મૂંઝાયેલા મોંઢા પર હાસ્ય...
અરવિંદ કેજરીવાલનો સલાહકાર જે હોય તે ખરો પણ તેણે સાચી ગુરૃચાવી આપી હતી. બહુ બક-બક કરતાં કેજરીવાલને 'ચૂપ' રહેવાની સલાહ અપાઇ હતી. આ સલાહ કામ લાગી ગઈ હતી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહા-ધબડકો સર્જનાર આમ આદમી પાર્ટીની ગયા અઠવાડીયે પેટા ચૂંટણીમાં વિજય થયો હતો. કેજરીવાલ સામે બદનક્ષીના કેસોનું ટેન્શન છે તો બીજી તરફ પાર્ટી તૂટતા સંગઠનનો વિવાદ હતો.
જો કે આ વિજય આમ આદમી પાર્ટી માટે ખાસ કરીને કેજરીવાલના મૂંજાયેલા ચહેરા પર સ્મિત લાવનાર સાબિત થયો હતો.
કેજરીવાલ દરેક વિષય પર પોતાનો મત આપતા હતા અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ બનાવતા હતા પરંતુ તે ફાવતા નહોતા. કેજરીવાલને બદનક્ષીના કેસોનો જંગ જીતવાનો બાકી છે, એકમાં તો તેમણે માફી લખી આપવી પડી છે...
ઇવીએમનો વાંક કેજરીએ ના કાઢ્યો
દિલ્હીમાં ભાજપની હારની જવાબદારી પ્રમુખ મનોજ તિવારીએ તરત સ્વીકારી લીધી હતી. દિલ્હીમાં કે અન્યત્ર જયાં આમ આદમી પાર્ટી હારી હતી ત્યાં ત્યાં તેમણે ઇલેકટ્રોનિક વોટીંગ મશીનનો વાંક કાઢયો હતો અને મશીન સાથે ચેડાં કરાય છે એવો આક્ષેપ કર્યો હતો.
કેજરીવાલના સાથીઓએ તે બહારથી મશીન મંગાવીને તેમાંની ભૂલો પણ બતાવી હતી. જો કે ચૂંટણી પંચે જયારે ચેલેન્જ ફેંકી કે કોઇ આવીને મશીન સાથે ચેડાં કરી બતાવે ! ત્યારે કેજરીવાલનો કોઇ સાથી ચેલેન્જ ઉઠાવી શક્યો નહોતો.
મુદત વીત્યા પછી એકાદ જણ ગયો અને ચા-પાણી કરીને પાછો આવ્યો હતો. એક પત્રકારે ઇવીએમ અંગે પ્રશ્ન પૂછયો ત્યારે કેજરીવાલના મળતીયાએ જવાબ આપ્યો હતો કે આ તો વિજયનો માહોલ છે ઇવીએમને અને જીતને કોઇ નિસ્બત નથી.. હાર્યા હોત તો ઇવીએમને જવાબદાર ગણાવતા આ પાર્ટી ના શરમાત !!
મમતા બેનરજીના પગલાંનો વિરોધ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિપક્ષના ગઠબંધનના નેતા બનવા થનગને છે તે જોઈ તેમના પક્ષના જ કેટલાક લોકો નારાજ છે. ઘણાં માને છે કે કેન્દ્રમાં ક્યારેય પશ્ચિમ બંગાળનું વર્ચસ્વ રહ્યું નથી.
તો ઘણાં માને છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયોતિ બાસુ ઠેઠ વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા હતા. પક્ષના કેટલાક એમ માને છે કે તૃણમુલ કોંગ્રેસ અન્ય રાજ્યમાં કયાંય ફાવી નથી.
આ સંજોગોમાં પશ્ચિમ બંગાળ છોડીને દિલ્હીમાં વિપક્ષોની નેતાગીરી પાછળ સમય બગાડવાનો કોઈ અર્થ નથી. વિપક્ષો મમતા માટે લાલ જાજમ બીછાવીને તેમને મોટા-ભા બનાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના રાજકારણીઓ એમ પણ કહે છે કે ૨૦૧૯નો જંગ જીતવો શક્ય નથી એટલે કોંગ્રેસવાળા મમતાને 'હોળીનું નાળીયેર' બનાવી રહ્યા છે...
