હવે એક માત્ર ઉકેલ.. રોગ પ્રતિકારક શક્તિ વધારો

- છાશવારે રોગચાળો માથું ઊંચકે છે; બચાવ આપણા હાથમાં

- ખાલી પેટ રાખવાનું ટાળો : ચાના ચપ્પણિયા પીવાના બદલે સાલિડ ખોરાક લો : શાકાહારના ગુણધર્મો સમજવા જોઇએ..

રોગ પ્રતિકારક શક્તિને આપણે ઈમ્યુનીટી પાવર કહીએ છીએ. આપણા શરીરમાં રહેલાં તત્વો અને શરીરમાં ઘૂસવા મથતા તત્વો કે વાયરસ વચ્ચે સતત વૉર ચાલ્યા કરે છે. તંદુરસ્ત જીવન જીવતા લોકોની લાઇફ સ્ટાઇલ રોગ પ્રતિકાર શક્તિને વધારે એવી હોય છે.

શરીરમાં શ્વાસ વાટે પ્રવેશતી, પાણી કે ખોરાક વાટે પ્રવેશતી કે હાથના નખ વાટે પ્રવેશતો મેલ વગેરે વત્તે-ઓછે અંશે બેકટેરીયા ધરાવે છે. આવા બધા બેકટેરીયા જીવલેણ નથી હોતા પરંતુ તે સુષુપ્ત અવસ્થામાં શરીરના ખૂણે ખૂણે ખાસ કરીને આંતરડામાં ગોઠવાઇ જાય છે. આ પૈકીના મોટાભાગના સાથે આપણા શરીરમાં રહેલા રક્ષક બેકટેરીયા લડીને તેમનો ખાત્મો બોલાવે છે.

જે શરીર નબળું છે, આળસુ છે, કસરત વિહોણું છે, નિયમિત ખોરાક વિહોણું છે એવા શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ નબળી હોય છે. તેમના શરીરમાં પ્રવેશેલો બેકટેરીયા બહાર નીકળવાનું નામ નથી લેતા અને અંદર જ ડેવલોપ થયા કરે છે.

બેકટેરીયોલોજીસ્ટ સલાહ આપે છે કે સવારે શરીર ખોરાક માગે છે. ગામડામાં સવારે એકલી ચા નથી પીવાતી, સાથે રોટલો કે ભાખરી ખવાય છે.

સવારે ઘરની બહાર ખાલી પેટે ના નીકળવું જોઇએ, એવી સલાહ ડૉકટરો આપતા હોય છે. લોકો પણ અનુભવના આધારે એમ સમજતા થયા છે કે સવારે ઘરની બહાર નીકળતા પહેલાં પેટને બે ચાર ભાખરી ફાળવીને નીકળવું જોઇએ. જેથી શરીરમાંના બેકટેરીયા મજબૂત બને અને બહારથી આવતા વાયરસ - બેકટેરીયાને ભગાડે !! નરી આંખે ના દેખી શકાય એવા બેકટેરીયા તંદુરસ્ત માણસને ઢીલોઢફ બનાવી દે છે.

અનેકવાર એવું બન્યું છે કે શરીરમાંના રક્ષક વાયરસ પર બહારના વાયરસનું આક્રમણ ભારે પડયું છે. મેલેરીયા તાવમાં દર્દી ધીરે ધીરે તાવની પક્કડમાં આવી જાય છે. દર્દી આ આક્રમણને અનુભવે પણ છે.

રોગ પ્રતિકાર શક્તિ એક વિજ્ઞાાન છે. દરેકે તેને સમજવું જોઇએ. બાળકોને સ્કૂલના શિક્ષણ કાળથી સમજાવવું જોઇએ. હવેના ડૉકટરો કહે છે કે સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો, કેટલાક સૂચવે છે કે સવારે ફણગાવેલા કઠોળ ખાવા કેમ કે તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં સવારના પ્રસાદ તરીકે ફણગાવેલા મગ અને જાંબુ હોય છે જેથી ભક્તો આખો દિવસ ભગવાન જગન્નાથની સાથે રહી શકે !!

