રાજકીય ગપસપ: પ્રશાંત કિશોરના ભાવ ગગડયા

પ્રશાંત કિશોરના ભાવ ગગડયા
યાદ છે ને પ્રશાંત કિશોરનું નામ? એક સમયે ભાજપના ટેન્ટનો ખાસ મનાતો આ માણસ કોંગ્રેસને ઉત્તર પ્રદેશનો જંગ જીતાડવાની પ્રોમીસ આપ્યું હતું.

રાહુલ ગાંધીને ત્યાં થાય તેનાથી બમણી ભીડ પ્રશાંત કિશોરને ત્યાં થતી હતી. પરિણામોમાં કોંગ્રેસનો ધબડકો થયો હતો. પ્રશાંત કિશોરને બેસવાની જગ્યાએ ફટકારીને કાઢી મુકાયા હતા.

તે મૂળ બિહારના છે. બિહારમાં નીતિશકુમારે તેમને સારો દરજ્જો આપીને સાચવ્યા હતા. પરંતુ નીતિશ તો આખાને આખા પક્ષને લઇને ભાજપ સાથે જોડાઇ ગયા હતા. 

પ્રશાંત કિશોર એન્ટી ભાજપ ચૂંટણી પ્રચાર કરતા હતા પણ તેમના બોસ ભાજપ સાથે બેસતા તે ફસાયા હતા. હવે પ્રશાંત કિશોરને નથી કોંગ્રેસવાળા બોલાવતા કે નથી ભાજપવાળા!! પ્રશાંત કિશોર ભલે રાજકીય સલાહકાર હોય પણ પોતે જ રાજકારણને સમજી શક્યા નથી!!

કોંગ્રેસનો ડ્રેસકોડ
આમ તો, રાજકારણમાં કોઇ ડ્રેસ કોડ નથી હોતી પણ લેંઘો- ઝભ્ભો દરેક પહેરતા થઇ ગયા છે. કોંગ્રેસનો ડ્રેસ કોડ ખાદીનો લેંઘો- ઝભ્ભો અને ટોપી છે. 
ભાજપવાળા સત્તા પર છે એટલે ડ્રેસકોડ જેવું કશું નથી પણ ભાજપ જેના જોરે કૂદે છે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ચોક્કસ ડ્રેસકોડ છે. કોંગ્રેસના દિલ્હી હેડ ક્વાર્ટરમાં જનારાઓ ખાદી ટોપી પહેરીને જાય એવો વણલખાયેલો આદેશ છે.

તાજેતરમાં બિહારના ઇનચાર્જ અને મહામંત્રી સી. બી. જોશી ગાંધી ટોપીના બદલે ગોલ્ફ કેપ પહેરીને ઓફિસમાં આવ્યા કે તરત જ મોતીલાલ વોરાએ ટોક્યા હતા. જોશીએ કહ્યું કે મારા કુટુંબમાં વડાનું મૃત્યુ થયું છે માટે આવી કેપ પહેરી છે. આ વાતે વિવાદ ઉભો કર્યો હતો. જોકે જોશીને બહુ મોડે ખબર પડી કે તેમની પાસે હવાલો હોવા છતાં બિહાર કોંગ્રેસ તુટી રહી છે તેનો ગુસ્સો મોવડી મંડળ ઉતારે છે.

ગૌરી લંકેશ અને ટ્રમ્પ
સીનિયર પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી પત્રકાર જગતને આઘાત લાગે તે સ્વાભાવિક છે પણ અમેરિકાના પત્રકારો પણ આઘાત વ્યક્ત કરીને એમ લખે કે ભારતમાં 'ફ્રીડમ ઓફ પ્રેસ'ના ધાંધીયા છે ત્યારે આશ્ચર્ય થાય છે. બધા જાણે છે કે ગૌરી લંકેશ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અને ભાજપના વિરોધી હતા. તેમની સામે ઘણાં આરોપો છે.