હરિયાણામાં ખટ્ટર કેમ ના બદલાયા ?
હરિયાણામાં રામ-રહીમના ડેરાનો આતંક આખા દેશે જોયા પછી મુખ્ય પ્રધાન ખટ્ટરને બદલવાની માગ ઉઠી હતી. વિદેશના સમાચાર માધ્યમોમાં પણ હરિયાણાની ઘટનાની ટીકા થવા લાગી હતી. એક તબક્કે સુષ્મા સ્વરાજને મુકવાનું નક્કી પણ થયું હતું.
પરંતુ જે રીતે વિદેશના સમાચાર માધ્યમોમાં હરિયાણાની ઘટના ઉછળી એ જોઇને કેન્દ્ર સરકારે તપાસ કરી હતી કે વિદેશમાં આ ઘટનાને પ્રોત્સાહન કોણ આપી રહ્યું છે ? તાત્કાલીક તપાસમાં ખ્યાલ આવ્યો કે માત્ર હરિયાણા જ નહીં પણ સમગ્ર ભારતને બદનામ કરવાની ચાલ રમાઇ છે. જો મુખ્ય પ્રધાન બદલાય તો આવી વાતોને વધુ વેગ મળે એમ હતો. સરકારે ખટ્ટરને જીવતદાન આપ્યું હતું.
અમિત શાહની વ્યૂહ રચના..
ભાજપના પ્રમુખ અમિત શાહની વ્યૂહ રચના સફળ થઇ રહી છે. તે વિપક્ષોની એકતામાં પણ ફાટફુટ પડાવે છે અને કોંગ્રેસને પણ ફાવવા દેતા નથી. રાજકીય સુત્રોનું સાચુ માનીએ તો મમતા બેનરજીને વિપક્ષના ગઠબંધનના નેતા બનાવવાનો આઇડયા અમિત શાહનો છે. જો તેમને નેતા બનાવાય તો વિપક્ષમાં જ કોંગ્રેસ નંબર-ટુ બની જાય.
આ ઉપરાંત જયાં કોંગ્રેસનું જોર છે તે રાજ્યમાં મમતા અસ્વીકાર્ય છે. મમતાના મુસ્લિમ તરફી પગલાંને ગાઇ-વગાડીને રજૂ કરાય છે. જેથી તે હિન્દુ વિરોધી છે એમ સાબિત થઈ શકે. અમિત શાહની વ્યૂહ રચના જો સફળ થાય તો ૨૦૧૯ના જંગમાં ભાજપ માટે બલ્લે.. બલ્લે... નિશ્ચિત મનાય છે.
પ્રિય-અપ્રિય નીતીશકુમાર
ભાજપમાં સૌથી પ્રિય કોઇ હોય તો તે નીતીશકુમાર છે. એક તો નીતીશે ભાજપને બિહારની ભેટ આપી છે અને વિપક્ષોની એકતા તોડી છે. જયારે વિપક્ષોમાં સૌથી અપ્રિય કોઇ હોય તો તે પણ નીતીશકુમાર છે.
ગયા અઠવાડીયે બિહારમાં વિપક્ષોની રેલી થઇ તેમાં દરેક નેતાએ નીતીશકુમાર ગદ્દાર છે એમ કહી પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક પણ વિપક્ષી નેતા પોતે સત્તા પર આવશે તો દેશ કેવી રીતે ચલાવશે તે અંગે એક હરફ ઉચ્ચાર્યો નહોતો.
તેમણે નીતીશ અને મોદી એમ બેનેજ ટાર્ગેટ બનાવ્યા હતા. નીતીશકુમાર મારા કાકા છે પણ તે યોગ્ય માણસ નથી એમ કહી લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વીનીએ પણ બળાપો કાઢયો હતો.
બિચ્ચારા નીતીશકુમાર એક સમયે વિપક્ષમાં સૌથી પ્રિય હતા પણ માત્ર ૨૪ કલાકમાં જ તે અપ્રિય બની ગયા હતા. ભાજપ નીતીશને પોંખે છે તો વિપક્ષ હાય.. હાય કરે છે.... !

Comments
Post a Comment