રાજકીય ગપસપ: સીતારામનની લશ્કરી વાતો

સીતારામનની લશ્કરી વાતો
દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન જે ઝડપે સંરક્ષણ ખાતાને સમજી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે લશ્કરની તમામ સમસ્યાઓનો તે એક મહિનામાં નીવેડો લાવી દેશે. 

સીતારામનનો આત્મવિશ્વાસ તેમની ચાલ પરથી જોવા મળે છે. લશ્કરના અધિકારીઓ સાથે તે ટટ્ટાર ચાલે છે. લશ્કરને જેટલી સરહદે સમસ્યા છે એટલી જ અંદરના વિવાદોની સમસ્યા છે. સંરક્ષણ ખાતાનો હવાલો પહેલાં મનોહર પારીકર પાસે હતો. તે પરત ગોવા જતા રહ્યા હતા. 

ત્યારબાદ નાણા પ્રધાન જેટલી વધારાનો હવાલો સંભાળતા હતા. ત્યારબાદ તેમણે વડાપ્રધાનને સંરક્ષણ મંત્રાલય બીજાને સોંપવાની વિનંતી કરી હતી. આમ સંરક્ષણ મંત્રાલયનો હવાલો વારંવાર બદલાયો છે. સીતારામન આત્મવિશ્વાસથી છલકાય છે. તેમનું સમાધાનકારી વલણ હોય છે તે યુધ્ધમાં નથી માનતા.

અમિત શાહનું આયોજન
ભાજપના પ્રમુખ અમીત શાહ મેનેજમેન્ટના નિષ્ણાત છે. કોંગ્રેસના સભ્યો તોડવા હોય કે કોઈ મોટું આયોજન કરવું હોય પણ અમિત શાહ તેમાં એક્કા પુરવાર થયા છે. 

અમિત શાહ માટે સૌથી મોટો પડકાર ૨૦૧૯માં આવતી લોકસભાની ચૂંટણીઓ છે. અમિત શાહે દરેક રાજ્યોની મુલાકાત લીધી છે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં તેમણે કોંગી સભ્યોને તોડવા માયાજાળ રચી હતી અને જ્યાં ભાજપની સરકાર છે ત્યાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સંગઠન મજબૂત બનાવ્યું છે.

રાજકીય સોગઠાબાજી રમવામાં તે હોંશિયાર છે. તેમના માટે રાજકીય ગેમ રમવી સહેલી બની ગઈ છે. કોઈપણ પક્ષનો પ્રમુખ અમિત શાહ જેવો રાજકીય ચાલબાઝ નથી એમ કહી શકાય.

શેલજાને ગાંધી પરિવારનો ટેકો
ઓળખો છો ને કુમારી શેલજાને? યુપીએ સરકારના સમયમાં તે કેન્દ્રીય પ્રધાન હતા તે મહત્ત્વનું નથી પણ તે ગાંધી પરિવારની ખાસ કરીને સોનિયા ગાંધીની ખુબ નજીક હતા. 

એકવાર સોનિયા ગાંધીને સંસદમાં જ ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં લઈ જનાર શેલજા હતા. હોસ્પિટલમાં તે સોનિયા ગાંધીની સાથે જ રહ્યા હતા. ગાંધી પરિવારને શેલજા પર પુરો ભરોસો હતો. શેલમ ૫૪ના છે, દલિત કોમ્યુનિટીના છે. 

તેમને હરિયાણા કોંગ્રેસના પ્રમુખ બનાવવાનો નિર્ણય કોંગ્રેસના મોવડીમંડળે કર્યો છે. હરિયાણામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડાના જૂથ અને કોંગી મોવડી મંડળ દ્વારા થતી નિમણૂંકો વચ્ચે સતત મતભેદો ચાલતા હોય છે. આ અગાઉ અશોક તંવર કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે હૂડા જૂથ સાથે ઝઘડા થતા હતા. હવે શેલજા આવે છે, તેના પર ગાંધી પરિવારનો સિક્કો છે.

નીતીશકુમાર હારે - વળ્યા
બિહારમાં એકવાર પૂર આવ્યા ત્યારે વડાપ્રધાન પદે મોદી નહોતા. ત્યારે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ગુજરાત તરફથી નરેન્દ્ર મોદીએ મોકલેલ રાહતનો ચેક નીતીશે પાછો આપીને હેડલાઈન ન્યુઝ બનાવ્યા હતા. કાળક્રમે મોદી વડાપ્રધાન બન્યા અને નીતીશ પણ ભાજપના ટેકાથી બિહારના મુખ્ય પ્રધાન બન્યા. 

પૂર પણ ઘટનાની રાહ જોતું હોય એમ ધસમસતું આવ્યું. તરત જ ગુજરાતે રાહતનો ચેક મોકલ્યો હતો. નીતીશકુમારે તે સ્વીકારી લીધો હતો. મુખ્ય પ્રધાન એના એ જ, પરંતુ સમય બદલાઈ ગયો હતો. જે સીએમે ચેક પાછો ઠેલ્યો હતો તે જ સીએમે સહર્ષ ચેક લઈ લીધો હતો. સમય-સમય બલવાનવાળી આ સ્થિતિ જોવા બિહારના પૂરના પાણી પણ થંભી ગયા હતા.

અખિલેશને બ્રહ્મ જ્ઞાન
અખિલેશ યાદવનું નામ ધીરે-ધીરે લોકો ભૂલતા જાય છે. આ માણસે કૌટુંબીક ડખાના કારણે રાજપાટ ખોયા હતા. હવે તે મેદાનમાં આવવા જાય છે પણ કોઈ તેમના પર ભરોસો નથી મુકતું. 

પિતા મુલાયમસિંહ અને પુત્ર અખિલેશને ખબર નહોતી કે તેમના ઝઘડા સત્તા છોડાવશે. હવે અખિલેશના ઘરમાં સાંસદ ડિમ્પલ યાદવ કહે એટલું જ પાણી પીવાય છે. ડિમ્પલ વારંવાર કહેતી હતી કે તમે બાપ-બેટા જાહેરમાં ના લડો પરંતુ બંનેમાંથી કોઈ માનવા તૈયાર નહોતા. અંતે હાર્યા એટલે ફરી બધા ભેગા થયા છે. 

તેમણે એવું નક્કી કર્યું છે કે ઉત્તર પ્રદેશમાંથી ૮૦માંથી ઓછામાં ઓછી ૨૦ બેઠકો મેળવવા આપણે સહકુટુંબ પ્રયાસ કરીશું. આ પ્રયાસ માટે ૨૦ બેઠકો નક્કી કરાઈ છે અને આખું કુટુંબ તે જીતવાનું આયોજન કરી રહ્યું છે.

Comments