ઉમાનું ગંગા-વળગણ
કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં બે મહિલા નારાજ દેખાય છે. પ્રથમ વાત કરીએ ઉમા ભારતીની. તેમને ગંગા શુદ્ધિકરણમાંથી હટાવીને વોટર એન્ડ સેનીટેશન મંત્રાલય સોંપાયું છે.
આમ તો ગંગા શુદ્ધિકરણ અને વોટર-સેનીટેશન વચ્ચે મા-માસી જેવો સંબંધ છે. પરંતુ પોર્ટફોલીયો બદલાતાં જ ઉમા ભારતીને 'લાગી' આવ્યું છે. તે એમ માને છે કે ગંગાથી તેમને કોઇ દૂર કરી શકે નહીં !!
પરંતુ મોદીરાજમાં તે તેમની કામગીરી દેખાડી શક્યા નહીં. ગંગા શુદ્ધિકરણ એ વાર્તાથી ના થાય જાતે પાણીમાં પગ નાખવા પડે !!
ઉમા ભારતી પાસે ઘણા ચાન્સ હતા પણ તે કૌવત બતાવી શક્યા નહોતા. હવે ગંગાનો હવાલો નીતિન ગડકરીને સોંપાયો છે પણ ઉમાના મનમાંથી ગંગા નીકળતી નથી એટલે તો તે ગંગાસાગરની પદયાત્રા ઓકટોબરથી શરૃ કરવાના છે...હર...હર...ગંગે
સુષ્મા અંધારામાં રહ્યા
બીજા જે મહિલા વિસ્તરણથી નારાજ છે તે છે સુષમા સ્વરાજ !! તે ભાજપનું મોટું માથું છે. પોતે વિદેશપ્રધાન હોવા છતાં તેમને સંરક્ષણ પ્રધાન નહીં બનાવાયાનો અફસોસ છે.
જો કોઇ મહિલાને ટોપનું મંત્રાલય સોંપવું હોય તો મારો વારો પહેલો આવે એમ સુષમા સ્વરાજ માનતા હતા. પરંતુ વડાપ્રધાનને તો એવો નિર્ણય કર્યો કે નિર્મલા સીતારામનને હવાલો સોંપી દીધો હતો. બધું એવું અચાનક થઇ ગયું કે સુષમા સ્વરાજ અકળાઇ ગયા હતા.
વડાપ્રધાન પછી બીજો ટોપનો હોર્દો સંરક્ષણ મંત્રાલય છે, પછી નાણા મંત્રાલય આવે અને ત્રીજે વિદેશ આવે... સુષમા સ્વરાજ બહુ બોલકા છે પણ મોદી વિરૃદ્ધ તે એક હરફ બોલ્યા વિના ચૂપ રહ્યા હતા. તે જાણે છે કે બહુ બોલીશું તો જે હાથમાં છે તે પણ સરકી જશે !!
રામ-રહીમની રાજકીય વગ
રામ-રહીમની રાજકારણીઓ પર વગ હતી તે હવે બહાર આવી રહ્યું છે. હરિયાણાના શિક્ષણમંત્રીએ રામ-રહીમને ૧૪ લાખ રૃપિયાની ભેટ આપી હતી.
આ ભેટ તેમણે એક જાહેર ફંકશનમાં આપી હતી. હરિયાણા સરકાર રામ-રહીમની 'પીઠું'હતી. રામ-રહીમ કોઇપણ સરકારી અધિકારીની બદલી કરાવી શકતો હતો. હરિયાણામાં નોકરી ટકાવવા સરકારી બાબુઓ રામ-રહીમના પગ પાસે બેસી રહેતા હતા.
ધીરે-ધીરે બહાર આવી રહ્યુ છે કે, હરિયાણાની ખટ્ટર સરકાર માટે રામ-રહીમ માર્ગદર્શક હતા. હરિયાણા સરકારના પ્રધાનો તેમનો આંતરિક ડખા પણ તેમની સાથે ચર્ચતા હતા. સરકારી અધિકારીઓ પણ રામ-રહીમનો પડતો બોલ ઝીલવા તૈયાર રહેતા હતા... ટૂંકમાં રામ-રહીમ હરિયાણામાં પડદા પાછળનો મુખ્યપ્રધાન હતો.
અન્ના હજારે માથું ઉંચકે છે
અન્ના હજારે ફરી પાછા માથું ઉંચકી રહ્યા છે. તેમનું આંદોલન લોકપાલ માટે હતું અને તેમાથી બહાર પડેલા અન્ય નેતાઓએ આમઆદમી પાર્ટીની રચના કરીને દિલ્હી કબજે કર્યું હતું.
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ટોપમાં રહેલા નેતાઓએ ભ્રષ્ટ લાલુપ્રસાદ યાદવ સાથે હાથ મીલાવ્યા હતા. અન્ના હજારે ફરી પાછા લોકપાલના મુદ્દે બાંયો ચઢાવી રહ્યા છે. તેમને ભાજપ ટેકો 'નહીં'આપે પરંતુ કોંગ્રેસ તેમને ટેકો આપવા તૈયાર છે.
આમ આદમી પાર્ટી ઉભી થઇ ત્યારની ગર્ભવેદનાના તે પણ સાક્ષી છે. ફરી પાછું દિલ્હી ગજાવવા અન્ના તૈયાર થઇ રહ્યા છે. તેમની સાથે લોકો જોડાશે પણ તે આમ આદમી નહીં હોય તે પણ નક્કી છે...
યોગી આદિત્યનાથ અને નવજાતશિશુ
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સતત કામ કરતા દેખાય છે. ગોરખપુર હોસ્પિટલમાં ટપોટપ મરતા નવજાત શિશુઓ અંગે યોગી અકળાયેલા રહે છે. રોજ નવજાતના મૃત્યુ અંગે નવા આંકડા આવે છે.
આ શિશુ મરવા પાછળનું કારણ માત્ર ઓક્સિજન નથી પણ 'ઇન્ફેકશન'પણ છે. નવજાત શિશુની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, ઇન્ફેકશનનો કાળીનાગ તેમને ભરખી લે છે એવું યોગી આદિત્યનાથ વારંવાર કહે છે. જોકે સતત મોતને ભેટતા બાળકો એ ચિંતાનો વિષય છે. યોગીની વધતી ઇમેજ બાળકોનો મૃત્યુઆંકે ખરડી છે.'
અરવિંદની 'લૂલી' પર બ્રેક
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનું બંધ કરી દીધું છે. તેમના સલાહકારોએ તેમને ચેતવ્યા છે કે લોકપ્રિય રાજનેતાની પાછળ પડી જવાથી આપણી પોતાની જ ઇમેજ બગડે છે.
કેજરીવાલે એકાદ મહિના સુધી ઘેર રહીને મૌન રહેવાની પ્રેક્ટીસ પાડી હતી. માંડ-માંડ તે જીભને કાબુમાં રાખી શક્યા હતા. તેમણે તેમની આસપાસ ચાર માણસો રાખ્યા છે કે તે તેમની 'લૂલી'(જીભ) આડું-અવળું ના બકે તેનું ધ્યાન રાખતા હતા.
અરવિંદને તેના પોઝીટીવ પરિણામો મળ્યા છે. સતત એક વ્યક્તિની પાછળ પડવાથી મગજમાં કેમીકલ ઇમ્બેલેન્સ સર્જાય છે તે કેજરીવાલ મોડે-મોડે સમજ્યા હતા..

Comments
Post a Comment