપે મોબાઇલ લઈને બેસી રહેતું તો તે ખતરાની ઘંટડી સમાન છે એમ સમજવું જોઈએ.
ઇન્ટરનેટનું વ્યસન
ઇન્ટરનેટનું વ્યસન વેબસાઇટથી માંડીને કોમ્પ્યુટર ગેમ સુધી વિસ્તરેલું છે. કેટલાક ડેટીંગ સાઇટમાં ડૂબેલા છે, કેટલાક પોર્નોગ્રાફીમાં ડૂબેલા છે, ઘણા ઓપોઝીટ સેક્સ સાથે ચેટિંગ કર્યા કરે છે. આવા વ્યસનીઓ પોતાના બિઝનેસનો સમય બગાડીને કે નોકરીના સમય દરમ્યાન પોતાનું વ્યસન ચગળ્યા કરે છે. આવા લોકો માનવ કલાકો સાથે પોતાનું મન પણ બગાડે છે. આવા અનેક લોકો છે જે ધીરે ધીરે ઇન્ટરનેટમાં ખૂંપી જાય છે.
ઇન્ટરનેટ પર લોકો પ્રોડક્ટીવ ચીજો ઓછી શોધે છે હવે જ્યારે ઇન્ટરનેટ ઘર ઘરનું માધ્યમ બની ગયું છે ત્યારે તેના વપરાશમાં મર્યાદાની વાતો શરુ થઈ છે. પોતાના પાડોશી સાથે તો ઠીક પણ ઘરમાં જ સંવાદ બંધ થવા લાગ્યા છે. એટલે જ ચીનમાં ઇન્ટરનેટના વ્યસનીઓને મુક્તિ અપાવવાના કેન્દ્રો શરુ થયા છે.
ઇન્ટરનેટ વાપરનારાઓને જ્યારે કનેક્શન નથી મળતું કે કોઈકવાર લો સ્પીડ હોય ત્યારે આકુળ વ્યાકુળ થઈ જાય છે. તેમને નેટ વિના નથી ચાલતું અને તે ગુસ્સો કરવા લાગે છે. ઇન્ટરનેટને જરૃર પૂરતું જ વાપરવું કે રાત્રે ૯ પછી વપરાશ નહી કરવાનો તે અંગેની ઝુંબેશના દિવસો દૂર નથી.
છેતરપિંડીનો ધંધો
હેકિંગ એ ધીકતો ધંધો છે હેકિંહગ સામે જાગૃતિ ઉભી કરી હોવા છતાં વારંવાર લોકો લાલચમાં સપડાય છે, ઇ-મેલ બોક્સમાં મળતી ઇનામની લાલચોમાં આજે પણ લોકો સપડાય છે અને પૈસા ગુમાવે છે.
ઇ-મેલ બોક્સમાં લોટરીને લગતી ઢગલો જાહેરાતો આવે છે. એકવાર આ લોકોને રીસ્પોન્સ આપ્યા પછી તે જાણી જાય છે કે સર્ફિંગ કરનાર પૈસાનો લાલચુ માણસ છે એક તબક્કે ઇ-મેલ બોક્સ પર રોજની ૮- ૧૦ લલચાવતી ઓફરો આવે છે સર્ફિંગ કરનાર જેવો ટ્રેપમાં ફસાય છે કે તરત જ તેની બીજી ટીમ કામે લાગી જાય છે. આ લોકો લાલચુ સર્ફરને એવો ફસાવે છે કે તે પૈસા બેંકમાં ભર્યા જ કરે છે.
આવી છેતરપિંડી કરનારા બેંક એકાઉન્ટ આપીને ભરોસો જીતી લે છે. કોઈ પણ વ્યક્તિ એમ વિચારે છે કે બેંકના એકાઉન્ટમાં પૈસા ભરવાનું કહે છે માટે લોટરી પર ભરોસો મૂકી શકાય. લાલચમાં ને લાલચમાં તે માગે એટલા પૈસા ભરતા જાય છે. અંત આવે છે કે તેને છેતરાયાનું ભાન થાય છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
વારંવારની જાગૃતિભરી વાતો; વારંવારના સંવાદો અને કાનોકાન અનુભવો છતાં લોકો ફસાય છે. લોકોની લાલચની માત્રામાં ઘટાડો નથી થતો.

Comments
Post a Comment