100 કરોડની સંપત્તિ ઠુકરાવી યુગલે સંયમનો માર્ગ અપનાવ્યો

- ભૌતિક સુખો વચ્ચે જીવનારના વિચાર બદલાયા

- ચાર વર્ષની દીકરી હવે દાદા પાસે રહેશે દીક્ષાનો - તપનો માર્ગ ખૂબ કઠિન છે

કરોડો રૃપિયાની સંપત્તિ છોડીને દીક્ષા લેવી એ અહેવાલો આંખો ખેંચે છે. જંગી સંપત્તિ ધરાવનારા દીક્ષાનો કઠીન માર્ગ સ્વેચ્છાએ સ્વીકારે ત્યારે શ્રધ્ધાળુઓને તેમના માટે આદર થાય છે.

કરોડોની સંપત્તિ ધરાવનારા દીક્ષા લે ત્યારે એમ થાય કે તેમને સંસારના રસ કરતાં સંયમના માર્ગને વધુ પસંદ કર્યો છે. થોડા નજીકના ભૂતકાળ પર નજર કરો તો સંયમનો માર્ગ સ્વીકારનારા ઘણાં કરોડપતિઓ નજરે પડે છે. આ યાદીમાં મધ્ય પ્રદેશનું એક યુગલ ઉમેરાયું છે. જે સુરતમાં ૨૩ સપ્ટેમ્બરે દીક્ષા લેશે.

મધ્ય પ્રદેશનું જે યુગલ સુરતમાં દીક્ષા લેવાનું છે તેમને ત્રણ વર્ષની દિકરી પણ છે.

૧૦૦ કરોડની સંપત્તિ ધરાવતા આ યુગલ સુમિત અને અનામિકા રાઠોડના લગ્ન ચાર વર્ષ પહેલાં જ થયા છે. તેમની પુત્રી માંડ ૮ મહિનાની હતી ત્યારે તેમણે દીક્ષાના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું હતું. ત્યારબાદ તેમણે દીક્ષા માર્ગ માટે ઘેર જ પ્રેકટીસ કરી હતી.

બંને જુદા રહેવા લાગ્યા હતા. ગાદલાની જગ્યા જમીન પર સુવું, ચંપલનો ત્યાગ કરવો, બહાર પણ ખુલ્લા પગે જવું વગેરે દીક્ષા પંથની સિસ્ટમ અપનાવ્યા બાદ ગઇ ૨૩ ઓગસ્ટે પોતાનો દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

મધ્ય પ્રદેશના રાજકારણમાં તેમનો પરિવાર સક્રીય છે અને બિઝનેસ કરે છે. તેમણે પણ શરૃઆતની આનાકાની બાદ કુટુંબના સભ્યો પણ માની ગયા હતા. દીક્ષા બાદ તેમની પુત્રી તેના દાદા સાથે રહેશે.

અહીં ૧૦૦ કરોડની સંપત્તિવાળા દીક્ષા લે તે વાતનું જેટલું મહત્વનું છે તેનાથી બમણું મહત્વ દીક્ષાના સંયમી પથનું છે. જયાં ભૌતિક સુખો એક વ્હેંત દુર હોય એવા સમાજની વચ્ચે બહુ ઓછા વીરલા સંયમનો પથ સ્વીકારે છે. દીક્ષા લેવાની ઇચ્છા ધરાવનારને પહેલાં સંયમના પાઠનો અનુભવ કરવાનું જણાવાય છે. ચંપલ ભૂલી જવાના, ટીવી-ઇન્ટરનેટ ભૂલી જવાના, મોબાઇલ ફેંકી દેવાનો અને ત્યારબાદના જીવનનો અનુભવ કરવાનું જણાવાય છે.

જૈન સમુદાયમાં સંયમના જીવનની જે કઠીન યાત્રા છે તેવું કોઈ ધર્મ સંપ્રદાયમાં નથી. આ જૈન સાધુ-સાધ્વીઓની આત્મીક શક્તિના આશિર્વાદ લેવા જૈનો પડાપડી કરતા હોય છે. એક જૈનાચાર્ય ખભે ધબ્બો મારે તો જીંદગી ન્યાલ થઇ જતી હતી તો કેટલાક જૈનાચાર્યો ગમે ત્યાં હોય પણ દર પૂનમે તેમના ચરણ સ્પર્શ કરવા શ્રધ્ધાળુઓનો સમુહ પહોંચી જાય છે.