તેમ છતાં ભારતના પત્રકારોએ એકી અવાજે તેમની હત્યાને વખોડી કાઢી હતી. જોકે દિલ્હી ખાતેની અમેરિકાની એમ્બેસી જ્યારે હત્યાને વખોડતું નિવેદન જાહેર કરે ત્યારે સરકારના ભવાં સંકોચાય તે સ્વાભાવિક છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રીડમ ઓફ પ્રેસવાળી વાત ગળે નથી ઉતરતી... આ તો, ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તેના જેવી વાત છે...

મનમોહન સિંહ સામે ભગવું પ્રેશર
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે કે નોટબંધી એ ખોટું પગલું છે અને ગુડસ એન્ડ સર્વિસ ટેક્સનું પગલું ઉતાવળીયું છે. મનમોહનસિંહ સામે ભાજપવાળા તૂટી પડયા છે. તેમનું કહેવું છે કે જ્યારે તેમના નાક નીચેથી અબજો રૃપિયાનો ભ્રષ્ટાચાર ચાલ્યો ત્યારે તેમને કશું યાદ નહોતું આવતું.

કોઇએ કહ્યું કે દેશની તિજોરી ખાલી કરવામાં મનમોહનસિંહ પણ જવાબદાર છે. મનમોહનસિંહ ભલે નિષ્ણાત અર્થશાસ્ત્રી હોય પણ તે નિષ્ણાત વહીવટકાર નહોતા. ભાજપવાળાઓએ મનમોહનસિંહ પર આક્ષેપોનો એવો મારો ચલાવ્યો કે તેમની નોટબંધી અને જીએસટી અંગેની ટીકા દબાઇ ગઇ હતી. આને ભગવું પ્રેશર કહી શકાય.

મમતા બેનરજીને ભાજપનો ડર
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ભાજપનો જેટલો કચકચાવીને વિરોધ કરે છે એટલો વિરોધ તો કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી પણ નથી કરતા!! દુર્ગા પુજા વખતે કોઇ મીસ્ચીફ ના કરતા એવી ચેતવણી ભાજપ- સંઘને આપીને મમતાએ પ.બંગાળના હિન્દુ સંગઠ્ઠનોને ભડકાવ્યા છે. પ.બંગાળમાં ભાજપ ખાસ કામ કરી શક્યું નથી.

તૃણમુલ કોંગ્રેસને ભાજપ ડામાડોળ કરી શક્યું નથી. આ સ્થિતિમાં તે દુર્ગાપુજાને કેવી રીતે ડામાડોળ કરી શકે એવું એક પત્રકારે પૂછતાં મમતાએ જવાબ આપ્યો કે આ લોકો તોફાન કરાવીને પછી હમદર્દી જીતવા નીકળે છે. બીજો પ્રશ્ન હતો કે કાયદો-વ્યવસ્થા તો તમારા હાથમાં છે ત્યારે મમતાએ જવાબ આપ્યો કે દિલ્હીમાં તો ભાજપવાળા છે ને!?

દુખી રાજકારણી મુલાયમસિંહ
આજની તારીખમાં સૌથી દુ:ખી કોઇ રાજકારણી હોય તો તે મુલાયમસિંહ યાદવ છે. એક તો તેમની ઉંમર તેમને સાથ નથી આપતી અને બીજું એ કે તેમના ઘરમાં તેમનું કોઇ સાંભળતું નથી. 

એક સમયના આ સંરક્ષણ પ્રધાન અને ભારતના રાજકારણના મોટા ખેલાડીને કોઇ રાજકીય પક્ષવાળા પણ ભાવ નથી પૂછતાં.

તેમને મળવા આવનારે પ્રથમ તેમના પુત્ર અખિલેશ યાદવને મળવું પડે છે. મુલાયમસિંહને વિપક્ષના મોરચાવાળા પણ બોલાવતા નથી કે સલાહ લેતા નથી. 

રાજકારણમાં જેને સમય સાથ નથી આપતો તેની હાલત કફોડી થાય છે. અહીં સમય- સમય બલવાન હૈ તેનું ભાન માત્ર મુલાયમને નથી થયું પણ આખા યાદવ પરિવારને થયું છે!!

Comments