જ્યારે તમે ભૂખ્યા પેટે સવારે દવાખાનામાં જાવ છો ત્યારે હોસ્પિટલના વાતાવરણમાં રહેલા બેકટેરીયા તમારા શરીરમાં ઘૂસવાની પૂરેપૂરી શકયતા છે. શરીરમાંના બેકટેરીયા આપણા પાળેલા રક્ષકો છે એમ સમજવું. તેમને સવારે ઊઠીને કઠોળ - કેળાં કે ભાખરી - રોટલી આપીને મજબુત બનાવવા જોઇએ.

અહીં ઉલ્લેખનીય છે કે તમારે જ્યારે પણ સ્મશાનમાં જવાનું આવે ત્યારે ખાલી પેટે ના જાવ !! સ્મશાનમાં મૃતદેહ બળાય છે ત્યારે બેકટેરીયા ભાગીને વાતાવરણમાં પ્રસરી જાય છે. આ વાતાવરણ એટલે હવામાં પ્રસરે છે. ત્યાંથી તે નજીક ઊભેલાના શરીરમાં શ્વાસ વાટે ઘૂસે છે ત્યારે ખાલી પેટવાળાના શરીરમાં તેને આશ્રયસ્થાન મળે છે. ગામડામાં તો અર્થી ઊંચકીને જતા લોકો દર ચાર રસ્તે અર્થી નીચે મૂકીને ભૂસૂ (ચવાણુ) ખાય છે જેથી શરીરમાં પાવર રહે !!

ટૂંકમાં આપણા શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ ઊભી કરવી એ આપણી ઉપર છે. જેટલા આપણે એલર્ટ એટલી આપણી રોગપ્રતિકાર શક્તિ વધારે એ સમજી લેવું જોઇએ.

તમે જ્યારે કોઇ ગીચ જગ્યાએ કે ધક્કા-મુક્કીવાળી જગ્યાએ જાવ છો ત્યારે શ્વાસો-ચ્છવાસની પ્રક્રિયા દરમ્યાન વાયરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે તમે બિમાર હોવ કે ભૂખ્યા પેટે હોવ તો બહારના બેકટેરીયા આરામથી શરીરમાં ઘૂસીને બગાડ શરૃ કરી દે છે.

એટલે જ વિજ્ઞાાનીઓ કહે છે કે ભૂખ્યા પેટે ઘરની બહાર ના નીકળો !! રાત્રે ડેલી ભાખરી કે રોટલો ખાઇને પછી જ બહાર નીકળો !!

ક્યારેક સ્વાઈન ફ્લ્યૂ ભરડો લે છે તો ક્યારેક કૉલેરા તો ક્યારેક મેલેરીયા. જો કે આ બધા વાયરસ માણસના અંગો તોડી નાખે છે. વાયરલ ઈન્ફેક્શનમાં અચાનક તાવ આવે છે અને હરતો-ફરતો માણસ ફસડાઇ પડે છે.

ચિકનગુનીયાનો વાયરસ હતો ત્યારે તો તંદુરસ્ત લોકો પણ તેની ઝપટમાં આવી જાય છે. ચિકનગુનીયા શરીરના સાંધા પર ત્રાટકતો હતો અને દર્દીને જોળીમાં નાખીને દવાખાને લઇ જવા પડતા હતા.

એક મુદ્દો સૌ સ્વીકારશે કે રોગ પ્રતિકારક શક્તિ બજારમાં નથી મળતી. એનર્જી ડ્રીંક કે ટોનિક મળી રહેશે પરંતુ રોગ સામે લડવાની આંતરીક શક્તિને વ્યકિતએ પોતે જ ઊભી કરવાની છે.

સામાન્ય જાગૃતિ તમને બચાવી શકે છે. હોસ્પિટલના આંટા-ફેરા કરવાનું થાય ત્યારે ખાલી પેટ ના રાખો અને વારંવાર છીંંકો ખાતા કે ઉધરસ ખાતી વ્યક્તિથી થોડું અંતર રાખો..

Comments