જૈનાચાર્યો તપબળના જોરે તેજસ્વી લાગતા હોય છે. એટલે જ વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓને જોઇને સૌ આદર સાથે વંદન કરે છે.

ભૌતિક સુખો લપસણી ધરતી જેવા હોય છે. તે પૈસાનું જોર વધે એમ વધુ લપસણા થાય છે. ભૌતિક સુખો જ્યારે હાથ વગા હોય અને નવી ટેકનોલોજી જ્યારે હાથની મુઠ્ઠીમાં સમાતી હોય ત્યારે આ બધું એક જ ઝાટકે છોડવું બહુ આસાન નથી.

ફાસ્ટ ફૂડ અને જંકફૂડના જમાનામાં દીક્ષાના પંથ પર ચાલનારાને સ્વાદ વિહોણો ખોરાક અને બધું જ મર્યાદિત રાહે હોય ત્યારે જીવન આકરું બની જાય છે. તેને તપ માર્ગનો અગ્નિપથ પણ કહી શકાય.

દીક્ષા લેવાનો દિવસ જાહેર જનતાને આમંત્રણ આપીને ઉજવવો જોઈએ. કેમ કે જોનારા ભલે દીક્ષા વિશે ના વિચારે પણ 'સંયમ' કેવો હોય છે તે સમજી શકે છે. સંયમની પ્રથા જૈન સમુદાયમાં ઘણી આકરી હોય છે. દીક્ષાના પંથે જવું આસાન નથી પણ જીંદગીમાં સાદાઇનો આગ્રહ રાખીને આગળ વધી શકાય છે. વ્યસન છોડવું, ચા-કોફી છોડવા, ટીવી છોડવું રોજ પોતાના ઇષ્ટદેવના મંદિરે જવું વગેરે વગેરે જૈનાચાર્યો સમજાવે છે.

ઘણાં જૈનાચાર્યોના ઉપદેશો હૃદયને સોંસરવા ઉતરી જાય છે. તેમના ભાષણો સાંભળવા નોન-જૈન લોકો પણ ઉમટી પડે છે.સંપત્તિ અને ભૌતિક સુખોનો ત્યાગ કરવો બહુ અઘરો છે. જયાં દરેક રૃમમાં એ.સી. હોય, ઘરની બહાર ચાર ગાડી ડ્રાઇવર સાથે ઉભી હોય, એવી જાહોજલાલીને છોડીને આવી સવલતોથી સાવ વિપરિત સ્થિતિવાળો સંયમનો માર્ગ અપનાવનાર ધન્ય છે એમ કહી શકાય.

સેંકડો સાધુ-સાધ્વીઓના તપ વૈશ્વિક શાંતિની દિશામાં કદમ માંડી રહ્યા છે. ભારતની ધાર્મિક સમૃધ્ધિ અને ધાર્મિક વારસો એ દીક્ષા જેવા આકરા તપના કારણે જળવાઇ રહ્યો છે.જૈન ધર્મ અહિંસા અને સંયમના માર્ગના જોરે પ્રસરી રહ્યો છે. ઠગ ભગત અને બળાત્કારી બાવાઓ જે સમાજમાં હોય ત્યાં જૈન ધર્મના આચાર્યો સંયમની સુવાસ ફેરવતા ફરે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ થવું અને જૈન ધર્મમાં દીક્ષા એ બંને વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ચાલતા ભાગ્યે જ દેખાશે જ્યારે જૈનાચાર્યો આજીવન ચાલતા રહે છે.. આ સંપ્રદાયમાં નાની કીડીથી માંડીને જીવાત સુધીની અહિંસાનો ખ્યાલ રાખવામાં આવે છે. સંધ્યા પહેલાં આહાર લેવાની સિસ્ટમ લોકોને જૈન સમુદાયે શીખવાડી છે.

જ્યારે ભૌતિક સંપત્તિ અને સવલતો છોડીને દીક્ષાના માર્ગે લોકો ચાલી નીકળે છે ત્યારે જૈન સમુદાય સિવાયના લોકોને આશ્ચર્ય થાય છે.

ખરેખર ''હરિનો માર્ગ છે સૂરાનો નહીં કાયરનું કામ જોને...''

Comments